ડૉ. કુરિયન પર ભાજપના નેતાએ લગાવેલા આરોપમાં કેટલી સચ્ચાઈ?

ભારતમાં 'શ્વેતક્રાંતિના જનક' ડૉ. વર્ગિસ કુરિયન હયાત હોત તો રવિવારે 97 વર્ષના થયા હોત, પરંતુ નિધનના છ વર્ષ બાદ તેઓ ફરી એક વખત ચર્ચામાં છે.

મોદી સરકારમાં પ્રધાન રહેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીએ શનિવારે અમરેલી ખાતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ઇંડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, કુરિયને અમૂલના પૈસા ધર્માંતરણ માટે વાપર્યા હતા.

દિલીપ સંઘાણીને ટાંકતા અખબાર લખે છે કે અમૂલના આ પૈસાનો ઉપયોગ ડાંગ જિલ્લામાં ધર્માંતરણ માટે કરવામાં આવ્યો હતો.

બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશ સાથે વાતચીતમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે અમરેલીમાં અમર ડેરીના એક કાર્યક્રમમાં તેમણે ઉપરોક્ત વાત કરી હતી. સાથે જ ઉમેર્યું હતું કે તેમની છેલ્લી લાઇનને વિકૃત કરીને રજૂ કરવામાં આવી હતી.

સંઘાણીએ કહ્યું, "હું તેમનું સન્માન કરું છું, તેમની કાબેલિયત અંગે મારે કાંઈ નથી કહેવું.

"પરંતુ જ્યારે અમે ગુજરાતના ડાંગ જિલ્લાના સબરીધામનું નિર્માણ કરી રહ્યા હતા અને ફાળા માટે તેમની પાસે ગયા, ત્યારે તેમણે ફાળો આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે 'અમે આવી બાબતોમાં વિશ્વાસ નથી રાખતા.'

"બીજી બાજુ, તેમણે પોતાના કાર્યકાળમાં અનેક ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓને ફાળો આપ્યો હતો."

કોણ હતા કુરિયન?

કેરળમાં જન્મેલા કુરિયને ગુજરાતના આણંદ ડેરી ઉદ્યોગને સફળ સહકારી મૉડલ તરીકે સ્થાપિત કર્યું હતું.

એક સમયે દેશમાં દૂધની અછત હતી, ત્યારે કુરિયનના નેતૃત્વમાં ભારતને દૂધ ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા.

આજે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા રાષ્ટ્રોમાં સામેલ છે, આથી કુરિયનને 'શ્વેતક્રાંતિના જનક' તરીકે ઓળખવામાં આવે છે.

વર્ષ 1973માં કુરિયને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએપ)ની સ્થાપના કરી અને 34 વર્ષ સુધી તેના અધ્યક્ષપદે રહ્યા.

જીસીએમએમએફ અમૂલના નામે ડેરી ઉત્પાદન બનાવે છે. આજે અગ્યાર હજારથી વધુ ગામડાંમાં 20 લાખથી વધુ ખેડૂત આ સંગઠનનું સભ્યપદ ધરાવે છે.

કુરિયનને તેમના જીવનકાળ દરમિયાન ભારત સરકારે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણની નવાજ્યા હતા. વર્ષ 1965માં કુરિયનને મૅગ્સેસે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

કુરિયનને આણંદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલની સ્થાપના કરી હતી અને તેના અધ્યક્ષપદે પણ રહ્યા હતા. કુરિયનને 'ભારતના મિલ્કમૅન' પણ કહેવામાં આવતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ફાળાનો વિવાદ

કોઈને ફાળો આપવો કે નહીં તે જે તે સંસ્થાનો વિશેષાધિકાર હોય છે, પણ સંઘાણીએ કુરિયનના ઇરાદ ઉપર સવાલ ઉઠાવ્યા છે.

આ અંગે પૂછતા સંઘાણીએ કહ્યું, "હિંદુઓની સંસ્થા સબરીધામનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે તેમણે ફાળો આપવાનો ઇન્કાર કર્યો. જો તેઓ ફાળો આપવા માગતા ન હતા તો કોઈને ન આપવો જોઈએ. એકને આપે અને બીજાને ન આપે એવું ન હોય શકે. આ બધી વાતો રેકર્ડ પર છે."

સંઘાણી તેમના નિવેદન પર અફર છે. આ અંગે હજુ સુધી અમૂલ તરફથી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા નથી આપવામાં આવી અને તેમની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.

જોકે, જીસીએમએમએફના ચેરમેન રામસિંહ પરમારે ડીએનએ સાથે વાતચીતમાં કહ્યું, 'હું બોગસ નિવેદન પર પ્રતિક્રિયા નથી આપવા માગતો.'

પ્રધાન હતા ત્યારે શું કર્યું?

દિલીપ સંઘાણીએ કહ્યું, "અમે તપાસ કરાવી હતી, જેમાં બહાર આવ્યું હતું કે સબરીધામ માટે તેમણે (કુરિયને) ફાળો આપવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ ખ્રિસ્તી મિશનરીઓને ફાળો આપ્યો હતો. આ અંગે સરકાર કંઈ કરી ન શકે, પરંતુ તેનાથી વ્યક્તિની માનસિક્તા છતી થાય છે."

ઉલ્લેખનીય છે કે આતંકવાદના આરોપી સ્વામી અસીમાનંદ (મૂળ નામ, નબ કુમાર સરકાર)એ ડાંગ જિલ્લામાં શબરી માતાનાં મંદિરનું નિર્માણ કર્યું હતું અને તેને સબરીધામ નામ આપ્યું હતું.

તેઓ આદિવાસીઓના કલ્યાણ માટે કાર્યરત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પાંખ વનવાસી કલ્યાણ કાર્યક્રમ સાથે જોડાયેલા હતા. અસીમાનંદ 1997માં આ વિસ્તારમાં આવ્યા હતા.

તેમની ઉપર સમજૌતા બ્લાસ્ટ કેસ ચાલી રહ્યો છે, જ્યારે હૈદરાબાદના મક્કા મસ્જિદ બ્લાસ્ટ તથા અજમેર બ્લાસ્ટમાં તેઓ છૂટી ગયા છે.

કુરિયનનું રાજીનામું

સંઘાણીનું કહેવું છે કે કુરિયન પંદર વર્ષ સુધી ગેરકાયેદસર રીતે જીસીએમએમએફના અધ્યક્ષપદે રહ્યા.

વર્ષ 2006માં કુરિયને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે તેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યં હતું કે જીસીએમએમએફની સભ્ય સહકારી મંડણીઓનો વિશ્વાસ ગુમાવતા તેમણે રાજીનામું ધર્યું.

એ સમયે કુરિયન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો, તેમણે અધ્યક્ષપદની ચૂંટણી લડવા માટે ફૉર્મ ભર્યું હતું, પરંતુ રિટર્નિંગ ઑફિસરે તે રદ કરી દીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો