કોરોના મહામારી પર જીતનો દાવો કરી ચૂકેલી નરેન્દ્ર મોદી સરકાર ક્યાં ચૂકી ગઈ?

    • લેેખક, વિકાસ પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

સોમવારે કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે હવે દિલ્હીમાં કે દેશમાં કોઈ જગ્યાએ ઓક્સિજનની અછત નથી.

જોકે, ત્યાંથી જૂજ કિલોમિટર દૂર અનેક નાની હૉસ્પિટલોમાં ઓક્સિજન ખતમ થવાની તૈયારીમાં હતો અને હૉસ્પિટલો સરકારને ઇમર્જન્સી મૅસેજ મોકલીને દર્દીઓના જીવ બચાવવા વિનંતી કરી રહી હતી.

બાળકોની એક હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટરે બીબીસીને જણાવ્યું કે અમારો જીવ તાળવે ચોંટ્યો હતો કારણકે ઓક્સિજન ખતમ થઈ જાય તો બાળકોનાં મૃત્યુનું જોખમ હતું.

આવી સ્થિતિમાં એક સ્થાનિક નેતાની મદદથી હૉસ્પિટલને સમયસર ઓક્સિજનનો પુરવઠો મળી શક્યો હતો.

આમ છતાં કેન્દ્ર સરકાર ભારપૂર્વક કહી રહી છે કે દેશમાં ઓક્સિજનની ક્યાંય અછત નથી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વિશે જણાવ્યું, "અમને ઓક્સિજનના પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે."

તેથી તેમણે હૉસ્પિટલોને દિશાનિર્દેશ મુજબ ઓક્સિજનનો સમજદારીથી ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી.

જોકે, બીબીસી સાથે વાત કરતા ઘણા ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ જેમને ઓક્સિજનની સખત જરૂર હોય તેવા દર્દીઓને જ ઓક્સિજન આપે છે. આમ છતાં ઓક્સિજનની તંગી છે.

નિષ્ણાતો કહે છે કે ઓક્સિજનની અછત અને બીજી સમસ્યાઓ પરથી કહી શકાય કે કેન્દ્ર સરકાર અને રાજ્યો બંને કોરોનાની બીજી લહેર માટે તૈયાર ન હતા.

તેથી તેઓ બીજી લહેરથી થઈ રહેલા નુકસાનને રોકવા અથવા ઓછું કરવા માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ચેતવણી છતાં કોઈ તૈયારી નહીં

સરકારને આવી સ્થિતિ અંગે વારંવાર ચેતવણી આપવામાં આવી હતી.

નવેમ્બરમાં આરોગ્ય અંગેની સ્થાયી સંસદીય સમિતિએ જણાવ્યું હતું કે દેશમાં ઓક્સિજનનો પુરવઠો તથા સરકારી હૉસ્પિટલોમાં પથારીઓ અપૂરતા પ્રમાણમાં છે.

ત્યાર પછી ફેબ્રુઆરીમાં ઘણા નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને નજીકના ભવિષ્યમાં જ 'કોવિડ સુનામી'નો ભય છે.

માર્ચની શરૂઆતમાં સરકારે રચેલી વૈજ્ઞાનિકોની એક નિષ્ણાત ટીમે ચેતવણી આપી હતી કે દેશમાં કોરોના વાઇરસનું અત્યંત વધારે ચેપી વૅરિયન્ટ ત્રાટકી શકે છે.

એક વૈજ્ઞાનિકે બીબીસીને જણાવ્યું હતું કે આ અંગે કોઈ યોગ્ય ઉપાય કરવામાં નહીં આવે તો કેટલું નુકસાન થઈ શકે તેની ચેતવણી આપવામાં આવી હતી. સરકારે આ આરોપોનો કોઈ જવાબ ન આપ્યો.

આમ છતાં 8 માર્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના મહામારી ખતમ થઈ ગયો હોવાની જાહેરાત કરી દીધી. પરિણામે એવો સવાલ પેદા થાય છે કે સરકારે આખરે ભૂલ ક્યાં કરી?

આખરે ભૂલ ક્યાં થઈ?

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને 20,000થી પણ નીચે પહોંચી ગઈ હતી. તે અગાઉ સપ્ટેમ્બરમાં રોજના 90,000થી વધારે કેસ આવી રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી દીધી કે કોરોનાને પરાસ્ત કરવામાં આવ્યો છે. ત્યાર પછી લોકો એકઠા થઈ શકે તેવી તમામ જગ્યાઓ ખોલી દેવામાં આવી.

આ રીતે ઉપરના સ્તરેથી લોકોને ભ્રમિત કરનારા સંદેશ મળ્યા અને લોકો થોડા જ સમયમાં કોવિડથી બચવાના પ્રોટોકોલ ભૂલી ગયા.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓ સ્વયં જુદાંજુદાં રાજ્યોમાં વિશાળ ચૂંટણીસભાઓ સંબોધી રહ્યા હતા.

આ વિશાળકાય રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેમાંથી મોટા ભાગના માસ્ક પહેરતા ન હતા. આ ઉપરાંત ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભમેળાને પણ સરકારે મંજૂરી આપી દીધી, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થવાના હતા.

જાહેર નીતિ અને હેલ્થ સિસ્ટમના નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહરિયા આ વિશે કહે છે, "વડા પ્રધાને જે કહ્યું અને જે કર્યું તેમાં કોઈ મેળ ન હતો."

શું મોદી સરકારે ઉજવણીની ઉતાવળ કરી?

જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. શાહિદ જમીલે જણાવ્યું કે "સરકાર બીજી લહેરને પારખી ન શકી અને કોરોના ખતમ થઈ ગયો, તેવી ઉજવણી ઉતાવળે શરૂ કરી દીધી."

આ તમામ વાતો ઉપરાંત આ તબાહીએ બીજી ઘણી ચીજો ખુલ્લી કરી છે. આ આફતે સાબિત કરી દીધું કે ભારતમાં જાહેર આરોગ્યનું માળખું કેટલું નબળું છે અને દાયકાઓથી તેની કેટલી ઉપેક્ષા કરવામાં આવી છે.

હૉસ્પિટલની બહાર સારવાર વગર જ લોકો જીવ ગુમાવી રહ્યા છે, તેને જોઈને લોકો હચમચી જાય છે.

આ દૃશ્યો જણાવે છે કે આરોગ્ય સેક્ટરના પાયાના માળખાની વાસ્તવિકતા કેવી છે.

એક નિષ્ણાતે બીબીસીને જણાવ્યું કે ભારતમાં જાહેર આરોગ્યનું માળખું પહેલાંથી તૂટેલું હતું. ફરક માત્ર એટલો છે કે અમીર વર્ગ અને મધ્યમ વર્ગને આ હકીકતની જાણ છેક હવે થઈ છે.

જે લોકો સક્ષમ હતા, તેઓ પોતાના અને પરિવારના ઇલાજ માટે હંમેશાં ખાનગી હૉસ્પિટલો પર નિર્ભર હતા. બીજી તરફ ગરીબો ડૉક્ટરને મળવા માટે પણ વલખા મારતા હતા.

આરોગ્ય ક્ષેત્રને લગતી સરકારની હાલની યોજનાઓ, જેમ કે આરોગ્ય વીમો અને ગરીબો માટે સસ્તી દવાથી પણ અત્યારે લોકોને ટેકો નથી મળી રહ્યો.

તેનું કારણ એ છે કે મેડિકલ સ્ટાફ અથવા હૉસ્પિટલોની સંખ્યા વધારવા માટે પાછલા દાયકાઓમાં બહુ ઓછા પ્રયાસ થયા છે.

ખાનગી અને જાહેર ક્ષેત્રને એકસાથે જોઈએ તો છેલ્લાં છ વર્ષમાં ભારતે આરોગ્ય સેવાઓ પાછળ જીડીપીના લગભગ 3.6 ટકા જેટલો ખર્ચ કર્યો છે. 2018માં આ પ્રમાણ બ્રિક્સ દેશોમાં સૌથી ઓછું હતું.

બ્રાઝિલ સૌથી વધારે 9.2 ટકા ખર્ચ કરતું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પોતાના જીડીપીના 8.1 ટકા, રશિયાએ 5.3 ટકા અને ચીને પાંચ ટકા ખર્ચ કર્યો હતો.

વિકસિત દેશોની વાત કરીએ તો તેઓ આરોગ્ય સુવિધાઓ પાછળ જીડીપીનો ઘણો મોટો હિસ્સો ખર્ચે છે.

2018માં અમેરિકાએ આ સેક્ટર પર જીડીપીના 16.9 ટકા અને જર્મનીએ 11.2 ટકાનો ખર્ચ કર્યો હતો.

ભારત કરતાં ઘણા નાના દેશો શ્રીલંકા અને થાઈલૅન્ડે પણ આરોગ્યના ક્ષેત્રે ઘણો વધારે ખર્ચ કર્યો છે. શ્રીલંકા જીડીપીના 3.79 ટકા રકમ આરોગ્ય પાછળ ખર્ચે છે, થાઈલૅન્ડ 3.76 ટકા ખર્ચ કરે છે.

ભારત માટે એક ચિંતાજનક વાત એ છે કે ભારતમાં દર 10,000 વ્યક્તિદીઠ 10થી પણ ઓછા ડૉક્ટર છે.

કેટલાંક રાજ્યોમાં આ આંકડો પાંચથી પણ ઓછો છે.

કોરોના સામે લડવાની તૈયારી

ગયા વર્ષે સરકારે કોરોનાની આગામી લહેરનો સામનો કરવા માટે કેટલીક 'ઍમ્પાવર્ડ કમિટી'ઓ બનાવી હતી.

તેથી અત્યારે ઓક્સિજન, પથારી અને દવાઓની અછત સર્જાઈ તેના કારણે નિષ્ણાતોને આશ્ચર્ય થયું છે.

મહારાષ્ટ્રના પૂર્વ આરોગ્ય સચિવ મહેશ જગાડેએ બીબીસીને જણાવ્યું, "દેશમાં જ્યારે પહેલી વખત લહેર આવી ત્યારે જ તેને સૌથી ખરાબ માનીને બીજી લહેર માટે તૈયાર થવાની જરૂર હતી. "

"તેમણે ઓક્સિજન અને રેમડેસિવિર જેવી દવાઓનો સ્ટોક રાખવાનો નિર્ણય લેવાની જરૂર હતી. ત્યાર પછી પોતાની ઉત્પાદનક્ષમતા વધારવા પર ધ્યાન આપવાની જરૂર હતી."

અધિકારીઓનું કહેવું છે કે માગમાં આવેલા ઉછાળાને પહોંચી વળવા દેશમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું. પરંતુ વાસ્તવિક સમસ્યા તેના પરિવહનની છે.

જાણકારો કહે છે કે આ સમસ્યા બહુ વહેલી તકે દૂર કરવાની જરૂર હતી.

જોકે ઓક્સિજનની અછતના કારણે ઘણા દર્દીઓનાં મોત પછી સરકાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓક્સિજન પહોંચાડવા માટે ટ્રેનનો ઉપયોગ કરી રહી છે. ઉદ્યોગોને અપાતો ઓક્સિજનનો પુરવઠો અટકાવી દેવાયો છે.

આ વિશે ડૉ. લહરિયા જણાવે છે, "તેનું પરિણામ એ આવ્યું કે હતાશ લોકો પોતાના સ્વજનોનો જીવ બચાવવા હજારો રૂપિયાનો ખર્ચ કરીને અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને બ્લૅક માર્કેટમાંથી ઓક્સિજન સિલિન્ડર મેળવી રહ્યા છે."

"રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ખરીદવા સક્ષમ હોય તેવા લોકો તેની માટે ઊંચી રકમ ચૂકવી રહ્યા છે."

રેમડેસિવિરનું ઉત્પાદન કરતી એક દવાની કંપનીના અધિકારીએ જણાવ્યું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેની માગ બિલકુલ ખતમ થઈ ગઈ હતી.

તેમણે કહ્યું, "સરકારે અમને આ અંગે આદેશ આપ્યો હોત તો અમે તેનો મોટો સ્ટોક તૈયાર રાખ્યો હોત અને આ દવાની અછત સર્જાઈ ન હોત."

તેમના જણાવ્યા પ્રમાણે આ ઇન્જેક્શનના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ માગ કરતાં પુરવઠો ઓછો છે.

તેનાથી વિપરીત દક્ષિણના રાજ્ય કેરળે કોરોનાનો ચેપ વધશે તેવો અંદાજ બાંધીને યોજના ઘડી હતી.

રાજ્યના કોવિડ વર્કફોર્સના સભ્ય ડૉ. એ. ફતહુદ્દીને જણાવ્યું કે રાજ્યમાં ઓક્સિજનની કોઈ અછત નથી કારણકે ગયા વર્ષે ઑક્ટોબરમાં આ અંગે જરૂરી પગલાં લેવાયાં હતાં.

તેઓ કહે છે, "અમે પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ જેવી દવાઓ ખરીદી લીધી હતી. અમારી પાસે આગામી ઘણા સપ્તાહો સુધી સંક્રમણમાં કોઈ પણ સંભવિત વૃદ્ધિને પહોંચી વળવા માટે સારી યોજના છે."

કેરળની તૈયારીમાંથી શીખ લેવા અંગે મહારાષ્ટ્રના પૂર્વ આરોગ્ય સચિવ જગાડેએ જણાવ્યું કે બીજાં રાજ્યોએ પણ આ આફતનો સામનો કરવા આવી તૈયારી કરવાની જરૂર હતી.

તેમણે કહ્યું, "શીખવાનો અર્થ છે કે બીજાએ આમ કર્યું છે તો તમે હજુ પણ કરી શકો છો. જોકે, તેમાં સમય લાગશે."

જોકે, કોરોનાની બીજી લહેરનો સામનો કરવાનો સમય વીતી રહ્યો છે. કારણકે બીજી લહેર હવે એવાં ગામડાંમાં પણ ફેલાઈ છે, જ્યાં ચેપને નિયંત્રણમાં લેવા માટે જરૂરી સુવિધાઓ નથી.

કોરોના રોકવાના ઉપાય

કોરોના વાઇરસના અત્યંત ચેપી અને જીવલેણ સાબિત થયેલા નવા વૅરિયન્ટની ઓળખ માટે 'જિનોમ સિક્વન્સિંગ' એક મહત્ત્વનું પગલું છે.

ગયા વર્ષે ઇન્ડિયન સાર્સ સીઓવી-2 જિનોમિક કન્સોર્સિયા (INSACOG)ની રચના કરવામાં આવી હતી. તેના હેઠળ દેશમાં 10 પ્રયોગશાળાઓને સમાવવામાં આવી હતી.

જોકે શરૂઆતમાં આ સમૂહને રોકાણ મેળવવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો. વાઇરોલૉજિસ્ટ ડૉ. જમીલે જણાવ્યું કે ભારતે વાઇરસના મ્યુટેશનને ગંભીરતાથી લેવામાં ઘણું મોડું કરી દીધું છે.

તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી 2021ના મધ્યથી સિક્વન્સિંગનું કામ યોગ્ય રીતે શરૂ થઈ શક્યું હતું.

તેમણે કહ્યું, "ભારત અત્યારે તમામ નમૂનામાંથી માત્ર એક ટકાનું સિક્વન્સિંગ કરી રહ્યું છે. તેની તુલનામાં બ્રિટન આ મહામારી ટોચ પર હતી ત્યારે 5-6 ટકા નમૂનાનું સિક્વન્સિંગ કરતું હતું. પરંતુ તેની ક્ષમતા રાતોરાત વધારી શકાતી નથી."

રસીકરણ-ભારત માટે સૌથી મોટી આશા

દિલ્હીમાં ખાનગી હૉસ્પિટલ ચલાવતા પરિવારનાં એક મહિલાએ બીબીસીને જણાવ્યું, "જાહેર આરોગ્યના નિષ્ણાતો તમને જણાવશે કે પહેલાંથી ખાડે ગયેલા જાહેર આરોગ્યતંત્રને માત્ર અમુક મહિનાની અંદર મજબૂત કરવાનો કોઈ વ્યવહારુ રસ્તો નથી."

"કોવિડ સામે લડવાનો સૌથી સારો અને અસરકારક રસ્તો લોકોના ઝડપી રસીકરણનો હતો."

"જેથી મોટા ભાગના લોકોને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડે અને હૉસ્પિટલો પર બોજ વધી ન જાય."

ડૉ. લહરિયા જણાવે છે, "શરૂઆતમાં ભારત જુલાઈ 2021 સુધીમાં 30 કરોડ લોકોનું રસીકરણ કરવા માંગતું હતું."

"પરંતુ હવે લાગે છે કે સરકારે રસીકરણ અભિયાન ચલાવવા પૂરતી સંખ્યામાં રસીની વ્યવસ્થા નહોતી કરી."

તેઓ કહે છે, "સૌથી મોટી સમસ્યા એ છે કે રસીનો પુરવઠો નક્કી થયો ન હોવા છતાં સરકારે પુખ્તવયના તમામ લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરી દીધું."

દેશની 140 કરોડની વસતીમાંથી અત્યાર સુધીમાં માત્ર 2.6 કરોડો લોકોને જ વૅક્સિનના બંને ડોઝ મળી શક્યા છે. 12.5 કરોડ લોકોને માત્ર એક ડોઝ મળ્યો છે.

ભારતે રસીના કરોડો ડોઝના ઑર્ડર આપ્યા છે, પરંતુ માંગની સરખામણીમાં પુરવઠો બહુ ઓછો છે.

45 વર્ષથી વધુ વયના તમામ 44 કરોડ લોકોના રસીકરણ માટે કેન્દ્ર સરકારને 61.5 કરોડ ડોઝની જરૂર છે, જ્યારે 18થી 44 વર્ષના 62.2 કરોડ લોકો માટે 120 કરોડ ડોઝની જરૂર છે.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય વાયદા અંગે ફેરવિચારણા કરીને સરકારે રસીની નિકાસના તમામ સોદા રદ કર્યા છે.

સરકારે રસીના ઉત્પાદન માટે બાયૉલૉજિકલ ઈ અને સરકારી સંસ્થા હેફકેન ઇન્સ્ટિટ્યૂટ જેવી બીજી કંપનીઓને પણ સામેલ કરી છે.

તેણે ઉત્પાદન વધારવા માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને પણ 61 કરોડ ડોલરની આર્થિક મદદ આપી છે. આ કંપની ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરે છે.

આ અંગે ડૉ. લહરિયા જણાવે છે કે આ રોકાણ વહેલું કરવાની જરૂર હતી. આમ થયું હોત તો મૂલ્યવાન માનવજીવોને બચાવી શકાયા હોત.

તેમણે કહ્યું, "રસીકરણ અભિયાનને ઝડપી બનાવવામાં અને પૂરતી સંખ્યામાં રસી મેળવવામાં ઘણા મહિના લાગી જશે. આ દરમિયાન લાખો લોકોને કોરોના થવાનો ખતરો રહેશે."

જાણકારોનું કહેવું છે કે ભારતને વિશ્વની ફાર્મસી તરીકે ઓળખવામાં આવે છે અને આમ છતાં આપણે ત્યાં રસી અને દવાઓની અછત છે, જે એક વિટંબણા છે.

ડૉ. લહરિયા મુજબ આ બધી બાબતોથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ચેતી જવાની જરૂર છે. તેમણે આરોગ્ય સેક્ટર પર ભારે રોકાણ કરવું પડશે કારણકે આ કોઈ અંતિમ રોગચાળો નહીં હોય.

તેઓ કહે છે, "ભવિષ્યમાં આવનારો કોઈ પણ રોગચાળો કોઈ પણ મૉડલના અનુમાન અગાઉ આવી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો