You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સરહદ પરથી સૈનિકોને ખસેડવાનો રશિયાનો દાવો ખોટો હોવાનું અમેરિકા કેમ માને છે?
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે યુક્રેનની સરહદ પર તહેનાત સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવાનો રશિયાનો દાવો ખોટો છે.
તેમણે કહ્યું કે રશિયા દાવો કરી રહ્યું છે કે સરહદ પર તહેનાત સૈનિકોની સંખ્યા ઘટાડી રહ્યું છે. જોકે, આ દાવો 'ખોટો' છે.
આ અમેરિકન અધિકારીએ દાવો કર્યો છે કે હાલમાં રશિયાએ યુક્રેન સાથેની સરહદ પર લગભગ સાત હજાર વધારાના સૈનિકો તહેનાત કર્યા છે.
આ અમેરિકન અધિકારી અનુસાર રશિયા કોઈ પણ સમયે યુક્રેન પર આક્રમણ કરી શકે છે. જોકે, બીજી તરફ રશિયા તરફથી દાવો કરાયો છે કે તેનો સૈન્યઅભ્યાસ પૂર્ણ થઈ ગયો છે અને હવે તે સરહદ પર તહેનાત સૈનિકોને હઠાવી રહ્યું છે.
જોકે, અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોનો આરોપ છે કે તેમને રશિયાના દાવા અંગે કોઈ સંદર્ભ કે પુરાવા મળ્યા નથી.
રશિયાએ યુક્રેન સાથેની સરહદ પર એક લાખથી વધારે રશિયન સૈનિકો તહેનાત કર્યા છે.
રશિયાએ દાવો કર્યો છે કે તેની અમુક સૈન્યટુકડીઓ 'પૂર્વયોજના' મુજબ પોત-પોતાના મુખ્યમથકોએ પરત ફરી રહી છે. આ સંદર્ભનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે.
યુક્રેનનું કહેવું છે કે તે 'સાંભળેલી નહીં, પરંતુ જોયેલી' વાત પર વિશ્વાસ કરશે, નાગરિકો દેશના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરીને દેખાવો યોજી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે તેઓ યુદ્ધ નથી ઇચ્છતા અને એટલે જ વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે પરંતુ 'અત્યાર સુધી રશિયાના પ્રસ્તાવ પર કોઈ નક્કર જવાબ નથી મળ્યો.'
આ દરમિયાન,એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં રશિયાની સંસદે મતદાન કરીને રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના બે ગણરાજ્યો લુહાનસ્ક અને દોનેત્સ્કની આઝાદીને માન્યતા આપવાની મંજૂરી આપી દીધી છે. આ બંને ગણરાજ્યોએ પોતાને યુક્રેનથી સ્વતંત્ર જાહેર કર્યા હતા.
રશિયાએ આ બંને ગણરાજ્યોના 7,20,000 લોકોને પોતાનું નાગરિકત્વ આપ્યું છે. આ ગણરાજ્યોમાં 2014થી વિદ્રોહ ચાલતો હતો. જો પુતિન યુક્રેનથી અલગ થયેલા ગણરાજ્યોને માન્યતા આપશે તો આ શાંતિ સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવશે.
જોકે પશ્ચિમી દેશો દ્વારા રશિયાના દાવાને સંશયની નજરે જોવામાં આવી રહ્યો છે. તેમને આશંકા છે કે રશિયા હજુપણ હુમલો કરી શકે છે.
સાથે જ પશ્ચિમી દેશોના સૈન્યસંગઠન નાટોના વડાનું કહેવું છે કે જો રશિયા કૂટનીતિને તક આપવા માગતું હોય તો તેઓ તૈયાર છે, અન્યથા 'વિપરીત પરિસ્થિતિ'ને પહોંચી વળવા તેઓ સજ્જ છે.
રશિયાના રક્ષા મંત્રાલયએ કહ્યું કે તેમનો સૈન્ય અભ્યાસ ચાલુ છે પરંતુ કેટલીક ટુકડીઓ પોતાના મુખ્યમથકોએ પરત ફરી રહી છે.. જોકે મંત્રાલયેના નિવેદનમાં એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કેટલા સૈનિકો પાછા બોલાવાયા છે. એ પણ સ્પષ્ટ નથી કે આનાથી રશિયા-યુક્રેન વચ્ચે તણાવ કેટલો ઘટશે,
રશિયાના રક્ષા મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે 15 ફેબ્રુઆરી 2022નો દિવસ ઇતિહાસમાં નોંઝાવશે કારણ કે પશ્ચિમી દેશોના યુદ્ધનો પ્રૉપેગન્ડા નિષ્ફળ થયો છે. અમારા તરફથી કોઈ ગોળી ન ચોલતાં તેઓ શરમમાં મુકાયા છે અને ધ્વસ્ત થયા છે.
'રશિયાની વાતમાં વિશ્વાસ નહીં'
બીબીસી સાથેની વાતચીતમાં યુકેના સંરક્ષણ મંત્રી બૅન વૉલેસના કહેવા પ્રમાણે, "અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીને મળેલી બાતમી મુજબ રશિયા દ્વારા આજે (ભારતીય સમય મુજબ 16મી ફેબ્રુઆરી)ના રોજ હુમલો થવાનો હતો, આવી જ 'અનેકવિધ' તારીખો મળી હતી."
વૉલેસના કહેવા પ્રમાણે, "જો પુતિને હુમલાનો નિર્ણય કર્યો હશે, તો તેઓ હુમલો કરશે જ. પરંતુ તેમણે હજુ સુધી આ અંગે લીધો હોય તેમ નથી લાગતું. રશિયાએ યુક્રેનની સરહદ ઉપર આટલી મોટી સંખ્યામાં સેના માત્ર કવાયત માટે નથી ખડકી. તે કમ સે કમ ધાકધમકી આપવા માગે છે અને કદાચ હુમલો પણ કરવા માગે છે."
વૉલેસે કહ્યું હતું કે યુકેનું ગુપ્તચર તંત્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને રશિયન ટુકડીઓ પાછી ફરી રહી છે કે કેમ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. રશિયાની વાતો પર નહીં, પરંતુ ધરાતલ પર કરેલી કામગીરીના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે.
બીજી બાજુ, બ્રસેલ્સ ખાતે પશ્ચિમી દેશોના સૈન્ય સંગઠન નાટોના (નૉર્થ ઍટલાન્ટિક ટ્રિટી ઑર્ગેનાઇઝેશન) સભ્યદેશોના વિદેશમંત્રીઓની બેઠક મળી રહી છે. જેમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પહેલાં સંગઠનના મહાસચિવ જેન્સ સ્ટૉલનબર્ગેકહ્યું કે જો રશિયા કૂટનીતિને તક આપવા માગતું હોય તો તેઓ વાટાઘાટો માટે તૈયાર છે. અન્યથા તેઓ 'ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ' છે.
બીજી બાજુ, યુરોપિયન કાઉન્સિલના વડા ચાર્લ્સ માઇકલે કહ્યું છે કે રશિયાએ યુદ્ધ અને શાંતિમાંથી એક વિકલ્પ પસંદ કરવો રહ્યો.
રશિયા વિરુદ્ધ યુક્રેન
આ પહેલાં હિમાચ્છાદિત રસ્તા પરથી ટૅન્કો પરત ફરી રહી હોવાનો વીડિયો પણ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ, યુક્રેનના વિદેશ મંત્રી દિમત્રો કુલેબાએ માઇક્રૉ-બ્લૉગિંગ સાઇટ ટ્વિટર ઉપર લખ્યું, "અમારે ત્યાં રશિયામાં એક નિયમ છે. અમે જે સાંભળીએ તેના ઉપર ભરોસો નથી કરતા. જે જોઈએ છીએ તેના ઉપર વિશ્વાસ કરીએ છીએ."
રાષ્ટ્રપતિએ દેશના નાગરિકોને રાષ્ટ્રધ્વજ લહેરાવીને અને બ્લૂ તથા પીળા રંગની રિબિન પહેરીને રાષ્ટ્રીય એકતાનું પ્રદર્શન કરવા આહ્વાન કર્યું છે.
જાણકારોના કહેવા પ્રમાણે, રશિયાની આંશિક પીછેહઠ છતાં યુક્રેનની સેના હજુ પણ સંપૂર્ણપણે સજ્જ છે અને કોઈ તક લેવા નથી માગતી.
કથિત રીતે રશિયાએ તેના 60 ટકા ભૂમિદળનો ઉપયોગ કરીને યુક્રેનને ત્રણ બાજુએથી ઘેરી લીધું હતું. રશિયા અ યુક્રેન વચ્ચેનો વિવાદ નવો નથી. આ પહેલાં 2014માં રશિયાએ યુક્રેનના ક્રિમિયાને પોતાની સાથે જોડી લીધું હતું, પરંતુ પશ્ચિમી દેશો ખાસ કશું કરી શક્યા ન હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો