નરેન્દ્ર મોદી @70 : સપનાં અને ભવિષ્ય વચ્ચે પડકારોનો પણ સામનો કરવો પડશે

    • લેેખક, અંકુર જૈન
    • પદ, સર્વિસ એડિટર, બીબીસી ગુજરાતી

કહેવાય છે કે ભારતીય રાજકારણીઓ માટે નિવૃત્તિની કોઈ વય નથી હોતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે બધાની નજર તેઓ રાજકારણમાં હવે કેવા માર્ગે જાય છે અને કેવા પડકારોનો સામનો કરશે તેના પર છે.

આગામી કેટલાંક વર્ષ મોદી કેવો વારસો છોડી જાય છે તે માટે નિર્ણાયક સાબિત થશે કારણ કે ભાજપે તેમના નેતાઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા 75 વર્ષની મર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે મોદી જો નિવૃત્ત થાય તો તેમની પાસે હવે પાંચ વર્ષ છે અને 2024માં સામાન્ય ચૂંટણી આડે ચાર વર્ષ છે.

પણ 70 વર્ષની વયે મોદીનાં સપનાં અને ભવિષ્ય વચ્ચે ત્રણ મહત્વના મુદ્દા રહેલા છેઃ અર્થતંત્ર, વિદેશનીતિ અને રાજનીતિ રમવાની તેમની શૈલી. નરેન્દ્ર મોદીના ટીકાકારો તેમનાં છ વર્ષના શાસનને વધતો જતો અસંતોષ, ભારતીય અર્થતંત્રની કથળતી જતી સ્થિતિ, ધ્રુવીકરણ અને સત્તાના કેન્દ્રીયકરણ તરીકે મુલવે છે.

જોકે, શાસન કરવાની તેમની શૈલીના અનેક સમર્થકો છે અને માને છે કે તેમણે ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો છે અને તેના લાભ ગરીબો તથા વંચિતો સુધી પહોંચ્યા છે.

મોદીની નજર અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પર

હાલમાં અંકુશ રેખા પર ચીની દળો તહેનાત છે ત્યારે નરેન્દ્ર મોદીની સાચી પરીક્ષા તેમની વિદેશનીતિ છે. 2014માં વડા પ્રધાન બન્ચા પછી મોદી જિનપિંગને 18 વાર મળ્યા છે પણ એમ લાગે છે કે આ મિલન હાથ મિલાવવાથી આગળ નથી વધી શક્યું.

ભાજપની નેશનલ ઍક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શેષાદ્રી ચારીએ જણાવ્યું હતું, "વડા પ્રધાને કંઈક 'હટકે' વિચારવું પડશે, વેપારસંધિઓ પર ફરીથી સોદાબાજી કરવી પડશે અને ઊભરતી વૈશ્વિક સત્તાઓ સાથે સંતુલન જાળવવા નવા વ્યૂહ ઘડવા પડશે."

"આ બધું તેમણે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પર અસર ન પડે તે રીતે કરવું પડશે."

વિદેશનીતિના નિષ્ણાત અને આરએસએસના પ્રચારક ચારી માને છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે બદલાઇ રહેલાં નવાં વૈશ્વિક સમીકરણોની પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન સમક્ષ વિદેશનીતિ બાબતમાં અનેક પડકારો રહેલા છે.

ચારી કહે છે, "2014માં સત્તા સંભાળી ત્યારથી વડા પ્રઘાન મોદીએ વિદેશનીતિ માટે 'નેબર્સ ફર્સ્ટ' (પહેલો સગો પડોશી) પર ભાર મુક્યો છે. પણ છ વર્ષ પછી બદલાઈ રહેલી ભૂ-રાજકીય સ્થિતિ નવા પડકારો ઊભા કરી રહી છે."

"અમેરિકા-ચીન ટ્રૅડવૉરનું ભાવિ, ઈરાન સાથેના ભારતના સંબંધો, રશિયાથી ભારતની સંરક્ષણ ઉપકરણોની આયાત અને ચીન સાથે સ્પર્ધા કરવા વિવિધ દેશો સાથે ભારતના વેપાર સંબંધો તથા આર્થિક અસંતુલનમાં ઘટાડો આ તમામ બાબતો અમેરિકાની ચૂંટણી નક્કી કરશે."

'ધ હિન્દુ'ના નેશનલ અને ડિપ્લોમેટિક અફેર્સ એડિટર સુહાસિની હૈદર જણાવે છે કે સૌથી નજીકનો પડકાર એલએસી (વાસ્તવિક અંકુશ રેખા) ખાતે ચીની દળોનો જમાવડો છે. આ ઉપરાંત, કોવિડ-19ને પગે ઊભા થઈ રહેલા પડકારો તો છે જ."

"કોવિડને પગલે વૈશ્વિકરણ વિરોધી અને રક્ષણવાદની ભાવના વધતી જાય છે અને ભારતીય સ્થળાંતરીઓ માટે નોકરીઓ ઘટી રહી છે."

"ભારતે પણ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની વાપસી માટે અને પડોશમાં તાલીબાનોના મુખ્ય ધારામાં સંભવિત પ્રવેશ માટે તૈયાર રહેવું પડશે."

વિશ્વમાં નરેન્દ્ર મોદીની છબી અંગે તેમની ટીમે આટલાં વર્ષોમાં ઘણું કામ કર્યુ છે, જેમાં ભાજપના સભ્યો અને એજન્સીઓનો સમાવેશ થાય છે.

જોકે, ગુજરાતનાં રમખાણો બાદ સિટિઝનશીપ (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ (CAA), નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) અને કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાની નાબૂદી જેવા નિર્ણયોએ મોદીની વૈશ્વિક છબીને ખરડી છે.

હૈદરે જણાવ્યું હતું કે મોદી સરકાર સમક્ષ હજુ પણ કેટલાક પડકારો છે, જે તેની સ્થાનિક નીતિઓમાંથી ઉદભવી રહ્યા છે, જેમાં જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને CAA/NRC અંગે પડોશી દેશની પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે.

પૈસા બોલતા હૈ

યુપીએ સરકારને આર્થિક મોરચે નિષ્ફળ ગણીને તેની સામેના જુવાળને આધારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી હતી પણ મોદીએ આપેલું 'અચ્છે દિન'નું વચન હજુ પૂર્ણ થયું નથી. વિરોધપક્ષો મોદી અને તેમની આર્થિક નીતિઓને રોજગારવિરોધી ગણાવે છે.

કથળતા અર્થતંત્ર અને વધતી જતી બેરોજગારીની રસી શોધવી એ મોદી માટે તાકીદની જરૂરિયાત છે. જોકે રાજ્યસભાના સાંસદ, લેખક અને અર્થશાસ્ત્રી સ્વપનદાસ ગુપ્તા માને છે કે લોકોમાં વિશ્વાસનો સંચાર કરવામાં મોદી સફળ રહ્યા છે અને તેઓ યોગ્ય દિશામાં જઈ રહ્યા છે.

દાસગુપ્તા કહે છે, "આ અસાધારણ સંજોગો છે અને અર્થતંત્ર સામાન્ય નથી. નરેન્દ્ર મોદી સરકાર માર્કેટમાં લિક્વિડિટી ઠાલવવામાં સફળ રહી છે. લોકોમાં એવી લાગણી પ્રવર્તે છે કે મોદીએ સારી કામગીરી કરી છે અને આપણને એવું માનવા પ્રેરિત કર્યા છે કે કોવિડ પછીની સ્થિતિ નવી તકો ઊભી કરશે."

"પણ કોવિડ-19 કટોકટીનો સામનો કરવા અથવા તો અર્થતંત્રની ગાડી કઇ રીતે ફરીથી પાટા પર લાવવી તેનો અક્સીર ઇલાજ કોઈ પાસે નથી."

દાસગુપ્તા માને છે કે વૈશ્વિક દ્વાર બંધ કર્યા વગર આત્મનિર્ભર બનવું જોઈએ એ સહિતના મોદીના વિચારો સાચી દિશાના છે.

દાસગુપ્તા સ્વીકારે છે કે સરકારમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને કોરોનાની વર્તમાન સ્થિતિમાં લોકોની મુશ્કલીઓ ભવિષ્યમાં ધંધા-રોજગાર અંગેની ચિંતામાં ન પ્રવર્તે તે સુનિશ્ચિત કરવું એ મોદી માટે પડકાર છે. પત્રકાર અને 'લૉસ્ટ ડૅકેડ'નાં લેખક પુજા મેહરા એવી દલીલ કરે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વધતી જતી આર્થિક સમસ્યાઓ માટે જવાબદારી સ્વીકારવામાંથી બચી રહ્યા છે.

"સરકારની આવક ઘટી ગઈ છે, તેમની પાસેના વિકલ્પો ઘટી ગયા છે અને યોજનાઓ પાછળ ખર્ચીને લોકપ્રિયતા મેળવવાનો અવકાશ મર્યાદિત છે. આ બધા મોદી માટે પ્રાથમિક પડકારો છે. સરકાર પેમૅન્ટ કરવામાં અને બાકી લેણાં

ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. જો આ પગલાં ભર્યાં હોત તો અર્થતંત્રની નરમાઈ ઘટાડી શકાઈ હોત."

"સરકાર પહેલાં જ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા સ્થગિત કરી ચૂકી છે. શું એવો તબક્કો આવશે જ્યારે સરકારને પગાર અને પેન્શન ચૂકવવાં પણ પોસાશે નહીં?"

શું બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં મતદારો માટે અર્થતંત્ર મુદ્દો બનશે?

મેહરા કહે છે, "લોકોને રોજગાર આપવામાં અને ખેડૂતોને ખર્ચ સામે વળતર અપાવવામાં નિષ્ફળતા છતાં મોદીમાં મતદારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. હવે સવાલ એ છે કે આ લોકપ્રિયતાને તેઓ (મોદી) ક્યાં સુધી હળવાશથી લેશે?"

મોદીને જાણનારા લોકો દાવો કરે છે કે રાજદ્વારીતા અને રાજકારણ તેમની તાકાત છે પણ અર્થતંત્ર માટે તેમણે સલાહકારો પર નિર્ભર રહેવું પડે છે.

મેહરા સહિતના કેટલાય અર્થશાસ્ત્રી માને છે કે આ સલાહકારો પોતે જ સમસ્યા છે.

મોદીને નક્કર અર્થતંત્ર અથવા પ્રોફેશનલ અર્થશાસ્ત્રીઓમાં ખાસ વિશ્વાસ નથી. તેમના વિશ્વાસુ સલાહકારો અર્થતંત્રને લાભને બદલે વધુ નુકસાન પહોંચાડનાર નોટબંધી જેવા બિનપારંપારિક પ્રયોગો કરવાની મનોવૃત્તિ ધરાવે છે.

રાજકારણની રમત

નરેન્દ્ર મોદી 80ના દાયકાના અંતમાં સક્રિય રાજકારણમાં આવ્યા હતા. ત્યારથી તેમણે પોતાના માટે ફેંકેલા તમામ પાસા સવળા પડ્યા છે. આજે, 70ના થયેલા મોદી 50 વર્ષના રાહુલ ગાંધીની સરખામણીમાં રાજકીય રીતે મજબૂત છે પણ મોદી માટે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે?

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'નાં પૂર્વ ડેપ્યુટી એડિટર સીમા ચિશ્તી કહે છે, "લોકશાહીમાં લોકપ્રિય નેતાઓ માટે સૌથી મોટો પડકાર ત્યારે સર્જાય છે જ્યારે તેઓ કોઈ વ્યક્તિ કે સંસ્થાને પડકાર તરીકે ન જોતા હોય. આ સ્થિતિમાં તેઓ અટકી જાય છે. બોલકો વિરોધપક્ષ માત્ર લોકશાહી માટે જ નહીં પણ સત્તામાં બેઠેલાઓ માટે પણ સારો છે, કારણ કે મજબૂત વિપક્ષ શાસકને ઊભા પગે રાખે છે અને એ રીતે દાબમાં રાખે છે."

તો શું મોદી 'કૉગ્રેસમુક્ત ભારત'ના ભાજપના સ્વપ્ન કરતાં પણ ઊંચા બની જશે? આગામી કેટલાંક વર્ષોમાં મોદી જે કામગીરી કરશે તેનાથી તેમનો વારસો મજબૂત બનશે. શહેરી વિકાસમંત્રી હરદીપ પુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે દિલ્હીના રાજપથને રીડૅવલપ કરવાનો 'સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ' વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

આ પ્રોજેક્ટની ડિઝાઇન કરવાનું કામ અમદાવાદસ્થિત આર્કિટેક્ટ બિમલ પટેલને સોંપવામાં આવ્યું છે, જેઓ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી તેમના ખાસ રહ્યા છે પણ નિવૃત્તિ પછી દુનિયા અને ભારત પોતાને કઈ રીતે યાદ રાખે એવું મોદી ઇચ્છે છે અને આગામી સમયમાં તેમની સામેના પડકારો કયા છે?

"મોદી હિન્દુત્વની વિચારધારાના કટ્ટર સમર્થક છે પણ વૈશ્વિક નેતા તરીકે ઓળખાવાની તેમની જરૂરિયાતને કારણે તેઓ વિદેશમાં ગાંધી અને સર્વસમાવેશી ભારતનું આહ્વાન કરે છે. ભારતને ઘર આંગણે એક બોટલમાં પુરવાનો પ્રયાસ અને વૈશ્વિક મંચ પર જઈને ભારતના બંધારણ પ્રત્યે પ્રતિબધ્ધ હોવાના ઊંચા દાવાઓ કરવા એ બંને વચ્ચે મોટો વિરોધાભાસ છે," એમ ચિશ્તી કહે છે.

જોકે 'ઇન્ડિયા ટુડે'ના ડેપ્યુટી એડિટર ઉદય માહુરકર માને છે કે કૉગ્રેસની ઇમેજ ન બદલાય ત્યાં સુધી મોદીને કોઈ રાજકીય પડકારનો સામનો નહીં કરવો પડે. માહુરકર માને છે, "જ્યાં સુધી કૉગ્રેસ લઘુમતીઓનું તૃષ્ટીકરણ કરે છે ત્યાં સુધી મોદી માટે કોઈ પડકાર નથી. સામાન્ય માણસના મનમાં મોદીની છબી એટલી જ મજબૂત છે જેટલી ભ્રષ્ટાચારમુક્ત નેતા તરીકેની છે."

માહુરકર કહે છે, "મોદી સરકારની કામગીરી અત્યંત મજબુત છે અને મોટા ભાગના લોકો, ખાસ કરીને ગ્રામીણ ભારતના લોકોને સરકારની યોજનાઓથી લાભ થયો છે. મોદીના ટીકાકારો એવું ચિત્ર ઊભું કરી રહ્યા છે કે આગામી માર્ગ પડકારજનક છે. પણ તેવું છે નહીં. કોવિડ બાદ ભારત મજબુત મોદીને જોશે."

પણ પોતાના 70માં જન્મદિને વડા પ્રધાન પોતાના માટે શું શુભેચ્છા રાખશે? મજબૂત મોદી, વૈશ્વિક મોદી, વધુ હિન્દુ મોદી, વધુ સ્વીકાર્ય મોદી કે આ બધું એક સાથે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો