You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગામ જ્યાં મહિલાઓ અને પુરુષો બોલે છે અલગ ભાષા
એક જ ગામમાં કોઈ અલગ અલગ ભાષા બોલે એ સમજી શકાય પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે મહિલાઓ અને પુરુષો એક જ ગામમાં જુદી ભાષા બોલે છે.
આ વાત છે પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજીરિયાના એક ગામની.
ઉબાન્ગ નામના આ ગામમાં મહિલાઓ અને પુરુષોની ભાષા અલગ છે એટલે કે તેઓ અલગ ભાષા બોલે છે.
અહીં રહેતા લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. મહિલાઓ અને પુરુષોની ભાષા ભિન્નતાને તેઓ ભગવાનની કૃપા ગણે છે.
તેમની ભાષામાં એટલી હદે ભિન્નતા છે કે શાકભાજીથી લઈને વસ્ત્રો માટે મહિલાઓ અને પુરુષો અલગઅલગ શબ્દનો ઉપયોગ કરે છે.
જેમ કે પુરુષો વસ્ત્રો માટે 'અગીરા' શબ્દ વાપરે છે જ્યારે સ્ત્રીઓ 'ન્કી' શબ્દનો ઉપયોગ કરે છે.
અહીંના લોકો પર અભ્યાસ કરનારાં ઍન્થોપોલૉજિસ્ટ (માનવશાસ્ત્રજ્ઞાતા) ચી.ચી. ઉન્ડાય કહે છે કે મહિલા અને પુરુષ બન્નેનું શબ્દભંડોળ તદ્દન અલગ છે.
ઉન્ડાય કહે છે, "એવા પણ ઘણા શબ્દો છે જે જે બન્ને વચ્ચે સરખા છે. જોકે, એવા શબ્દોની યાદી લાંબી છે જે બિલકુલ અલગ છે. તેમનું લખાણ અને ઉચ્ચાર પણ તદ્દન અલગ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે સમજે છે એકબીજાની વાત?
સરળ ભાષામાં ઉદાહરણ આપતા ઉન્ડાય કહે છે કે જે રીતે અમેરિકન અને બ્રિટિશ ઇંગ્લિશમાં તફાવત છે તેવી જ રીતે આ લોકોની ભાષામાં પણ તફાવત છે.
આટલો તફાવત હોવા છતાં મહિલાઓ અને પુરુષો એકબીજાની વાત સરળતાથી સમજી શકે છે. પરંતુ કેવી રીતે?
આ સવાલનો જવાબ આપતા ઉબાન્ગના પ્રમુખ ઓલિવર ઇબાન્ગ કહે છે જ્યારે બાળકો નાનાં હોય ત્યારે તેઓ પોતાની માતા અને અન્ય મહિલાઓ સાથે રહે છે. જેથી નાનપણથી જ તેઓ આ શબ્દો શીખી જાય છે."
તમે આ વાંચ્યું કે નહીં?
ઇબાન્ગ કહે છે, "10 વર્ષની ઉંમરમાં છોકરાઓ પુરુષોની ભાષા બોલવાનું શરૂ કરી દે છે."
"છોકરાઓની ઉંમરમાં એક પડાવ આવે છે ત્યારે તે આપમેળે સમજી જાય છે કે તેમણે પુરુષોની ભાષા બોલવાની છે. અન્ય કોઈ તેમને પુરુષોની ભાષા બોલવાનું દબાણ કરતું નથી."
"જ્યારે તેઓ આ ભાષા બોલવા લાગે છે, ત્યારે તે પુખ્ત ગણાવા લાગે છે. જો બાળક ઉંમરના એ પડાવ પર તેમની ચોક્કસ ભાષા ન બોલી શકે તો તેને અસામાન્ય ગણવામાં આવે છે."
ઉબાન્ગનો આ સમાજ તેમની ભાષામાં રહેલા તફાવતને અત્યંત અદ્ધિતીય બાબત ગણાવે છે.
આવું થયું કેવી રીતે?
એ સવાલ થવો સ્વાભાવિક છે કે જીવનભર સાથે રહેવા માટે ટેવાયેલાં સ્ત્રી-પુરુષ વચ્ચે ભાષાના આ અંતરની ખાઈ પડી કેવી રીતે?
ઇબાન્ગ કહે છે, "જ્યારે ભગવાને આદમ અને ઇવને સર્જ્યાં ત્યારે તેઓ ઉબાન્ગ સમુદાયનાં હતાં."
"ભગવાનની યોજના હતી કે મહિલાઓ અને પુરષોને બે ભાષાઓ આપવામાં આવે."
"જોકે, ઉબાન્ગના લોકો માટે બે ભાષાઓ બનાવ્યા બાદ તેમને જાણ થઈ કે તેમની પાસે વધુ ભાષા નથી."
"અમારો જ સમાજ એકમાત્ર છે જેમની પાસે બે ભાષાઓ છે, જે અમને દુનિયાના અન્ય લોકોથી અલગ પાડે છે."
'ડ્યુઅલ સેક્સ કલ્ચર'
જોકે, ઉન્ડાય પાસે તેમની અલગ થિયરી છે. તેમનું કહેવું છે કે આ સમુદાય દ્વિ-જાતિય સંસ્કૃતિ (ડ્યુઅલ સેક્સ કલ્ચર)માં માને છે. મતલબ કે સ્ત્રી અને પુરુષ એમ બન્ને.
તેઓ ઉમેરે છે, "આ સમુદાયની સ્ત્રીઓ અને પુરુષોનું કાર્યક્ષેત્ર ભિન્ન છે."
"મતબલ કે જેટલો તફાવત બે દુનિયામાં હોય તેવી જ રીતે પરંતુ ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે તેઓ એકઠાં થાય છે."
ઉન્ડાયનું માનવું છે કે તેમની આ થિયરીમાં દરેક સવાલના જવાબ નથી.
તેઓ એવું પણ કહે છે કે નાઇજીરિયામાં ઘણા એવા સમુદાયો છે જે 'દ્વિ-જાતિય સંસ્કૃતિ (ડ્યુઅલ સેક્સ કલ્ચર)'નું પાલન કરે છે.
સમયની સાથેસાથે ભાષાનો તફાવત ધરાવતી આ પરંપરા પર લુપ્ત થવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.
આ સમુદાયના પુરુષો અથવા તો મહિલાઓ પાસે તેમની ભાષાનું લેખિત સાહિત્ય નથી એટલા માટે આ ભાષાઓના ભવિષ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે.
જોકે, આ સમુદાયના અમુક યુવાનો તેમની ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે અને સારી રીતે બોલી પણ શકે છે.
લિંગ્વિસ્ટિક ઍસોસિયેશન ઑફ નાઇજીરિયાએ વર્ષ 2016માં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો દેશની 500માંથી 50 એવી ભાષાઓ છે જે આવનારા અમુક વર્ષોમાં લુપ્ત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે નાઇજીરિયાની મુખ્ય ભાષાઓ યોરુબા, ઇગ્બો અને હોઉસા છે.
નાઇજીરિયામાં નેશનલ ઍજ્યુકેશન પૉલિસી અંતર્ગત શાળાઓમાં બાળકોને આ ત્રણ ભાષાઓ શીખવવામાં આવે છે.
આ વિસ્તારની એક શાળાના શિક્ષક ઓચુઈ કહે છે કે ઉબાન્ગ સમુદાયનાં બાળકોને શાળામાં તેમની માતૃભાષાને બદલે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે.
"જો તેઓ આવું ન કરે તો અમે તેમને મારીએ છીએ એટલે સુધી કે તેમને દંડ પણ ફટકારીએ છીએ."
ઓચુઈ એવું પણ કહે છે, "જો તમે બાળકને તેમની માતૃભાષા બોલવા પર દંડ કરો તો તે ભાષા કેવી રીતે ટકી શકશે."
ભાષા બચાવવા શું કરી શકાય?
ઓચુઈનું કહેવું છે કે આ ભાષાને બચાવવા માટે અનેક પ્રયાસો કરવાની જરૂરિયાત છે.
ઉદાહરણ આપતા ઓચુઈ કહે છે, "ઉબાન્ગ ભાષામાં નૉવેલ, ફિલ્મો અને સાહિત્યની રચના થવી જોઈએ અને અમને શાળામાં આ ભાષા શીખવવાની છૂટ પણ આપવી જોઈએ."
ઉબાન્ગ સમુદાયથી આવતા સ્ટેલા ઓડોબી શિક્ષક ઓચુઈની વાતને સમર્થન આપતા કહે છે, "ઘણા વાલીઓ એવા છે જેઓ તેમનાં બાળકોને અલગઅલગ ભાષાઓમાં અભ્યાસ માટે મોકલે છે અને પોતાની માતૃભાષા શીખવવાની ચિંતા કરતા નથી."
"જોકે, હું એવા લોકોમાંથી આવું છું જેઓ તેમની આવનારી પેઢીને આ ભાષા વારસા સ્વરૂપે આપવા માગે છે."
સમુદાયના પ્રમુખ ઇબાન્ગને આશા છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે અહીં એક ભાષા કેન્દ્ર ખુલશે.
જેમાં આ સમુદાયની ભાષાની ભિન્નતાને લગતી માહિતીઓ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરાશે.
પોતાની ભાષા પ્રત્યે પ્રેમ દાખવતા ઇબાન્ગને આશા છે કે તેમની આ ભાષા લુપ્ત થવાથી બચી જશે.
તેઓ કહે છે, "જો ભાષા મરી જશે, તો ઉબાન્ગ લોકોનું અસ્તિત્વ પણ મટી જશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો