રશિયા-યુક્રેન સંકટ : અમેરિકા યુરોપમાં સૈન્ય મોકલશે, યુક્રેન સરહદે 1 લાખ સૈનિકો તહેનાત કરનારા રશિયાએ શું ચેતવણી આપી?

અમેરિકાના વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે યુક્રેનને મદદ કરવા તેઓ વધુ બે હજાર સૈનિકો યુરોપીયન દેશોમાં મોકલશે. અમેરિકાના આ નિર્ણયનો રશિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

યુક્રેન પર રશિયાના આક્રમણની સતત વધી રહેલી આશંકાઓ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને યુરોપમાં સૈનિકો મોકલવાની વાત કરી છે.

અમેરિકન રક્ષામંત્રાલય પૅન્ટાગને આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, "બે હજાર સૈનિકોને નૉર્થ કૅરોલાઇનાથી પૉલેન્ડ અને જર્મની મોકલવામાં આવશે અને જર્મનીમાં હાજર એક હજાર સૈનિકોને રોમાનિયા મોકલાશે."

યુક્રેન સાથેની સરહદ પર એક લાખ જેટલા સૈનિકો તહેનાત કરનારા રશિયાએ અમેરિકાના આ નિર્ણયને 'વિનાશકારી' ગણાવ્યો છે.

રશિયાએ વર્ષ 2014માં યુક્રેનના દક્ષિણ ક્રિમિયા પર કબજો કરી લીધો હતો. એનાં આઠ વર્ષ બાદ બન્ને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે.

રશિયાએ યુક્રેનની સરકાર પર મિંસ્ક સમજૂતીને લાગુ ન કરવાનો આરોપ લગાવ્યો છે.

બન્ને દેશો વચ્ચે શાંતિ લાવવા માટે મિંસ્કમાં આંતરરાષ્ટ્રીય સમજૂતી થઈ હતી. વર્ષ 2014થી અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે જારી તણાવમાં ઓછામાં ઓછા 14 હજાર લોકો માર્યા ગયા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના સૈનિકો મોકલવાના નિર્ણય અંગે રશિયાનાં ડૅપ્યુટી વિદેશમંત્રી ઍલેક્ઝાન્ડર ગ્રુશ્કોએ કહ્યું કે, 'આ એક વિનાશકારી અને અયોગ્ય પગલું છે.'

પૅન્ટાગને અગાઉ કહ્યું હતું કે, અમેરિકન સૈનિકો યુક્રેનમાં લડશે નહીં, પરંતુ વૉશિંગ્ટનનાં સાથીદારોનો બચાવ કરશે.

શીતયુદ્ધ જેવી સ્થિતિની ઇચ્છા?

કેટલાકને લાગે છે કે પ્રમુખ વ્લાદિમિર પુતિનની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા છે. અન્યો કહે છે કે શીતયુદ્ધ ફરી શરૂ કરવાની કોશિશ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલીના કારણે દુનિયાભરના વિદેશમંત્રીઓ ચિંતામાં પડ્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધ થવાની શક્યતાઓ વ્યક્ત થવા લાગી છે.

યુક્રેનની સરહદે એક લાખની સેના ખડી કરી દેવામાં આવી છે અને તેનાથી તંગદિલી વધી છે.

રશિયાએ માગણી કરી છે કે યુક્રેનને નાટોમાં લેવામાં ના આવે, પૂર્વ યુરોપમાં 1997 પછી નાટોનો વિસ્તાર થયો છે તેને પાછો લેવામાં આવે અને ભૂતપૂર્વ સોવિયેટ સંઘના પ્રદેશોમાં શસ્ત્રો અને ટુકડીઓ ગોઠવવામાં ના આવે.

જિયોપૉલિટિકલ ફ્યુચર્સ સંસ્થાના વિશ્લેષક જ્યોર્જ ફ્રાઇડમેન રશિયાની માગણીઓને સમજાવતાં કહે છે, "શીતયુદ્ધ વખતે પૂર્વ યુરોપમાં જે પ્રકારની સરહદ હતી એવી તેઓ ઇચ્છી રહ્યા છે."

રશિયા દ્વારા હુમલાની વધી રહેલી આશંકા વચ્ચે અમેરિકાએ યુક્રેનથી પોતાના દૂતાવાસના કર્મચારીઓ અને તેમના પરિવારને યુક્રેન છોડવાનું કહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે યુક્રેનથી તમામ અમેરિકન નાગરિકોને પાછા આવવાનું પણ કહ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને રશિયા અને યુક્રેન ન જવા માટે કહ્યું છે.

વિદેશ મંત્રાલયે સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે યુક્રેનમાં અમેરિકન દૂતાવાસ ખુલ્લું રહેશે પરંતુ વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો