રશિયા - યુક્રેન ઘર્ષણ : રશિયાએ યુક્રેનને ચોતરફથી ઘેરવા કેવી સૈન્ય તૈયારી કરી છે?

અમેરિકાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે રશિયાની સેના યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેણે અમેરિકન નાગરિકોને આગામી 48 કલાકમાં યુક્રેન છોડવા કહ્યું છે.

આ પહેલા ગુરુવારે પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનમાં રહેલા તમામ અમેરિકન નાગરિકોને રશિયન સૈન્યકાર્યવાહીના વધતા જોખમોને કારણે તાત્કાલિક દેશ છોડી દેવાની અપીલ કરી હતી.

વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું હતું કે યુક્રેન પર ગમે ત્યારે હવાઈ હુમલો થઈ શકે છે, જેના પછી ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે અને નાગરિકોના જીવ જોખમમાં મુકાશે.

અન્ય કેટલાક દેશોએ પણ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું છે. તેમાં યુકે, કૅનેડા, નેધરલૅન્ડ, લાટવિયા, જાપાન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

દરમિયાન, રશિયાના વિદેશ મંત્રાલયે પશ્ચિમી દેશો પર ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવાને કહ્યું કે રશિયન સેના હવે એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે કે તે કોઈપણ મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

જૅક સુલિવાને કહ્યું, "અમે ભવિષ્ય કહી શકતા નથી. અમને બરાબર ખબર નથી કે શું થશે પરંતુ જોખમ હવે સૌથી વધુ છે અને દેશ છોડી દેવો એ જગ્ય નિર્ણય છે."

જૅક સુલિવાને ઉમેર્યું હતું કે, "વહીવટીતંત્ર એ નથી જાણતું કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને આક્રમણ કરવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે કે કેમ, પરંતુ ક્રેમલિન લશ્કરી કાર્યવાહીને ન્યાયી ઠેરવવા માટે બહાનું શોધી રહ્યું છે, એ બહાનું મળી જાય એટલે ગમે તે ઘડીએ ભારે હવાઈ બોમ્બમારાથી યુદ્ધ શરૂ થઈ શકે છે."

યુએસ અધિકારીઓએ છેલ્લા અઠવાડિયામાં યુક્રેનની સરહદે રશિયન સૈનિકોના જમાવડાને લઈને ચેતવણી આપી હતી અને આગામી દિવસોમાં કાળા સમુદ્રમાં રશિયન લશ્કરી કવાયતની ટીકા કરી હતી.

અગાઉ, યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિંકને કહ્યું હતું કે સરહદ પર રશિયન દળોનો જમાવડો એ "ભારે ચિંતાજનક સંકેતો" છે.

તેમણે ઉમેર્યું હતું, "આ સ્થિતિમાં કોઈપણ સમયે આક્રમણ શરૂ થઈ શકે છે. તે ઑલિમ્પિક (જેનું સમાપન 20 ફેબ્રુઆરીએ થઈ રહ્યું છે) દરમિયાન પણ થઈ શકે છે."

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે, "તેઓ રશિયાના આક્રમણની સ્થિતિમાં ફસાયેલા કોઈપણ નાગરિકોને બચાવવા માટે અમેરિકા સૈનિકો મોકલશે નહીં."

શુક્રવારે, યુએસ પ્રમુખે ટ્રાન્સએટલાન્ટિક નેતાઓ સાથે એક વિડિયો કૉલનું આયોજન કર્યું હતું જેમાં તેઓ જો રશિયા યુક્રેન પર આક્રમણ કરે તો તેના પર ગંભીર આર્થિક પરિણામો લાદવા માટે સંકલિત કાર્યવાહી પર સંમત થયા હતા.

અમેરિકાએ કહ્યું હતું કે, "તેઓ નૉર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગથી પોલૅન્ડ વધુ 3,000 સૈનિકો મોકલી રહ્યા છે, જે આગામી અઠવાડિયે ત્યાં પહોંચી જવાની અપેક્ષા સેવાઈ રહી છે. સૈનિકો યુક્રેનમાં લડશે નહીં, પરંતુ યુએસ સહયોગીઓના સંરક્ષણની ખાતરી કરશે."

રશિયા પર સમુદ્રી નાકાબંધીનો આરોપ

રશિયા આગામી અઠવાડિયે નૌકાદળની કવાયતની તૈયારી કરી રહ્યું હોઈ યુક્રેને રશિયા પર આક્ષેપ કર્યો છે કે તેમણે સમુદ્રમાં નાકાબંધી કરી છે.

નૌકાદળની કવાયતમાં 140 જહાજો અને સહાયક જહાજો, 60 વિમાન, 10,000 જવાનોનો સમાવેશ થાય છે.

જાન્યુઆરીમાં ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થયેલા રશિયન નૌકાદળના છ જહાજો હવે કાળા સમુદ્રમાં આવી ગયા છે.

તેઓ મુખ્ય યુદ્ધ ટૅન્ક, કર્મચારીઓ અને સશસ્ત્ર વાહનોને ઉતરાણ કરાવવામાં સક્ષમ છે.

યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે અઝોવના સમુદ્રની સંપૂર્ણપણે નાકાબંધી કરી દેવામાં આવી છે અને કાળો સમુદ્ર રશિયન લશ્કર દ્વારા મોટે ભાગે અવરોધિત કરી દેવામાં આવ્યો છે.

રશિયાના નૌકાદળની કવાયત આવતા અઠવાડિયે યુક્રેનની દક્ષિણે આવેલા બંને- કાળા સમુદ્ર અને અઝોવ સમુદ્રમાં થશે. રશિયાએ મિસાઇલ અને ગનરી ફાયરિંગ કવાયતને ટાંકીને દરિયાકાંઠાની ચેતવણી જારી કરી છે.

યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે "અભૂતપૂર્વ વિશાળ વિસ્તાર જ્યાં નૌકાદળની કવાયત હાથ ધરવામાં આવશે તે બંને સમુદ્રોમાં નેવિગેશન વ્યાવહારિક રીતે અશક્ય બનાવી દેવામાં આવ્યું છે."

સંરક્ષણમંત્રી ઓલેકસી રેઝનિકોવે ટ્વીટ કર્યું કે રશિયા દ્વારા બે સમુદ્રના આંતરરાષ્ટ્રીય જળસીમાને અવરોધિત કરવામાં આવી છે.

દરમિયાન યુક્રેનમાં યુએસ ઍમ્બેસીએ ટ્વીટ કર્યું હતું કે "લશ્કરી કવાયતના બહાના હેઠળ રશિયા યુક્રેનના દરિયાઈ સાર્વભૌમત્વને પ્રતિબંધિત કરે છે. કાળા સમુદ્ર/અઝોવના સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે અને યુક્રેનની અર્થવ્યવસ્થા માટે જરૂરી દરિયાઈ ટ્રાફિકને અવરોધે છે."

યુક્રેન સરહદે રશિયાએ કેટલો જમાવડો કર્યો?

યુક્રેન સરહદે લગભગ 130,000 રશિયન સૈનિકો ટૅન્કો અને આર્ટિલરીથી લઈને દારૂગોળો અને હવાઈ શક્તિથી સજ્જ છે. યુક્રેન સરહદે રશિયાના 35,000 જવાનો કાયમી ધોરણે તહેનાત રહે છે.

તેમાં બેલારુસમાં લશ્કરી કવાયતમાં ભાગ લેતા લગભગ 30,000 સૈનિકોનો સમાવેશ થાય છે.

યુક્રેનની પૂર્વે, રૉસ્ટોવમાં સૈનિકો લશ્કરી કવાયતમાં ભાગ લઈ રહ્યા છે.

ધીમે-ધીમે ટૅન્કો અને ભારે શસ્ત્રો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કેટલાક યુનિટ રશિયન ફાર ઇસ્ટથી લગભગ 4,000 માઇલની સફર ખેડીને તહેનાત કરાયા છે.

મોટાભાગના અંદાજોએ યુક્રેનની સરહદે તહેનાત રશિયન સૈનિકોની સંખ્યા 1,00,000 જેટલી ગણાવી છે.

ગુરુવારે, પશ્ચિમી અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉના એક લાખ સૈનિકોના અંદાજથી આગળ વધીને આ સંખ્યા 1,30,000 પર પહોંચી ગઈ છે.

યુકેના સંરક્ષણ સચિવ બેન વૉલેસે જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનની સરહદે અથવા બેલારુસમાં "તેના અડધા સૈનિકો" તહેનાત કર્યા છે.

યુક્રેને પણ આટલો જ આંકડો ગણાવ્યો છે, જેમાં 112,000 ભૂમિદળ અને લગભગ 18,000 જેટલું નૌકાદળ અને વાયુદળ સામેલ છે.

રશિયન સૈન્ય ઉપરાંત, યુક્રેનના લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રદેશોમાં લગભગ 15,000 રશિયન અલગાવવાદીઓ હોવાનું માનવામાં આવે છે. યુક્રેન માને છે કે આ આંકડો વધારે છે.

યુએસ ગુપ્તચર સંસ્થાઓના આકલન પ્રમાણે, સૈનિકોની કુલ સંખ્યા ઝડપથી વધીને 175,000 થઈ શકે છે.

રોઇટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદી ક્ષેત્રમાં રશિયન બટાલિયન છેલ્લા બે અઠવાડિયામાં 60 થી વધીને 83 થઈ ગઈ છે અને બટાલિયનની આવક હજુ ચાલુ છે.

કેટલાક પશ્ચિમી વિશ્લેષકોની દલીલ છે કે રશિયા પાસે હાલમાં સંપૂર્ણ આક્રમણ માટે જરૂરી બધું જ નથી. તેઓ મોબાઈલ ફીલ્ડ હૉસ્પિટલો જેવી સુવિધાની ગેરહાજરી તરફ નિર્દેશ કરે છે.

અહેવાલો સૂચવે છે કે ઘાયલ સૈનિકોની સારવાર માટે જરૂરી રક્ત અને અન્ય તબીબી સાધનોનો પુરવઠો લાવવામાં આવી રહ્યો છે, અને આ હુમલો કરવાની તૈયારીનું સૂચક હોઈ શકે છે.

કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે અમુક વિસ્તારોમાં આક્રમણ માટે જરૂરી ટૅન્કના સમારકામના વર્કશૉપ અને મડ-ક્લિયરન્સ મશીનરી આવી ગઈ છે.

ઘણા નિષ્ણાતો માને છે કે સમગ્ર યુક્રેન અથવા મોટાભાગના યુક્રેન પર કબજા મેળવવા આક્રમણ માટે, રશિયાએ હાલમાં નિયુક્ત કર્યા છે તેના કરતાં ઘણા વધુ સૈનિકોની જરૂર પડશે.

બેલારુસ સાથે સંયુક્ત લશ્કરી ક્વાયત

રશિયાની બેલારુસ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. બેલારુસમાં લશ્કરી કવાયતમાં લગભગ 30,000 રશિયન સૈનિકો ભાગ લઈ રહ્યા છે.

બેલારુસના વડા ઍલેક્ઝાંડર લુકાશેન્કોએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટેકો આપ્યો છે.

યુક્રેનની રાજધાની, કીવ, બેલારુસ સરહદથી 100 માઈલ (150km) કરતાં ઓછા અંતરે છે, અને પશ્ચિમી નિરીક્ષકો કહે છે કે આ કવાયત યુક્રેન સામેના મિશનનું રિહર્સલ કરવાની તક પૂરી પાડી શકે છે.

નાટો શું કહે છે?

નાટો સેક્રેટરી જનરલ, જેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે, "30,000 રશિયન લડાયક સૈનિકો બેલારુસ પહોંચ્યા છે, જે શીત યુદ્ધના અંત પછી દેશમાં મૉસ્કોની સૌથી મોટી લશ્કરી જમાવટ છે."

સેટેલાઇટ ઈમેજીસ યુક્રેનની સરહદથી 45 માઇલ (72 કિલોમીટર) કરતા ઓછા અંતરે બેલારુસમાં યેલ્સ્ક નજીક રશિયન ઇસ્કેન્ડર શૉર્ટ-રેન્જ બેલેસ્ટિક મિસાઇલ લૉન્ચર્સ દર્શાવે છે.

બેલારુસમાં રશિયન સંરજામમાં હવાઈ સંરક્ષણ, યુદ્ધસામગ્રી અને તબીબી સહાયનો સમાવેશ થાય છે.

જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે રશિયન સ્પેત્નાઝ સ્પેશિયલ ઑપરેશન ફોર્સને પણ તહેનાત કરાઈ છે.

જોકે રશિયા, જેમણે યુક્રેનની સરહદે 1 લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે, તે કોઈપણ હુમલાની શક્યતાને નકારી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો