You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સી. આર. પાટીલની રેલીમાં ગરબે રમનાર ભાજપના ધારાસભ્યને કોરોના, લોકોએ શું કહ્યું?
ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલની રેલીમાં ગરબા રમનાર સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે. પોતે કોરોનાગ્રસ્ત થયા હોવાની માહિતી તેમણે પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પર ટ્વીટ કરીને આપી હતી.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું, “મેં આજે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે પૉઝિટિવ આવ્યો. મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જે લોકો છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં આવ્યા હોય તો તેઓ સાવચેતી રાખે.”
હર્ષ સંઘવીના આ ટ્વીટ પછી કેટલાક લોકો તેઓ જલદી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ આપી રહ્યા છે, જ્યારે બીજા કેટલાક લોકો હર્ષ સંઘવીને 'સરકારની કરાયેલી ગાઇડલાઇનનું પાલન કર્યું હોત તો આવું ન થાત', એમ કહી રહ્યા છે.
રવિ પારેખ નામના એક યૂઝરે હર્ષ સંઘવીના ટ્વીટ પર તેમની ગરબા રમતી તસવીર કૉમેન્ટમાં મૂકીને લખ્યું, “તબલીગી જમાતના એ દરેક સભ્યો દેશદ્રોહી હતા... દેશભક્તોની જમાત જે 30 લાખ કેસ પર ગરબા કરે એમને સાક્ષાત્ નમન... વિરોધ ઘણો છે... પણ સાવચેતી તમે ચૂકી ગયા... હર્ષભાઈ... ગરબા કરનારા દરેક નો રિપોર્ટ કરાવવા વિનંતી.."
જિજ્ઞેશ નવાડિયા નામના યૂઝરે લખ્યું હતું, “#GoCoronaGo સોશિયલ ડિસ્ટન્સ વગર સી. આર. પાટીલની રેલીમાં ગરબા રમનાર ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો #GetWellSoon#HarshSanghavi”
જ્યારે જિજ્ઞેશ ટાંક નામના યૂઝરે ધારાસભ્ય હર્ષ સંઘવીએ લૉકડાઉન દરમિયાન અને ત્યારબાદ તેમને કરેલી કામગીરીના વખાણ કરતાં લખ્યું, “હર્ષભાઈ તમે છેલ્લા પાંચ મહિનાથી પણ વધુ સમયથી કોરોનાની મહામારી વચ્ચે સુરતના લોકો માટે અદ્ભુત સેવાનાં કાર્યો કરી રહ્યા છો... અમારા દરેકની શુભેચ્છાઓ આપની સાથે... આપના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો આવે...”
સબ નામના એક યુઝરે હર્ષ સંઘવીનો ગરબે રમતો ફોટો શૅર કરીને લખ્યું, ગરબા રમીને તમે તમારી જાતને અને જનતાને ભયમાં મૂકી છે, તેના સ્થાને તમે સરકારે આપેલી ગાઇડલાઇનનું પાલન કર્યું હોત તો સારું રહેત.
સી.આર.પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસમાં વિવાદ
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ પક્ષના કાર્યકરોને મળવા સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા. પાટીલ જ્યાં પણ જાય છે ત્યાં કાર્યકર્તાઓ અને સ્થાનિક ભાજપ નેતાઓનો મોટો મેળાવડો જામી જાય છે. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થયું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટની જેમ જૂનાગઢ, કાગવડ અને ખોડલધામમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અગાઉ સુરતમાં પણ તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. ત્યારે સી.આર.પાટીલે સુરતમાં તેમણે રેલી રદ્દ કરી હતી.
જોકે, કોરોના વાઇરસના સમયમાં તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન જળવાતું હોવાની કૉંગ્રેસ ફરિયાદ કરી હતી.
કોણ છે હર્ષ સંઘવી?
હર્ષ સંઘવી ગુજરાત વિધાનસભાની મજુરા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.
હર્ષ સંઘવીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે વર્ષ 2017માં તેઓ સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને જંગી બહુમતી સાથે તેમણે કૉંગ્રેસના અશોક કોઠારીને હરાવ્યા હતા. જે વેબસાઇટ હાલ બંધ છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીને 1,16,504 મત મળ્યા હતા જ્યારે અશોક કોઠારીને માત્ર 30,706 મત મળ્યા હતા.
વર્ષ 2013માં હર્ષ સંઘવીની ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે ફરી નિમણૂક કરવામાં આવી હતી.
હાલ તેઓ ભાજપ યુવા મોરચા(BJYM)ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ છે અને સાથે જ મજુરા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય પણ છે.
વર્ષ 2014-15માં તેઓ અમેરિકાના દૂતાવાસ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશિપ પ્રોગ્રામનો ભાગ બન્યા હતા.
હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમ બદલ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા થઈ રહી હતી ત્યારે પણ ધારાસભ્ય હર્ષ સંઘવી ચર્ચામાં હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતની એક તસવીર હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી અને આ તસવીરને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી હતી.
ટ્રમ્પે તસવીર રિ-ટ્વીટ કરી એ પછી ટ્વિટર પર ધારાસભ્યના ફૉલોઅર્સની સંખ્યામાં વધારો થયો હતો અને તેમને ફૉલો કરતા લોકોની સંખ્યા રાતોરાત 3,12,000ને પર પહોંચી ગઈ હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો