સી. આર. પાટીલ : ગુજરાત ભાજપ અધ્યક્ષ કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ થતાં જ બાવન દિવસમાં ગુજરાત પ્રવાસે નીકળેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ હવે તમામ વિરોધ પક્ષની નજરે 'સુપર સ્પ્રેડર' બની ગયા છે.

કૉંગ્રેસનો દાવો છે કે એમના કારણે એમની જ પાર્ટીના કેટલાય કાર્યકર્તા કોરોનાના હરતાંફરતાં બૉમ્બ બની ગયા છે.

તો ભાજપ વળતો પ્રહાર કરતા કહે છે કે કોરોના કોઈ પાર્ટીને જોઈને થતો રોગ નથી, એ દરેક પક્ષના નેતાને થયો છે અને ભાજપના કારણે કોરોના ફેલાયો છે એ વાત ખોટી છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ થયા પછી સી. આર. પાટીલે ગુજરાતમાં કાર્યકર્તાઓને રિચાર્જ કરવા માટે ઍગ્રેસિવ રીતે પ્રવાસ શરૂ કરી દીધો હતો.

સૌરાષ્ટ્રના પ્રવાસ સમયથી જ નવા વિવાદો ઊભા થવાના શરૂ થઈ ગયા હતા.

પાટીલની રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડતા હતા અને રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળતો હતો.

સોશિયલ મીડિયામાં તેમની રેલીઓના ફોટો અને વીડિયો પણ વાઇરલ થયા હતા.

'ભાજપે તમામ નિયમો નેવે મૂકી દીધા'

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કૉંગ્રેસ જ્યારે પણ કોઈ પ્રજાલક્ષી કાર્યક્રમ આપે તો એને કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નામે મંજૂરી આપવામાં સરકાર પરેશાની ઊભી કરતી હતી, પણ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે તમામ નિયમો નેવે મૂકી દીધા છે.

તેઓ કહે છે, "એમના સૌરાષ્ટ્રના પ્રવાસમાં લોકોને ગરબા ગવડાવ્યા અને એમના સાથીઓને કોરોના થયો."

"ઉત્તર ગુજરાતમાં ફર્યા અને એમના સાથીઓને કોરોના થયો. સી. આર. પાટીલના આ તઘલખી નિર્ણયવાળા પ્રવાસો રોકવાની તાકાત ગુજરાત સરકારમાં પણ નહોતી એટલે એમના ધારાસભ્યો અને નેતા સહિત 130 ભાજપના લોકોને કોરોના થયો છે, કારણ કે ક્યાંય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું નથી."

મોઢવાડિયા કહે છે કે "ચિંતાની વાત એ છે કે જો 130 લોકોને કોરોના થયાનું બહાર આવે તો એમણે એકઠી કરેલી ભીડમાં કેટલા લોકોને કોરોના થયો હશે એ કલ્પના બહારનું છે."

તેઓ વધુમાં કહે છે, "તમે જુઓ તો પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસ પછી એ વિસ્તારમાં કોરોના વકર્યો છે. સરકાર આંકડા છુપાવે છે. મુખ્ય મંત્રીના ઘર રાજકોટમાં છવાઈ જવા માટે ઘૂસ્યા તો ત્યાંના સાંસદથી માંડી સંખ્યાબંધ લોકોને કોરોના થયો અને આંકડા છુપાવવામાં આવી રહ્યા છે."

તો કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર એનાથી આગળ વધીને કહે છે કે ગુજરાતમાં કોરોનાના નામે સરકારે સામાન્ય લોકોને દંડ કર્યા, પણ ભાજપના કાર્યકર્તાને માટે કોઈ નિયમ નહોતો.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "એમણે ચૂંટણી જીતવાની લ્હાયમાં ગુજરાતમાં કોરોના ફેલાવ્યો છે અને એ સુપર સ્પ્રેડર બની ગયા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ પછી આ વિસ્તારમાં કોરોના 30 % વધ્યો છે. એમની સાથે ફરતા ગોરધન ઝડફિયા અને બીજા નેતાઓએ એમને કોરોનાના સુપર સ્પ્રેડર બનવામાં મદદ કરી છે, જેના કારણે ગુજરાતમાં કોરોના વધુ ફેલાઈ રહ્યો છે."

'સી. આર. પાટીલ કોરોનાના સુપર સ્પ્રેડર છે'

પરમારના કહેવા અનુસાર સરકાર સી. આર. પાટીલના પ્રવાસ પછી કોરોનાનું સંક્રમણ કેટલું વધ્યું એના આંકડા છુપાવે છે.

"રાજકોટમાં સ્મશાનગૃહોમાં કોરોનાના કારણે અવસાન પામેલા લોકોની સંખ્યા વધી ગઈ છે. સ્મશાનગૃહોમાં અંતિમક્રિયા માટે લાઇનો લાગવા લાગી છે. અને સરકારને ખબર પડી કે આ તમાશાથી કોરોના વધુ ફેલાય છે એટલે એમને બીજાં બહાનાં હેઠળ સૌરાષ્ટ્રનો અમરેલીના નેતાઓનો પ્રવાસ મોકૂફ રાખવો પડ્યો હતો."

તેઓ કહે છે કે "મંત્રીઓને કમલમ્ બેસાડવાના નિર્ણય પછી ટોળાં ભેગાં થતા ભાજપના કાર્યાલયમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો અને કાર્યાલય બંધ કરવું પડ્યું છે. આ જ બતાવી આપે છે કે ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ કોરોનાના સુપર સ્પ્રેડર છે."

આ અંગે બીબીસીએ ભાજપના ઉપાધ્યક્ષ અને સી.આર. પાટીલની રેલીઓમાં હાજર રહેલા ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાત કરી હતી.

તેઓએ કહ્યું કે "આ આરોપો તદ્દન ખોટા છે. અમે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા હતા, પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હતા. અમે ફરજિયાત માસ્ક પહેરાવ્યા છે, સૅનેટાઇઝરનો ઉપયોગ કર્યો છે."

તેઓએ કહ્યું કે "જ્યાં હૉલમાં મિટિંગ હતી ત્યાં પ્રવેશ સમયે સૅનેટાઇઝરનો ઉપયોગ કરવા ઉપરાંત ફરજિયાત માસ્ક પહેરાવ્યા છે. આમ છતાં કૉંગ્રેસ ભાજપને બદનામ કરવા આ કારસો કરી રહી છે."

કૉંગ્રેસ પર આરોપ મૂકતા ઝડફિયા કહે છે, "એમની ડાંગની મિટિંગ હોય કે સૌરાષ્ટ્રની મિટિંગ હોય, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા છે, પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માગતા કૉંગ્રેસના નેતાઓ આવા આરોપ કરે છે."

'પાટીલે જીવતા બૉમ્બ ગુજરાતમાં ફરતા મૂકી દીધા'

તો ગુજરાત એનસીપીના અધ્યક્ષ જયંત બોસ્કીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપ માટે તો ગુજરાતમાં મોસાળમાં જમવાનું અને મા પીરસનારી હોય એવો ઘાટ છે.

કોઈ પણ નિયમો પાળ્યા વિના સભાઓ યોજીને કોરોનાને ફેલાવ્યો છે.

"ગરીબ શાકભાજીવાળા અને નાના રેંકડીવાળાને સુપર સ્પ્રેડર કહીને એમના ધંધા-રોજગાર બંધ કરાવનારા ભાજપના લોકોને એમના ઘરમાં બેઠેલા કોરોનાના સુપર સ્પ્રેડરના દેખાયા."

"મહત્ત્વની વાત એ છે કે આ સમારંભોમાં હાજર રહેલા નેતાઓને કોરોના થયો તો સમારંભોમાં સોશિયલ ડિસ્ટન્સ વગર બેઠેલા નાના કાર્યકર્તાઓમાં કેટલો ફેલાયો હશે?"

બોસ્કી કહે છે કે "ભાજપના નેતા સી. આર. પાટીલે નિયમો નેવે મૂકી કોરોના ફેલાવનારા જીવતા બૉમ્બ ગુજરાતમાં ફરતા મૂકી દીધા છે."

આ અંગે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે બીબીસીએ વાત કરતાં તેઓએ કહ્યું કે કૉંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે. કોરોના કોઈ પાર્ટીને જોઈને થતો નથી, દરેકને થાય છે.

પાટીલના પ્રવાસને કારણે સૌરાષ્ટ્રમાં કોરોના વધ્યો?

નીતિન પટેલ કહે છે, "અમારા પ્રદેશ અધ્યક્ષને થયો છે. તો કૉંગ્રેસના નેતાઓને નથી થયો? રિસોર્ટ પૉલિટિક્સ પછી એમના નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થયો અને એ પછી કૉંગ્રેસના નેતાઓને થયો. એટલે દરેકને સુપર સ્પ્રેડર ના કહી શકાય."

"અમે પણ કૉંગ્રેસના નેતા ઝડપથી સ્વસ્થ થાય એવી શુભકામના કરીએ છીએ, એમ વિપક્ષ પણ શુભેચ્છા આપે."

સી. આર. પાટીલના પ્રવાસ પછી સૌરાષ્ટ્રમાં કોરોના વધ્યો હોવાના સવાલના જવાબમાં આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે "આ ભ્રામક પ્રચાર છે. કોરોનાના કેસ વધવા પાછળનાં ઘણાં કારણો હોય છે. આ એક કારણ નથી."

બીજી તરફ અમે ગાંધીનગરમાં કોરોનાની સારવાર લઈ રહેલા સી. આર. પાટીલના સ્વાસ્થ્ય અંગે જાણવાનો પ્રયાસ કરતા ઍપોલો હૉસ્પિટલે આ અંગે કોઈ પણ જાણકારી આપવાનો ઇન્કાર કર્યો હતો.

ગુજરાતમાં કોરોના નાથવા માટે બનાવેલી ટીમના સભ્ય અને અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કાર્યકારી ડીન એમ. એમ. પ્રભાકરે રાજકીય પ્રવાસો પછી કોરોના કેટલો વધ્યો એની માહિતી નહીં હોવાનું જણાવતા બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારી પાસે એવા કોઈ ચોક્કસ આંકડા નથી, પરંતુ તમામ રાજકીય પક્ષ દ્વારા કોરોનાની આ મહામારીમાં કોરોના માટે જે નિયમો બનાવાયા છે એ પાળવા જોઈએ, જેથી કોરોના વધતો અટકે."

આ મામલે આરોગ્ય વિભાગનાં સચિવ જયંતી રવિનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ એમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો