રશિયા અને યુક્રેન વચ્ચે ઝઘડાનું કારણ બનેલો દ્વીપકલ્પ

યુક્રેન નૌકાદળના ત્રણ જહાજો પર રશિયાના હુમલા બાદથી બંને રાષ્ટ્રો વચ્ચેનો તણાવ વધી ગયો છે.

રશિયાએ ક્રિમિયા દ્વીપકલ્પ પાસે યુક્રેનનાં ત્રણ જહાજ પર હુમલો કરીને તેમને તાબામાં લઈ લીધાં હતાં.

યુક્રેન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, રશિયાનાં વિશેષ દળોએ હથિયારોના જોરે તેનાં બે જહાજ તથા એક ટગ પર કબજો કર્યો હતો. આ ઘટનામાં ક્રૂના છ સભ્યો ઘાયલ થયા હતા.

2003માં થયેલી સંધિમાં રશિયા અને યુક્રેન વચ્ચે કર્ચ જળમાર્ગ અને આઝોવ સાગર વચ્ચે જળસીમાનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું.

આઝોવ સાગર જમીનથી ઘેરાયેલો છે અને કર્ચ જળમાર્ગ તેને કાળા સાગરની સાથે જોડે છે.

સમગ્ર ઘટનાક્રમ બાદ યુક્રેનમાં રશિયા વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે અને દેખાવકારોએ રશિયન ઍમ્બેસીની એક ગાડીને સળગાવી દીધી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

યુક્રેનમાં તણાવ

આ ઘટના બાદ યુક્રેનની રાજધાની કિવમાં હાલ તંગદીલી પ્રવર્તી રહી છે.

રશિયાના દૂતાવાસ સામે 150 જેટલા પ્રદર્શનકર્તાઓ એકઠા થયા હતા અને તેમણે દૂતાવાસની એક કારને સળગાવી દીધી હતી.

રૉયટર્સ ન્યૂઝ એજન્સીને એક પ્રદર્શનકર્તાએ જણાવ્યું હતું કે અમે અહીં રશિયા દ્વારા ભરવામાં આવેલા પગલાંનો વિરોધ કરવા માટે એકઠા થયા છીએ.

યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાના કહેવા પ્રમાણે, તાજેતરના ઘટનાક્રમ બાદ વૉર કૅબિનેટની બેઠક બોલાવવામાં આવી છે.

યુક્રેનની સંસદમાં સોમવારે માર્શલ લૉ લાગુ કરવા અંગે વોટિંગ થશે. માર્શલ લૉ લાગુ થાય તો વર્તમાન કાયદાઓના સ્થાને સૈન્ય કાયદો લાગુ થઈ જાય છે.

દરમિયાન યુરોપિયન સંઘ તથા નાટો સમૂહે યુક્રેનને સમર્થન જાહેર કર્યું છે.

સરવેઇલન્સ મુદ્દે સંગ્રામ

માર્ચ મહિનામાં યુક્રેને ક્રિમિની એક માછીમારી કરતી બૉટને જપ્ત કરી લીધી હતી.

ત્યારબાદથી રશિયાએ યુક્રેન જઈ રહેલા જહાજોની ઉપર સરવેઇલન્સ રાખવાનું શરૂ કરી દીધું હતું, જેનો યુક્રેન અને યુરોપિયન સંઘે વિરોધ કર્યો હતો.

યુરોપિયન સંઘે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જળપરિવહન અંગેના આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થવું જોઈએ.

સામે પક્ષે રશિયાનું કહેવું છે કે યુક્રેનના કટ્ટરપંથીઓ પુલને ઉડાવી દઈ શકે તેમ છે, એટલે સુરક્ષાના કારણોસર સર્વેઇલન્સ રાખવું જરૂરી છે.

રશિયાનો આરોપ છે કે યુક્રેનના જહાજો ગેરકાયદેસર રીતે તેના જળવિસ્તારમાં ઘૂસી ગયા હતા, જેના પગલે આ ટકરાવ ઊભો થયો છે.

બીજી બાજુ, રશિયાએ કર્ચમાં સાંકળા જળમાર્ગની વચ્ચે ટૅન્કર ઊભું રાખીને આઝોવ સાગર તરફનું જળપરિવહન અટકાવી દીધું છે.

રશિયાએ બે ફાઇટર-જેટ તથા બે હેલિકૉપ્ટરને તહેનાત કર્યા હતાં.

તાજેતરનો તણાવ

આઝોવ સાગરના પૂર્વમાં ક્રિમિયા, દક્ષિણમાં યુક્રેન તથા ઉત્તરમાં બર્ડયાંસ્ક તથા નિકોપોલ તથા બર્ડિયાંસ્ક આવેલાં છે, જે યુક્રેનના મહત્ત્વપૂર્ણ બંદર છે.

આ બંદરો પરથી યુક્રેન દ્વારા અનાજ અને લોખંડની નિકાસ કરવામાં આવે છે, જ્યારે કોલસાની આયાત કરવામાં આવે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોનું કહેવું છે કે આ બંદર યુક્રેનની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

સપ્ટેમ્બર મહિનામાં પોરોશેંકોએ સપ્ટેમ્બર મહિનામાં 'વૉશિંગ્ટન પૉસ્ટ'ને કહ્યું હતું, "જો રશિયા મેરિપોલથી રવાના થતા લોખંડ તથા સ્ટીલના જહાજ અટકાવી દે તો યુક્રેનને હજારો ડૉલરનું નુકસાન થશે."

પાંચ વર્ષથી તણાવ

વર્ષ 2014માં રશિયાએ ક્રિમિયા દ્વીપકલ્પનો પુનઃવિલય કર્યો, ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે.

2014માં યુક્રેનમાં ક્રાંતિ બાદ રશિયા તરફ કૂણું વલણ ધરાવતા વિક્ટર યાનુકૉવિચે પદભાર છોડવો પડ્યો હતો.

અંધાધૂંધીની વચ્ચે રશિયાએ ક્રિમિયામાં સેના મોકલી અને તેની ઉપર કબજો કરી લીધો.

રશિયાનો તર્ક હતો કે ત્યાં રશિયન મૂળના લોકોની બહુમતી છે અને વિરોધ પ્રદર્શનોની વચ્ચે તેમનાં હિતોનું રક્ષણ કરવું એ રશિયાની જવાબદારી છે.

યુક્રેન તથા પશ્ચિમી દેશોનું કહેવું છે કે રશિયા દ્વારા યુક્રેનના ભાગલાવાદીઓને હથિયાર આપવામાં આવે છે, પરંતુ રશિયાનું કહેવું છે કે તે રશિયન સ્વયંસેવકોને મદદ કરે છે.

ક્રિમિયામાં રશિયન ઉપરાંત યૂક્રેન, તાતાર, આર્મીનિયા, પૉલિશ તથા મૉલિયન લોકો પણ રહે છે.

એક સમયે ક્રિમિયામાં તાતારની બહુમતી હતી, પરંતુ જોસેફ સ્ટાલીનના કાર્યકાળ દરમિયાન તેમને મધ્ય એશિયામાં મોકલી દેવાયા હતા.

1954માં તત્કાલીન સોવિયેત સંઘ તથા યુક્રેન વચ્ચે મૈત્રી અને સહયોગના કરાર થયા હતા.

યુએસએસઆર (યુનિયન ઑફ સોશિયલિસ્ટ રિપબ્લિક્સ)ના વડા નિકિતા ખુશ્રોવે ભેટ તરીકે ક્રિમિયા યુક્રેનને સોંપી દીધું હતું.

સોવિયેટ સંઘના વિઘટન બાદ ક્રિમિયાના મુદ્દે રશિયા તથા યુક્રેનની વચ્ચે તકરાર થતી રહેતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો