'એ કૉમ્પ્યૂટર-વાઇરસ જેના લીધે મારો હાથ બળી ગયો'

    • લેેખક, જો ટિડી
    • પદ, સાઇબર સિક્યૉરિટી સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

એક દુશ્મન અચાનક બારીમાંથી ઘૂસી આવ્યો. અબ્દુલ રહેમાન તેમની ટીમને બચાવવા અને સૈનિકનો સામનો કરવા ગોળ ફરી ગયા.

તેમણે એક ઘાતક નિશાન તાકવા આંખો સ્થિર કરી અને ટ્રિગર દબાવ્યું, પરંતુ તેમની સ્ક્રીન બ્લૅક થઈ ગઈ.

તેમનું કમ્પ્યુટર કોઈ પણ સૂચના આપ્યા વગર હળવેથી અચાનક બંધ થઈ ગયું.

અબ્દુલ રહેમાન મૂંઝાઈ ગયા. જે ગેમ તેઓ રમી રહ્યા હતા તેમાં અગાઉ ક્યારે આવી સમસ્યા નહોતી સર્જાઈ.

તેમણે નીચે વળી તેમના કમ્પ્યુટરમાં જોયું જેને તેઓ બેડરૂમમાં ઉઘાડું જ રાખતા‌.

તેમણે કમ્પ્યુટરના એક ભાગને હાથ અડાડ્યો પણ ઝટકા સાથે પાછો ખેંચી લીધો.

ગ્રાફિક્સ કાર્ડ એટલું ગરમ થઈ ગયું હતું કે તેમનો હાથ દાઝી ગયો.

શૅફિલ્ડના 18 વર્ષના યુવકને હજુ અંદાજ નહોતો પણ તેની આ નાનકડી ઈજા ક્રિપ્ટો-જૅકિંગને કારણે થઈ હતી.

બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીને એકઠી કરવા માટે કોઈ અન્યના કમ્પ્યુટરનો ગેરકાયદે ઉપયોગ કરવાને ક્રિપ્ટો-જૅકિંગ કહેવામાં આવે છે.

ક્રિપ્ટો-જૅકિંગની રહસ્યમય દુનિયા

વિશ્વભરમાં એક અંદાજ પ્રમાણે ચાર કરોડ 70 લાખથી પણ વધુ ક્રિપ્ટોકરન્સી યૂઝર્સ છે. જોકે તેઓ ઓળખ છુપાવતા હોવાને કારણે તેમની સાચી સંખ્યા જાણવી મુશ્કેલ છે.

આ યૂઝર્સ માઇનિંગ તરીકે ઓળખાતી જટિલ પ્રક્રિયા દ્વારા વર્ચ્યુઅલ કોઇન ભેગા કરે છે, જેમાં કમ્પ્યુટરને શ્રેણીબદ્ધ ગાણિતિક દાખલાઓમાંથી પસાર કરાવાય છે.

ક્રિપ્ટો-જૅકિંગ ઑપરેશનમાં હૅકર તેમનાં લક્ષ્યોને છેતરીને અવાંછિત ફાઇલ ડાઉનલૉડ કરાવે છે અને તેમના કમ્પ્યુટરને આવા ક્રિપ્ટોકોઇન માઇન કરવા માટે દબાણ કરે છે અને આ કોઈનને મેળવીને હૅકર્સ ક્રિપ્ટોકરન્સીના ચલણવાળી જગ્યા ઉપર તેને ખર્ચ કરે છે અથવા તેને મુખ્ય પ્રવાહના ચલણમાં પરિવર્તિત કરી દે છે.

ક્રિપ્ટો-જૅકિંગના હુમલાઓ ભોગ બનનારનું વીજળીબિલ વધી જાય છે અને ન માત્ર તેમના કમ્પ્યુટરને ધીમા પાડી દે છે, પણ તેને રિપેર ન કરી શકાય તેવી ક્ષતિ પહોંચાડે છે.

પાછલા અઠવાડિયે હૅકર્સે ક્રિપ્ટો-જૅકિંગ હુમલાઓ માટે તેમને લક્ષ્ય બનાવ્યાં બાદ યુરોપભરમાં આવાં ઓછામાં ઓછાં ડઝન સુપરકમ્પ્યુટર બંધ કરી દેવાં પડ્યાં હતાં.

અબ્દુલ રહેમાનને ખબર ન પડી કે કઈ રીતે હૅકર્સે તેની સિસ્ટમમાં પ્રવેશ કર્યો.

તેમનું માનવું છે કે કદાચ ત્રણ અઠવાડિયાં પહેલાં તેમણે કોઈ વાઇરસવાળી ફાઇલ ડાઉનલોડ કરી દીધી હતી જે બાદ તેના કમ્પ્યુટરમાં કેટલીક અલગ વિચિત્ર વર્તણૂક જણાઈ હતી.

તેમણે કહ્યું હતું કે જ્યારે પણ હું મારા પીસીને સ્લીપ મોડમાં મૂકતો ત્યારે સ્ક્રીન બ્લૅક થઈ જતી, તેમ છતાં હું અંદરના પંખાના ફરવાનો અવાજ સાંભળી શકતો અને જ્યારે હું પરત ફરતો ત્યારે મારું મુખ્ય લૉગઇન પેજ પણ ગાયબ જણાતું. હકીકતમાં મારું પીસી સ્લીપ મોડમાં જતું ન હતું.

જ્યારે તેમના હાથ દાઝી ગયા ત્યારે પણ તેમને એ અંદાજ ન આવ્યો કે તેઓ હૅકિંગનો ભોગ બન્યા છે.

અજાણી વ્યક્તિ હૅકર્સના ડિજિટલ વૉલેટ ભરી રહી છે

તેઓ યાદ કરતાં કહે છે કે હું કમ્પ્યુટરની ગતિવિધિ પર નજર રાખતા એક પ્રોગ્રામ સાથે રમી રહ્યો હતો અને ત્યારે બધું સામાન્ય જણાતું હતું, પરંતુ મેં અજાણતા આખી રાત કમ્પ્યુટરને ઑન રાખી દીધું.

"જ્યારે હું કામ માટે ફરી કમ્પ્યુટર પર બેઠો ત્યારે મેં જોયું કે મારું કમ્પ્યુટર એવી કોઈ અજાણી વેબસાઇટ પર ઢગલાબંધ માહિતી મોકલી રહ્યું હતું જે વેબસાઇટ પર હું ક્યારેય ગયો જ ન હતો કે ન તો મેં ક્યારેય એના વિશે સાંભળ્યું હતું.

"આ વેબસાઇટ ક્રિપ્ટોકરન્સી મનેરો(Manero) એકઠી કરવા માટે બનાવાઈ હતી.

હું ચોંકી ગયો અને થોડો શરમાઈ પણ ગયો હતો, કારણ કે મારા પીસીને સુરક્ષિત રાખવાને લઈને હું ગર્વ કરતો હતો. એ જાણવું ખરેખર નિરાશાજનક છે કે મારી જાણ બહાર મારા જ કૉમ્પ્યૂટર પર કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને કોઈ અજાણી વ્યક્તિ છાનીમાની તેના ઉપર ક્રિપ્ટોકરન્સી માઇનિંગ કરી રહી છે, તેના હાર્ડવેર નષ્ટ કરી રહી છે અને મારી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી રહી છે.

અબ્દુલ રહેમાન જેવા તો હજારો ભોગ બનનાર હશે જેઓ અજાણતા જ હૅકર્સના ડિજિટલ વૉલેટ ભરી રહ્યા છે.

પાલો અલ્ટો નેટવર્ક્સના વિશેષજ્ઞ ઍલેક્સ હિંચલિફ્સ કહે છે કે ક્રિપ્ટો જૅકિંગ હુમલાઓ હૅકર્સની ઓળખ છુપાવતી ટેકનિકના ઉપયોગથી વધુ સરળ થઈ ગયા છે.

તેમનું કહેવું છે કે હૅકર્સ વધુમાં વધુ કમ્પ્યુટર સર્વર ક્લાઉડ સર્વિસ, મોબાઇલ ફોનને હૅક કરી શકે છે, જેથી તેઓ છૂપી રીતે બેરોકટોક ક્રિપ્ટો કરન્સીનું જોઈએ તેટલું માઇનિંગ કરી શકે.

ક્રિપ્ટો-જૅકિંગના વધેલા હુમલા

નિષ્ણાતો કહે છે કે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ઉતારચડાવ સાથે ક્રિપ્ટો-જૅકિંગના હુમલાઓમાં વધઘટ જોવા મળે છે. પાલો અલ્ટો નેટવર્ક્સના સંશોધન પ્રમાણે હાલ હુમલાઓમાં વધારો થયો છે.

સાયબરસુરક્ષા નિષ્ણાતો કહે છે કમ્પ્યુટર યૂઝર્સે તેમના કમ્પ્યુટરમાં આવતા નાનામોટા બદલાવો પરત્વે સભાન રહેવું જોઈએ, જેમ કે કમ્પ્યુટરનું ધીમા થવું અથવા તેના સેટિંગ્સમાં બદલાવ.

સિક્યૉરિટી સોફ્ટવૅરનો ઉપયોગ અને નિયમિત રીતે કમ્પ્યુટરનું વાઇરસ સ્કૅનિંગ પણ હિતાવહ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો