You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન: ડ્રૅગનનો ડિજિટલ જાસૂસીનો ચક્રવ્યૂહ ભેદી શકશે ભારત?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ચીન માટે જાસૂસી કોણ કરી રહ્યું છે? આ સવાલ દુનિયાભરમાં સુરક્ષા અને જાસૂસી એજન્સીઓ માટે મોટો પડકાર બની ગયો છે. ભારત માટે પણ આ મુદ્દો ખૂબ પડકાર ભર્યો છે.
ખાસ રીતે ખાસ કરીને એવા સમયે જ્યારે ચીનના શેન્ઝેન સ્થિત ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી કંપની 'ઝેન્હુઆ' ઉપર લગભગ 10 હજાર ભારતીય નાગરિકો ઉપર 'ડિજિટલ નજર' રાખવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસે આ દાવો કર્યો છે.
અખબારના અહેવાલમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કંપનીના તાર ચીનની સરકાર અને ખાસ કરીને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીના નિશાને ભારતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, વિપક્ષના નેતા જેવા કે સોનિયા ગાંધી અને ઉચ્ચ અધિકારીઓ તો છે જ સાથે જ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, ત્રણેય સેનાના પ્રમુખ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જજ અને અનેક જાણીતા ઉદ્યોગપતિ પણ સામેલ છે.
જે ડેટાબેઝ ચીનની આ કંપનીએ તૈયાર કર્યો છે એમાં ન માત્ર ઉચ્ચ પદો પર બેસેલા લોકો છે, એમાં ધારાસભ્યો, મેયર અને સરપંચ પણ સામેલ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારનો દાવો છે તેણે ચીનની કંપનીનો પક્ષ જાણવા માટે જ્યારે તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો તો કંપનીએ પોતાની વેબસાઇટ જ બંધ કરી દીધી.
ફક્ત ભારત જ નહીં 'ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી કંપની'એ બ્રિટન અને ઑસ્ટ્રેલિયાના પણ અનેક અગ્રણીઓ અને સરકારી અધિકારીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.
લંડનથી પ્રકાશિત અંગ્રેજી સમાચાર પત્ર ડેઇલી મેઇલ અનુસાર કંપનીએ મહારાણી અને વડા પ્રધાન સહિત 40 હજાર મહત્વના લોકોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાં જ ઑસ્ટ્રેલિયાના 'એબીસી ન્યૂઝ' અનુસાર 35000 નાગરિકોનો ડેટાબેઝ ઝેન્હુઆ કંપનીએ સંકલિત કર્યો છે, જેમાં અગ્રણી લોકો, સરકારી અધિકારીઓ પણ સામેલ છે. આવા જ દાવા અમેરિકી મીડિયાએ પણ કર્યા છે
ડિજિટલ જાસૂસી
ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજીવ ચંદ્રશેખર નું કહેવું છે કે હવે ડેટા પ્રોડકશન અને પ્રાઇવસી ફક્ત અભ્યાસના વિષય જ નથી રહી ગયા. તેઓ કહે છે કે આ ડિજિટલ જાસૂસીનો દૌર છે, જે ચીન કરી રહ્યું છે. ત્યાં જ કૉંગ્રેસે સમગ્ર પ્રકરણની તપાસની માગ કરી છે.
કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું, "શું મોદી સરકારને આ ગંભીર બાબતની જાણ હતી? કે પછી ભારત સરકારને ખબર જ ન પડી કે આપણી જાસૂસી થઈ રહી છે? ભારત સરકાર દેશના રણનૈતિક હિતોની રક્ષા કરવામાં વારંવાર નિષ્ફળ કેમ થઈ રહી છે? ચીનને તેની આ હરકતો બંધ કરવા માટે સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ."
તેમણે એ સવાલ પણ ઉભો કર્યો કે શું ચીની કંપનીએ દેશની નીતિઓને તો પાછલા બે વર્ષોમાં કોઈક રીતે અસર કરવાનું કામ તો નથી કર્યું? તે પછી અનેક દેશોએ પોતાને ત્યાં ચીની વિદ્યાર્થીઓના આવવા ઉપર પણ હવે સવાલ ઉઠાવવા શરૂ કરી રહ્યા છે. કારણ કે અહેવાલોમાં દાવો કરાયો છે કે ચીન માટે ગુપ્ત માહિતી એકઠી કરવા માટે એમનો ઉપયોગ થઈ રહ્યો છે.
ચીન ઉપર સવાલ
હાલમાં દિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થાએ આને લઈને તપાસ કરી છે.
જેમાં જાણવા મળ્યું કે ચીને વર્ષ 2017માં જ 'નેશનલ ઇન્ટેલિજન્સ લૉ' લાગુ કર્યો છે. જેના અનુચ્છેદ 7 અને 14માં સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે જ્યારે જરૂરિયાત અનુભવાય, તો ચીનની સંસ્થાઓ અને નાગરિકોએ સરકારી ગુપ્તચર એજન્સીઓ માટે કામ કરવું પડી શકે છે.
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ)માં રણનીતિક વિષય ઉપર તપાસના વિભાગ પ્રમુખ હર્ષ પંતે બીબીસીને કહ્યું કે આ જાણકારી પછી સમગ્ર વિશ્વમાં ચીનના નાગરિકોને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે.
તેઓ કહે છે કે અમેરિકાએ પહેલાથી જ ચીની સંશોધકો અને વિદ્યાર્થીઓ પર અનેક પ્રતિબંધ લગાવી દીધા છે.
તેમનું કહેવું છે કે ચીને પહેલાં પોતાને સુરક્ષિત કરી દીધું એટલે કે કોઈ પણ વેબસાઇટ ચીનમાં ત્યાં સુધી નથી ખુલી શકતી જ્યાં સુધી ચીની સરકાર તેની પરવાનગી ન આપે.
જે રીતે ચીને સાયબર સ્પેસને જાસૂસી અને નજર રાખવા માટે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું, ન તો તેનો તોડ કોઈ દેશ પાસે છે અને ન તો કોઈ દેશ એ પ્રકારની દેખરેખ ચીન ઉપર રાખવામાં સક્ષમ પણ છે.
જોકે એ વાત સાચી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાભરમાં જાણકારીઓ એકઠી કરવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. દુનિયાભરમાં એના વડે ડેટાબૅન્ક તૈયાર કરાઈ રહી છે.
પંત કહે છે કે જાસૂસીની આ પદ્ધતિ ધંધાદારી નથી. કારણકે દરેક ચીની નાગરિક પાસેથી એની સરકાર આશા રાખે છે કે તેઓ જાણકારી એકઠી કરી તેમની જાસૂસી એજન્સીઓ સુધી પહોંચાડે. એને કારણે જે અલગ અલગ દેશો વચ્ચે વૈજ્ઞાનિક અથવા શૈક્ષણિક આદાન-પ્રદાન થતું હતું એના ઉપર ઊંડી અસર પડી છે.
સંશોધન પત્રમાં કહેવાયું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નીચે ગઠિત સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સને દરેક પ્રકારની ગુપ્ત જાણકારી મેળવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
જોકે પંત કહે છે કે ભારત માટે આ કોઈ મોટી ચિંતાની વાત નથી. પરંતુ એમનું કહેવું છે કે એને ભારત હળવાશથી પણ નથી લઈ રહ્યું. કારણ કે હાલના દિવસોમાં ભારત સરકારે આ જ કારણે અનેક ચીની ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યા છે.
ડેટા માઈનિંગ
સાયબર સુરક્ષાના નિષ્ણાત રક્ષિત ટંડન કહે છે કે ડેટા માઇનિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મોટો વેપાર છે, જે ઍપ અને વેબસાઈટના માધ્યમથી ચાલે છે.
આ વેપાર લોકો સાથે જોડાયેલી અંગત જાણકારીઓને વેચવાનો વેપાર છે. ટંડન કહે છે કે હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર પણ ડેટા માઈનિંગને લઈને કડક કાયદો લાવે. નહીં તો કોઈ પણ નાગરિકની અંગત માહિતી સુરક્ષિત નહીં રહી શકે.
તેઓ કહે છે કે હજુ સુધી એ પણ ખબર નથી પડી રહી કે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ભારતીય નાગરિકોનો ડેટા ક્યાં જમા થઈ રહ્યો છે અને કોણ કરી રહ્યું છે.
બીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદે હાલમાં જ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે દુનિયાભરની સરકારો કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. આ વિષયમાં પાછલા વર્ષના અંતમાં અમેરિકન થિંક ટૅંક કાર્નેગીએ એક અહેવાલ જાહેર કર્યો હતો.
આ અહેવાલ અનુસાર એ સરકારો જે પોતાને ઉદાર લોકતંત્ર કહે છે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સનો વધુ ઉપયોગ કરી રહી છે. ચીની અને અમેરિકી કંપનીઓએ અત્યાર સુધી સો જેટલી સરકારોને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ટેકનિક વેચી છે.
રિપોર્ટ અનુસાર ઉદાર લોકતાંત્રિક સરકારોની સરખામણીએ નિરંકુશ સરકારો આ ટેકનિકનો વધુ ખોટો ઉપયોગ કરી શકે છે. થિંક ટૅંકના રિપોર્ટમાં કહેવાયું, "ચીન, રશિયા અને સાઉદી અરબ જેવા દેશ પોતાના નાગરિકો પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ પોતાનું રાજકીય હિત સાધવા માટે કોઈ પણ આ ટેકનિકનો ખોટો ઉપયોગ કરી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો