You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદીના એ ભક્ત જેમને મહામારીએ 'મોદીવિરોધી' બનાવી દીધાં
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
"બધા ભાજપ ભક્તોએ ફરી એક વાર પુનર્વિચાર કરવાની જરૂર છે."
"બધાએ જાગી જવાની જરૂર છે. કોરોના તમારા માટે ઊંઘમાંથી જાગી જવાની ઘંટડી બનીને આવ્યો છે."
"ક્યાંક એવું ન થાય કે મોડું થઈ જાય. પછી પસ્તાવો કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે."
અમદાવાદનિવાસી વિપુલ કૉન્ટ્રાક્ટરના આ શબ્દોમાં મોદી સરકાર પ્રત્યેનો આક્રોશ અને નિરાશા પ્રતિબિંબિત થઈ રહ્યાં હતાં.
વિપુલ જણાવે છે કે, "મેં આજ દિન સુધી ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષને વોટ નથી આપ્યો. મને મારા મિત્રો 'મોદી અને ભાજપભક્ત' જ ગણાવતા. પરંતુ હવે હું આત્મગ્લાનિ અનુભવી રહ્યો છું કે ક્યારેક હું આવા પક્ષનો આવા અસંવેદનશીલ નેતાઓનો પ્રખર સમર્થક રહી ચુક્યો છું."
"હાલ જે પરિસ્થિતિ કોરોનાના કારણે સર્જાઈ છે તેણે મોદીના ટીકાકારોની જે વાતો પર હું ખીજાતો કે તેઓ માત્ર પબ્લિસિટી પર ધ્યાન આપે છે અને જમીન પર કામ નથી કરતા, માત્ર મોટી-મોટી ઇમારતો અને મૂર્તિઓ બનાવડાવે છે પરંતુ પાયાની સુવિધાઓના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. આ બધું મને હવે સાચું લાગવા માંડ્યું છે. હું દેશનો વહીવટ આવી સરકારના હાથમાં સોંપવાની ભૂલનું પ્રાયશ્ચિત અનુભવી રહ્યો છું."
વિપુલ કૉન્ટ્રાક્ટર એક નજીકના મિત્રનાં માતાનું કોરોનાની માંદગીમાં મૃત્યુ થયું હતું. જોકે, વિપુલ માને છે કે કોરોનાએ નહીં પરંતુ મોદી અને રૂપાણી સરકારે દેશમાં સર્જેલી અવ્યવસ્થાના કારણે તેમનું મૃત્યુ થયું.
તેઓ કહે છે કે, તેમના મિત્રનાં માતાને હૉસ્પિટલમાં દાખલ કરતી વખતે થયેલા અનુભવોએ તેમના મનમાં ભાજપ અને મોદી માટેની સર્જાયેલી માનભરી છબિ બિલકુલ ખરડાઈ ચૂકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશની ભયાવહ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર?
કોરોના મહામારીની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો આ ઘાતકી માંદગીને કારણે ગુમાવ્યા. પણ ઘણા એવા પણ છે જેઓ પોતાના સ્વજનોનાં અકાળ મૃત્યુ અને તેમને વેઠવી પડેલી હાડમારી માટે 'મોદી સરકાર' અને તેના 'અણઘડ વહીવટ'ને કારણભૂત માને છે.
આવી વ્યક્તિઓમાં એવા લોકો પણ સામેલ છે, જેઓ ક્યારેક ભાજપના કટ્ટર સમર્થક હતા.
પરંતુ પોતાની આસપાસ કોરોનાએ મચાવેલી તબાહી અને સરકારી તંત્રની 'અસંવેદનશીલતા' અને 'અવ્યવસ્થા'ના કારણે તેઓ ભાજપનો કેસરીયો રંગ તેમણે પોતાના માનસ પરથી ખંખેરી કાઢ્યો હોવાનો દાવો કરી રહ્યા છે.
હૉસ્પિટલોની બહાર લાગેલી અનંત ભૂજંગાકાર કતારો. દવાખાનાના પગથિયે સારવારના અભાવે મૃત્યુ પામી રહેલાં કોઈકનાં લાડકવાયાં, માંગે એટલો ખર્ચ કરવાની તૈયારી છતાં પોતાના સ્વજનોને બચાવવા માટે અનુભવવું પડેલું નિ:સહાયપણું, એક તરફ હજારો પથારીઓની કહેવાતી સુપરસ્પેશિયાલિટીવાળી હૉસ્પિટલોની બહાર જામેલા દર્દીઓનાં ટોળાં અને બીજી તરફ નેતાઓને સારવારમાં પ્રાથમિકતા મળી રહી હોવાના અહેવાલો વગેરે જેવાં અનેક પરિબળોએ એક સમયે પોતાની જાતને નીડરતા અને ગર્વથી 'મોદી અને ભાજપભક્ત' ગણાવતાં અનેક લોકો પોતાનું હૃદયપરિવર્તન થયું હોવાનો દાવો કરી રહ્યા છે.
હવે આવા કેટલાક લોકો ખૂલીને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો થકી કોરોનાના કારણે 'ભાજપ અને મોદી'ની કાર્યક્ષમતામાંથી થયેલા પોતાના મોહભંગ વિશે વાત કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ આવા લોકો અને તેમને થયેલા અનુભવો વિશે વિસ્તારપૂર્વક જાણવા માટે તેમનો સંપર્ક સાધ્યો હતો.
'લોકો મહેણું મારતાં કે તમને મોદીભક્તિ ફળી નહીં'
અર્જુનસિંહ કહે છે, "મારા પિતા ભાજપ તરફથી બનાસકાંઠાની જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે. હાલ મારાં માતા જિલ્લા પંચાયતનાં સભ્ય છે. હું પોતે બનાસકાંઠા જિલ્લાનો યુવા ભાજપનો મંત્રી હતો. પરંતુ જ્યારે મારા પિતાને કોરોના થયો અને મેં જાતે જ્યારે સરકારી તંત્રના અણઘડ વહીવટ, ભ્રષ્ટાચાર અને ઇલાજના અભાવથી લોકોને કણસી-કણસીને મરતાં જોયા ત્યારે મારું મન સત્તાધારી પક્ષ ભાજપ અને તેની નેતાગીરીમાંથી બિલકુલ ઊઠી ગયું."
"મારા મનમાં વિચાર આવ્યો કે જો મારા જેવી પહોંચ ધરાવતી વ્યક્તિને ચાર-પાંચ કલાક સુધી પોતાના સ્વજનને બચાવવા ઓક્સિજન મેળવવા લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હોય તો સામાન્ય માણસની પરિસ્થિતિની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ વાત મને સમજાતાં મેં તાત્કાલિક મારા પદ પરથી રાજીનામું આપી દીધું."
અર્જુનસિંહ બનાસકાંઠામાં કોરોનાના કારણે દર્દીઓ અને તેમનાં સગાંને ભોગવવી પડી રહેલી હાલાકી વિશે વાત કરતાં કહે છે કે, "માત્ર ડીસા તાલુકાની હૉસ્પિટલોમાં દરરોજ કોરોનાના કારણે વીસ-વીસ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા હતા. ભાજપના ધારાસભ્યો ઓક્સિજન વગર, હૉસ્પિટલની લાઇનમાં સબડી રહેલા લોકોનો ફોન નથી ઉપાડી રહ્યા. અને બારોબાર પોતાની વ્યક્તિઓ માટે હૉસ્પિટલોમાં પથારીઓ, ઇન્જેક્શનો અને સાધનોની વ્યવસ્થા કરાવી રહ્યા છે."
"જ્યારે સામાન્ય માણસ માટે પથારી કહો, ઓક્સિજન કહો, દવાઓ કહો કે ઇન્જેક્શન બધાની અછત હોવાનું બહાનું આગળ ધરી દેવાઈ રહ્યું છે."
તેઓ જાહેર જનતાને પડી રહેલી મુશ્કેલી વિશે વાત કરતાં કહે છે કે, "અમારા કારણે ભાજપને વોટ આપતાં લોકો અમને આવીને પોતાના સ્વજનને બચાવવા આજીજી કરતાં. પરંતુ અમે કશું કરી શકતા નહીં. કોઈ અમારી સાંભળતું નહીં. લોકો કહેતા કે તમે આટલા મોટા હોદ્દા પર છો. કંઈક કરીને અમારા સ્વજન માટે એક પથારી કરાવી આપો. પણ ક્યાંથી કરાવીએ? બધી હૉસ્પિટલોને પુછીએ તો પથારી ન હોવાની જ વાત જણાવે છે."
તેઓ કહે છે કે, "જ્યારે મેં સોશિયલ મીડિયા પર લખ્યું કે હું મને થયેલા આવા અનુભવોને કારણે મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું તો લોકોએ મને કહ્યું કે તમે તો ઘણા મોટા મોદી અને ભાજપના ભક્ત હતા. તમને તમારી ભક્તિ ફળી નથી એવું લાગે છે. એવું કહીને મહેણું મારતાં."
અર્જુનસિંહ ભાજપના રાજમાં પ્રજા સાથે પક્ષપાતી વલણ અપનાવાતો હોવાનો દાવો કરે છે. તેઓ કહે છે કે, જ્યારે વડા પ્રધાન અને અમિત શાહ તેમના જિલ્લાની મુલાકાતે આવે છે. ત્યારે રાતોરાત રોડ-રસ્તા પાથરી દેવાય છે. તો અત્યારે જ્યારે લોકોને મુશ્કેલી છે, તેઓ પીડામાં છે ત્યારે કેમ આટલી જ ઝડપથી હૉસ્પિટલો નથી ઊભી કરી દેવાતી? કેમ પથારીઓની વ્યવસ્થામાં આવી ઝડપ નથી દેખાતી? કેમ ઉપયોગી દવાઓ, ઇન્જેક્શનો અને ઓક્સિજન માટે સામાન્ય લોકોને ભટકવું પડી રહ્યું છે? શું આ પક્ષપાત નથી?
'ભાજપને માત્ર ચૂંટણી અને પોતાની જીતની પડી છે, લોકોની નહીં'
અર્જુનસિંહ ભાજપ માત્ર ચૂંટણીલક્ષી રાજકારણ કરતો હોવાનો આરોપ મૂકતાં કહે છે કે, "વડા પ્રધાને અને અમિત શાહે બંગાળ અને સમગ્ર દેશમાં ચૂંટણીમાં જીત મેળવવા માટે જેટલી મહેનત કરી, જો તેટલી જ મહેનત કોરોનાની રોકથામમાં કરી હોત, તો આજે હજારોના સ્વજનો જીવિત હોત. માત્ર સામાન્ય દવા કે ઓક્સિજનની અછતથી તો તેમનું મૃત્યુ ન જ નીપજ્યું હોત."
તેઓ કહે છે કે ચૂંટણીઓ તો વારંવાર આવશે જેમના સ્વજનો ગયા તે ક્યારેય પાછા નથી ફરવાના સરકારે આ વાત ધ્યાને લેવાની જરૂર હતી.
તેઓ કોરોના મહામારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોવાની વાત પર ભાર મૂકતાં કહે છે કે, "અત્યાર સુધી મેં અનુભવેલી પરિસ્થિતિ પરથી મને સમજાયું છે કે આ મહામારીમાં લોકોના મોત કોઈ વાઇરસના કારણે નહીં પરંતુ ભાજપ અને મોદી સરકારના અણઘડ વહીવટના કારણે થઈ રહ્યાં છે."
અર્જુનસિંહ જણાવે છે કે પહેલાં જ્યારે લોકો ભાજપના નેતાઓની સભાઓમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કરતાં ત્યારે તેઓ એમને રોકતા અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરતાં. જ્યારે લોકો સોશિયલ મીડિયા પર કે અન્ય માધ્યમોમાં ભાજપ સરકારનો વિરોધ કરતાં ત્યારે તેઓ તરત સરકાર અને ભાજપના નેતાઓના બચાવમાં ઊતરી આવતા.
તેઓ કહે છે કે, "પરંતુ હવે અમને લાગે છે કે વિરોધ કરવાવાળા લોકો સાચા હતા અને અમે ખોટા હતા. લોકો જેઓ પોતાની ફરિયાદો કરતા હતા, તે બધી સાચી હતી. અમે ખોટા હતા. અમે ફરિયાદ કરનારાઓ સામે ભાજપ સરકારનો બચાવ કર્યો. તેમના વતી દલીલો કરી, એ વાતનો મને અફસોસ છે. જેનો અપરાધબોધ હું હંમેશાં અનુભવીશ. હવે મને મારી ભૂલનું ભાન થઈ રહ્યું છે."
સોશિયલ મીડિયાની વાત કરીએ તો ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી જણાવી રહ્યા છે.
ઘણા લોકો પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. આવા લોકોમાં એવા પણ સામેલ છે જેઓ પોતાને ભાજપના સમર્થક ગણાવે છે. અને પોતાને કોરોનામાં પડેલી તકલીફના કારણે પોતાની આંખ ઊઘડી ગઈ હોવાની વાત કરે છે.
આવા જ એક ટ્વિટર યુઝર હતા પૂજન કે. પટેલ. જેમણે 22 એપ્રિલ, 2021ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને ટૅગ કરીને પોતાના પિતાને બચાવી લેવા માટેની અરજ કરતું ટ્વીટ કર્યું હતું.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "હું મારા પિતાને મારી આંખ સામે મરતા જોઈ રહ્યો છું. અને કશું નથી કરી શકી રહ્યો. તમે બધા આના માટે જવાબદાર છો. તમારા નિર્ણયોના કારણે હું મારા પિતાનો ઇલાજ નથી કરાવી શકી રહ્યો. હું હંમેશાં ભાજપતરફી મતદાર રહ્યો છું. પરંતુ હવે મને ખબર પડી ગઈ કે તમે બધા બિનકાર્યક્ષમ છો.."
ત્યાર બાદ તેમણે વધુ એક ટ્વીટ કર્યું, જેમાં તેઓ આ તમામ વ્યક્તિઓનો કટાક્ષમાં આભાર માની રહ્યા છે.
તેમણે લખ્યું કે, "આભાર આપનો સર. તમારા આયોજનના કારણે મેં મારા પિતા ગુમાવ્યા."
નોંધનીય છે કે આ ઘટનાના અમુક દિવસો બાદ જ રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ કોરોના પૉઝિટિવ મળી આવતાં તેમને તાત્કાલિક યુ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જે બાદ લોકોએ તેમને તાત્કાલિક બેડ કેવી રીતે મળી ગયો તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અને પુછ્યું હતું કે તેમને 108વાળો નિયમ અનુસરવો પડેલો કે કેમ?
અતાર્કિક નિર્ણયો પર રોષ?
વિપુલ કૉન્ટ્રાક્ટર પોતાના મિત્રનાં માતાને કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવા માટે સતત એક દિવસ સુધી મથ્યા. તેમના પ્રયત્નો થકી કલાકો બાદ તેમને અમદાવાદની GCS હૉસ્પિટલમાં પથારી મળી.
તેઓ કહે છે કે, "હૉસ્પિટલમાં પથારી છે કે નહીં તે તપાસવા માટે ક્રિટિકલ પેશન્ટ સાથે આવેલા લોકોને સરકારી હૉસ્પિટલોમાં કલાકો સુધી વેઇટિંગ કરાવવામાં આવે છે.જે કારણે ગંભીર દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. આ છે મોદી સરકારનું કાર્યક્ષમતા. જેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે."
પથારી મળી ગયા બાદનો અનુભવ વ્યક્ત કરતાં વિપુલ કહે છે કે, "ત્રણ દિવસ સુધી દર્દીને રાખ્યાં, પછી એક દિવસ ફોન કરીને અચાનક કહ્યું કે તમારાં દર્દીની હાલત અત્યંત ખરાબ છે. રેમડેસિવિર આપવું પડશે. પરંતુ એ ત્યારે જ અપાશે, જ્યારે અમને એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન મંજૂરી આપશે. તો પછી ત્રણ દિવસ સુધી શું કર્યું? અને દર્દીને દવા આપવા માટે શેની મંજૂરી? આ તો ડૉક્ટરે નક્કી કરવાનું છે કે દર્દીને જે દવાની જરૂર છે એ ઉપલબ્ધ હોય તો તેને આપવી કે કેમ? એમાં કૉર્પોરેશન ક્યાંથી વચ્ચે આવે?"
વિપુલ કહે છે કે, આવા અતાર્કિક નિર્ણયોના કારણે જ્યારે તમારી આંખ સામે તમારા સ્વજનો જીવ છોડે છે, ત્યારે સમજાય છે કે જેને તમે સંવેદનશીલ અને કાર્યક્ષમ સરકાર ગણતા હતા તેની નજરમાં તમારી અને તમારા સ્વજનના જીવની કેટલી કિંમત છે.
તેઓ કહે છે કે, "આ પ્રસંગના કારણે મારી આંખ ઊઘડી ગઈ. આ સરકારે હૉસ્પિટલ તો હૉસ્પિટલ સ્મશાનો બહાર લાઇન લાગવાનાં દૃશ્યો પણ બતાવી દીધાં. હવે શું બાકી રહ્યું?"
વિપુલ કહે છે કે, મોદી સરકાર પ્રત્યે પોતાના મનમાં રહેલો ગુસ્સો ઠાલવતાં આગળ જણાવે છે કે, "હૉસ્પિટલોના પગથિયે લોકો સારવાર અને ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે. સામાન્ય લોકો લાઇનોમાં ધક્કા ખાઈ રહ્યા છે. તડકો, ભૂખ-તરસ બધું વેઠીને પોતાના સ્વજનના શ્વાસ ચાલુ રહે એ માટે મથી રહ્યા છે. અને સામેની બાજુએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને સવારે રિપોર્ટ આવ્યા બાદ સાંજે તો દાખલ પણ કરી દેવાયા. આ વાત તમારી અને તમારા સ્વજનોના જીવનનું આ સરકારના મનમાં કેટલું મૂલ્ય છે, એ બાબત સમજાવે છે."
તેઓ કહે છે કે, "મને એ નથી સમજાઈ રહ્યું કે આવાં ગોઝારાં દૃશ્યો જોવા છતાંય લોકોનો આત્મા કેમ જાગૃત નથી થઈ રહ્યો? કેમ લોકો ચૂપ છે? આખરે કેમ આ સરકારનો વિરોધ નથી થઈ રહ્યો? શું તેઓ તેમના સ્વજન ગુમાવશે ત્યારે જ આ વાત તેમને સમજાશે? શું આ સરકારની જેમ લોકો પણ અસંવેદનશીલ થઈ ગયા છે?"
'ભાજપથી નહીં પરંતુ સરકારી તંત્રથી છે ફરિયાદ'
"કોરોના મહામારીમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકો હવે અમને પૂછે છે કે ભાઈ તમે તો વોટ માગવા આવતાં ત્યારે બધા કૉર્પોરેટરો અને ધારાસભ્યોના નંબરો અમને આપતા અને કહેતા કે ગમે ત્યારે જરૂર હોય ત્યારે એમનો સંપર્ક કરજો. પરંતુ આજે જ્યારે અમારે જરૂર છે ત્યારે તેઓ કોઈ ફોન કેમ નથી ઉપાડતા?"
અમદાવાદના સરદારનગર વૉર્ડના ભાજપ યુવા મોરચા પૂર્વ મહામંત્રી અને હાલમાં ભાજપના કારોબારી પાંખના સભ્ય ઋતુલ દેસાઈ ઉપરોક્ત વાત કહી સંભળાવે છે.
તેઓ કહે છે કે, "મારું મનદુ:ખ ભાજપ કે કોઈ પક્ષ સામે નથી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટાયેલી પાંખ સામે છે. તેમના અતાર્કિક નિયમોને કારણે હાલ સામાન્ય પ્રજાને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે."
ઋતુલ દેસાઈ ભાજપ વતી સત્તાનો દોર સંભાળી રહેલા આગેવાનો સામે પોતાનો રોષ પ્રગટ કરતાં કહે છે કે, "લોકો અમને ગ્રૂપમાં મૅસેજ કરીને પૂછે છે કે તેમના ત્યાંના ભાજપના ધારાસભ્ય ગુમ થઈ ગયા છે, કોઈને જાણ હોય તો જણાવશો."
દેસાઈ આગેવાનોની નીતિઓ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહે છે કે, "ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ સુરતમાં રેમડેસિવિર વહેંચે છે, આવું કંઈ અમદાવાદના લોકો માટે અહીંના ભાજપના આગેવાનો જનતા સમક્ષ તેમની મદદ કરવા માટે આગળ જઈ શકે તેવી કેમ વ્યવસ્થા કરાતી નથી."
તેઓ કહે છે કે જ્યારે અમે આ પ્રશ્ન ઉઠાવીએ છીએ ત્યારે અમને કહેવાય છે કે કમલમ્ કાર્યાલયમાં ફોન કરો. પરંતુ ત્યાં ફોન કરો ત્યારે પણ રેમડેસિવિર કે બીજી સુવિધા તો નથી જ મળતી. મળે છે તો માત્ર આશ્વાસન.
'સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે'
ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ સરકારના કોરોનાની મહામારીને ડામવામાં નિષ્ફળ રહી હોવાના કારણે રાજ્યમાં પોતાના જ કાર્યકર્તાઓ અને સમર્થકોના વ્યાપક વિરોધનો સામનો કરી રહી હોવાની વાતથી ઇન્કાર કરે છે.
તેઓ કહે છે કે, "જ્યારે આટલી મોટી આફત માનવસમાજ પર આવી પડે ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા લોકોને સરકારની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે. પરંતુ સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. હવે પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધરી રહી છે. અને ભવિષ્યમાં પણ સુધરશે. કપરો સમય છે જે પસાર થઈ જશે."
યમલ વ્યાસ જણાવે છે કે, "સરકાર વિરુદ્ધ અસંતોષ અને વિરોધ વ્યાપક પ્રમાણમાં છે તેવું ન કહી શકાય. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરો હોય કે તેના સમર્થકો સરકાર તમામ માટે યોગ્ય વ્યવસ્થા બને તેટલી વધુ ઝડપે કરી રહી છે. આ અસંતોષ નથી પરંતુ મનદુ:ખ છે. જે થોડા સમયમાં દૂર થઈ જશે."
તેઓ કહે છે કે, "ક્યાંક કોઈ કાર્યકર્તાના સ્વજનને તકલીફ પડી હોય કે તેમણે પોતાના નજીકની વ્યક્તિને તકલીફમાં જોવા પડ્યા હોય ત્યારે સ્વાભાવિકપણે સરકાર સામે મનદુ:ખ થઈ શકે છે. પરંતુ અહીં એ સમજવાની જરૂર છે કે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ આભ ફાટ્યા જેવી મોટી આફત છે. જે લોકોને તકલીફો પડી છે એ તમામને રાહત મળે તે માટે સરકાર સતત કામ કરી રહી છે. તેથી આ મનદુ:ખ વ્યાપક પ્રમાણમાં નથી જોવા મળી રહ્યું."
યમલ વ્યાસ સરકારના માણસો અને વગ ધરાવનાર નેતાઓને તમામ સારવાર યોગ્ય સમયે મળી જતી હોવાની વાત નકારતાં કહે છે કે, "કોઈ પણ પ્રકારની આફતમાં આવી વાતો ફેલાતી હોય છે, પરંતુ તેમાં દરેક વખત તથ્ય હોય તે જરૂરી નથી ઘણી વખત લોકોનાં મનમાં એવી લાગણી સ્વાભાવિકપણે આવી જાય છે કે તેમના કરતાં કોઈ અન્યનું કામ જલદી થઈ રહ્યું છે. પરંતુ હકીકત હંમેશાં તેમની સમજણ પ્રમાણેની હોતી નથી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો