International Cat Day : બિલાડીના મૂડનું રહસ્ય પામવામાં માણસ સદીઓથી અજાણ શા માટે રહ્યો છે?

    • લેેખક, સ્ટીફન ડાઉલિંગ
    • પદ, બીબીસી ફ્યુચર

પોતાના મૂડને છુપાવી શકવાની કુદરતી આવડત કૂતરાંમાં નથી હોતી. ખુશ હોય તો ઉછળકૂદ કરે, તકલીફમાં હોય તો નાકમાંથી અવાજ કાઢે અને કોઈ પરિચિતને જુએ તો પૂંછડી પટપટાવવા લાગે. કૂતરાના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું બહુ સરળ હોય છે.

કૂતરાંની માફક બિલાડી પણ તેની બૉડી લૅંગ્વેજ મારફત સંકેત આપતી હોય છે. જોકે, બિલાડીના ઇશારાનો અર્થ સમજવો મુશ્કેલ હોય છે.

બિલાડીઓના મૂડને પણ સમજી શકાય છે. ક્યારેક એ પૂંછડીને ઊંધીચતી કરે, ક્યારેક કાન હલાવે છે અને ક્યારેક ઘૂરકિયાંથી ઇશારા કરે છે.

સામાન્ય રીતે બિલાડી મ્યાઉં કરે તેને મિત્રતાનો સંકેત માનવામાં આવે છે.

ઘણી વાર એ બિલાડીના સંતોષનો સંકેત પણ હોઈ છે. એ ખુદને એકલી છોડી દેવામાં આવે એવું ઇચ્છતી હોય એનો સંકેત પણ આપતી હોય છે.

આપણે આપણા પ્યારા ડોગી સાથેના આપણા મજબૂત સંબંધને આસાનીથી સમજી જઈએ છીએ, પણ હજ્જારો વર્ષોથી પાળવામાં આવતી હોવા છતાં બિલાડીના મૂડને પામવો માણસ માટે મુશ્કેલ છે.

બિલાડીના વર્તનવિજ્ઞાનના કેટલાક નિષ્ણાતો કહે છે કે વાસ્તવમાં બિલાડીઓ તેમનો મૂડ સંકેત મારફતે દર્શાવવાની બાબતમાં બદનામ થઈ ગઈ છે. તેની બૉડી લૅંગ્વેજ સમજવાના પ્રયાસ માણસ તરફથી પણ ઓછા થયા છે.

બિલાડીને સ્વાર્થી શા માટે માનવામાં આવે છે?

બિલાડીઓ આઝાદ મિજાજની હોય છે. તેને મોટે ભાગે એકલું રહેવું પસંદ હોય છે. આ કારણસર બિલાડીઓને એકાકી કે સ્વાર્થી માની લેવામાં આવે છે.

એવો પણ આક્ષેપ કરાય છે કે બિલાડી પાસે ખાવાનું ન હોય ત્યારે તે માણસ પ્રત્યે લાગણી દર્શાવતી હોય છે.

જોકે બિલાડીના માલિકો આ વાતને વાહિયાત કહેશે. તેઓ એવો દાવો કરે છે કે તેમનો બિલાડી સાથેનો સંબંધ એટલો જ મજબૂત છે જેટલો કૂતરાંનો તેના માલિક સાથે હોય છે.

સવાલ એ છે કે બિલાડીઓને એકાકી અને સ્વાર્થી મિજાજની શા માટે માનવામાં આવે છે? આ વાત કેટલી સાચી છે?

સૌપ્રથમ એ જાણી લો કે બિલાડીને ભલે આઝાદ મિજાજની ગણવામાં આવતી હોય, પરંતુ આ કારણસર તેની લોકપ્રિયતામાં જરાય ઘટાડો થયો નથી. માત્ર બ્રિટનમાં જ લગભગ એક કરોડ પાલતુ બિલાડીઓ હોવાનું માનવામાં આવે છે.

2012માં કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, બ્રિટનના પ્રત્યેક ચોથા ઘરમાં બિલાડી પાળવામાં આવે છે.

બિલાડીઓને પાળવામાં આવતી હોવાનો સૌપ્રથમ સંકેત મધ્ય-પૂર્વના દેશોમાંથી મળે છે. એ સંકેત આજથી લગભગ 10,000 વર્ષ પહેલાંના એટલે કે નિયોલિથિક યુગનો છે.

અનાજના રક્ષણ માટે બિલાડીનો ઉપયોગ

નિયોલિથિક યુગમાં લોકો અનાજનાં ભંડારો તથા ખેતરોના રક્ષણ માટે બિલાડીઓની મદદ લેતા. ઉંદર અને બીજાં પ્રાણીઓને અનાજથી દૂર રાખવા માટે બિલાડી પાળવામાં આવતી હતી.

તેનો અર્થ એ થયો કે માણસે જંગલી બિલાડી સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું ત્યારથી જ એ સંબંધમાં થોડું અંતર હતું. બિલાડીઓની સરખામણીએ કૂતરાં સાથેનો આપણા પૂર્વજોનો સંબંધ ઘનિષ્ઠ હતો.

કૂતરાં તેમને શિકારમાં મદદ કરતાં અને શિકારનો કેટલોક ભાગ પોતાને મળશે એવી આશા રાખતા.

આપણા ઘરના સોફા પર બેસીને ઘૂરતી કે ઊંચા કબાટ પર ચડીને નીચેની ગતિવિધિ નિહાળતી બિલાડીના ઘણા ગુણ તેના પૂર્વજો જેવા હતા.

શિકાર કરવાની ઇચ્છા, પોતાના પ્રદેશ પર ચાંપતી નજર અને બીજી ઘૂસણખોર બિલાડીઓને પ્રવેશતાં રોકવાની આદતો પૂર્વજો પાસેથી કેળવી છે.

બિલાડીએ એ આદતો આજે પણ યથાવત્ રાખી છે, જ્યારે કૂતરાં તેમના જંગલી દૌરનાં લક્ષણો ભૂલી ગયાં છે. આપણે બિલાડીને પાલતું પ્રાણી ભલે બનાવી, પણ તેનામાં જંગલી દૌરનાં લક્ષણ આજે પણ જોવાં મળે છે.

કૂતરાંથી બિલાડી અલગ કેવી રીતે?

ઇન્ટરનેશનલ કેટ કૅરનાં ટ્રસ્ટી કેરેન હાયસ્ટેંડ કહે છે કે "વાસ્તવમાં બિલાડીઓ અંગે માણસજાતમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. કૂતરાં અને માણસના ઘણા ગુણ એકસરખા છે અને બન્ને લાંબા સમયથી એકમેકની સાથે રહેતા આવ્યા છે."

"એક રીતે માણસો અને કૂતરાંનો જૈવિક વિકાસ સાથેસાથે જ થયો છે, જ્યારે બિલાડીઓ સાથેનો આપણો સંબંધ તાજેતરનો છે. બિલાડી એક એવા પૂર્વજની વંશજ છે, જે સામાજિક પ્રાણી નથી."

આજે આપણે જે બિલાડીને પાળીએ છીએ તેની પૂર્વજ પૂર્વ આફ્રિકામાંની જંગલી બિલાડી છે, જે માણસોની ભીડથી દૂર રહે છે. જાતીય સંબંધ બાંધવાની જરૂર પડે ત્યારે જ એ બિલાડી અન્ય બિલાડીની નજીક જાય છે.

કેરેન હાયસ્ટેંડ કહે છે કે "બધાં જંગલી પ્રાણીઓમાં બિલાડી જ એક એવું પ્રાણી છે, જેને માણસે પાળ્યું છે."

બિલાડીને સમજી શક્યો છે માણસ?

બિલાડી એકાકી જીવન જીવતું પ્રાણી છે એટલે આપણે તેના સંકેતોને ખોટી રીતે સમજ્યા છીએ અને એ વાતમાં ઘણી સચ્ચાઈ છે.

કેરેન હાયસ્ટેંડ કહે છે કે "બિલાડીઓ આત્મનિર્ભર હોય છે અને પોતાની સંભાળ રાખી શકે છે. તેથી પાલતું પ્રાણી તરીકે તેની લોકપ્રિયતા વધી રહી છે, પરંતુ તેની રહેણીકરણી આપણા જેવી નથી એ અલગ બાબત છે."

"માણસ હંમેશાં એવું ઇચ્છે છે કે બિલાડીનું વર્તન કૂતરાં જેવું જ હોય, પણ બિલાડી એવી નથી."

બિલાડીઓના ભાવવિશ્વ અને તેની સામાજિકતા બાબતે બહુ ઓછું સંશોધન થયું છે. અલબત્ત, તાજેતરના દિવસોમાં એ પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ એ અત્યારે પ્રારંભિક છે. આ રિસર્ચથી સંકેત મળે છે કે બિલાડીઓનું માણસ પ્રત્યેનું વર્તન ગૂંચવાડાભર્યું રહ્યું છે.

કેરેન હાયસ્ટેંડ કહે છે કે "બિલાડીઓના વર્તનમાં બહુ ઉતારચઢાવ જોવા મળે છે. તેમાં કેટલાક અંશે તેમના જિન્સ જવાબદાર છે અને કેટલોક આધાર માણસની નજીક જવાના તેના છથી આઠ સપ્તાહના અનુભવ પર પણ હોય છે."

"શરૂઆતના દૌરમાં બિલાડીઓને એમ લાગે કે તેમનો અનુભવ સારો છે તો તેને માણસ ગમવા લાગે છે અને તેની સાથે વધુ સમય પસાર કરે છે."

માણસને જોઈને બિલાડી શા માટે ભાગે છે?

બિલાડીને પાળવાનું અલગ કારણ પણ છે. બિલાડી માણસથી છુપાઈને રહે છે અથવા માણસને જોઈને દૂર ભાગે છે. એ સમયે તેનું વર્તન તેનાં જંગલી સંબંધીઓ જેવું જ હોય છે.

બિલાડીઓનો સ્થાનિક લોકો સાથે એવો સંબંધ બંધાઈ જાય છે કે એ તેના હાથેથી આરામથી ખાવાનું ખાઈ લે છે.

તુર્કીના ઇસ્તંબૂલ શહેરમાં લોકો બિલાડીઓને ખોરાક આપે છે અને તેમની સંભાળ રાખે છે. આજે એ બિલાડીઓ ઇસ્તંબૂલની ઓળખનો હિસ્સો બની ગઈ છે. ઇસ્તંબૂલની બિલાડીઓ પર તાજેતરમાં એક ડૉક્યુમૅન્ટરી ફિલ્મ પણ બની છે.

આપણી સાથે રહેતી બિલાડીઓના માણસ સાથેના સંબંધનું પણ એક અલગ કારણ છે. કેટલીક બિલાડીઓ માણસથી દૂર રહે છે, જ્યારે કેટલીક એવી હોય છે જે માણસને જોઈને તેની નજીક આવે છે.

પાળેલી બિલાડી સાથે સંબંધ કઈ રીતે બંધાય?

આપણે પાળેલી બિલાડી સાથે મજબૂત સંબંધ બાંધવા ઇચ્છતા હોઈએ તો આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

કૂતરાંની માફક બિલાડી પણ અનેક સંકેત કોઈ અવાજ કાઢ્યા વિના તેના શરીરના માધ્યમથી આપતી હોય છે.

બિલાડીઓના વર્તન વિશે સંશોધન કરતા ક્રિસ્ટિન વાઈટેલ કહે છે કે "પાળેલાં કૂતરાંની સરખામણીએ બિલાડીની બૉડી લૅંગ્વેજને સમજવું ઘણા માણસો માટે મુશ્કેલ હોય છે. તેમાં બિલાડીની કોઈ ભૂલ નથી."

કૂતરાં અને બિલાડી વચ્ચે પાયાનો ફરક

વાસ્તવમાં કૂતરાં અને બિલાડીઓ વચ્ચે એક પાયાના ગુણનો ફરક છે, જેને કારણે કૂતરાં માણસની વધુ નજીક આવી ગયાં છે.

બ્રિટનની એક પૉર્ટ્સમાઉથ યુનિવર્સિટીના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કૂતરાંએ નવજાત બાળકોની નકલ કરવાનું શીખી લીધું છે. એ કારણે કૂતરાં માણસોનું ધ્યાન ખેંચવામાં અને તેમનો પ્રેમ પામવામાં સફળ થાય છે.

કૂતરાંની ભ્રમર નીચે એક માંસપેશીનો વિકાસ તેનું કારણ છે. તેની મદદથી પાલતું કૂતરાં માસૂમ લાગે એવો હાવભાવ મોં પર લાવી શકે છે.

કૂતરાંની જંગલી જાત એટલે કે વરુની ભ્રમરોમાં એ માંસપેશી જોવા મળતી નથી, જ્યારે બિલાડીમાં એ માંસપેશીનો વિકાસ થયો નથી. તેનું પરિણામ એ આવ્યું છે કે બિલાડી આપણી સામે જોતી હોય તેને આપણે તેનું ઘૂરકવું સમજીએ છીએ.

બિલાડીના ખાસ શારાનો શું અર્થ?

બે બિલાડી સામસામે ઘૂરકતી જોવા મળે એનો અર્થ એ કે બન્ને વચ્ચે ટૂંક સમયમાં ઝઘડો થશે, પરંતુ ધીમેધીમે આંખો ચમકાવીને જોતી બિલાડી વાસ્તવમાં એવો સંકેત આપે છે કે તે તમને પ્રેમ કરે છે.

બિલાડી તેનું માથું એક તરફ ઝુકાવી લે એ તેના નિશ્ચિંતતાનો સંકેત હોય છે.

ક્રિસ્ટિન વાઈટેલ અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના એક સંશોધનના તારણ વિશે જણાવે છે. એ પ્રયોગમાં પાળેલાં કૂતરાં અને બિલાડીનો માલિક તેમને એક ઓરડામાં પૂરીને ચાલ્યો ગયો હતો.

માલિક પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે જે બિલાડી સલામતી અનુભવતી હતી તેણે માલિકનું સ્વાગત કર્યું હતું અને પછી ઓરડામાં ટહેલવા લાગી હતી. કૂતરાંએ પણ આવું જ કર્યું હતું.

સંશોધકોના જણાવ્યા અનુસાર, આ ઘટનાને કૂતરાં-બિલાડીનો તેમના માલિક પ્રત્યેનો સલામતીપૂર્ણ લગાવ કહી શકાય. તેમનો માલિક પાછો ફર્યો ત્યારે આ કૂતરાં-બિલાડીએ પોતાના વર્તન વડે માલિક સાથેનો મજબૂત સંબંધ અભિવ્યક્ત કર્યો હતો.

બિલાડીના વર્તનને જાણો

ક્રિસ્ટિન વાઈટેલ જણાવે છે કે પ્રાણીઓના વર્તન સંદર્ભે વાસ્તવમાં માણસોની અપેક્ષા જ વધુ પડતી હોય છે. એ કારણે બિલાડી પાસે કૂતરાં જેવા વર્તનની આશા રાખવામાં આવે છે.

માલિક તરીકે આપણને અપેક્ષા હોય છે કે આપણે ઘરે પહોંચીએ ત્યારે એ આપણને વળગી પડે. આવી અપેક્ષા રાખીને આપણે તેને તેના કુદરતી વર્તન કરતાં અલગ વર્તન કરવા માટે મજબૂર કરીએ છીએ.

કેરેન હાઈસ્ટેંડ જણાવે છે કે બિલાડીનું વર્તન એવું ક્યારેય રહ્યું નથી. ઘણા જાણકારોને બિલાડીઓના અસલ મિજાજની ખબર હોતી નથી. તેઓ બિલાડીની બૉડી લૅંગ્વેજને સમજી શકતા નથી.

બિલાડી તેનું શરીર તમારા શરીર સાથે ઘસે તેનો અર્થ શું?

બિલાડી તેમના માલિકના શરીર સાથે પોતાનું શરીર ઘસે તેનો અર્થ શું થાય? તેનો અર્થ એ કે બિલાડીઓ પોતાના વિસ્તારની હદ નક્કી કરી રહી છે.

જંગલી બિલાડી ઝાડ સાથે પોતાનું શરીર ઘસીને આવું જ કરતી હોય છે, પણ પાળેલી બિલાડી માણસો સાથે આવું કરે તો એ તેમનો લગાવ દેખાડવાનો સંકેત હોય છે.

બિલાડી વાસ્તવમાં તેના શરીરની ગંધ માણસના શરીરમાં મોકલે છે અને માલિકના શરીરની ગંધ પોતાની શરીર પર લગાવે છે.

જંગલી બિલાડી સાથે સંબંધ હોય એ બિલાડી પણ તેની સાથે આવું કરતી હોય છે.

હકીકતમાં આ કામ બન્નેના શરીરની ગંધને મેળવીને એક એવી ગંધ તૈયાર કરવાનો ઇરાદા હોય છે, જે દુશ્મન અને દોસ્ત વચ્ચેનો ફરક દર્શાવે.

બિલાડીનું મૌન શું કહેતું હોય છે?

કેરેન હાઈસ્ટેંડના જણાવ્યા મુજબ, સહજ ભાવ સાથે બેઠેલી બિલાડી તમારી સાથે ગાઢ સંબંધ બાંધવાની ઇચ્છા દર્શાવે છે.

એ બિલાડીઓને શિસ્તબદ્ધ રહેવાનું પસંદ હોય છે. એ તેમનું ખાવા-પીવાનું યોગ્ય સમયે તથા યોગ્ય જગ્યાએ ઇચ્છતી હોય છે અને ગંદકી સાફ કરવાથી ખુશ થતી હોય છે.

તેમની જરૂરિયાતની દરેક ચીજ યોગ્ય રીતે થતી હોય છે. એ પછી બિલાડીઓ માણસ સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતી હોય છે.

હવે જ્યારે તમે ઘરે પહોંચો અને જુઓ કે તમારી પ્યારી બિલાડી સોફા પર બેસીને તમને નિહાળી રહી છે કે બગાસું ખાઈ રહી છે ત્યારે નિરાશ ન થતા.

હકીકતમાં એ બિલાડી તમને એવું જણાવવા ઇચ્છે છે કે તમને જોઈને તેને આનંદ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો