You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબ વિધાનસભા ચૂંટણી : દલિતો મજબૂત વોટ બૅન્ક શા માટે નથી બની શકતા?
- લેેખક, અનુરાગ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
પંજાબમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ છે ત્યારે સંત રવિદાસની જન્મજયંતી નિમિત્તે રાજકીય નેતાઓમાં તેમના પ્રત્યે પારાવાર ભક્તિ દર્શાવવાની હરીફાઈ ચાલી રહી છે.
પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની બુધવારે સવારે વારાણસીસ્થિત રવિદાસ મંદિરે પહોંચ્યા હતા અને પોતાનો ફોટો ટ્વીટ કર્યો હતો. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના કરોલ બાગસ્થિત શ્રીગુરુ રવિદાસ વિશ્રામધામ મંદિરે પહોંચ્યા હતા. તેમણે અન્ય ભક્તો સાથે કીર્તનમાં ભાગ લીધો હતો અને તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ પ્રસંગે લંગરમાં ભોજન પીરસતાં જોવા મળ્યાં હતાં.
બીજા નેતાઓ આવું કરતા હોય તો અકાલી દળ અને આમ આદમી પાર્ટી (આપ) શા માટે પાછળ રહે? અકાલી દળનાં નેતા અને સંસદસભ્ય હરસિમરતકોર બાદલ તથા આપના નેતા સંજય સિંહે પણ સંત રવિદાસ મંદિરે પહોંચીને દર્શન કર્યાં હતાં.
સંત રવિદાસની જન્મજયંતી નિમિત્તે પંજાબથી માંડીને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહેલી હલચલ સહેતુક છે. ચૂંટણીના માહોલમાં આવી ભક્તિના ગંભીર રાજકીય અર્થ તારવવામાં આવી રહ્યા છે.
પંજાબની કુલ વસતીમાં દલિતોનું પ્રમાણ 32 ટકા છે, જ્યારે જાટ શીખોનું પ્રમાણ 20 ટકાની આસપાસ છે.
રાજ્યના અત્યાર સુધીના રાજકારણમાં મુખ્યત્વે જાટ શીખોનો જ દબદબો રહ્યો છે. રાજ્યની કુલ વસતીનો લગભગ એક તૃતિયાંશ હિસ્સો હોવા છતાં દલિતો એક થઈ શક્યા નથી તેનું મોટું કારણ આ હોવાનું માનવામાં આવે છે.
વધારે મહત્ત્વનો સવાલ એ છે કે દેશના અન્ય પ્રદેશોમાં એક મજબૂત વોટ બૅન્ક તરીકે સામે આવેલો દલિત સમાજ પંજાબમાં એક કેમ થઈ શક્યો નથી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનેક જૂથોમાં વહેંચાયેલા છે દલિતો
પંજાબમાં દલિતો અનેક જૂથોમાં વહેંચાયેલા છે અને તેમનામાં એકતાની કમી મોટું કારણ માનવામાં આવે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમૅન્ટ ઍન્ડ કૉમ્યુનિકેશનના ડિરેક્ટર ડૉ. પ્રમોદકુમાર આ સંદર્ભે કહે છે કે "પંજાબમાં ટકાવારીના હિસાબે જોઈએ તો દલિતો એક મોટો વર્ગ જરૂર છે, પરંતુ સામાજિક રીતે નહીં. શીખ ધર્મ અને આર્ય સમાજના આગમન પછી પંજાબમાં જ્ઞાતિઓનાં મૂળિયાં બહુ નબળાં પડ્યાં છે."
ડૉ. પ્રમોદકુમાર ઉમેરે છે કે "પંજાબમાં દલિતોની કુલ વસતી પૈકીના 60 ટકા શીખ છે અને 40 ટકા હિંદુ છે. તેને બાદ કરતાં તેમની લગભગ 26 ઉપજાતિઓ છે. તે પૈકીની ત્રણ-મજહબી, રવિદાસિયા/રામદાસિયા અને અદ-ધર્મી મુખ્ય છે. દલિતો સમગ્ર પંજાબમાં ફેલાયેલા છે."
કોઈ ખાસ વિસ્તારમાં કેન્દ્રીત નથી દલિતોની વસતી
પંજાબમાં દલિતોની વસતી વધારે હોવાને કારણે રાજ્યનાં ચૂંટણી સંબંધી સમીકરણો પર પણ તેની અસર જોવા મળે છે.
પંજાબને મુખ્યત્વે માલવા, માઝા અને દોઆબા એમ ત્રણ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યું છે. રાજ્યની કુલ 117 વિધાનસભા બેઠકો પૈકીની 34 બેઠકો અનામત છે.
કુલ પૈકીની 69 બેઠકો માત્ર માલવા ક્ષેત્રમાં આવેલી છે અને તેમાં વિધાનસભાની 19 બેઠકો અનુસૂચિત જ્ઞાતિઓ માટે અનામત છે.
માઝા ક્ષેત્રમાં વિધાનસભાની 25 બેઠકો છે અને તે પૈકીની સાત અનુસૂચિત જ્ઞાતિઓ માટે અનામત છે, જ્યારે દોઆબાની 23 વિધાનસભા બેઠકો પૈકીની આઠ અનામત રાખવામાં આવી છે.
ગત વિધાનસભાની વાત કરીએ તો કુલ 34 અનામત બેઠકો પૈકીની 21 બેઠકો કૉંગ્રેસે જીતી હતી, જ્યારે આપને નવ બેઠકો મળી હતી અને ચાર બેઠકો અકાલી-ભાજપ ગઠબંધનને મળી હતી.
અલગ-અલગ વિધાનસભા મતવિસ્તારોમાં દલિતોની વસતી સંબંધે ડૉ. પ્રમોદકુમાર કહે છે કે "દલિતો કોઈ ખાસ વિસ્તાર પૂરતા મર્યાદિત નથી. રાજ્યનાં ત્રણેય ક્ષેત્રોમાં તેમની સારા એવા પ્રમાણમાં હાજરી છે. દાખલા તરીકે 13 વિધાનસભા મતવિસ્તારોમાં મજહબી સમુદાયના દલિતોની વસતી 25 ટકાથી વધારે છે. એવી જ રીતે ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં રવિદાસિયાની વસતી 25 ટકાથી વધારે છે. અદ-ધર્મી સમુદાયની વસતી 12 વિધાનસભા મતવિસ્તારોમાં 25 ટકાથી વધુ છે."
ચૂંટણીમાં દલિત ફૅક્ટર કેટલું મહત્ત્વનું?
આ ચૂંટણીમાં દલિતો મહત્ત્વના શા માટે છે? એ સવાલના જવાબમાં વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી કહે છે કે "પંજાબના રાજકારણમાં દલિતોને ક્યારેય પ્રતિનિધિત્વ મળ્યું નથી. પંજાબના રાજકારણમાં જાટ શીખોનો જ દબદબો રહ્યો છે. બધાં સંસાધનો જાટ શીખો પાસે છે. તેથી રાજકારણમાં પણ જાટ શીખો રાજ કરતા રહ્યા છે."
ચૂંટણીમાં દલિત ફૅક્ટરની અસરની વાત કરતાં હેમંત અત્રી કહે છે કે "પંજાબમાં ધર્મ આધારિત જ્ઞાતિનું પરિબળ ક્યારેય જોવા મળ્યું જ નથી, પરંતુ ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિ એક મહત્ત્વનું પરિબળ બની જાય છે. એ કારણસર જ ચરણજિતસિંહ ચન્નીને કૉંગ્રેસે મુખ્ય મંત્રી તરીકે આખરે પસંદ કર્યા હતા."
દલિત રાજકારણ અને ડેરાઓનો પ્રભાવ
પંજાબના રાજકારણમાં ડેરા એટલે કે ધાર્મિક સમુદાયોનો મોટો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. તેની પાછળ ક્યાંકને ક્યાંક દલિત વોટ બૅન્કનું રાજકારણ છે. એ ડેરાઓમાં જતા મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા દલિતો જ છે. પંજાબના વિખ્યાત ડેરાઓમાં ડેરા સચ્ચા સૌદા, રાધાસ્વામી સત્સંગ, ડેરા નૂરમહલ, ડેરા નિરંકારી, ડેરા સચખંડ બલ્લાં અને ડેરા નામધારીનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાધાસ્વામી સત્સંગ બ્યાસના પ્રમુખ બાબા ગુરિંદરસિંહ ઢિલ્લોંને તાજેતરમાં જ મળ્યા હતા.
વડા પ્રધાનની ડેરાના વડા સાથેની આ મુલાકાતને પંજાબની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. વડા પ્રધાન ઉપરાંત ચરણજિતસિંહ ચન્ની, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને અકાલી દળનાં નેતા હરસિમરતકોર બાદલ જલંધરસ્થિત ડેરા સચખંડ બલ્લાંની મુલાકાત લઈ ચૂક્યાં છે.
પંજાબના રાજકારણમાં ડેરાની ભૂમિકા બાબતે હેમંત અત્રી કહે છે કે "પંજાબમાં મોટા ભાગનું રાજકારણ ડેરા મારફતે જ રમવામાં આવે છે. મોટા ભાગના ડેરા માલવા ક્ષેત્રમાં છે. એ ડેરાઓ સાથે જોડાયેલા મોટા ભાગના લોકો સમાજના નીચલા વર્ગના હોય છે, દલિત હોય છે. એ જ કારણસર વડા પ્રધાને તાજેતરમાં રાધાસ્વામી બ્યાસના વડાની મુલાકાત લીધી હતી. ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામરહીમને પંજાબમાં ચૂંટણી વખતે ફર્લોં પર મુક્ત કરવાના નિર્ણયને પણ રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યો છે."
દલિતોમાં એકતા કેમ નથી?
એક ખાસ વર્ગ તરીકે દલિતોમાં એકતાના અભાવ બાબતે વાત કરતાં ડૉ. પ્રમોદકુમાર કહે છે કે "પંજાબની દલિત વસતીમાં અનેક પ્રકારની ભિન્નતા છે. તેમાં સાંસ્કૃતિક સમાનતા નથી. દલિત જ્ઞાતિઓ વચ્ચે દીકરી-દીકરાનાં લગ્નનો વ્યવહાર નથી. કેટલીક પેટા જ્ઞાતિઓને અનામતમાં પણ પેટા અનામતનો લાભ મળે છે. આ કારણસર દલિતોમાં અંદરોઅંદર વિવાદ થતો રહે છે. એ સિવાય દલિતોમાં હિન્દુ અને શીખ એમ બે ફાંટા પણ છે. તેથી દલિત સમુદાય પંજાબમાં મજબૂત વોટ બૅન્ક બની શક્યો નથી."
જોકે, હેમંત અત્રી આ દલીલ સાથે સહમત નથી.
તેઓ કહે છે કે "સામાજિક અને ઐતિહાસિક રીતે પંજાબનો સમાજ જ્ઞાતિનાં બંધનોથી પર છે, પરંતુ રાજકીય પક્ષો માટે દલિતો હંમેશાં એક વોટ બૅન્ક જ બની રહેશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો