કોરોના વાઇરસ એ છેલ્લી મહામારી નથી, હજી પણ મહામારીઓ આવી શકે છે

    • લેેખક, વિક્ટોરિયા ગિલ
    • પદ, વિજ્ઞાન સંવાદદાતા

વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે વન્ય પ્રાણીઓમાંથી બીમારીઓ માણસોમાં પહોંચીને સમગ્ર દુનિયામાં ફેલાય તે માટે માનવજાતે એક ઉપયુક્ત પરિસ્થિતિ ઉત્પન્ન કરી દીધી છે.

પ્રાકૃતિક દુનિયામાં માનવજાતના અતિક્રમણથી આ પરિસ્થિતિને વધારે સારી બની ગઈ છે.

આ વાત નવા રોગોના ફેલાવવાની પ્રક્રિયાનું અધ્યયન કરનાર વૈશ્વિક આરોગ્ય નિષ્ણાતો કહે છે.

આ પ્રક્રિયામાં નિષ્ણાતોએ એક પૅટર્ન રૅક્ગનિશન સિસ્ટમ વિકસિત કરી છે જે વન્ય પ્રાણીઓથી જોડાયેલી કોઈ પણ બીમારી માનવજાત માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે તે નક્કી કરે છે.

યુનિવર્સિટી ઑફ લિવરપુલના વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં આ વૈશ્વિક પ્રયાસ હેઠળ ભવિષ્યની મહામારીઓ માટે વધારે સારી રીતે તૈયારી થઈ શકે તેવા રસ્તા વિકસિત કરવામાં આવી રહ્યા છે.

‘પાંચ વખત બચ્યા પરંતુ...’

યુનિવર્સિટી ઑફ લિવરપુલના પ્રોફેસર મૅથ્યૂ બેલિસ કહે છે, “ગત પાંચ વર્ષોમાં આપણી સામે સાર્સ, મર્સ, ઇબોલા, એવિએન, ઈંફ્લુએન્ઝા અને સ્વાઇન ફ્લુ રૂપે પાંચ મોટાં જોખમ આવ્યાં. આપણે પાંચ વખત બચ્યાં પરંતુ છઠી વખત ન બચી શક્યા.”

તેમણે કહ્યું, “આ છેલ્લી મહામારી નથી. આપણે વન્ય પ્રાણીઓ સાથે જોડાયેલા રોગો પર વિશેષ અધ્યયન કરવાની જરૂર છે.”

બેલિસ અને તેમના સાથીઓએ ઝીણવટથી અધ્યયન કરી પ્રિડિક્ટિવ પૅટર્ન રૅકગ્નિશન સિસ્ટમ તૈયાર કરી છે જે વન્ય પ્રાણીઓથી જોડાયેલી બધી ઓળખી શકાય એવી બીમારીઓનો ડેટાબેઝ તપાસી શકે છે.

આ સિસ્ટમ હજારો જીવાણુઓ, પરજીવીઓ અને વિષાણુઓનું અધ્યયન કરીને જાણી શકે છે કે તે કેટલી અને કઈ પ્રકારની પ્રજાતિને સંક્રમિત કરી શકે છે.

આ સિસ્ટમ નક્કી કરશે કે કયો રોગ માનવ માટે કેટલો જોખમી હોઈ શકે છે.

કોઈ પૅથોજેનને પ્રાથમિકતાના ક્રમમાં ઉપર રાખવામાં આવ્યો છે તો વૈજ્ઞાનિકો તેનાથી બચાવ અને સારવારની શોધ માટે મહામારી ફેલાય તે અગાઉથી અધ્યયન શરૂ કરી શકે છે.

પ્રોફેસર બેલિસ કહે છે, “કયો રોગ મહામારીનું સ્વરૂપ લઈ શકશે એ બીજા ક્રમનું કામ છે. હાલ અમે પ્રથમ ક્રમનું કામ કરી રહ્યા છે.”

લૉકડાઉને શું શીખવ્યું?

કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જંગલોને કપાવા અને વિવિધતાસભર વન્યસૃષ્ટિમાં માનવનું અતિક્રમણ કરવાનું વલણ જ પ્રાણીઓમાંથી માણસોમાં રોગ પ્રસરવા માટે જવાબદાર છે.

યુનિવર્સિટી કૉલજ લંડનના પ્રોફેસર કેટ જૉન્સ કહે છે, “એવું પ્રમાણ છે કે ઓછી જૈવિકવિવિધતા વાળા માનવ તરફથી બદલવામાં આવેલ ઇકોસિસ્ટમ જેમકે ખેતર અને બાગ-બગીચામાં માણસના ચેપગ્રસ્ત થવાનો ખતરો વધારે હોય છે.”

પરંતુ તેઓ કહે છે, “બધી બાબતોમાં આવું જ હોય તે જરૂરી નથી. પરંતુ એવી વન્ય પ્રજાતિઓ જે મનુષ્યની હાજરી પ્રત્યે સહનશીલતા રાખે છે જેમકે રોડેન્ટ પ્રજાતિ (ઉંદર વગેરે) પૅથોજેનને સંભાળીને રાખે છે જે સંક્રમણ ફેલાવવામાં પ્રભાવક હોય છે.”

તેમનું કહેવું છે, “જૈવ-વિવિધતાની કમીને કારણે એવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે કે મનુષ્યો તથા જાનવરો સંપર્ક વધે અને અમુક નિશ્ચિત વિષાણુઓ, જીવાણુઓ અને પરજીવીઓને મનુષ્યોને સંક્રમિત કરવાનો મોકો મળે.”

વાઇરસની શરૂઆત

અમુક રોગોએ આ જોખમને સ્પષ્ટપણે દેખાડ્યું છે. વર્ષ 1999માં મલેશિયામાં ફેલાયેલો નિપાહ વાઇરસ ચામાચીડિયામાંથી સૂવરમાં પ્રવેશ્યો હતો.

ખરેખર, આ વાઇરસની શરૂઆત જંગલ પાસે આવેલા એક ડુક્કરવાડામાં થઈ હતી.

ચામાચીડિયાએ ડુક્કરવાડામાં હાજર એક ઝાડ પર લાગેલું ફળ ખાધું. પરંતુ આ દરમિયાન ચામાચીડિયાનું ખાધેલું તથા તેમની લાળમાં લપેટાયેલું ફળ ડુક્કરવાડામાં પડી ગયું. ત્યાર પછી ત્યાં હાજર ભુંડોએ એ ફળ ખાઈ લીધું.

આ વાઇરસથી સંક્રમિત થયેલા ભુંડના સંપર્કમાં કામ કરતા 250 લોકો ચેપગ્રસ્ત થયાં અને એકસોથી વધારે લોકો મૃત્યુ પામ્યા.

કોરોના વાઇરસ મહામારીના મૃત્યુ દરનું આકલન હજી ચાલુ છે પરંતુ વર્તમાન આકલન મુજબ મૃત્યુદર એક ટકા જેટલો છે. જ્યારે નિપાહ વાઇરસનો મૃત્યુ દર 40થી 75 ટકા છે. એટલે આ વાઇરસથી ચેપગ્રસ્ત થનાર સોમાંથી 40થી 75 લોકો મરી જતા હતા.

બીમારી ફેલાવાની સંભાવના

લિવરપૂલ યુનિવર્સિટી અને ઇન્ટરનૅશનલ લાઇવ સ્ટૉક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે, સંશોધકોએ જે વિસ્તારથી વાઇરસ ફેલાવાનો ખતરો વધારે હોય તેની સતત સજાગ રહેવાની જરૂર છે.

જંગલોને અડીને આવેલા ખેતર અને પશુબજાર એવી જગ્યાઓ છે જ્યાં મનુષ્ય અને વન્ય પ્રાણીઓ વચ્ચે અંતર ઓછું હોય છે અને અહીં રોગ ફેલાવાની શક્યતા વધારે હોય છે.

પ્રોફેસર ફીવરી કહે છે કે “આપણે આવી જગ્યાઓને લઈને સચેત રહેવાની જરૂર છે અને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈ વિચિત્ર બનાવ જેમકે કોઈ બીમારી ફેલાય તો તરત પ્રતિક્રિયા આપી શકીએ.”

તેઓ કહે છે કે “મનુષ્યોમાં દર ત્રણથી ચાર વર્ષે નવો રોગ સામે આવે છે અને આ માત્ર એશિયા કે આફ્રિકામાં નહીં પરંતુ યુરોપ અને અમેરિકામાં પણ થાય છે.”

બીમારી વારંવાર આવી શકે છે...

બેલિસ કહે છે કે નવા રોગ પર સતત નજર રાખવી બહુ જરૂરી છે કારણકે આપણે એક મહામારી માટે ઉપયુક્ત સ્થિતિ ઉત્પન્ન પેદા કરી છે.

પ્રોફેસર ફીવરી માને છે કે આ પ્રકારની બીમારી વારંવાર આવી શકે છે.

તેઓ કહે છે, “પ્રાકૃતિક દુનિયા સાથે આપણા સંપર્કની પ્રક્રિયામાં આવું થતું હોય છે. અત્યારે અગત્યની વાત એ છે કે આપણે કેવી રીતે સમજીને પ્રતિક્રિયા આપીએ. વર્તમાન સમસ્યા પ્રાકૃતિક દુનિયા પર આપણા પ્રભાવનું પરિણામ દર્શાવે છે.”

“આપણે જે પણ વસ્તુને વાપરીએ તેના માટે આભારી નથી હોતા- આપણે જે ખાઈએ છીએ, આપણા સ્માર્ટફોનમાં જે વસ્તુઓ વપરાય છે, આપણે જેટલો ઉપભોગ કરશું, એટલું જ કોઈ જમીનમાંથી સાધનો ખોદીને પૈસા કમાશે.”

તેઓ કહે છે કે “આપણે જે સંસાધનોનો ઉપભોગ કરીએ છીએ, તેનાથી શું અસર ઊભી થઈ શકે છે એ આપણે સમજીએ એ જરૂરી છે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો