વિશ્વ સાપ દિવસ : સાપનું એ ઝેર જે લોકોને મરતા બચાવે છે

    • લેેખક, એલ્ફી શૉ
    • પદ, બીબીસી અર્થ

ઝેરના જોખમ અંગે તો પૂરતા પ્રમાણમાં દસ્તાવેજીકરણ કરાયું છે, પરંતુ આ ઝેરી તત્ત્વોના જીવનરક્ષક ગુણો વિશે બહુ ઓછા લોકોને ખબર હશે.

ટૉક્સિકોલૉજિસ્ટ ડૉ. ઝૉલ્ટન ટકાસ જણાવે છે કે 'ઝેરના કણો એ પૃથ્વી પર રહેલા એક માત્ર એવા કણો છે જે એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કોઈનું મૃત્યુ નીપજાવી શકે છે, આ ઉત્ક્રાંતિની એક ભેટ છે.'

ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ટ્રૉપિકલ મેડિસિનના નિષ્ણાત ડૅવિડ વૉરેલના અંદાજ પ્રમાણે, વર્ષ 2015માં વિશ્વમાં સાપ કરડવાને કારણે લગભગ બે લાખ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

એ જાણીને આશ્ચર્ય થશે કે ઝેરનું મારણ શોધવાનો સંઘર્ષ હજુ પણ ચાલુ છે.

જોકે, સંશોધકોને જાણવા મળ્યું છે કે ઝેરમાં મળતાં ઘણાં રસાયણો કેટલીક બીમારીઓના ઇલાજમાં ઉપયોગી સાબિત થઈ શકે છે અને અલબત્ત ઘણી બધી ઝેરઆધારિત દવાઓ હાલ ઉપયોગમાં પણ લેવાઈ રહી છે.

સાપના વિષની વ્યાખ્યામાં ઘણાં અલગઅલગ પ્રકારનાં ઝેરોનો સમાવેશ થઈ જાય છે.

જે પૈકી ઘણાં તાત્કાલિક મોત નીપજાવી શકે છે તો કેટલાંકને મોત નીપજાવવામાં સમય લાગે છે.

મોટા ભાગના સાપ સીરિંજ કે સોય પ્રકારના દાંત મારફતે ઝેર બહાર કાઢે છે.

સાપ શિકારને બચકું ભરી પોતાના અણીદાર દાંત મારફતે ઝેર શિકારના શરીરમાં ઉતારી દે છે. જ્યાંથી તે સીધું જ શિકારના રક્તપ્રવાહમાં ભળી જાય છે. પરંતુ મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા જેવા કેટલાક સાપ પોતાના શિકાર તરફ ઝેર થૂંકે છે.

ઘણાં પ્રકારનાં અલગઅલગ ઝેર હોવાને કારણે દરેક ઝેર જુદાજુદા પ્રકારના રોગો માટે ઉપયોગી સાબિત થાય છે.

હાલ હૃદયની ધમનીઓને લગતી સ્વાસ્થ્યસમસ્યાઓના ઉપચાર માટે સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે.

ટકાસ જણાવે છે કે, 'સાપનાં ઝેર ઉચ્ચ રક્તચાપ, હૃદયરોગ વગેરેની દવા માટે એક વિશિષ્ટ સામગ્રી સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.'

જરારાકા પીટ વાઇપર સાપના ઝેરમાંથી બનતી એન્જીઓટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ થકી આ સામે માનવઇતિહાસમાં કોઈ પણ પ્રાણી કરતાં વધારે માનવજીવ બચાવ્યા છે.

કોમોડો ડ્રૅગન

કોમોડો ડ્રૅગનની વિષગ્રંથિ સાપ કરતાં અલગ રીતે કામ કરે છે. સાપની જેમ અણીયાળ દાંત શરીરમાં ખોસી પોતાના શિકારની અંદર ઝેર નાખવાને બદલે કોમોડો ડ્રૅગન અલગ રીત અપનાવે છે.

કોમોડો ડ્રૅગન પોતાનાં જડબાં વડે શિકાર પર હુમલો કરે ત્યારે ઝેર તેના દાંત વચ્ચે રહેલી ગ્રંથિમાંથી ઝરે છે. ઝેર શિકારના લોહીમાં ભળી જઈ તેને ગંઠાતું અટકાવે છે.

આ કારણે જ ડ્ર્રૅગનના શિકારનું લોહી સતત વહેતું રહે છે.

ભલે તેનું આ ઝેર તેના શિકાર માટે ઘાતક હોય, પરંતુ લોહીને ગંઠાવા ન દેતી આ ઝેરની ખાસિયત ઘણા તબીબી ઉપચારોમાં કામ લાગી શકે છે.

વીંછીનો ડંખ

આ ઝેર સ્ટ્રોક, હૃદયાઘાત અને પલ્મનરી ઍમ્બોલિઝ્મ જેવા રોગોના ઉપચારમાં ઉપયોગી નીવડે છે. વીંછી એક અંદાજ પ્રમાણે દર વર્ષે લગભગ 12 લાખ લોકોને ડંખે છે.

વર્ષ 2008ના એક અભ્યાસ અનુસાર વીંછીના ડંખને કારણે દર વર્ષ લગભગ 3250 જેટલાં મૃત્યુ થતાં હતાં. ડેથસ્ટૉકર સ્કોર્પિયન જેવું ખતરનાક નામ અને ઝેર ધરાવતો વીંછી આશ્ચર્યજનક રીતે કૅન્સરના ઇલાજમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

ડેથસ્ટૉકર વીંછીના ઝેરમાં ક્લૉરોટોક્સિન નામનું તત્ત્વ હોય છે, જે કૅન્સરના નિદાન અને ગાંઠની સારવાર માટે ઉપયોગી નીવડે છે.

નૉર્ધર્ન શૉર્ટ ટૉઇલ્ડ શ્રુ એટલે કે છંછુદર

આમ તો સસ્તન પ્રાણીઓ મોટા ભાગે બિનઝેરી હોય છે પરંતુ નોર્ધર્ન શૉર્ટ ટેઇલ્ડ શ્રુ એટલે કે છંછુદરના શરીરમાં રહેલા ઝેરથી ભલે કોઈનું મોત ન થાય પણ એ ચોક્કસથી તેના શિકારને દુખાવો અને સોજાની ઉપાધી આપી શકે છે.

છંછુદર તેના ઝેરના કારણે વધુ ભલે કુખ્યાત ન હોય, પરંતુ વૈજ્ઞાનિકોનું ધ્યાન તેના પર પડી ચૂક્યું છે.

છછુંદરનું ઝેર પણ કૅન્સરના નિદાન માટે ઉપયોગી મનાય છે.

ટકાસ જણાવે છે કે આ છંછુદરનું ઝેર કૅન્સરની સારવાર માટે એટલા માટે પણ ઉપયોગી હોઈ શકે કે કેટલાંક ટ્યૂમર આ ઝેરના પ્રાકૃતિક શિકાર ગણાય છે.

'તમામ સામ્યતાઓને ભેગી કરી, આ ઝેર કૅન્સરની સારવાર અને નિદાન માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો