ચીન સાથેનો તણાવ પીએમ મોદીના કયા સપના પર ભારે પડી રહ્યો છે?

    • લેેખક, નિખિલ ઇમાનદાર
    • પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ

વૈશ્વિક મહામારીની અસરથી લડી રહેલા ભારતીય સ્ટાર્ટઅપને એક નવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપને લઈને ઘણા ઉત્સાહિત રહ્યા છે અને એટલે જ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' જેવું અભિયાન પણ લૉન્ચ કર્યું હતું.

આ પડકાર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના રૂપમાં સામે આવ્યો છે. જૂનથી જ ભારત આર્થિક રૂપે આક્રમક મુદ્રામાં રહ્યું છે. એ સમયે લદ્દાખ વિસ્તારમાં ચીન અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારથી જ બંને પક્ષ સરહદને લગતી સમજૂતી તોડવાને લઈને એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યા છે. બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

ચીની કંપનીઓ ભારતની 30 યુનિકૉર્ન્સમાંથી 18માં પહેલાંથી જ રોકાણ કરી ચૂકી છે. યુનિકૉર્ન એવી ટેકનૉલૉજી કંપનીઓને કહેવામાં આવે છે જેનું મૂલ્ય એક અબજ ડૉલરથી વધુ હોય.

ચીનના રોકાણવાળી આ કંપનીઓમાં ફૂડ ડિલીવરી ઍપ, એક ટેક્સી ઍગ્રીગેટર, એક હોટેલ ચેઇન અને ઈ લર્નિંગ પ્રોગ્રામ બનાવતી એક કંપની સામેલ છે.

પરંતુ હવે આ કંપનીઓ અને આગળ જતા અન્ય ચીની કંપનીઓ પાસેથી નાણાં મેળવવાની આશા રાખી રહેલ સ્ટાર્ટઅપનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે.

એક પ્રાઇવેટ ઇક્વિટી કંપની 'ટ્રુ નોર્થ'ના પાર્ટનર હરીશ ચાવલા કહે છે, "ચોક્કસ રીતે મૂડીનો એક મોટો હિસ્સો ખતમ થઈ ગયો છે."

"હવે અહીં વૅલ્યુએશનમાં વૃદ્ધિ અટકવા અને ડીલની ઝડપ સુસ્ત પડવાના સંકેત છે. કારણ કે ચીની કંપનીઓ ખાસ કરીને મોબાઇલ અને કન્ઝ્યુમર સૅગમેન્ટમાં ઘણી સક્રિય હતી."

ભારત પહેલાથી જ 200થી વધુ ચીની ઍપ પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. એમાં ખૂબ જ લોકપ્રિય ટિકટૉક અને પબજી જેવી ઍપ પણ સામેલ છે.

આ ઉપરાંત ભારત સરકારે હાઈ-વે પ્રોજેક્ટ અને નાની-મધ્યમ કંપનીઓમાં ચીની રોકાણને પણ અટકાવી દીધું છે. ચીનના બહિષ્કારનો નારો જોર પકડી રહ્યો છે.

એપ્રિલમાં ભારતે મહામારી દરમિયાન બળપૂર્વક કંપનીઓના હસ્તગત કરવા પર રોક લગાવવા માટે એક કડક ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમૅન્ટ (એફડીઆઈ)ની નીતિ રજૂ કરી હતી.

એની મોટી અસર મૂડી મેળવવા માટે પ્રયાસ કરી રહેલા ભારતના સ્ટાર્ટઅપ પર પડી છે.

એક દાયકા પહેલાં ચીની કંપનીઓનું ભારતમાં રોકાણ નજીવું હતું. પરંતુ સ્ટાર્ટઅપ રિસર્ચ કંપની 'ટ્રૅક્સન'ના આંકડા જણાવે છે કે 35 ચીની કંપનીઓ અને 85 વૅન્ચર કેપિટલ (વીસી) અને પ્રાઇવેટ ઇક્વિટી (પીઈ) કંપનીઓએ 2010થી પેટીએમ, સ્નૅપડીલ અને સ્વિગી સહિત અનેક મોટા સ્ટાર્ટઅપમાં ચાર અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે.

આ દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)માં ભાગીદારીની રીતે ભારતમાં ચીનનું રોકાણ 5 ટકાથી વધીને 11 ટકા પર પહોંચી ગયું છે.

ભારતે ભલે ચીનના 'બૅલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટ'માં સામેલ થવાથી નનૈયો ભણી દીધો પરંતુ ભારતે વિના કારણે જ વર્ચ્યુઅલ કૉરિડૉર ઉપર હસ્તાક્ષર કરી દીધા છે.

ચાવલા કહે છે, "શરૂઆતી તબક્કામાં આ રોકાણ પર આની કોઈ મોટી અસર થવાની આશંકા ઓછી જ છે."

ચાવલા અનુસાર ખરી પરેશાની એ કંપનીઓને થશે જે પહેલેથી અલીબાબા, ટૅન્સેન્ટ અને બાઇડુ જેવી કંપનીઓ પાસેથી નાણાં મેળવી ચૂકી છે.

સાથે જ એવી કંપનીઓને પણ મુશ્કેલી પડશે જેઓ ચીની કંપનીઓ પાસેથી વધુ નાણાં એકઠાં કરવાના પ્રયત્ન કરી રહી હતી.

માનવામાં આવી રહ્યું છે કે 'અલીબાબા'એ ભારતીય કંપનીઓમાં રોકાણની તમામ યોજનાઓને અટકાવી દીધી છે.

અલીબાબાના રોકાણ વાળી એક યુનિકૉર્નના સ્થાપકે નામ ન છાપવાની શરતે ઉપર જણાવ્યું, "તેઓ નિશ્ચિત રીતે ભારતે ઉઠાવેલા પગલાંથી આશ્ચર્યમાં છે, પરંતુ એમની પાસે વધુ વિકલ્પ નથી."

બીબીસીએ અનેક યુનિકૉર્ન સાથે આ વિશે સંપર્ક કરવાની કોશિશ કરી એમાં પેટીએમ, બિગબાસ્કેટ અને સ્નૅપડીલ જેવી કંપનીઓ સામેલ છે. પરંતુ મામલાની ગંભીરતાને જોતાં આમાથી કોઈએ પણ ઑન-રૅકૉર્ડ વાત કરવા તૈયારી ન બતાવી.

ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સરકારનો હેતુ ચીનથી આવતા રોકાણને અટકાવવાનો નથી. એની જગ્યાએ સરકાર ચીની કંપનીઓ માટે ભારતના ટેક-સ્પેસમાં હિસ્સો લેવા કે પોતાની ઉપસ્થિતિને મજબૂત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા નથી માગતી.

શિવ નાદર યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ રિલેશનના પ્રોફેસર જૅબિન ટી જૅકબ કહે છે, "સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબંધ નહીં મૂકે. સરકાર નિયમનને લઈને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કરશે."

"જેથી સ્ટાર્ટ અપ માટે એક સીમાથી આગળ ચીની રોકાણ લેવું ખૂબ જ મુશ્કેલ બની જાય."

નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે વર્તમાન રોકાણમાંથી બહાર નીકળવાની જગ્યાએ સરકારનું ફોકસ ભારતની 5જી ટ્રાયલ સમયે ખ્વાવે જેવા ટેલીકોમ દિગ્ગજોને એનાથી દૂર રાખવાનું હશે.

એ સ્પષ્ટ નથી કે ચીની કંપનીઓના રોકાણની મહત્તમ મર્યાદા કેટલી હશે પરંતુ સરકારની મંજૂરી વગર કોઈ પણ એક જૂથ પાસે 10 ટકાથી વધુનો હિસ્સો થવો અને કોઈ વૅન્ચર કેપિટલ કંપનીનો માલિકી હક 25 ટકાથી વધુ થવો કદાચ જ શક્ય બને.

તો ભારતીય સ્ટાર્ટઅપને મૂડી ક્યાંથી મળશે?

ચીની રોકાણકારોનું ભારતમાં પ્રતિનિધિત્વ કરનારી એક કાયદાકીય કંપનીના પાર્ટનર અતુલ પાંડેય કહે છે, "ચીની કંપનીઓની મોટા પાયે ઉપસ્થિતિને જોતાં અન્ય જગ્યાઓથી વૈકલ્પિક મૂડીની તાત્કાલિક વ્યવસ્થાના સંકેત ઓછા જ છે."

તેઓ કહે છે કે એમની પાસે ચીની રોકાણકારોના 12થી 14 આવેદન છે જે આમ તો સ્વચાલિત રૂપથી સ્વીકાર્ય બની જાત પરંતુ હવે મંજૂરી માટે પડતર છે.

તેઓ કહે છે, "સરકાર આ પ્રસ્તાવ પર શું નિર્ણય લે છે એના ઉપરથી નવા રોકાણને લઈને એમનું વલણ સ્પષ્ટ થઇ જશે."

બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પહેલેથી જ અનિશ્ચિતતા વધી ગઈ છે.

રોકાણ સમજૂતીઓ કરાવનારાઓનું કહેવું છે કે જ્યાં ચીની રોકાણકારો હોય છે ત્યાં પશ્ચિમી દેશોની સરખામણીએ ફંડિંગ વહેલું પૂરું થઈ જાય છે.

ભારતીય સ્ટાર્ટઅપ ચીનના બજારના મોબાઈલ ફર્સ્ટ ટ્રેન્ડમાથી સબક લેવાની કોશિશ કરી રહ્યા છે. જેથી તેઓ પણ આ જ રસ્તા ઉપર આગળ વધી શકે.

એવામાં ચીનના ટેકનૉલૉજી સૅક્ટરની દિગ્ગજ કંપનીઓને અચાનક હઠાવી દેવાથી અનેક કંપનીઓને ધક્કો લાગ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ભલે ચીની રોકાણ ન રહે પરંતુ વિશ્વના અન્ય ભાગોમાંથી નીતિગત રોકાણકારો કોવિડ-19ના સમય પછી પરત ફરશે. એમનું કહેવું છે કે ભારત હજુ પણ ઇન્ટરનેટ કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ છે.

કોરોના વાઇરસ લૉકડાઉનના વખતમાં ભારતે ગુગલ અને ફેસબુક જેવી સિલિકોન વૅલીની કંપનીઓ અને એઆઈડી, કેકેઆર અને જનરલ ઍટલાન્ટિક જેવી વૈશ્વિક પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ પાસેથી લગભગ 20 અબજ ડૉલરનું વિદેશી રોકાણ મેળવ્યું છે.

પરંતુ એમાંથી મોટાભાગનાં નાણાં મુકેશ અંબાણીના જિયો પ્લૅટફૉર્મમાં રોકવામાં આવ્યા છે.

એવામાં ભારતે ચીનના ખાલી પડેલા સ્થાનને પૂરવા માટે ઘરેલુ મૂડી ઊભી કરવાની જરૂર પડી શકે છે.

એક પ્રાઇવેટ ઇક્વિટી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ જૈને એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું કે અનુમાન ઉપરથી ખબર પડે છે કે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી અને વૅન્ચર કેપિટલ ચિંતાજનક સ્તરે વિદેશી મૂડી ઉપર નિર્ભર છે.

એમના ફંડમાં ભારતીય મૂડીની ભાગીદારી ફક્ત 5 ટકા છે.

તેઓ કહે છે કે કોરોનાના સમયમાં જ્યારે મૂડીની અછત થશે ત્યારે આ ભાગીદારી વધીને 30થી 40 ટકા કરવી પડશે.

એનાથી નક્કી થશે કે શું ભારત ચીનના રોકાણ વગર હવે પછીની 30 યુનિકોર્ન ઊભી કરી શકે છે કે નહીં?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો