You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનરેગા : મરેલા લોકોના નામે બૅન્કખાતાં ખોલાવીને આચરાયેલું ગુજરાતનું કૌભાંડ શું છે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
બનાસકાંઠાના બાલુન્દ્રા ગામમાં મનરેગાના કૌભાંડ વિશે અનેક અખબારી અહેવાલો છપાયા છે. 2600 લોકોની વસતી ધરાવતા આ ગામમાં 827 ખોટાં જૉબ-કાર્ડ કાઢવાનો આ મામલો છે. જેમાં ખોટાં બૅન્કખાતાં ખોલાવી, તે ખાતાઓમાં મનરેગાના પૈસા જમા કરાવી એટીએમ મારફતે કથિત રીતે ઉપાડી લેવાયા છે.
આ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોવાનું અહેવાલો જણાવે છે. આ ગામ પછી બનાસકાંઠાનાં બીજાં ગામોમાં પણ આવાં કૌભાંડો બહાર આવે તેવી શક્યતા છે.
જોકે બાલુન્દ્રા ગામમાં કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે અને સરકારી તિજોરીમાંથી કહેવાતા આરોપીઓએ કેટલા રૂપિયાની ઉચાપત કરી છે, તેના વિશે તપાસ કરતા પોલીસઅધિકારી પાસે હજી સુધી કોઈ માહિતી નથી.
જોકે બીજી બાજુ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ કૌભાંડને 'હિમશીલાનું ટોચકું' ગણાવીને તેમાં છેક ગાંધીનગર સુધીની સંડોવણીના આક્ષેપો કર્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મેવાણી કહે છે કે, "ગ્રામ પંચાચતથી માંડીને છેક ગાંધીનગરમાં બેસતા ભાજપના મંત્રી સુધી ઘણા લોકો આ કૌભાંડમાં સામેલ છે."
જોકે આ આક્ષેપો સામે જ્યારે બીબીસી ગુજરાતીએ પંચાયતમંત્રી જયદ્રથસિંહ પરમારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ જવાબ આપવા માટે ઉપલબ્ધ નહોતા. તેમને મોકલેલા એસએમએસનો પણ આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીમાં કોઈ જવાબ આવ્યો નથી.
મેવાણીના આરોપને ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ પાયાવિહોણા ગણાવ્યા છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "મીડિયા એ આવા આક્ષેપો પર ધ્યાન આપવું ન જોઈએ. અમે તો કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની પણ કોઈ વ્યક્તિનો આ આખી વાતમાં હાથ હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કૌભાંડ વિશે જ્યારે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલનો સંપર્કે કર્યો તો તેમણે કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી.
પટેલે આ મામલે સંલગ્ન મંત્રીનો સંપર્ક સાધવા કહ્યું. જોકે, પંચાયતમંત્રી જયદ્રથસિંહ પરમારનો સંપર્ક થઈ શક્યો નથી.
મનરેગા શું છે?
ભારત સરકારે વર્ષ 2006માં 'મહાત્મા ગાંધી નેશનલ રુરલ ઍમ્પલૉયમૅન્ટ ઍક્ટ' રચી દરેક વ્યક્તિને 100 દિવસની રોજગારી અને દૈનિક રોજગારી પેટે 200 રૂપિયા મળે તેવો કાયદો પસાર કર્યો હતો.
આ કાયદાનું અમલીકરણ ગ્રામ પંચાયત મારફતે અને તાલુકા વિકાસ અધિકારી મારફતે થતું હોય છે.
દેશના ગ્રામ્ય વિસ્તારમાં આ યોજનાનો અમલ થાય છે. ચાલુ વર્ષે મોદી સરકારે આ યોજના પાછળ 1.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે.
આ યોજનાનો ફાયદો લેવા માટે લાભાર્થીએ એક અરજી કરવાની હોય છે. અરજીના આધારે જૉબ-કાર્ડ ઉપલબ્ધ કરાવાય છે. વર્ષ દરમિયાન 100 દિવસની રોજગારી તેમજ ચૂકવાયેલા પૈસા વગેરેનો હિસાબ આ કાર્ડ મારફતે કરવામાં આવે છે.
પૈસાની તમામ લેવડ-દેવડ યોજનાના લાભાર્થીનાં બૅન્કખાતાં મારફતે કરવાની હોય છે.
શું છે આ કૌભાંડ?
બાલુન્દ્રા, એ રાજસ્થાન અને ગુજરાતની સરહદ આવેલું બનાસકાંઠા જિલ્લાનું એક ગામ છે, જેની આસપાસનાં ગામોમાં ડુંગરી ભીલ આદિવાસી ઉપરાંત રબારી તેમજ દલિત સમજના લોકો રહે છે.
આ ગામમાં 827 એવા લોકો છે, જેમનાં જૉબ-કાર્ડ બન્યાં હતાં. આમાંથી કેટલાય લોકો એવા પણ છે જેમની જાણ બહાર જ આ જૉબ-કાર્ડ બન્યાં છે.
આ લોકોનાં આધારકાર્ડ, રૅશનકાર્ડ તેમજ બીજી માહિતી ભેગી કરી અમુક લોકોએ તેમનાં જૉબકાર્ડ બનાવ્યાં હતાં. તેમનાં બૅન્કખાતાં ખોલવામાં આવ્યાં હતાં અને આ લોકો મનરેગાનું કામ કરે છે એવી ખોટી માહિતી આપવામાં આવી હતી.
આ બાદ મનરેગા યોજના હેઠળ જે તળાવ ઊંડું કરવાનું નક્કી કરાયું હતું તે કામ આ લોકો પાસે કરાવવાને બદલે જેસીબી મારફતે કરવામાં આવ્યું અને સરકારી તિજોરીમાંથી પૈસા સીધા જ લોકોનાં બૅન્કખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.
જે પૈસા આ આરોપીઓએ એટીએમ મારફતે ઉપાડી લીધાનો આક્ષેપ છે.
કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?
બાલુન્દ્રાના રહેવાસી અને અમદાવાદની એક રેસ્ટોરાંમાં કામ કરતા કિરણ પરમાર લૉકડાઉન દરમિયાન ગામ પરત ફર્યાં ત્યારે તેમને ખબર પડી કે તેમની જાણ બહાર તેમના નામે જૉબ-કાર્ડ નીકળી ગયું છે.
કિરણે ગામના સરપંચ અને પંચાયતના સેવક સાથે આ અંગે વાત કરી તો તેઓ આ અંગે કોઈ જાણકારી ન આપી શક્યા. કિરણે એ બાદ મનરેગાની વેબસાઇટ પર તપાસ કરી તો જાણવા મળ્યું કે ગામના લગભગ 827 લોકોના આ પ્રકારે જ જૉબ-કાર્ડ બની ગયાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કિરણ કહે છે, "અમે અનેક જગ્યાએ રજૂઆત કરી, પરંતુ કોઈએ અમારી વાત ન સાંભળી. તે પછી અમે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મળ્યા અને તેમણે આ મુદ્દા પર ધ્યાન આપીને આ આખું કૌભાડ બહાર લાવવામાં અમારી મદદ કરી."
પરમારનાં માતા ગીતાબહેન પરમારના નામે પણ આવાં બે જૉબ-કાર્ડ બન્યાં છે.
તેમણે આ તમામ લોકોનાં જૉબ-કાર્ડ તેમજ બૅન્ક મારફતે કરાયેલી નાણાંની ચૂકવણી અંગેની માહિતી ભેગી કરી.
બીબીસી ગુજરાતી સાથેની તેમની મુલાકાત વખતે તેમણે કહ્યું હતું કે આ કૌભાંડને બહાર લાવ્યા બાદ તેમને ઘણા લોકોએ ધમકીઓ આપી છે. હાલમાં અમીરગઢ પોલીસે એક પોલીસ કૉન્સ્ટેબલ થકી તેમને સુરક્ષા પૂરી પાડી છે.
કોણ બન્યા ભોગ?
આ મામલે ડિસાના ડિવાયએસપી કુશલ ઓઝા તપાસ કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઓઝા જણાવે છે, "હજુ સુધી કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે એના વિશે કંઈ કહેવાય તેમ નથી પણ અમારી તપાસ ચાલુ છે. આગળ જો કોઈ બૅન્ક અધિકારી કે સરકારી અધિકારીનું પણ નામ આવે તો એ દિશામાં અમે તપાસ કરીશું."
અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે હાલના સમયે જ્યારે ભારતીય અર્થતંત્રની હાલત ખૂબ ખરાબ છે અને રોજગારીનો પ્રશ્ન ઊભો છે, ત્યારે ગરીબ લોકો આ પ્રકારના કૌભાંડોનો ભોગ બનતા હોય છે.
તેમણે કહ્યું, "જો આ પૈસા સરકારી અધિકારીઓ કે તેમના મળતિયાઓને બદલે ખરેખરના લાભાર્થીઓ સુધી પહોંચે તો ફાયદો થાય."
મારો દીકરો 2016માં મરી ગયો છે પંરતુ તેનું જૉબ-કાર્ડ ચાલુ છે
હરિભાઈ વસિયાના પુત્ર ભેરાભાઈ 20 સપ્ટેમ્બર 2016ના દિવસે મૃત્યુ પામ્યા હતા. જોકે મનરેગાની વેબસાઇટ પ્રમાણે તેમણે વર્ષ 2016માં 14 નવેમ્બર, 21 નવેમ્બર અને એ બાદ પણ ઘણા દિવસો સુધી કામ કર્યું હતું અને તેની ચૂકવણી પણ કરાઈ છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે તેમના પિતા હરિભાઈ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હાલમાં તેઓ તેમના બે પૌત્રોનું ભરણપોષણ કરે છે અને તમામ ખર્ચ મજૂરી કરીને ઉઠાવે છે, જ્યારે બીજી બાજુ તેમના પુત્રના નામે અમુક લોકો સરકારી તિજોરીથી ખોટા દસ્તાવેજોના આધારે પૈસાની ઉચાપત કરે છે.
કિરણ પરમારના કહ્યા બાદ હરિભાઈને આ મામલે જાણ થઈ હતી.
મેં જીવનમાં ક્યારેય બૅન્કખાતું ખોલાવ્યું નથી. -હન્નાભાઈ ધોરાણા
"હું મજૂરી કરીને મારું ગુજરાન ચલાવું છે. સવારથી પાવડો લઈને નીકળું અને છેક સાંજે પાછો ઘરે આવું પછી જ મને રોટલો મળે."
"આખું જીવન મેં મજૂરી જ કરી છે. મેં જીવનમાં ક્યારેય બૅન્કખાતું ખોલાવ્યું નથી કે ક્યારેય બૅન્કની અંદર પણ ગયો નથી. મને સહી કરતાં પણ નથી આવડતી."
"પણ મને જાણવા મળ્યું છે કે અમારા વિસ્તારની એક બૅન્કમાં કોઈએ મારું ખાતું ખોલાવ્યું છે અને મારા નામે પૈસા ઉપાડાય છે. "
"આ વિશે મને કોઈ ખબર નથી. જો અમને મનરેગાની મજૂરી મળે અને તેના પૈસા મળે તો અમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય અને અને અમારે કામ શોધવા ભટકવું ન પડે. "
મારા નામે બે જૉબકાર્ડ - જયંતીભાઈ ધોરાણા
"હું એક ખેતમજૂર છું અને દરરોજ લગભગ 10થી 12 કલાક મજૂરી કરીને 200 રૂપિયા કમાઉં છું."
"મને ખબર પડી છે કે મારા નામે બે જૉબ-કાર્ડ બનાવાયાં છે. એક તો જયંતી ધોરાણાના નામે અને બીજું જયંતી ગરાસીયા નામે."
"આ બન્ને જૉબકાર્ડ મારફતે મારા નામે સરકાર પાસેથી હજારો રુપિયાની ઉચાપત થઈ ચૂકી છે."
"મારા જેવા બીજા અનેક લોકો છે, જેમની આવી જ હાલત છે. પરંતુ અમને મનરેગાનું કામ મળતું નથી અને અમારા કામની શોધમાં દૂર-દૂર જવું પડે છે."
મેં આજ સુધી મનરેગાની સાઇટ જોઈ જ નથી- પીન્ટાભાઈ ધોરાણ
"મને ખબર જ નથી કે મનરેગાનું કામ ક્યાં ચાલે છે અને મારા નામે જૉબ-કાર્ડ બની ગયું છે અને ખાતામાં પૈસા પણ આવે છે."
"હું તો ખેતરમાં મજૂરી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને મારા નામે હજારો રૂપિયા બૅન્કમાંથી ઊપડી ગયા તે જાણીને મને અચંબો થયો હતો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો