કોવિશિલ્ડનું ઉત્પાદન બીજા દેશોમાં શરૂ થઈ શકે છે : પૂનાવાલા

ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફોર્ડની કોવિડ-19 વૅક્સિનનું કોવિશિલ્ડ નામથી ઉત્પાદન કરનારી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અન્ય દેશોમાં પણ વૅક્સિન ઉત્પાદન શરૂ કરી શકે છે.

શુક્રવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ બ્રિટનના ધ ટાઇમ્સ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં આ જાણકારી આપી હતી.

તેઓએ કહ્યું, "આગામી કેટલાક દિવસોમાં તેને સંબંધિત જાહેરાત કરાશે"

પૂનાવાલાએ જણાવ્યું કે કંપની જુલાઈ સુધીમાં દર મહિને 10 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ કરી દેશે.

પહેલાં મે સુધી આટલા ડોઝના ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

કોરોના : દિલ્હીમાં એક સપ્તાહ માટે વધારાયું લૉકડાઉન

કોરોના મહામારીના વધી રહેલા કેસ જોતાં દિલ્હીમાં લૉકડાઉનને વધુ એક સપ્તાહ માટે વધારી દેવાયું છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે.

દિલ્હીમાં લાગુ લૉકડાઉન સોમવારે સવારે પૂર્ણ થઈ રહ્યું હતું. આ બીજી વખત છે કે જ્યારે કેજરીવાલે લૉકડાઉનને એક સપ્તાહ માટે વધારી દેવાનો નિર્ણય કર્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં દરરોજ 25 હજાર કરતાં વધારે કોરોના વાઇરસના કેસ નોંધાઈ રહ્યા છે.

શુક્રવારે દિલ્હીમાં કોરોનાથી 375 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ દરમિયાન રાજ્યની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછતની ફરિયાદો સતત સામે આવી રહી છે. શનિવારે એક હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતને પગલે 12 કોરોના સંક્રમિત દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.

ભારતમાં એક દિવસમાં વિક્રમજનક 4 લાખ કોરોનાના કેસ, 3,500થી વધુનાં મોત

ભારતમાં અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ 4 લાખ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,01,993 કેસ નોંધાયા છે.

મહામારી શરૂ થઈ ત્યારથી હાલ સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. ઉપરાંત વિશ્વમાં એક દિવસમાં સૌથી વધારે આવેલા કેસ પણ છે.

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 3,523 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 2,99,998 દરદીઓને સાજા થયા બાદ રજા આપી દેવાઈ છે.

ભારતમાં કુલ કેસની સંખ્યા 1,91,64,969એ પહોંચી છે. હાલ સુધીમાં 2,11,853 દરદી મૃત્યુ પામ્યાં છે, જ્યારે 1,56,84,406 દરદી સાજા થયા છે. ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 32,68,710 છે.

અમેરિકાના ડૉ.એન્થની ફાઉચીની ભારતને સલાહ, "થોડાં અઠવાડિયાં માટે દેશ બંધ કરો"

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય આરોગ્ય સલાહકાર અને જાણીતા મહામારી નિષ્ણાંત ડૉ. એન્થની ફાઉચીએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "તાત્કાલિક ધોરણે દેશને થોડાંક અઠવાડિયાં માટે બંધ કરી દો."

ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું, "કોઈપણ દેશને પોતાને બંધ કરવો ગમતો નથી પરંતુ તાત્કાલિક પગલાં ભરવા માટે કેટલાંક અઠવાડિયાં માટે બંધ કરવો જરૂરી છે જેથી ભારતમાં ટ્રાન્સમિશનની સાઇકલને તોડી શકાય."

તેમણે કહ્યું હતું, "આ પ્રકારની ત્રાસદાયક અને ભયાવહ સ્થિતિમાંથી બહાર આવવા માટે તાત્કાલિક, વચગાળા અને લાંબાગાળાનાં પગલાં લેવાની જરૂરિયાત છે"

એન્થની ફાઉચીએ કહ્યું હતું કે ભારત પાસે કોઈ ક્રાઇસિસ ગ્રૂપ છે કે જે બેસીને વસ્તુઓને ઑર્ગેનાઇઝ કરવાનું શરૂ કરે. મને જાણ નથી કે છે કે નહીં. મેં અનેક લોકો પાસેથી સાંભળ્યું કે આવું કોઈ કેન્દ્રીય સંગઠન નથી.

"મને લાગે છે કે ભારતે આ પ્રકારે કોઈ ઇમરજન્સી ગ્રૂપ બનાવવાની જરૂર છે. જે પ્લાન બનાવે કે ઓક્સિજન ક્યાંથી આવશે? દવાઓ કેવી રીતે મળશે? અને તમે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની પણ મદદ લઈ શકો છો."

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરે અનેક લોકોના જીવ લીધા છે, જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી રોજના ત્રણ લાખ કેસ નોંધાયા છે.

ગુજરાતની કોરોના વાઇરસ સામેની લડાઈમાં એપ્રિલ સૌથી ઘાતક મહિનો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર એપ્રિલ મહિનો ગુજરાતની કોરોના વાઇરસ સામેની લડાઈમાં સૌથી ઘાતક મહિનો હતો.

એપ્રિલ મહિનામાં ગુજરાતમાં 2.6 લાખ કેસ નોંધાયા હતા જ્યારે 2600 લોકોનાં મૃત્યુ થયાં છે.

મહામારી દરમિયાન જે કેસ નોંધાયા તેના 46 ટકા કેસ આ ગાળામાં નોંધાયા છે, જ્યારે 37 ટકા લોકોનાં મૃત્યુ આ ગાળામાં થયા છે.

માર્ચ, 2020થી એપ્રિલ 2021 સુધીમાં ગુજરાતમાં 5.67 લાખ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે, જ્યારે 7183 લોકોનાં મૃત્યુ થયાં છે.

2020 માર્ચ મહિનાથી શરૂ કરીને ડિસેમ્બર મહિના સુધી 2.45 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 4306 દરદીનાં મૃત્યુ થયાં હતાં.

2020 અને 2021ની પીકમાં ફેરફાર એ હતો કે શુક્રવારે સાંજે ગુજરાતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 1.42 લાખ હતી, જ્યારે 2020માં તે 18 હજારથી ઉપર નહોતી ગઈ.

હૉસ્પિટલના દરદીને છેતરીને પૈસા પડાવવામાં ભાજપનો નેતા ઝડપાયો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રાજકોટ પોલીસે શુક્રવારે ભાજપના નેતા સંજય ગોસ્વામી અને તેના સાથી મયુર ગોસાઈની ધરપકડ કરી હતી.

તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી કે તેઓએ કોરોના વાઇરસના દરદીના પરિવાર પાસેથી 45 હજાર રૂપિયાની છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે, ગોસ્વામી પોલીસ સમક્ષ આગોતરા જામીન લઈને રજૂ થયો હતો અને પોલીસે તેને છોડી દીધો હતો.

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ દરદીને મદદ કરવા માટે દરદીના પરિવાર પાસેથી 45 હજાર રૂપિયા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ગોસાઈએ દરદીના પરિવારને કહ્યું હું કે તેમના દરદીને ટોસિલિઝુમોબના ઇન્જેક્શનની જરૂર પડી છે જે સંજય ગોસ્વામીએ લાવી આપ્યું છે. જેના 45 હજાર આપવાના છે. જોકે દરદીના પરિવારને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગોસાઈને રંગે હાથ પકડ્યો હતો.

સોશિયલ મીડિયા પર ફરિયાદ કરનાર સામે ન કાર્યવાહી કરવા ગુજરાત પોલીસનું નોટિફિકેશન

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે નાગરિકો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર કોરોના વાઇરસની ફરિયાદ કરી રહ્યા છે તેને 'ખોટી માહિતી' ન ગણીને પોલીસે તેમની પર કાર્યવાહી ન કરવી.

સુપ્રીમ કોર્ટના આ નિર્દેશને લઈને ગુજરાત પોલીસ તમામ પોલીસ કમિશનર, રેન્જના મુખ્ય અધિકારીઓ અને સુપ્રિટેન્ડન્ટને એક નોટિફિકેશન મોકલી આ વાતને ધ્યાને લેવા કહ્યું હતું.

શુક્રવારે સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું, "જો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર કોઈ વ્યક્તિ પોતાની ફરિયાદ કરતું હોય તો તેને ખોટી માહિતી ન કહેવાય. અમે તમામ ડીજીપીને ચેતવણી આપીએ છીએ કે આ પ્રકારની કાર્યવાહીને અમે કન્ટેમ્પટ ઑફ ધ કોર્ટ ગણીશું"

કેટલાંક રાજ્યોમાં એવા કિસ્સા બન્યા હતા કે જો કોઈ વ્યક્તિ ઓક્સિજનની માગ, બેડની માગ સોશિયલ મીડિયા પર કરે તો તેની સામે ખોટી માહિતી બદલ કેસ નોંધવામાં આવ્યા હતા.

અમેરિકા ભારતથી આવતા મુસાફરો પર 4 મેથી પ્રતિબંધ મૂકશે

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતમાં વધી રહેલા કોરોના વાઇરસના સંકટની વચ્ચે અમેરિકાએ ભારતની મુસાફરી પર 4 મેથી પ્રતિબંધ મૂક્યો છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ નિવેદનમાં કહ્યું, "CDCની સલાહ પર, વહીવટીતંત્ર ભારતની યાત્રાને પ્રતિબંધિત કરે."

આ પ્રતિબંધ અમેરિકન નાગરિક, પરમેનન્ટ રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પર લાગુ નહીં પડે.

જો તેમણે વૅક્સિન નથી લગાવી તો તેમણે કોરોના વાઇરસનો નેગેટિવ રિપોર્ટ આપવો પડશે.

અમેરિકાએ એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે ભારતમાં જે ઝડપથી નવા પ્રકારના કોરોના વાઇરસના સ્ટ્રેઇન ફેલાઈ રહ્યા છે તેણે સ્થિતિને ખરાબ કરી છે, તેનો ફેલાવો અમેરિકાના નાગરિકો સુધી ન પહોંચે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો