કોરોના રસી : ભારત માગને પહોંચી વળે તેટલી રસીનું ઉત્પાદન કરી શકશે?

    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

ભારત અત્યારે કોરોના વાઇરસની ભયંકર બીજી લહેરનો સામનો સામનો કરી રહ્યું છે ત્યારે યુકેએ કહ્યું છે કે તે ભારતને વધારાની રસી મોકલી શકે તેમ નથી. જોકે, તેણે ભારતને અન્ય રીતે મદદ કરવાની તૈયારી દર્શાવી છે.

અત્યાર સુધીમાં ભારતના 10 ટકાથી ઓછા લોકોનું રસીકરણ થયું છે. દેશના ઘણા ભાગોમાં રસીની અછત વર્તાય રહી છે.

ભારત પાસે કેટલી રસી છે?

યુકેના હેલ્થ સેક્રેટરી મૅટ હેનકોકે જણાવ્યું કે ભારતની મુખ્ય રસી ઉત્પાદક કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) "કોઈ પણ એક સંગઠનની તુલનામાં રસીના વધારે ડોઝનું ઉત્પાદન કરે છે."

આ વાત કદાચ ખરી હશે, પરંતુ SII હાલમાં ભારતીય તથા વૈશ્વિક માગને પહોંચી વળવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે.

ભારતમાં રસીકરણનો આંક ઘટ્યો છે, પરંતુ એપ્રિલની શરૂઆતમાં ભારતે એક દિવસમાં લોકોને 45 લાખથી વધારે ડોઝ આપ્યા હતા.

પહેલી મેથી યુવાનો માટે પણ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

પરંતુ SIIના વડા અદાર પૂનાવાલાએ કહ્યું છે કે રસીની ડિલિવરીમાં લગભગ પાંચથી છ મહિનાનો વિલંબ થશે.

ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસ ધરાવતા મહારાષ્ટ્રે જણાવ્યું છે કે રસી ઉપલબ્ધ ન હોવાના કારણે પુખ્તવયના તમામ લોકો માટે રસીકરણનો કાર્યક્રમ પાછળ ઠેલવવો પડશે.

ભારતની બે અગ્રણી રસીઉત્પાદકો SII (ઍસ્ટ્રેઝેનેકાની રસીના લોકલ વર્ઝન કોવિશિલ્ડનું ઉત્પાદન કરે છે) અને ભારત બાયૉટેક (કોવેક્સિનની ઉત્પાદક) દર મહિને સંયુક્ત રીતે નવ કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકે છે.

ભારત સરકારે બંને કંપનીઓને ઉત્પાદન વધારવા માટે અનુક્રમે 40 કરોડ ડોલર અને 21 કરોડ ડોલરનું ફંડ આપવાની ખાતરી આપી છે.

ભારત સરકારે માર્ચ મહિનામાં કોવિશિલ્ડની મોટા પ્રમાણમાં નિકાસ અટકાવી હતી. જોકે, કેટલાક દેશોને નાના પ્રમાણમાં રસીની સહાય કરવામાં આવી હતી.

આ ઉપરાંત વૈશ્વિક રસીકરણ વહેચણી યોજના માટે પણ અમુક રસી સપ્લાય કરવામાં આવી હતી.

ભારતે ફાઇઝર, મૉડર્ના અને જૉન્સન ઍન્ડ જૉન્સન જેવી વિદેશી ઉત્પાદકોની રસીની આયાતની છૂટ આપી છે.

ભારતીય ડ્રગ રૅગ્યુલેટરે તાજેતરમાં રશિયન રસી સ્પુતનિક Vના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી જેનું ભારતમાં ઉત્પાદન કરવાની યોજના છે.

આ ઉત્પાદન ભારતીય બજાર તથા નિકાસ બંને માટે કરવામાં આવશે. જોકે, હજુ સુધી આ રસીનું ઉત્પાદન શરૂ થયું નથી.

અમેરિકા ભારતને કેવી મદદ કરી રહ્યું છે?

અમેરિકાએ કહ્યું છે કે તેણે ઍસ્ટ્રાઝેનેકાના છ કરોડ ડોઝ અલગ તારવ્યા છે. આ ડોઝ જ્યારે ઉપલબ્ધ થશે ત્યારે અન્ય દેશોને વહેંચવામાં આવશે.

આ રસીમાંથી ભારતને કેટલી રસી મળશે તે નક્કી નથી.

ઍસ્ટ્રાઝેનેકાની રસીને હજુ સુધી અમેરિકામાં ઉપયોગની મંજૂરી નથી મળી.

અમેરિકન સરકારે કહ્યું છે કે તે ભારતમાં કોવિશિલ્ડ (ઍસ્ટ્રાઝેનેકાના લાઇસન્સ હેઠળ ઉત્પાદિત) રસીના ઉત્પાદકોને 'ચોક્કસ કાચી સામગ્રી' ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં અમેરિકન પ્રમુખ બાઇડેને યુએસ ડિફેન્સ પ્રોડક્શન ઍક્ટ (ડીપીએ) લાગુ કર્યો હતો જેના હેઠળ અમેરિકન રસી ઉત્પાદકોને પંપ અને ફિલ્ટરેશન યુનિટ જેવાં વિશિષ્ટ ઉપકરણોનું ઝડપી ઍક્સેસ મળે છે.

કોવિશિલ્ડનું ઉત્પાદન કરતી ભારતની સૌથી મોટી રસી ઉત્પાદક સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ફરિયાદ કરી છે કે અમેરિકા તેને પૂરતા પ્રમાણમાં ખાસ મટિરિયલ મોકલતું નથી.

કંપનીએ કહ્યું કે તેને અમેરિકામાંથી સેલ કલ્ચર મીડિયા, સિંગલ-યુઝ ટ્યુબિંગ અને વિશેષ રસાયણો મેળવવામાં મુશ્કેલી પડી છે.

લિવરપૂલ જૉન મૂર્સ યુનિવર્સિટી ખાતે વેક્સિન સપ્લાય ચેઇનના નિષ્ણાત ડો. સારા સ્કિફલિંગે જણાવ્યું કે, "ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન બહુ જટિલ અને સ્પેશિયલાઇઝ્ડ છે. વૈશ્વિક માંગ બહુ ઊંચી હોય ત્યારે પણ બીજા ઉદ્યોગોની જેમ નવો પુરવઠો નથી મળી શકતો. કમસે કમ નવા સપ્લાયરો પર ભરોસો મૂકી શકાતો નથી."

અમેરિકાએ જણાવ્યું કે તે બીજી એક ભારતીય કંપની 'બાયૉલૉજિકલ E'ને ઉત્પાદન સુવિધા વિસ્તારવા માટે ફંડ આપશે.

આ કંપની જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીનું ઉત્પાદન કરે છે.

તેનાથી કંપનીને 2022ના અંત સુધીમાં કમસે કમ એક અબજ ડોઝ સુધી ઉત્પાદન વધારવામાં મદદ મળશે.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)એ જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે તે માર્ચ સુધીમાં કોવિશિલ્ડ તથા અમેરિકા દ્વારા વિકસીત નૉવાવેક્સનું ઉત્પાદન દર મહિને 10 કરોડ ડોઝ સુધી પહોંચાડવા આયોજન કરી રહી છે.

નૉવાવેક્સના ઉપયોગ માટે હજુ ભારતમાં લાઇસન્સ નથી મળ્યું. પરંતુ આ યોજના હવે જૂન સુધી પાછળ ઠેલવામાં આવી છે.

ભારત જ નહીં અન્ય દેશોએ પણ રાહ જોવી પડશે

ગયા વર્ષે SII વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના વૅક્સિન શૅરિંગ પ્રોગ્રામ કોવેક્સ માટે 20 કરોડ ડોઝનો સપ્લાય પૂરો પાડવા સહમત થયું હતું.

આ કાર્યક્રમનો હેતુ નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોને રસી આપવાનો છે.

આના માટે SII ઍસ્ટ્રાઝેનેકા અને નૉવાવેક્સની 10-10 કરોડ રસી આપવાની હતી.

SII ફેબ્રુઆરી અને મે વચ્ચે પ્રથમ 10 કરોડ ડોઝ ડિલિવર કરશે તેવી અપેક્ષા હતી પરંતુ ભારત સરકારના ડેટા પ્રમાણે અત્યાર સુધીમાં તેણે માત્ર ત્રણ કરોડ ડોઝ આપ્યા છે.

તેમાં ભારતે પોતાના માટે કોવેક્સ હેઠળ અલગ ફાળવેલા એક કરોડ ડોઝ પણ સામેલ છે.

યુએનના ડેટા પ્રમાણે SIIએ ઍસ્ટ્રાઝેનેકાની રસીના 90 કરોડ ડોઝ અને નૉવાવેક્સના 14.5 કરોડ ડોઝ સપ્લાય કરવા માટે દ્વિપક્ષીય કૉમર્શિયલ ડીલ કરી છે.

કોવેક્સની ભાગીદાર અને વૈશ્વિક વૅક્સિન જોડાણ ગેવીએ જણાવ્યું છે કે આ યોજના માટે રસી પૂરી પાડવા SII કાનૂની રીતે બંધાયેલું છે.

કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેને યુકેસ્થિત ઍસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા એક કાનૂની નોટિસ આપવામાં આવી છે.

આ નોટિસ રસીના સપ્લાયની જવાબદારી અંગે છે. જોકે, કંપનીએ વધુ વિગતો આપી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો