You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંગ્રેજોના કાવતરાને કારણે આ પ્રદેશનું હવે કોઈ અસ્તિત્વ જ નથી
- લેેખક, રિયાનન જે ડેવિસ
- પદ, બીબીસી ટ્રાવેલ
એક ગંભીર અવાજ દિયારબકર શહેરની શેરીઓમાં ગુંજ્યો અને વાતાવરણમાં ઓગળી ગયો જો તમને કુર્દ બોલીનો એક પણ શબ્દ ના આવડતો હોય તો પણ અવાજમાં ઘોળાયેલું દર્દ તમારા અંતરમનને સ્પર્શી જશે.
તુર્કીનું દિયારબકર શહેર, તુર્કી કુર્દિસ્તાનની રાજધાની કહેવામાં છે. જે તોફાની નદી દજલાના વિશાળ કિનારે વસેલું છે.
મારે ઉનાળાની ગરમીમાં દિયારબકર જવાનું બન્યું હતું. એ વખતે ભયંકર ગરમી પડી રહી હતી.
આખો વિસ્તાર જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હતો. ગરમીમાં શહેરના રસ્તાઓ જાણે તાપથી કાળા પડી ગયા હતા.
દિવસ દરમિયાન તો જાણે આખું શહેર ઉજ્જડ ભાસતું હતું. પણ સાંજ પડતા જ ઉછળતાં-કૂદતાં બાળકો વાતાવરણને હળવું બનાવી દેતાં હતાં.
માથા પર ઓઢણી ઓઢી મહિલાઓ ઘરનું કામ આટોપી લીધા બાદ બજારમાં સામાન ખરીદવા નીકળતી હતી અને ગાડીમાં ઢગલાબંધ સામાન સાથે પાછી ફરતી હતી.
આ વિસ્તાર પોતાની ફળદ્રુપતા માટે જાણીતો છે.
જે દર્દભર્યો અવાજ મેં સાંભળ્યો હતો તે દિયારબકર શેરીઓમાં ગુંજતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાળી ઈંટોની ઇમારતની હારમાળાઓ વચ્ચેથી આવતા આ અવાજથી પ્રેરાઈ હું એક મોટી પરસાળ તરફ પહોંચી ગયો.
કુર્દિસ્તાનનો દર્દભર્યો ઇતિહાસ જણાવતો અવાજ
શેરીઓમાં અંજીર અને શેતૂરનાં વૃક્ષો, તપતા શહેરથી આરામ આપતાં હતાં.
શેરીઓમાંથી પસાર થતાં રખડતાં કૂતરાંનો ભસવાનો અવાજ અને દુકાનદારોની બૂમો સંભળાતી હતી.
ક્યારેક-ક્યારેક કારનું હૉર્ન પણ સાંભળવા મળતું હતું.
આટલા બધા ઘોંઘાટ વચ્ચે પણ દર્દથી તરબોળ આ અવાજ અલગ જ તરી આવતો હતો.
આ અવાજમાં પ્રેમ અને આશા હતા તો વળી દુ:ખ અને નિરાશાની ઝલક પણ દેખાતી હતી.
શેરીઓમાંથી પસાર થતાં અંતે અમે એક ખુલ્લા આંગણામાં દાખલ થયાં.
આવા મકાનને માલા દેંગબેજ કે પછી દેંગબેજ તરીકે ઓળખવામાં આવે છે.
અહીં આધુનિક ઢબનું આંગણું હતું. જેને કોતરકામ કરી નવો ઓપ આપવામાં આવ્યો હતો.
આ એક સદી જૂની ઇમારત હતી. અહીં ઓપનઍર થિયેટર હતું.
જે દર્દભર્યા અવાજની આપણે વાત કરી રહ્યા હતા તે આ જ જગ્યાએથી આવી રહ્યો હતો.
જેમાં વર્ણન હતું કુર્દીસ્તાનના ગમગીન ઇતિહાસનું અને સાથે સાથે નસીબે કરેલી ક્રૂર મજાકનું.
જે વિસ્તારને કુર્દીસ્તાન કહેવામાં આવતો હતો તે આજે ચાર પ્રદેશોમાં વહેંચાઈ ગયેલો છે.
1916માં અંગ્રેજો અને ફ્રેન્ચોએ સાથે મળી કુર્દીસ્તાનને સીરિયા, ઇરાક, તુર્કી અને ઈરાનમાં વહેંચી નાખવાનું ખાનગી કાવતરું ઘડી લીધું હતું.
આજે 2.5 થી 3.5 કરોડ કુર્દ વતનવિહોણાં રહેવાસી છે. એમનું પોતાનું ઠામઠેકાણું નથી.
જોકે, પોતાની બોલી, સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા અને સહિયારા ઇતિહાસની મદદ વડે કુર્દોએ પોતાના વતનને પોતાના મનમાં જીવંત રાખ્યું છે.
1923માં તુર્કીની સ્થાપના પહેલાં કુર્દ બોલી અને સંસ્કૃતિને પોતાની ઓળખ બચાવવા માટે મથામણ કરવી પડી હતી.
તુર્કીના શાસકોનું સમગ્ર જોર કુર્દોની અલગ ઓળખ ભૂંસી નાખી તેમને તુર્ક બનાવવા પર રહ્યું હતું.
લગભગ એક સદીથી કુર્દ લોકો પોતાના અલગ દેશની માગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
હાલમાં બે વર્ષ પહેલાં એટલે કે 2016માં કુર્દ ઉગ્રવાગીઓની તુર્કીની સરકાર સાથે હિંસક અથડામણ થઈ હતી.
આ લડાઈમાં દિયારબકર શહેરનો મોટો ભાગ બરબાદ થઈ ગયો હતો.
આ વિસ્તારમાં આજે ચાલી રહેલું નિર્માણ કાર્ય વાસ્તવમાં તો જંગમાં થયેલી બરબાદીના નિશાન જ છે.
પુનનિર્માણ માટે શહેરના એક મોટાભાગને ઘેરી લઈ એને અલગ કરી દેવામાં આવ્યો છે.
અવાજનો જાદુગર
માલા દેંગબેજના આંગણામાં આડીઅવળી અને ગોઠવ્યા વિનાની ખુરશીઓ, આવતા-જતા લોકોને બેસવા માટે મૂકવામાં આવી છે.
આંગણાના પાછળના ભાગમાં લગભગ ડઝન જેટલા લોકો બેઠા હતા.
એમના ચહેરા પરની કરચલીઓ અને એમના સફેદ વાળ એમની ઉંમરની ચાડી ખાતા હતા.
નાની બાંય અને ઇસ્ત્રી કરેલાં કપડાંમાં તેઓ સુંદર લાગી રહ્યા હતા.
લાઇનવાળો શર્ટ પહેરેલી એક જાડી, મૂંછોવાળી વ્યક્તિ પોતાની કહાણી સંભળાવી રહી હતી.
આ એક મહાકાવ્ય હતું. જેમાં અડધું ગદ્ય અને અડધું પદ્ય હતું. અટલે કે વાર્તા પણ અને કવિતા પણ.
તે પોતાની ખુરશી પર આગળ તરફ ઝૂકી અને ડાબે-જમણે ડોલતાં એકદમ પરિપક્વ અને બુલંદ અવાજમાં પોતાની વાત કહી રહી હતી.
એના ડાબા હાથમાં એક તસ્બીહ(મુસલમાનો જેને પોતાના હાથમાં રાખી જપ કરે છે) હતી, જેના મોતીને તે એક-એક કરી આગળ ખસેડતા હતી.
આ વ્યક્તિએ ઘણા સમય સુધી પોતાની વાર્તા ચલાવી અને આ દરમિયાન એક વખત પણ તેમણે નોટ્સની મદદ લીધી નહીં.
આખા પરિવેશમાં એમનો અવાજ ગુંજતો હતો. કોઈ વખતે કવિતા તો કોઈ વખતે ડાયલૉગ દ્વારા એણે પોતાની વાતો રજૂ કરી હતી, એમાં ગતિથી માંડી અટકવા સુધીના ઘણા પડાવ હતા.
તે માણસ અવાજનો જાદુગર હતો. તેણે પોતાના અવાજ અને અંદાજથી એવું મનમોહક વાતાવરણ ઊભું કરી દીધું હતું.
ત્યાં હાજર લોકો શ્વાસ રોકી એમના કિસ્સાઓ સાંભળી રહ્યા હતા અને વારંવાર હાથનો ઇશારો કરી એમની પ્રશંસા કરી રહ્યા હતા.
શું છે આ દેંગબે
કુર્દ શબ્દ દેંગબેનો અર્થ થાય છે અવાજનો જાદુગર. આ બે શબ્દો દેંગ એટલે કે અવાજ અને બે એટલે કે કહેવું ભેગા મળીને બન્યો છે. આ એક કળા પણ છે અને કળાનું પ્રદર્શન કરવું પણ છે.
વાસ્તવમાં દેંગબેના કલાકાર હરતાં-ફરતાં વાર્તાકાર હોય છે, જે પોતાની વાતો, કિસ્સા-કહાણી મારફતે કુર્દોનો ઇતિહાસ અને પૌરાણિક કહાણીઓને રજૂ કરે છે.
કુર્દ વિસ્તારોનાં ગામડાં અને કસ્બાઓમાં કોઈ નક્કી કરેલી જગ્યાઓએ લોકો ભેગા થાય છે અને ત્યાં આ કહાણી સંભળાવવાની પરંપરા છે.
કહાણી સંભળાવનારા ખાસ કરીને પુરુષો જ હોય છે પણ કેટલાંક મહિલા ગાયિકાઓ પણ હતાં, જે દેંબગે પરંપરાનાં અગ્રણી વાહક રહ્યાં છે.
તેઓ ભણેલાં-ગણેલાં ભલે નહોતાં પણ પોતાની વાક્ કળાના કૌશલ્યને કારણે પોતાની અંદર ધરબાયેલા કિસ્સાઓ, અનુભવો અને ઇતિહાસના વારસાને તેઓ પેઢી દર પેઢી સોંપતાં રહ્યાં છે.
તુર્કીમાં દેંગબે પરંપરાને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.
કુર્દિશ અલગાવવાદને રોકવા માટે 1983થી માંડીને 1991 વચ્ચે સાર્વજનિક રીતે કુર્દ બોલી બોલવા, લખવા અને વાંચવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો.
કુર્દ સાહિત્ય અને સંગીત રાખવું, એ ગુનો માનવામાં આવતો હતો પણ આ દેંગબેની પરંપરા જ હતી કે જેણે કુર્દ સંસ્કૃતિને બચાવી રાખી હતી.
બ્રિટનની એબરડીન યૂનિવર્સિટીમાં કુર્દ રિસર્ચર હનીફી વારિસ જણાવે છે, ''મને લાગે છે કે દેંગબેની કળા એટલા માટે આ રોક-ટોકથી બાકાત રહી ગઈ કારણ કે મોટાભાગના કુર્દ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે."
"મહેમાનોના સ્વાગતમાં લોકો ભેગા મળી કહાણીઓનો આનંદ માણે છે. ઠંડીની ઋતુમાં આ પ્રકારની ખાસ મહેફિલો યોજાતી રહે છે. હું પણ આવા જ એક ઘરમાં મોટો થયો છું.''
આ બેઠકોને સેવવર્ક એટલે કે સાંજના સમયને પસાર કરવો, નામે ઓળખવામાં આવતી.
આ બેઠકોમાં માત્ર વાર્તા અને કુર્દોની વાતો-કિસ્સાઓ કહેવાની પરંપરા જ બચી છે. ગુપ્ત રીતે કુર્દો પોતાની પૌરાણિક કહાણીઓ અને કળાને સંરક્ષિત કરતા રહ્યા હતા.
જ્યારે સંબંધો સુધર્યા હતા
એકવીસમી સદીની શરૂઆતમાં કુર્દો અને તુર્કો વચ્ચે સંબંધો સુધરવાની શરૂઆત થઈ હતી.
કુર્દ ભાષા બોલવાની અને એના સાહિત્યને છાપવા અને વાંચવાની મંજૂરી આપવામાં આવી હતી.
સરકારી ટીવી અને રેડિયો પર કુર્દ ભાષામાં પ્રસારણ થવા માંડ્યું હતું.
2009માં કુર્દ ભાષામાં ટીવી ચેનલ શરૂ કરવામાં આવી હતી. 2012માં એક શાળાએ કુર્દ ભાષા ભણાવવાની મંજૂરી પણ આપી દીધી હતી.
માલા દેંગબેને 2007માં શરૂ કરવામાં આવ્યું હતું. કુર્દ સમર્થક નગર નિગમે દેંગબેની પરંપરામાં નવા પ્રાણ ફૂંક્યાં હતાં અને એની ઓળખ માટે આ જગ્યા નક્કી કરી હતી.
હવે દેંગબે પરંપરાને મુખ્યધારા સાથે જોડવા માટે માલા દેંગબેએ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
માલા દેંગબે સવારના નવ વાગ્યાથી માંડી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું હોય છે.
અહીંયા પરફૉમન્સ માટેના કોઈ નક્કી કરેલા માપદંડો નથી. પરંતુ આ લોકોના હળવા મળવા અને સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવા માટેનું એક સ્થાન છે.
ચાની ચુસ્કીઓ સાથે ચાલતો રહે છે કિસ્સા વાર્તાઓનો ઘટનાક્રમ.
જ્યારે નવા લોકો અહીં આવે છે ત્યારે તાળીઓના ગડગડાટ અને ગાલ પર ચુંબન સાથે એમનું સ્વાગત કરવામાં આવે છે.
અહીં જે ગીત ગાઈ સંભળાવવામાં આવે છે તેને કલામ કહેવામાં આવે છે. આ ગીતમાં જંગ, વીરતા, દગો અને પ્રેમની ગાથા સંભળાવવામાં આવે છે.
આમાં કુર્દોના તમામ જૂથોના સંબંધોની પ્રશંસા કરવામાં આવે છે. તે કુર્દ પરંપરા અને કથા-વાર્તાને જીવંત રાખે છે. એના ઇતિહાસને આવનારી પેઢી માટે એકઠો કરે છે.
ઇતિહાસના કિસ્સાઓ અને પૌરાણિક વાર્તાઓ સંભળાવવાનો હેતુ કુર્દો વચ્ચે એકતા જાળવી રાખવાનો છે.
વડીલો પાસેથી સાંભળેલા કિસ્સા-કથા સંભળાવવા ઉપરાંત પરફૉર્મ કરનારા કલાકાર પોતાનાં ગીતો અને વાતો પણ લખીને સંભળાવે છે.
હનીફી વારિસ જણાવે છે, ''દેંગબે ગીતથી મારી અંદર જે ઝનૂન-લાગણી પેદા થાય છે તે કોઈ પણ સંગીત પેદા કરી શકે તેમ નથી."
"કદાચ એનું કારણ એ પણ છે કે મેં મારા માતાપિતાને ભાવુક બની આ ગીત ગાતાં સાંભળ્યાં છે."
"મને ખબર નથી કે તેઓ આટલાં બધા લાગણીશીલ કેમ બની જતાં હતાં.''
કુર્દિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ નાના નાના પ્રસંગો-બેઠકોમાં દેંગબેની પરંપરા જળવાઈ રહી છે.
દેંગબે માટે પડકાર
જોકે, હવે તે દેંગબેને કાયદાકીય માન્યતા પ્રાપ્ત છે પણ એની સામે ટીવી ચેનલોના રૂપમાં એક મોટો પડકાર ઊભો થઈ ગયો છે. લોકો શહેરો તરફ વળી રહ્યા છે.
આવી જ એક વ્યક્તિ છે બરાન સેટિન. તેઓ પર્વતીય વિસ્તારના એક ગામડામાં પેદા થઈ હતી, જે આર્મેનિયાની સરહદે હતું.
જગ્યા તો સુંદર હતી પણ જીવન મુશ્કેલ હતું. 32 વર્ષના બરાન હવે ઇસ્તમ્બુલ શહેરમાં રહે છે. અહીંયા લગભગ 30 લાખ કુર્દ રહે છે.
બરાનના કાકા દેંગબે કલાકાર છે. એમણે આ કળા પોતાના પિતા પાસેથી શીખી હતી.
બરાન જણાવે છે કે એમનો અવાજ દેંગબે બનાવ લાયક નહોતો. આ પરંપરાની મશાલ તો વડીલોના હાથમાં જ છે.
બરાન જણાવે છે, ''જ્યારે હું દેંગબે સાંભળું છું તો હું એની અંદર ખોવાઈ જાઉં છું. આ જીવનના દરેક પાસાંને વ્યક્ત કરે છે."
"તમે એમાં આશા પણ અનુભવી શકો અને ખુશી પણ. સાથે સાથે તમને એમાં દર્દની અનુભૂતિ પણ થાય છે.''
દર્દને તુર્કી ભાષામાં હુજુન કહેવામાં આવે છે.
નોબલ પુરસ્કાર વિજેતા ઓર્હાન પામુકે હુજુન વિશે લખ્યું છે કે આ માત્ર દર્દ નથી. આ કોઈ વસ્તુ ગુમાવી દેવાની તકલીફનો અનુભવ છે.
પામુકે પોતાના પુસ્તક 'ઇસ્તામ્બુલ: મેમોરીઝ એન્ડ ધ સિટી'માં લખ્યું છે કે હુજુનની ગેરહાજરી, એની તડપનો અનુભવ કરાવે છે.
માલા દેંગબેમાં બેસીને કથાવાર્તા સાંભળતા મને સમયની ખબર જ ના પડી.
દરેક કલાકારે પોતાની અલગ કહાણી સંભળાવી અને સાંભળનારાઓને એક નવી જ સફર પર લઈ ગયા. કુર્દ ઇતિહાસની પણ ઝાંખી દેખાડી.
મને આમ તો એક પણ અક્ષરમાં ખબર પડતી નહોતી પણ મેં કહાણીઓના દરિયામાં ડૂબકીઓ મારી.
કુર્દોનો હાલનો ઇતિહાસ તકલીફભર્યા અનુભવયુક્ત છે. આ ઓર્હાન પામુકનું હુજુન છે પણ સાથે સાથે એમાં એક આશા પણ છે.
કિસ્સા સંભળાવતા રહીને કુર્દ પરંપરાને એક પેઢીથી બીજી પેઢીને સોંપવાની કુર્દ સંસ્કૃતિ જીવંત રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો