You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારને અર્થતંત્રની સમજ નથી, તેમની નીતિઓથી દેશ મંદીમાં સપડાયો : પૂર્વ PM મનમોહનસિંહ
દેશનાં વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીમાં પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહની પણ ઍન્ટ્રી થઈ ગઈ છે.
વડા પ્રધાન મોદીની અબોહર ખાતે ચૂંટણીસભા પહેલાં તેમણે એક વીડિયો જારી કરીને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.
તેમણે આરોપ લગાવ્યા હતા કે, મોદી સરકારનો રાષ્ટ્રવાદ નકલી છે અને તેઓ 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી રહ્યા છે.
નવ મિનિટના તેમના વીડિયોમાં તેમણે ચીન, બંધારણ, અર્થતંત્ર, વિદેશનીતિઓ સહિતના મુદ્દે સરકારની ટીકા કરી હતી અને કેટલાંક સૂચનો પણ આપ્યાં હતાં.
'પંજાબ માટે કૉંગ્રેસ જ યોગ્ય'
ડૉ. સિંહે પોતાના વીડિયોમાં પંજાબના મતદાતાઓને અનુલક્ષીને કહ્યું કે, "ચૂંટણીના માહોલમાં પંજાબની જનતા સામે મોટા પડકારો છે. તેનો સામનો સારી રીતે કરવો પડશે. કૉંગ્રેસ જ પંજાબમાં ખેડૂતોની ખુશી પાછી લાવી શકે છે અને બેરોજગારીને દૂર કરી શકે છે. પંજાબના મતદાતાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, "ભારત અત્યારે એક મહત્વપૂર્ણ તબક્કે છે. મારી ઘણી ઇચ્છા હતી કે હું પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરનાં ભાઈ-બહેનો સાથે દેશ અને રાજ્યની પરિસ્થિતિ વિશે ચર્ચા કરું, પરંતુ ડૉક્ટરોની સલાહને કારણે વીડિયો માધ્યમથી સંબોધિત કરી રહ્યો છું."
પંજાબમાં વડા પ્રધાનની સુરક્ષાચૂક વિશે તેઓ બોલ્યા હતા કે, "આ ઘટના બાદ પંજાબની સુરક્ષા અને મુખ્ય મંત્રી ચરણજિત ચન્ની અને અહીંના લોકોને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જેને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતઆંદોલનને લઈને ડૉ. સિંહ બોલ્યા હતા કે, "ખેડૂત આંદોલન દરમિયાન પંજાબ અને પંજાબિયતને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
જે દિવસે પંજાબીઓની દિલેરી, બહાદુરી, દેશભક્તિ અને કુરબાનીને આખી દુનિયા સલામ કરે છે. તેમના વિશે શું-શું બોલવામાં આવ્યું. પંજાબની ધરતી પર જન્મેલા એક સાચો દેશવાસી હોવાને કારણે મને તેનાથી ઘણું દુઃખ થયું."
'હું બોલવા પર ઓછું અને કામ પર વધારે ધ્યાન આપતો હતો'
ડૉ. મનમોહનસિંહે વીડિયોમાં મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, "હું જાણું છું કે આજે દેશની પરિસ્થિતિ ચિંતાજનક છે. કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર સરકારની ખોટી નીતિઓના કારણે એક બાજુ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. મોંઘવારી અને બેરોજગારીથી લોકો પરેશાન છે. બીજી બાજુ સાડાં સાત વર્ષ સરકાર ચલાવ્યા બાદ પણ કેન્દ્ર સરકાર પોતાની ભૂલો નથી માની રહી. તેઓ લોકોની સમસ્યાઓ માટે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને જવાબદાર ઠેરવી રહ્યા છે."
તેઓ આગળ કહે છે, "હું માનું છું કે વડા પ્રધાન પદનું એક ખાસ મહત્ત્વ હોય છે. ઇતિહાસ પર દોષ લગાવીને આપણા ગુના ઓછા થતા નથી."
"વડા પ્રધાન તરીકે કામ કરીને મેં બોલવાની જગ્યારે કામ પર વધારે ધ્યાન આપ્યું. અમે રાજકીય ફાયદા માટે દેશના ભાગલા નથી પડાવ્યા. ક્યારેય સત્ય પર પડદો નાખવાનો પ્રયત્ન કર્યો નથી."
'ચીને કબજો કર્યો હોવાની વાત દબાવવામાં આવી રહી છે'
મનમોહનસિંહે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, "ચીનની ફોજ છેલ્લા એક વર્ષથી આપણી પવિત્ર ધરતી પર બેઠી છે. આ મામલાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જૂના મિત્રો આપણાથી દૂર જઈ રહ્યા છે. પાડોશી રાષ્ટ્રો સાથે પણ સંબંધો બગડી રહ્યા છે. હું આશા રાખું છું કે, સત્તાધારીઓને સમજ આવી ગઈ હશે કે જબરદસ્તી ગળે મળવાથી, ફેરવવાથી કે વગર નોતરે બિરયાની ખાવા પહોંચી જવાથી દેશના સંબંધો નહીં સુધરે."
તેમણે સરકારને સલાહ આપતાં કહ્યું હતું કે, "માત્ર ચહેરો બદલવાથી કોઈ ફરક નહીં પડે. સત્ય હંમેશાં સામે આવી જ જાય છે."
'આર્થિક નીતિઓની પણ સમજ નથી'
કેન્દ્ર સરકારની નીતિઓ અંગે વાત કરતાં ડૉ. મનમોહનસિંહે કહ્યું હતું કે, "એ લોકોને આર્થિક નીતિઓની કોઈ સમજ નથી. ખોટી નીતિઓના કારણે દેશ આર્થિક મંદીમાં સપડાઈ ગયો છે."
"ખેડૂત, વેપારી, વિદ્યાર્થીઓ અને મહિલાઓ પરેશાન છે. દેશના અન્નદાતાઓ એક-એક દાણાના મોહતાજ બની ગયા છે. દેશમાં સામાજિક અસમાનતા વધી રહી છે."
તેઓ કહે છે કે, "લોકો પર દેવું વધી ગયું છે અને કમાણી ઘટી રહી છે. અમીર વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે. સરકાર આંકડાઓમાં ગફલત કરીને સબસલામતના દાવા કરી રહી છે. સરકારની નીતિ અને નિયત બન્નેમાં ખોટ છે."
આ ઉપરાંત તેઓ બોલ્યા હતા કે, "સરકાર પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે લોકોનાં જાતિ, ધર્મ અને ક્ષેત્રના નામે ભાગલા પાડી રહી છે. તેમને અંદરોઅંદર લડાવવામાં આવી રહ્યા છે."
અંતે તેમણે ફરી એક વાર કૉંગ્રેસને પંજાબની સમસ્યાઓનો સામનો કરવા માટે ભારે સંખ્યામાં મત આપી જિતાડવાની અપીલ કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો