એ દિવસે જે બન્યું, તે લૉકડાઉન પહેલાં મારી સાથે ક્યારેય નહોતું બન્યું

લૉકડાઉનમાં તમારી સાથે ઘણુંબધું એવું થયું હશે જે તમે કોઈને જણાવી નહીં શકતા હોવ. બીબીસીએ કેટલાંક અઠવાડિયાં પહેલાં લોકોને તેમના અનુભવો મોકલવાનું કહ્યું હતું.

ઘરમાં બંધ રહેવાને કારણે આપણે બધાને ઘણુંબધું છોડવું પડ્યું. તમારાં કેટલાંક ગિલ્ટ સિક્રેટ પણ હશે જેને તમે કોઈ સાથે શૅર કરવા માગતાં હશો અને તમારામાંથી કેટલાકે નિયમો તોડ્યા હશે. તો કેટલાકે પોતાના માટે નવા નિયમો પણ બનાવ્યા હશે.

અમે તમારી સમક્ષ છ વાચકોની કહાણી મૂકીએ છીએ- અમે તેમની ઓળખ છુપાવી છે.

મેં મારા કામ માટે તૈયાર કરેલું પ્રેઝન્ટેશન મારા પુત્રના હોમવર્ક તરીકે સબમિટ કરી દીધું, કેમ કે તે પોતાનું હોમવર્ક કરવાનું ભૂલી ગયો હતો. આ પ્રેઝન્ટેશન માટે તેનાં ઘણાં વખાણ થયાં હતાં.

મારો પુત્ર નવમા ધોરણમાં ભણે છે અને તેને થોડું હોમવર્ક કરવાનું હતું. સામાન્ય રીતે હું તેની મદદ કરતો હોઉં છું, પરંતુ એ દિવસે હું કામમાં વ્યસ્ત હતો અને તેણે છેલ્લે સુધી તેનું પ્રેઝન્ટેશન બનાવ્યું નહોતું.

હું વિદ્યાર્થીઓને આઈટી ભણાવું છું, માટે મેં તેમના માટે બનાવેલું પ્રેઝન્ટેશન મારા પુત્રને આપ્યું હતું અને કહ્યું કે તેને જોઈને પ્રેઝન્ટેશન બનાવી લે. પણ તેને તેમાં કોઈ ફેરફાર ન કર્યો, માત્ર બહાર લખેલું નામ બદલી નાખ્યું.

તેનાં ટીચરે કહ્યું કે આ ઉંમરનાં બાળકોનું આનાથી સારું કામ ક્યારેય જોયું નથી. તેને આ માટે પૂરા માર્ક્સ મળ્યા અને સ્કૂલ ન્યૂઝલેટરમાં તેનો ઉલ્લેખ પણ થયો.

હવે મારે તેના હોમ-સ્કૂલિંગ વર્ક પર વધુ મહેનત કરવી પડે છે, એટલું જ નહીં તેના માટે મારા મનમાં દુખ પણ છે.

પહેલી વાર મેં આવું કંઈ કર્યું છે. મારો પુત્ર તેને લઈને બહુ ખુશ છે. મેં તેને કહી દીધું કે બસ એક વાર થયું અને પછી ક્યારેય નહીં થાય.

સુપરમાર્કેટથી ડિલિવર થયેલો મારો કરિયાણાંનો સામાન મેં સારી રીતે સાફ કર્યો- માત્ર મારાં સાસુ માટે મંગાવેલા સામાનને છોડીને

હું નસીબદાર છું કે મારું કરિયાણું મારા જ ઘરે પહોંચી ગયું. તેમાં મેં મારાં વૃદ્ધ સાસુ માટે પણ કેટલોક સામાન મંગાવ્યો હતો.

એ પણ માથાકૂટ છે કે દરેક ચીજને ધોવી પડે છે, જેથી બધું સાફ થઈ જાય. મેં મારાં સાસુ માટે મંગાવેલો સામાન ધોયા વિના સીધા થેલીમાં નાખી દીધો અને તેમને આપી દીધો.

થોડી વાર પછી જોયું તો તેઓ બહાર જઈ રહ્યાં હતાં. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે તેમને કોઈ ક્યાંયથી પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે.

પછી મને દુખ થયું. તેઓએ ક્યારેય મને પૂછ્યું જ નહોતું કે શું સામાન આપતાં પહેલાં તેને ડિસઇન્ફેક્ટ કર્યો છે. જો તેઓ કહેતાં તો હું તેમને કહી દેત.

હું બહુ ડરેલી રહું છું. દરેક ચીજને ડિસઇન્ફેક્ટ કરતી રહું છું. આથી મેં વિચાર્યું કે "હું મારો સામાન ડિસઇન્ફેક્ટ કરી લઉં છું અને તેમનો છોડી દઉં છું, તેઓ જાતે કરી લેશે."

હું ગાડી ચલાવીને મારાં દાદા-દાદીના ઘરે 'જરૂરી' બર્થડે કેક આપવા ગયો હતો

એપ્રિલના શરૂઆતમાં મારા બંને દીકરાના જન્મદિવસ હતા અને કોરોનાકાળમાં જરૂરી કારણો સિવાય આપણે ક્યાંય જવા અંગે વિચારવું પણ ન જોઈએ.

તેમ છતાં હું મારા પુત્રોના જન્મદિવસની કેક મારાં દાદા-દાદીને આપવા ગયો, પરંતુ હું તેમને કેક આપીને દરવાજેથી પાછો આવી ગયો હતો.

સામાન્ય રીતે જન્મદિવસે અમારો આખો પરિવાર એકઠો થાય છે, પરંતુ આ વર્ષે એ શક્ય નહોતું.

પરંતુ હવે એ દિવસ અંગે હું ફરી વાર વિચારું છું ત્યારે મને લાગે છે કે બધા આવું કરતા હોત તો આજે જુદી સ્થિતિમાં હોત.

જોકે મને એ અંગે બહુ ખોટું લાગ્યું નહોતું, કેમ કે મારાં દાદા-દાદીને સારું લાગ્યું હતું. તેઓ હળીમળીને રહેનારા માણસો છે અને આ સમયે તેઓ એકદમ અલગ રહે છે, આથી મને થયું કે કેક આપીને તેમને ખુશ કરી દઉં.

મારા પતિ એક વર્ક વીડિયો કૉલ પર હતા ત્યારે મેં કપડાં ઉતારીને મારાં સ્તન દેખાડ્યાં, હું એ ભૂલી ગઈ કે તેમની પાછળ અરિસો હતો

લૉકડાઉન દરમિયાન મારા પતિ ઘરેથી કામ કરતા હતા. તેમની ઑફિસ બોરિંગ લોકોની ભરેલી છે, જે વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે. હું વિચારતી હતી કે જ્યારે તેઓ જરૂરી ટેલિફૉન્ફરન્સ પર હશે, ત્યારે મજાકમાં મારું ટૉપ ઉઠાવીને મારાં સ્તન દેખાડીશ.

અને આવું થોડી વાર માટે નહીં પણ ઘણો સમય સુધી મેં મારું ટૉપ ઉપર કરીને રાખ્યું. પરંતુ પછી સ્થિતિ અસહજ થઈ ગઈ.

મને અહેસાસ થયો કે તેમના માથા પાછળ એક મોટો અરિસો છે અને હું મારા પતિ સામે ઊભી હતી, બિલકુલ તેમની કમ્પ્યુટર સ્ક્રીનની પાછળ. અને આ બધું કરી રહી હતી.

જેટલા પણ લોકો તેમની કૉન્ફરન્સ કૉલમાં હશે, તેઓ તેમના માથા પાછળના અરિસામાં આ બધું જોઈ શક્યા હશે.

મારું મગજ ખરાબ થઈ ગયું કે બધાએ મને જોઈ લીધી હશે.

તેઓએ કશું કહ્યું નહીં હોય પણ બધું જોયું તો હશે. મને લાગે છે કે કેટલાક લોકો આ અંગે વાત પણ કરતા હશે.

મારા પતિએ એવું બતાવ્યું કે કંઈ થયું નથી. ત્યારે તેમને હસવું નહોતું આવ્યું, પણ પછી તેઓ હસી પડ્યા હતા.

મેં એટલો દારૂ પીધો હતો કે હું ભૂલી ગયો કે હું એકલો છું

હું મારા ફ્લેટમાં એકલો રહું છું. જ્યારે મારા દરવાજે કોઈ સામન આપવા માટે આવે છે ત્યારે જ હું કોઈને જોઉં છું.

હું મારા મિત્રો સાથે વીડિયો ચેટ કરતો રહું છું, પરંતુ એ સમયે પણ તેઓ મારી સામે નથી હોતા.

મને એક વાઇન વેબસાઇટ મળી, જેના પર સારો વાઇન વાજબી ભાવે મળતો હતો. મેં ત્યાંથી ઘણો બધો વાઇન ખરીદી લીધો.

જ્યારે એકલતાથી મને કંટાળો આવે ત્યારે હું એક કે બે ગ્લાસ વાઇન પીતો હોઉં છું. ઘણી વાર તો આખી બૉટલ પી જાઉં છું.

આ થોડું દુખદ છે, પરંતુ મને લાગે છે કે આ કંઈક એવું છે કે આપણને ફ્રાઇડે નાઇટ બારમાં જવાની મંજૂરી મળતી હતી. મોટું અંતર એ છે કે હવે બાર મારા ઘરમાં જ છે અને લોકોની ભીડ પણ નથી.

લૉકડાઉનમાં પણ અમે કેટલાક મિત્રોને મળ્યા

હું મારા મિત્ર સાથે એક ફ્લેટમાં રહું છું અને તેનો એક ખાસ મિત્ર રોડની બીજી બાજુ એકલો રહે છે. અમારી એક અન્ય મિત્ર પણ થોડે દૂર એકલી રહી છે. આથી અમે લોકો એકબીજાને મળતાં રહ્યાં.

શરૂઆત ફરવા જવાથી થઈ અને પછી અમે તેના ગાર્ડનમાં બારબેક્યુ ખાધું. પછી મેં મારો જન્મદિવસ મનાવ્યો અને તેઓને ભોજન માટે ઘરે આમંત્રિત કર્યાં.

અમે ચાર વાર મળ્યાં. ત્રણ વાર તો બર્થડે ઉજવવા માટે.

આને થોડું યોગ્ય ગણી શકાય, કેમ કે જે લોકો એકલા રહે છે તેમના માટે ઘણી મુશ્કેલીઓ હોય છે. જોકે એ પણ ખરું કે લૉકડાઉનમાં તો બધા લોકો આવું કારણ આપી શકે છે, આથી મને થોડું દુખ છે.

ચિત્રાંકન : આઇરીન ડે લા ટોર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો