પાકિસ્તાન સામે 'આઝાદ પખ્તુનિસ્તાન' માટે લડનારા ફકીર

    • લેેખક, ફારૂક આદિલ
    • પદ, કટારલેખક અને લેખક

રાજધાની ઇસ્લામાબાદથી શ્રીનગરના હાઇવે પર આગળ વધીએ એટલે જે ચોક પરથી રાવલપિંડીનો રસ્તો અલગ પડે છે તે બહુ ઉદાસ કરી દે તેવો લિંક રોડ છે.

આ લિંક રોડ પર શરૂઆતમાં જ એક બોર્ડ લાગેલું છે, જેના પરથી ખ્યાલ આવે છે કે આ માર્ગનું નામ ફકીર ઈપી રોડ છે. બહુ ઓછા લોકો જાણે છે કે ફકીર ઈપી કોણ છે.

પશ્તૂન બુદ્ધિજીવી, ડૉક્ટર અબ્દુલહયી બહુ વ્યંગમાં આ સવાલનો જવાબ આપે છે કે "અમને ખબર નથી એ કોણ છે એમ?" પછી જરાક અફસોસ સાથે કહે છે કે ઇતિહાસમાં તેમને યોગ્ય સ્થાન મળ્યું નથી.

તેમને ઇતિહાસમાં યોગ્ય સ્થાન મળ્યું કે ના મળ્યું તે ચર્ચાનો વિષય છે, પરંતુ તેમની કહાણી બહુ રસપ્રદ અને બહુ વિસ્તૃત પૃષ્ઠભૂમિ ધરાવે છે.

ઇતિહાસ તેના ગંભીર વાચકોને જણાવે છે કે વીસમી સદીના મધ્યમાં ભારતીય ઉપખંડમાં ખૂણેખૂણે આઝાદીની નારા ગૂંજવા લાગ્યા હતા ત્યારની આ વાત છે.

ઉપખંડમાં વિદેશી શાસન

તે વખતે ઈપી ફકીરનું નામ પણ જાણીતું થયું હતું. ઉપખંડના વિદેશી શાસકો તેમનો (ઈપી ફકીરનો) સામનો કરવા ભારે મથામણ કરતા રહ્યા હતા.

ડૂરંડ રેખા (1893માં બનેલી ઉપખંડ અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ)ની આ બાજુ હાજી મિર્ઝા અલી ખાન ઈપી ફકીરના નામે મશહૂર થયા હતા. તેઓ અંગ્રેજો સામે એક પડકાર બનીને ઊભા થયા હતા. અંગ્રેજો માટે તેમને કાબૂમાં લેવા મુશ્કેલ બની રહ્યું હતું.

જર્મનીમાં નાઝી આંદોલન ચલાવનારા એડૉલ્ફ હિટલરની જીવનકથાના લેખક મિલાન હેનર લખે છે કે ફકીર ઈપી બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્યના દુશ્મનો તરીકે પ્રખ્યાત થયેલામાં અદ્વિતીય હતા.

તેમણે ફકીર ઈપીને 'સામ્રાજ્યના એક માત્ર દુશ્મન' એવી રીતે નવાજ્યા હતા અને તેમની લશ્કરી કુશળતાને વખાણી હતી. મિર્ઝા અલી ખાન સન 1892થી 1897 સુધી ઉત્તરી વજીરિસ્તાનના સૌથી મોટા કબીલા અત્માન જઈના એક વંશ બંગાલ ખેલમાં તૈયાર થયા હતા.

તેઓ કોઈ રાજકીય માણસ નહોતા કે તેમને લડાઈનો કોઈ વારસો નહોતો. તેઓ સાધારણ ધાર્મિક વ્યક્તિ હતી. તે વખતની પરંપરા પ્રમાણે તેઓ ધાર્મિક અભ્યાસ પછી બન્નુ અને રઝમાકની વચ્ચે ઈપી નામે આવેલી એક જગ્યાની મસ્જિદમાં ઇમામ બની ગયા હતા.

બ્રિટિશ સેના સાથે પહેલી લડાઈ

ઈપી નામના આ સ્થળ સાથે તેમની ઓળખ એટલી વણાઈ ગઈ છે કે લોકો તેમનું અસલી નામ ભૂલી ગયા. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર મિર્ઝા અલી ખાનના જીવનનો પ્રારંભિક તબક્કો ઇતિહાસના ચક્રવ્યૂહમાં ખોવાઈ ગયો છે.

બ્રિટિશ સેના સાથે તેમની પ્રથમ લડાઈ 25 નવેમ્બર, 1936માં થઈ હતી. ત્રણ દિવસ ચાલેલી તે લડાઈનો મુખ્ય ઉદ્દેશ ફકીર ઈપીની ધરપકડ કરવાનો હતો, પરંતુ તેમાં બ્રિટિશરોને સફળતા મળી નહોતી.

સ્થાનિક પરંપરા પ્રમાણે આ લડાઈમાં મેજર ટેન્ડાલ અને કેપ્ટન બાઇડ સહિત બ્રિટિશ સેનાના 200થી વધુ જવાનો માર્યા ગયા હતા. બીજા દિવસે લડાઈમાં વધારે જાનહાનિ થઈ. ત્રીજા દિવસે 700થી વધુ લોકો માર્યા ગયા હતા તેમ કહેવાય છે.

એવું કહેવાય છે કે આ લડાઈમાં ઈપી ફકીરના ફક્ત 35 સાથીઓ મરાયા હતા. જોકે બૉમ્બમારાને કારણે સ્થાનિક મસ્જિદ નાશ પામી હતી અને ફકીરનો ઓરડો પણ તૂટી ગયો હતો. તે પછીના બે વર્ષો દરમિયાન પણ ઈપી ફકીર અને અંગ્રેજો વચ્ચે કેટલીય વાર અથડામણો થઈ હતી.

બ્રિટિશ સેનાએ હવાઈ હુમલો પણ કર્યા હતા. તેના કારણે સ્થાનિક વસતિને ભારે નુકસાન થયું હતું અને લોકો આ વિસ્તાર છોડીને ડૂરંડ લાઇન પાસે ગોરવેક ક્ષેત્રમાં જઈને રહ્યા હતા.

બ્રિટિશ અધિકારીઓનો ગુપ્તચર અહેવાલ

એ વિસ્તાર કોતરો અને પહાડીઓથી ભરેલો હતો અને તેમાં ગુફાઓ અને ધારવાળી ટેકરીઓ પર ઈપી ફકીર અને તેમની સેના ગોઠવાઈ ગઈ હતી.

આવી આકરી ભૂમિને કારણે તેમનું રક્ષણ થયું હતું, જ્યારે દુશ્મનો માટે હુમલો કરવો મુશ્કેલ બનતો હતો. અહીંથી લડાઈ કરીને અપરાજિત રહી શકાશે એવો વિશ્વાસ તેમને બેસી ગયો હતો.

24 જૂન, 1937ના રોજ તે વખતના નૉર્થવેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (NWFP) વિશે બ્રિટિશ અધિકારીઓએ ગુપ્ત અહેવાલ મોકલ્યો તેમાં બહુ રસપ્રદ ઉલ્લેખ છે. અહેવાલ અનુસાર કબીલાના ક્ષેત્રોમાં લોકો બહાદુરીથી સામનો કરી રહ્યા છે અને કુદરતે ફકીર ઈપીને અસાધારણ શક્તિઓ આપી છે.

તેમના સૈનિકો વૃક્ષ કાપીને તેમાંથી લાકડી બનાવે તો તેને પોતાની અધ્યાત્મિક શક્તિથી બંદૂક બનાવી દેતા હતા. ટોપલીમાં થોડી રોટલીઓ પડી હોય, તેના પર ફકીર પોતાનું કપડું ઢાંકી તો આખી ટોપલી ભરાઈ જાય અને આખી સેના માટે ખાવાનું મળી જાય.

એ જ રીતે ફાઇટર જેટથી તેમના પર બૉમ્બ ફેંકવામાં આવે તો તે કાગળ કે કપાસના ટુકડા બની જતા હતા. સાથી લડવૈયા ઉપરાંત કબીલાના સ્થાનિક વસાહતીઓ સાથે પણ તેમના અતૂટ સંબંધો હતા.

'તારીખ એ બન્નુ'માં મંડાન નામના પ્રદેશમાં રહેતા એક સરકારી શાળાના શિક્ષકે લખ્યું છે કે સ્થાનિક લોકો પર ઈપી ફકીરને કોઈ પણ જાતની મદદ કરવા પર પ્રતિબંધ હતો.

'તારીખ એ બન્નુ'

અધિકારીઓને ખબર પડે કે તેમને મદદ કરવામાં આવી છે તો કડક સજા કરવામાં આવતી હતી. તેમનો પગાર મહિને 19 રૂપિયા હતો. તેમણે ખર્ચ ઓછો કરીને તેમાંથી અડધા રૂપિયા બચાવીને એટલે કે 9 રૂપિયા દર મહિને ફકીર ઈપીને આપવાની શરૂઆત કરી હતી.

બાતમીદારોએ આ વાતની જાણ કરી દીધી ત્યારે તેમની સામે તપાસ શરૂ થઈ હતી. જોકે 'તારીખ એ બન્નુ'માં જણાવ્યા અનુસાર તેમણે ઈપી ફકીરને દાન આપવાનું બંધ કર્યું નહોતું. મિલાન હેનર લખે છે કે ફકીર ઈપીની લશ્કરી કુનેહ બહુ સરળ અને સ્થાનિક પદ્ધતિ પ્રમાણેની હતી.

તેમના સાથીઓ ઓછા હતા અને હથિયારો તેનાથી પણ ઓછાં હતાં. તેમની પાસે થોડી સો બંદૂકો અને માઉઝર અને થોડી મશીન ગન હતી. એકાદ બે જૂની તોપ હતી. તેમની પાસે સંદેશ વ્યવહાર માટેના રેડિયો કે વાયરલેસ જેવા આધુનિક સાધનો પણ નહોતાં. સંદેશા માટે તેઓ સ્થાનિક બાતમીદારો અને જાસૂસો પર આધાર રાખતા હતા.

તે વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. આ ક્ષેત્રમાં તથા ખાસ કરીને અફઘાનિસ્તાનમાં બ્રિટિશરો અને તેમની મિત્ર સેના સામે એક્સિસ પાવર્સ (જર્મની અને તેમના સાથી દેશો) સક્રિય હતા. તેઓ અફઘાનિસ્તાનમાં બ્રિટનને નબળું પાડવા માગતા હતા.

બ્રિટિશ સેના કબાયલી વિસ્તારોમાં જ લડતી રહે અને અફઘાનિસ્તાન તરફ આગળ ના વધે તેવી ગણતરી હતી. તે માટે ફકીર ઈપી અને તેમના જેવા લડવૈયાઓ એક્સિસ પાવર્સ માટે બહુ ઉપયોગી હતા. તેથી જ ઈપી ફકીરને તેમના તરફથી મદદ પણ મળતી રહેતી હતી.

પાકિસ્તાનની સ્થાપના પછી

ફકીર સાથે જુદાજુદા સમયે આ બધાં પરિબળો સાથે સંપર્કો સ્થપાયા હતા. કેટલાક વાયદા પણ કરવામાં આવ્યા, પણ સમગ્ર રીતે એક મોટું યુદ્ધ કરવા માટે તે પૂરતું નહોતું. કબાયલી વિસ્તારોને વિદેશી કબજામાંથી મુક્ત કરાવવા માટે તેઓ એકલા હાથે લડતા રહ્યા હતા.

તેમણે દુશ્મનને પોતાની પાસે પણ ફરકવા દીધા નહોતા. પરંતુ ભારતના ભાગલા થયા અને પાકિસ્તાનની રચના થઈ તે પછી સ્થિતિમાં મોટો પલટો આવ્યો. ભારતના ભાગલા પહેલાં ઈપી ફકીર અફઘાનિસ્તાન સાથે સંબંધો સ્થાપિત કરી ચૂક્યા હતા.

તેમણે ખાન અબ્દુલ ગફાર ખાન એટલે બાચા ખાનના લાલકુર્તી આંદોલન સાથે જોડાયેલા કેટલાકનો સંપર્ક કર્યો હતો. વજીરિસ્તાનના જાણીતા કબીલા નેતા લઈક શાહ દરપાખેલે પોતાના પુસ્તક 'વજીરિસ્તાન'માં આ ઘટનાઓનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમાંથી કેટલીક ઘટનાના તેઓ પોતે સાક્ષી બન્યા હતા.

તેઓ લખે છે કે પાકિસ્તાનની રચના બાદ અફઘાનિસ્તાન અને બાચા ખાનના સાથીઓ ઉપરાંત કૉંગ્રેસના કેટલાક સભ્યોનો પણ તેમણે સંપર્ક કર્યો હતો. તેમની આ પ્રવૃત્તિઓને કારણે મુસ્લિમો માટે સ્થપાયેલા નવા દેશ સાથે તેમની સમજૂતી થઈ શકી નહીં.

ફકીર ઈપીએ એક પ્રતિનિધિમંડળને અફઘાનિસ્તાન મોકલ્યું હતું. તેનું સત્તાવાર સ્વાગત કરાયું અને સ્વાગતમાં તોપ ફોડીને સલામી આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે ઈપી ફકીરને પાકિસ્તાનથી મોહભંગ થયો હતો.

સોવિયેટ સંઘ, અફઘાનિસ્તાન અને ભારત

તેમને એવું સમજાયું કે પાકિસ્તાનની સ્થાપના અંગ્રેજોની ઇચ્છા પ્રમાણે થઈ છે. તેનું નેતૃત્વ હજીય અંગ્રેજોને વફાદાર લોકોના એટલે કે અંગ્રેજોના હાથમાં જ છે એમ તેમને લાગ્યું.

તેમની આવી લાગણી પાછળ એક કારણ એ પણ હતું કે પાકિસ્તાનની રચના પછી વાયવ્ય સરહદી પ્રાંતમાં બ્રિટિશ ગવર્નર અને મુખ્ય સચિવ યથાવત રહ્યા હતા. વાના અને મીરાનશાહ સહિતને સૈનિક છાવણીઓમાં અને સ્કાઉટના કિલ્લાઓ પર યુનિયન જેક ફરકાવાતો હતો.

લઈક શાહના જણાવ્યા અનુસાર તે સમયે ફકીર ઈપી લગભગ એકલા પડી ગયા હતા. તેમની સાથે કોઈ એવા સાથી નહોતા કે આ જટિલ સમસ્યામાં યોગ્ય સલાહ આપી શકે. તેઓ એક પ્રચારનો ભોગ બની ગયા.

આ લોકોના પ્રચારમાં તેઓ આવી ગયા કે તેઓ પખ્તૂનિસ્તાન નામે સ્વતંત્ર દેશની સ્થાપના કરી શકે છે. તેનાથી સંપૂર્ણપણે એક ઇસ્લામી દેશની સ્થાપના થશે અને પખ્તૂનોને પોતાનો સ્વતંત્ર દેશ મળશે.

તેમને એવું પણ સમજાવાયું કે સ્વતંત્ર દેશની સ્થાપનાને સોવિયેટ સંઘ, અફઘાનિસ્તાન અને ભારતમાંથી સમર્થન મળશે. પખ્તૂનિસ્તાનની સ્થાપના માટે ઈપીને મનાવવામાં મીરાનશાહના વઝીર કબીલા મુખી અબ્દુલ લતીફની ભૂમિકા મહત્ત્વની હતી.

પખ્તૂનિસ્તાન રાષ્ટ્રની ઘોષણા

આ યોજના સફળ રહી અને લઈક શાહ દરપાખેલના શબ્દોમાં કહીએ તે પ્રમાણે: "આખરે ફકીર ઈપી આ રાજકીય જાદુગરોના દિવાસ્વપ્નોમાં આવી ગયા. તેમણે પાકિસ્તાન સામે એક સ્વતંત્ર દેશની જાહેરાત કરી દીધી. તેમણે મોસ્કો, કાબૂલ અને દિલ્હીમાં તે માટે જોરશોરથી પ્રચાર પણ કર્યો.

લઈક શાહ લકે છે કે આઝાદ પખ્તૂનિસ્તાન નામે દેશની જાહેરાત પછી અફઘાન સરકારે તેમની સરકારના કહેવાતા કર્મચારીઓ માટે પગારો કરવા આર્થિક મદદ કરી હતી. એક પ્રિન્ટિંગ પ્રેસ પણ ખોલવામાં આવ્યું હતું અને એવું કહેવાય છે કે ભારત તરફથી મોટા પ્રમાણમાં પાકિસ્તાનવિરોધી પ્રચારની સામગ્રી મોકલવામાં આવી હતી.

પાકિસ્તાનના કબાયલી ક્ષેત્રના જાણીતા પત્રકાર સમીઉલ્લાહ ખાને કરેલા સંશોધન અનુસાર તે વખતે બંદૂક બનાવવા માટે અફઘાન સરકારે મદદ કરી હતી. ગોરવેકમાં હથિયારોનું કારખાનું નાખવામાં આવ્યું હતું. કારખાનામાં કામ કરવા માટે લાહોર અને બીજેથી કામદારોને લાવવામાં આવ્યા હતા.

પંડિત નહેરુને પત્ર

તે વખતે કાબૂલમાં રહેલા ભારતીય દૂતાવાસના માધ્યમથી ફકીર ઈપી સાથે ભારતનો સંપર્ક થઈ રહ્યો હતો. ફકીર ઈપીએ ભારતીય નેતાગીરી સાથે પત્રવ્યવહાર કર્યો હતો. લઈક શાહે પોતાના પુસ્તકમાં આવા એક પત્રનો મજાનો નમૂનો સામેલ કર્યો છે. તેમણે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને લખ્યું હતું:

"બખિદમત જનાબ વાલા શાન (શ્રીમાનની સેવામાં), પંડિત જવાહરલાલ નહેરુ"

બાદશાહ એ હિન્દુ, બુલંદ ઇકબાલ

આપને જણાવાનું કે અવ્વલ હસન (ફકીર ઈપીના પ્રતિનિધિ) બહુત ખુશ થઈને પરત આવ્યા છે. હું બહુત આભારી છું કે આપ શ્રીમાને રૂબરૂ વાતચીત કરી. જણાવવાનું કે પાકિસ્તાન એટલે કે અંગ્રેજોએ લાંબા સમયથી કાશ્મીરમાં પરેશાની ઊભી કરેલી છે. ખુદા મને અને આપને તાકાત આપે કે આપણે કાશ્મીરના લોકોને આ મુશ્કેલીમાંથી બચાવીએ. ખુદાની મહેરબાનીથી હવે પાકિસ્તાન નબળું પડી ગયું છે અને કશું કરી શકે તેમ નથી.

ત્રીજી વાત એ છે કે તમારી મદદ મળશે કે તરત જ હું સરહદે વસતા લોકોને લડવા માટે મજબૂર કરી દઈશ. કેમ કે લાંબા સમયથી પાકિસ્તાન એટલે કે અંગ્રેજો સરહદ પર લોકોને ભૂખ્યા અને નાગા રાખી રહ્યા છે. અમારા વતનમાં તમારી સહાયતા પહોંચી જશે ત્યારે મામૂલી વેતન સાથે પણ તે લોકો મારી સાથે જોડાઈ જશે અને આપ ભારત તરફથી હુમલો કરી દેજો.

આ વખતે અવ્વલ હસન આપની પાસે આવી રહ્યા છે, કેમ કે કાબૂલના બાદશાહે બધા રાજદૂતો પર સખત પહેરો ગોઠવ્યો છે. તેથી આપના રાજદૂત સુધી પહોંચવું મુશ્કેલ છે. તેથી વધારે સારું એ છે કે અવ્વલ હસન આપના આદેશથી કાબૂલમાં આપના રાજદૂત સુધી પહોંચી શકે. તે પછી ત્યાં બધું સંતોષકારક કામ થઈ શકશે. અવ્વલ હસન આપની સેવામાં જરૂરી વાતો જણાવશે.

આદાબ

ઈપી

ઇસ્લામના નામે દગો

ઈપી ફકીરના ભારત સાથેના સંબંધોના એવા પુરાવા મળ્યા છે, જવાહરલાલ નહેરુએ સેનાના માધ્યમથી સંપર્ક થતો રહે તેવી એક વ્યવસ્થા ગોઠવી હતી. આવી વ્યવસ્થાનો અણસાર ઈપી ફકીરના એક પત્ર પરથી મળે છે, જે તેમણે ભારતીય સેનાના એક જનરલને લખ્યો હતો.

તેમણે પત્રમાં લખ્યું હતું કે મારા દેશની સ્થિતિ વિશે આપ પંડિતજીને જાણ કરશો એવી મારી આશા છે, જેથી અમારી કામગીરીમાં કોઈ નુકસાન ના થાય.

એક તરફ ઈપી ફકીર ભારત અને અફઘાનિસ્તાન પર આશા રાખીને બેઠા હતા, બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ બદલાવા લાગી હતી.

લોકો હવે ઈપી ફકીરના શબ્દોને સ્વીકાર કરવા તૈયાર નહોતા. બદલાતી સ્થિતિમાં પાકિસ્તાનની અંદર જ એક નવો દેશ સ્થાપિત કરવાની વાતને 'વિદ્રોહનો પ્રયાસ' ગણવામાં આવ્યો. તેની સામે પાકિસ્તાન સેનાનો બળપ્રયોગ અને ભારત તથા અફઘાનિસ્તાનના વલણને કારણે લોકો વિચારતા થઈ ગયા હતા.

લોકોને લાગ્યું કે આ બંને દેશોની ગતિવિધિઓ ઇસ્લામ કે પખ્તૂનોના હિતમાં નથી. આ એક મુસ્લિમ દેશને નબળો પાડવા માટેનું કાવતરું છે. આવી વાતો લોકોમાં ફેલાવા લાગી તે પછી એક જગ્યાએ સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે અફઘાન સરકારે અત્યાર સુધી મને ગેરમાર્ગે દોર્યો અને ઇસ્લામના નામે મને દગો દીધો છે.

તેમણે પોતાના સમર્થકોને જણાવ્યું કે ભવિષ્યમાં મારા નામે અફઘાન સરકાર પાકિસ્તાન વિરુદ્ધ કોઈ યોજના બનાવે તો તેમનો સાથ ક્યારેય ના આપશો.

આ સંદર્ભમાં અને પાકિસ્તાન તરફથી રાજદ્વારી દબાણને કારણે 7 ડિસેમ્બર, 1948ના રોજ અફઘાનિસ્તાને ઈપી ફકીરને પાકિસ્તાની સુરક્ષા વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિઓ કરવા સામે ખુલ્લી ચેતવણી આપી હતી.

16 એપ્રિલ, 1960માં દમના રોગથી ફકીર ઈપીનું નિધન થયું. તેમની મઝાર દત્તા ખેલ તાલુકામાં છે. આજે પણ તેમના અનેક અનુયાયીઓ મઝાર પર આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો