સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને સવાલ : કોરોનાની ત્રીજી લહેરને નાથવાની કેવી તૈયારી?

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ત્રીજી લહેર માટે તૈયારી કરવા પર ભાર મુક્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એમઆર શાહની પીઠે કહ્યું કે જો યોગ્ય રીતે તૈયાર કરાય તો આપણે ત્રીજી લહેર સામે લડી શકીશું.

વૈજ્ઞાનિકો અનુસાર દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર પણ આવશે, જે બાળકોને પણ પ્રભાવિત કરશે.

લાઇવ લૉ અનુસાર, જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે "હું વાંચતો હતો કે ત્રીજી લહેર પણ આવશે અને મુદ્દો એ છે કે બાળકો પ્રભાવિત થશે. તેમને હૉસ્પિટલ લઈ જવાશે અને માબાપ પણ તેમની સાથે જશે. રસીકરણ કરવું પડશે."

બાર ઍન્ડ બેન્ચ અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેને જોતા તૈયારી કરવી પડશે, જેમાં બાળકોનું રસીકરણ પણ સામેલ છે.

કોર્ટે કહ્યું, "વૈજ્ઞાનિકો અનુસાર આવનારી ત્રીજી લહેર બાળકોને પણ પ્રભાવિત કરશે. તો જ્યારે એક બાળક હૉસ્પિટલમાં જાય ત્યારે માતાપિતાને પણ જવું પડે છે. આથી આ સમૂહના લોકોનું રસીકરણ કરવું પડશે. આપણે તેના માટે વૈજ્ઞાનિક રીતે તૈયારી કરવી પડશે અને વ્યવસ્થા કરવી પડશે."

કોર્ટે કહ્યું કે જો આપણે આજે તૈયારી કરીશું, તો તેને નાથી શકીશું.

સાથે જ કોર્ટે સરકારને એ ડૉક્ટરોની સેવાઓ લેવાની શક્યતા અંગે પણ વિચારવા માટે કહ્યું છે, જેમણે એમબીબીએસ પૂરું કરી લીધું છે અને પીજી કોર્સમાં દાખલ થવાની રાહ જુએ છે.

કોર્ટે કહ્યું કે તેમની સેવાઓ ત્રીજી લહેરને નાથવામાં મહત્ત્વની હશે.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "આજે આપણી પાસે 1.5 લાખ ડૉક્ટરો છે, જેમણે મેડિકલ કોર્સ પૂરો કરી લીધો છે અને નીટની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે. તમે તેમની સેવાઓ કેવી રીતે લઈ શકો? 1.5 લાખ ડૉક્ટર અને 2.5 લાખ નર્સો ઘરે બેઠા છે. તેઓ ત્રીજી લહેરમાં મહત્ત્વના હોઈ શકે છે?"

કોરોના સંક્રમણની તબાહી ક્યારે અટકશે?

વિખ્યાત વાઇરોલૉજિસ્ટ ગગનદીપ કાંગ કહે છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની અસરમાં ઘટાડો આવશે.

બુધવારે એક વર્ચ્યુઅલ વાતચીતમાં ડૉ. કાંગે જણાવ્યું, "આપણે જે પ્રકારનું મૉડલ જોઈ રહ્યાં છીએ, તેનાથી અદાંજ લગાવી શકાય છે કે મે મહિનાના બીજા અઠવાડિયાથી છેલ્લા અઠવાડિયા સુધીમાં કોરોના વાઇરસની અસરમાં ઘટાડો આવી શકે છે."

"કેટલાંક મૉડલને જોતાં લાગે છે કે જૂનની શરૂઆતમાં કેસોમાં ઘટાડો આવવાની શરૂઆત થઈ શકે છે. પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે તેના આધારે કહી શકાય કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી કેસમાં ઘટાડો આવે તેની શક્યતા વધુ છે."

ડૉ. કાંગ ભારતનાં પ્રથમ મહિલા વૈજ્ઞાનિક છે, જેમની રૉયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે.

વાઇરસ અને બૅક્ટેરિયાથી થતી બીમારીઓને અટકાવવા માટે કરવામાં આવતા ઇન્ટર-ડિસિપ્લિનરી સંશોધન માટે તેઓ વિખ્યાત છે.

હાલમાં તેઓ પંજાબ અને આંધ્રપ્રદેશ સરકાર સાથે સલાહકાર તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ કોરોના વાઇરસ સામે લડવા માટે રાજ્યોને મદદ કરી રહ્યાં છે

ડૉ. કાંગે કોવિશિલ્ડ અને કોવૅક્સિનની અસરકારકતા અંગે લોકોનાં મનમાં જે શંકાઓ છે, તેના જવાબ પણ આપ્યા હતા.

તેમણે કહ્યું કે ટૂંકસમયમાં ભારતમાં રસીના વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે.

તેઓ કહે છે, "વૅક્સિન રોગો સામે રક્ષણ આપે છે. આ બીમારી સામે રક્ષણ તો આપે છે, સાથે-સાથે સંક્રમણથી પણ રક્ષણ કરે છે. જો તમે સંક્રમણથી બચી ગયા છો, તો તમે બીજા સુધી તેને પહોંચાડતા નથી. એટલા માટે વૅક્સિન કાયમ ગંભીર બીમારીઓ સામે સારી રીતે કામ કરે છે."

ભારતમાં કોરોના કેર

બુધવારે દેશભરમાં કોરોના વાઇરસના 4,12,262 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 3,980 લોકોનાં સંક્રમણને કારણે મૃત્યુ થયાં છે.

આ સમયે દેશમાં કુલ સક્રિય કેસ 35,66,398 છે.

ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ આંકડાઓની માહિતી આપવામાં આવી હતી.

ગત 24 કલાકમાં 3,29,113 લોકો હૉસ્પિટલમાંથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમણના કુલ 2,10,77,410 થઈ ગયા છે અને કોરોનાથી મરનારની સંખ્યા 23,01,68 થઈ ગઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો