You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં કોરોનાના અને રસીકરણ પર બોલ્યા, તો લોકોએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે પોતાના 'મનકી બાત' કાર્યક્રમમાં કહ્યું હતું કે કોરોના વાઇરસ આપણા સૌના ધૈર્ય, આપણા સૌના દુ:ખ સહન કરવાની સીમાઓની પરીક્ષા લઈ રહ્યો છે.
તેમણે કહ્યું, "ઘણાં આપણા લોકો, આપણને ખોટા સમયે છોડીને ચાલ્યા ગયા. કોરોના વાઇરસની પહેલી લહેરનો સફળતાપૂર્વક સામનો કર્યા પછી દેશ આત્મવિશ્વાસથી ભરપૂર હતો, પરંતુ આ તોફાને દેશને હચમચાવી નાખ્યો છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "ગત દિવસોમાં આ સંકટમાંથી લડવા માટે મારી અલગ-અલગ સેક્ટરના નિષ્ણાંતોની સાથે લાંબી ચર્ચા થઈ છે. ફાર્મા ઇન્ડસ્ટ્રી, ઓક્સિજન પ્રોડ્કશન સાથે જોડાયેલા લોકો અને મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોએ સરકારને સૂચનો આપ્યાં છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૅક્સિન અંગે વાત કરતા કહ્યું, "ભારત સરકાર તરફથી મફત વૅક્સિનનો કાર્યક્રમ હાલ જે ચાલી રહ્યો છે, તે આગળ પણ ચાલતો રહેશે. મારી રાજ્યોને સલાહ છે કે ભારત સરકારના મફત વૅક્સિન અભિયાનને રાજ્યોના વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો."
નરેન્દ્ર મોદીએ તમામ લોકોને સલાહ આપી હતી કે તેઓ કોરોના અંગેની અફવાઓથી સાવધાન રહેજો.
'રેમડેસિવિર અને મોંઘી દવાઓની પાછળ ન ભાગો'
વડા પ્રધાનની સાથે કાર્યક્રમમાં સામેલ ડૉક્ટર શશાંક જોશી કોરોના વાઇરસના લક્ષણો અને સારવારને લઈને જાણકારી આપી રહ્યા હતા.
તેમણે કહ્યું કે દરદીઓએ રેમડેસિવિર જેવી મોંઘી દવાઓની પાછળ ભાગવાની જરૂર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર શશાંકે કહ્યું, "નાની-નાની દવાઓ અને ઇન્જેક્શનથી લગભગ 98 ટકા લોકો સાજા થઈ જાય છે, એટલા માટે ગભરાવવાની જરૂર નથી."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી હતી.
લોકોએ કહ્યું, "જ્ઞાન ન આપો મોદી જી..."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના ટ્વીટ પર અંકુશ નામના યૂઝરે લખ્યું કે "જ્ઞાન ન આપો મોદીજી... કામ કરો કામ... જેના માટે અમે તમને મોકલ્યા છે... નથી સંભાળી શકતા તો રિઝાઇન કરી દો... હવે વધારે જ્ઞાન નહીં..
ઓક્સિજન આપો, દવા આપો, વૅક્સિન આપો, હૉસ્પિટલમાં બેડ આપો. આ જ્ઞાન અમે પછી લઈશું."
મન કી બાત કાર્યક્રમના ટ્વીટની નીચે જ સંદીપ નામના યુઝરે લખ્યું, "સર મહેરબાની કરીને મારી મદદ કરો. હું છેલ્લા 28 કલાકથી દોડી રહ્યો છું.. ખાનગી કે સરકારી હૉસ્પિટલોમાં ઓક્સિજન ન હોવાથી પથારીઓ મળી રહી નથી. મારા માતાની ઉંમર 74 વર્ષની છે અને ઓક્સિજન લેવલ 86 છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર આપ્યો હતો કે 'દવાઈ ભી- કડાઈ ભી' જેના પર નમ્રતા નામના યૂઝરે લખ્યું હતું કે અમારે તમારા મંત્ર નથી જોઈતા મોદીજી, દેશને ઑક્સિજન જોઈએ છે.
નદીમ ખાન નામના યુઝરે લખ્યું છે, "શેની સાવધાની સર નિયમ તો તમે ખુદ તોડી રહ્યા છો, દેશના અલગ અલગ રાજ્યોમાં હજારો લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે છતાં પણ તમે બંગાળમાં લાખો લોકોની ભીડ એકઠી કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. બંગાળની પણ સ્થિતિ આજે યુપી છે તેવી થવી જોઈએ તેના જવાબદાર માત્ર તમે હશો."
કેટલાક લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલની પ્રશંશા પણ કરી અને કહ્યું કે દેશને જ્યારે જુસ્સાની જરૂર છે ત્યારે તમે બળ આપ્યું છે.
યોગી કોટ્ટારે નામના યુઝરે વડા પ્રધાનની તમામ લોકોને રસી આપવાની વાતની પ્રશંસા કરતા લખ્યું કે "ઉત્તમ પગલું. પૉઝિટિવ વાઇબ્સની જરૂર હતી અને આપણે સાથે મળીને આપણે જીતીશું. તમામ કોરોના વોરિયર્સને સલામ, વૅક્સિન લઈ લો."
સુરેશ કે જીએસકે નામના યુઝરે ટ્વીટ કરીને લખ્યું કે, "આદરણીય વડા પ્રધાન સર, તમે ફ્રન્ટલાઇન વર્કર પર એપિસોડ અર્પણ કર્યો. દેશની જનતાના લોકોના જીવ બચાવવામાં ફ્રન્ટલાઈન વર્કરે જે યોગદાન આપ્યું તેની કદર કરી છે. ડૉક્ટર, નર્સ, ઍમ્બ્યુલન્સ ડ્રાઈવર અને દેશના તમામ લોકોની સુરક્ષા પાછળ જે લાગ્યા છે તેમને સલામ. દેશના લોકોને સ્વસ્થ થવાનો સંદેશ. જય હિંદ"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો