કોરોના વાઇરસ : ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ મૃતદેહોનો કોરોના ટેસ્ટ થશે ખરો?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રમાં હૉસ્પિટલમાં કોઈ કેસ મૃત્યુ પામેલ અવસ્થામાં આવે તો તે મૃતદેહનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે એવી જાહેરાત થઈ છે.

આ કારણે જે તે દર્દી કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હતા કે નહીં એની સ્પષ્ટતા થશે તેમજ મૃતકની હયાતી દરમિયાન કરવામાં આવેલ કોરોના પરીક્ષણ જો નૅગેટિવ આવ્યું હોય તો એ ખામીયુક્ત હતું કે નહીં તેની પણ ભાળ મળી શકશે.

ગુજરાતમાં પણ સરકારી હૉસ્પિટલોમાં દરદી હૉસ્પિટલે પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામ્યા હોય એવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે મહારાષ્ટ્રે જે જાહેરાત કરી છે એ અંગે ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે.

આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને પૂછવામાં આવ્યું કે શું આપણે ત્યાં મહારાષ્ટ્રની જેમ હૉસ્પિટલમાં કોઈ મૃતક કેસ આવે તો તેનું એન્ટિજન પરીક્ષણ કરવાનું નક્કી થયું છે કે કેમ?

આ સવાલના જવાબમાં નીતિન પટેલે બીબીસીને કહ્યું હતું કે "હાલ તો અમે આવું કશું કરતા નથી. આના વિશે જોવું પડશે. મહારાષ્ટ્રમાં જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ વિશે અમે જોઈશું. સામાન્ય રીતે દરદીના મૃત્યુનો રિપોર્ટ નિહાળીને એનો અભ્યાસ આપણે ત્યાં થાય છે. એ સિવાય કશું કરતા નથી. રાજકોટમાં અમે એ લાગુ કર્યું છે કે દરદી મૃત્યુ પામે અને પરિવારજનો મંજૂરી આપે તો અમે પોસ્ટમૉર્ટમ કરીએ છીએ. જોકે, આપના દ્વારા અપાયેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં મૃતદેહોનાં એન્ટિજન પરીક્ષણ કરવામાં આવે છે, તે અંગે અમે વિગત મેળવીશું."

મહારાષ્ટ્રમાં કેમ આવ્યો નિયમ

મહારાષ્ટ્રમાં સરકારના નવા પરિપત્ર અનુસાર સરકાર દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે હવે સરકારી હૉસ્પિટલમાં જે કોઈ મૃતદેહો લાવવામાં આવશે એનાં પણ કોરોના માટેનો રેપિડ એન્ટિજન પરીક્ષણ કરવામાં આવશે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે આ માહિતીને લગતો અહેવાલ પ્રકાશિત કર્યો છે. એ અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં દસ લાખ કરતાં વધુ કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 29 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. મુંબઈમાં 8 હજારથી વધુ લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. શબઘરમાં કેટલેક ઠેકાણે જગ્યાઓ ખૂટી પડી છે. ત્યાંની સસૂન જનરલ હૉસ્પિટલમાં રોજનાં 40-50 મૃત્યુ નોંધાઈ રહ્યાં છે. જે પૈકી પંદરેક જેટલા કેસ તો મૃત અવસ્થામાં જ આવી રહ્યા હોવાનું નોંધાયું છે.

નાગપુરની સરકારી હૉસ્પિટલમાં રોજના સરેરાશ 35 મૃત્યુ નોંધાય છે જેમાંથી 10 જેટલા કેસ મૃત અવસ્થામાં હૉસ્પિટલે આવે છે.

કોરોનાની કઠિન પરિસ્થિતિ વચ્ચે હવે ત્યાં એવું નક્કી થયું છે કે મૃતદેહોનાં પણ એન્ટિજન પરીક્ષણ કરવાં. આ ટેસ્ટનું પરિણામ 30 મિનિટમાં આવી જાય છે. આને લીધે વ્યક્તિને કોરોના હતો કે નહીં એ અંગે કોઈ અવઢવ નહીં રહે તેમજ મૃતકની અંતિમક્રિયા કઈ રીતે કરવી એ સમસ્યાનો પણ ઝટ ઉકેલ આવી શકશે.

જો કોઈ મૃતકનું નૅગેટિવ કોરોના પરીક્ષણ ખામીયુક્ત હોય અને મૃત્યુનું કારણ જાણવા સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા પોસ્ટમૉર્ટમ ક્રિયા કરવામાં તો તેમને પણ ચેપનું જોખમ રહે છે.

આમ, એન્ટિજન ટેસ્ટને લીધે મૃતક કોરોના પૉઝિટિવ હતા કે નહીં એ સ્પષ્ટ થઈ જશે. તેથી જો મૃતક કોરોના સંક્રમિત હોય તો તેની ફૉરેન્સિક અટોપ્સીની જરૂર નહીં રહે. ડૉક્ટર જ તેમના મૃત્યુનું પ્રમાણપત્ર આપી દેશે. કોરોનાને લીધે દરદીનું હૉસ્પિટલ કે અન્ય કોઈ સ્થળે મોત નીપજ્યું હશે તો એના પોસ્ટમૉર્ટમની જરૂર નહીં રહે.

ICMR(ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની માર્ગદર્શિકા અને સ્ટેટ એડવાઇઝરીના આધારે આ નક્કી થયું છે.

ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકરે બીબીસીને જણાવ્યું હતું કે "ઘરમાં ઘરડાં દંપતી રહેતાં હોય અને તેઓમાંથી કોઈનું શ્વાસ ચઢતાં મોત થાય તો ખબર કેમ પડે કે તેઓ કોરોનાથી મરણ પામ્યા છે કે અન્ય કારણથી? તેથી મૃતકના મરણનું કારણ ખબર ન હોય એવા દરેક કેસમાં પરીક્ષણ કરવું જોઈએ. ઘરમાં કોઈ વ્યક્તિ મરણ પામી હોય અને તેમને સીધા સ્મશાનમાં લઈ જતાં હોય તો ત્યાં પણ કોરોના માટેના પરીક્ષણની વ્યવસ્થા રાખવી જોઈએ."

"કેટલાંક એવા પણ કેસ સામે આવ્યા છે જેમાં કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોય અને પરીક્ષણ કરાયાં બાદ તેઓ કોરોના પૉઝિટિવ મળી આવે છે."

મૃતકોના પરીક્ષણથી ફાયદો શું?

મૃતદેહોનાં કોરોના પરીક્ષણ અંગેના નવા પરિપત્રને લીધે મહારાષ્ટ્રમાં સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં જે કોઈ પણ મૃત્યુનો કેસ આવશે તેનું એન્ટિજન પરીક્ષણ કરવામાં આવશે. જો એ કોરોના નૅગેટિવ હશે તો શા કારણે મૃત્યુ થયું છે એ પણ જાણવું પડશે.

મહારાષ્ટ્રમાં મૃતદેહના એન્ટિજન ટેસ્ટ સંદર્ભે ત્યાંના પ્રિન્સિપલ આરોગ્ય સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દૈનિકમાં 24 ઑગસ્ટે પ્રકાશિત લેખમાં જણાવ્યું હતું કે "કેન્દ્રના સૂચન અનુસાર સામાન્ય રીતે મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવતું નથી, પરંતુ જેમનાં મૃત્યુ પાછળ કોરોનાની પ્રબળ શંકા હોય અને પરિવારજનોનો આગ્રહ હોય તો એવા કેસમાં મૃતદેહનું એન્ટિજન પરીક્ષણ થાય છે. એન્ટિજન પરીક્ષણનું પરિણામ ઝડપી હોવાથી મૃતદેહની સોંપણી કે અન્ય પ્રક્રિયા પણ ઝડપી બની જાય છે."

ICMRના એક દસ્તાવેજમાં એવી પણ ભલામણ છે કે શંકાસ્પદ મૃતકના નાકમાંથી સ્વૅબ લઈને પછી તેમના મૃતદેહને શબઘર મોકલવો.

દૈનિક હિન્દુસ્તાન ટાઇમ્સના 21 મેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ICMRની માર્ગદર્શિકા અનુસાર કોરોના સંક્રમણના શંકાસ્પદ મૃત્યુ કેસમાં મૃતદેહને શબઘરમાં મોકલતાં પહેલાં તેના નાકમાંથી સ્વૅબ સૅમ્પલ લઈ લેવા. ગાઇડલાઇનમાં એમ પણ જણાવાયું હતું કે જો મૃતકનો કોરોનાનો ફાઇનલ એટલે કે આરટી-પીસીઆર (રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન - પોલિમરાઇઝ ચેઇન રિઍક્શન) ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી હોય તો એ ન આવે ત્યાં સુધી મૃતદેહને શબઘરમાંથી ન લઈ જવો.

ગુજરાતમાં કોરોનાનો કેર

2017ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની સાબરમતી બેઠક પરથી કૉંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર નેતા તેમજ વ્યવસાયે ડૉક્ટર એવા જીતુભાઈ પટેલે મહારાષ્ટ્રના પગલાને આવકારતાં બીબીસીને કહ્યું હતું કે "જીવતા માણસનું કોરોના પરીક્ષણ જેમ જરૂરી છે તેમ મૃતક વ્યક્તિનું પણ કોરોના પરીક્ષણ થવું જોઈએ."

"જીવતા કરતાં પણ મૃતક વ્યક્તિનું કોરોના પરીક્ષણ કરવાનો ફાયદો વધારે છે. જો કોરોનાના સંક્રમણને લીધે દર્દી મૃત્યુ પામ્યા હોયય તો એના ટ્ર્રૅકિંગ અને ટ્રૅસિંગને લીધે આપણે ઘણા લોકોને બચાવી શકીએ અને કોરોનાનો વ્યાપ વધતો અટકે."

"કોઈ વ્યક્તિ ગુજરી જાય અને ઘરના લોકો એવા વહેમમાં હોય કે કોરોનાને લીધે તેમનું મોત નથી થયું અને એ વહેમ ખોટો હોય તો એના પરિણામ ગંભીર આવી શકે છે. હવે તો કોરોનાનો વ્યાપ ગલીએ ગલીએ છે. એન્ટિજન ટેસ્ટમાં દરદીને પચાસ ટકા લક્ષણ હોય તો જ તેમાં કોરોના પકડાય છે. મુદ્દો એ છે કે પચાસ ટકા તો પચાસ ટકા પણ જો મૃતક કોરોના પૉઝિટિવ હોય તો એટલો વ્યાપ તો અટકી જ શકે છે."

ગુજરાતમાં કોરોનાનો કેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં અત્યાર સુધી એક લાખ પંદર હજાર કરતાં વધારે કોરોનાના કેસ નોંધાયા છે. પાછલા એક અઠવાડિયાથી રાજ્યમાં રોજના તેરસો કરતાં વધુ કોરોના કેસો નોંધાય છે.

એકસમયે જે પરિસ્થિતિ અમદાવાદની હતી એવી જ આજે સુરત અને રાજકોટની છે. અમદાવાદમાં પણ કોરોના કેસ સતત સામે આવી જ રહ્યા છે. છેલ્લાં ચાર-પાંચ મહિનાથી કોરોનાએ સમગ્ર રાજ્યનો જીવ તાળવે ચોટાડી દીધો છે.

અંતરિયાળ જિલ્લાઓ જેમકે, જુનાગઢ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર વગેરેમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં દોઢસોથી વધુ ડૉક્ટરો પણ સંક્રમિત થયા હતા. રાજકોટમાં તો સોની બજાર અને દાણાપીઠમાં વેપારીઓએ સ્વયંભૂ લૉકડાઉન જાહેર કર્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણની યાદી અનુસાર 15 સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં 3247 દર્દી મૃત્યુ પામ્યા હતા. જોકે, કોરોનાએ રાજ્યમાં માથું ઊંચક્યું ત્યારથી એવા આક્ષેપ છાશવારે લાગી રહ્યા છે કે સરકાર ઓછા આંકડા જાહેર કરી રહી છે.

સરકાર આંકડાઓ છુપાવે છે?

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે 11 સપ્ટેમ્બરે આક્ષેપ કરતાં કહ્યું હતું કે "ભાજપ સરકાર અસંવેદનશીલ છે. આંકડાના મામલે, સંતાકૂકડીની રમત રમી રહી છે. અમદાવાદ સુધરાઈ સંચાલિત સ્મશાનગૃહોમાં પાંચ મહિનામાં 17,436 મૃત્યુ નોંધાયાં છેં. કોરોનાને કારણે 1673 લોકોનાં મૃત્યુ થયાં હોય તો બાકીના મૃત્યુ મામલે સરકારે સાચી હકીકત જાહેર કરવી જોઈએ."

"અમદાવાદમાં મે મહિનામાં કોરોના સંક્રમણ પરાકાષ્ઠા પર હતું તે સમયે અમદાવાદ સુધરાઈ સંચાલિત સ્મશાનગૃહોમાં મરણની સંખ્યા 6147 હતી એટલે કે દર 24 કલાકે 204 મરણ નોંધાયા. જેમાં મે મહિનામાં દર કલાકે અમદાવાદ શહેરમાં નવ લોકોનાં મૃત્યુ થયાં. પરંતુ સુધરાઈના ચોપડે મે મહિનામાં કોરોનાથી 686 મૃત્યુ નોંધાયાં. તો બાકીના મૃત્યુ કયા રોગથી થયાં?"

"માર્ચ મહિનામાં સુધરાઈ સંચાલિત સ્મશાનમાં 2685 મૃત્ય નોંધાયા એટલે કે દિવસના 90 મરણ અને દર કલાકે ચાર વ્યક્તિનાં મોત સ્મશાનમાં નોંધાયાં. સુધરાઈના ચોપડે કોરોનાથી ત્રણ વ્યક્તિનાં મરણ થયા હોવાની સત્તાવાર નોંધ છે. તો બાકીના મૃત્યુ કયા રોગથી થયાં?"

આવી જ રીતે આગામી મહિનાઓ દરમિયાન થઈ રહેલાં મૃત્યુના આંકડાઓમાં ગફલત કરાઈ હોવાનો આક્ષેપ કરતાં તેઓ કહે છે કે,

"એપ્રિલ મહિનામાં 3052 મરણ સ્મશાનગૃહમાં નોંધાયા એટલે કે, એપ્રિલ મહિનામાં રોજના 101 મરણ અને દર કલાકે પાંચનાં મૃત્યુ થયાં છે. સુધરાઈના ચોપડે કોરોનાથી 144 વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે. તો બાકીનાં મૃત્યુ શા કારણે થયાં? જૂન મહિનામાં 4968 મરણ સ્મશાનગૃહમાં નોંધાયાં એટલે કે, જૂન મહિનામાં રોજના 165 મરણ અને દર કલાકે સાત મૃત્યુ થયાં છે. સુધરાઈના ચોપડે કોરોનાથી 572 વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે. તો બાકીના મૃત્યુ કયાં રોગથી થયાં? જુલાઈ અને ઑગસ્ટમાં કોરોનાથી 151 અને 117 વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે."

સરકાર કોરોનાના આંકડા મામલે ગેરમાર્ગે દોરી રહી છે એવો આક્ષેપ કરતાં ડૉ. જીતુભાઈ પટેલ કહે છે કે "દરદીના મરણ માટે કૉમોર્બીડ એટલે કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે કારણ આગળ ધરવામાં આવે છે. એવા પણ લોકો હોય છે કે જેમને ડાયાબિટીસ પચાસ વર્ષથી હોય છતાં એનું મોત નથી થતું, અને પછી કોરોનાને લીધે મોત થાય તો સરકાર એના માટે ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરેનું કારણ આગળ ધરે છે. સરકારનું આ વલણ ખેદજનક છે. સરકારની શાહમૃગવૃત્તિ છે. આંકડાના મામલે સરકારે પારદર્શિતા દાખવવી જ જોઈએ, પછી ભલે ગમે તેટલા આંકડા આવે. સાચા આંકડા સામે હશે તો સારવાર કરી શકીશું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પોતે કોરોના હોવાનું છુપાવ્યું પણ તેમના પુત્રએ કહી દીધું કે તેઓ પૉઝિટિવ હતા. શું કામ છુપાવવું પડે? જો પૉઝિટિવ થયા તો થયા. તેમણે કોરોના સંક્રમણમાં યાત્રા કાઢીને જે ભૂલ કરી અને ગુજરાતના ખૂણે ખૂણે કોરોના પહોંચાડી દીધો. એ ન કર્યું હોત તો સારૂં હોત."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો