ઍમ્પોટૅરેસિન-બી: ગુજરાત મ્યુકરમાઇકૉસિસના પડકારને પહોંચી વળવા તૈયાર છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોવિડ-19ની સારવારની આડઅસરના રૂપે સાજા થયેલા દરદીઓમાં મ્યુકરમાઇકૉસિસે દેખા દીધી છે. જેના કારણે અગાઉ જેની નહિવત્ ખપત હતી એવા ઍમ્પોટૅરેસિન-બી ઇન્જેક્શનની માગ અચાનક જ વધી જવા પામી છે.

ફૂગ દ્વારા થતા મ્યુકરમાઇકૉસિસની સારવાર માટે આ ઇન્જેકશન આપવામાં આવે છે.

ડાયાબિટીસ અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા કોરોનામાંથી સાજા થયેલા દરદીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.

ઍમ્પોટૅરેસિન ઇન્જેકશનના કાચા માલનું ઉત્પાદન કરતું દેશનું એકમાત્ર એકમ ગુજરાતમાં આવેલું છે. જ્યાં માંગને પહોંચી વળવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક કલાક કામ ચાલુ છે.

દેશના સ્થાનિક ઉત્પાદકો સ્થાનિક ઉત્પાદન તથા આયાત કરાયેલી માગમાંથી પોતાની જરૂર પૂરી કરે છે. ભારત સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઉત્પાદકો તથા આયાતકારો સાથે બેઠક કરી છે.

રાજ્ય સરકાર તથા કેન્દ્રશાસિત પ્રદેશોને 31મી મે સુધીના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી છે અને તેનો 'વિવેકપૂર્ણ વપરાશ' કરવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા રૂ. ત્રણ કરોડના ખર્ચે પાંચ હજાર ઇન્જેકશન ખરીદવાના ઑર્ડર આપવામાં આવ્યા છે.

રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તેની સારવાર માટે અલગ વૉર્ડ ઊભા કરવામાં આવ્યા છે.

જોકે જાણકારોના કહેવા પ્રમાણે, આ તૈયારીઓ હજુ પણ 'મોડી, અધૂરી અને અપૂરતી' છે.

મ્યુકરમાઇકૉસિસ, સર્જરી અને ઇન્જેકશન

અમદાવાદસ્થિત ઈએનટી (કાન, નાક, ગળું)ના સર્જન ડૉ. મનન શાહના કહેવા પ્રમાણે, "26 વર્ષની મારી કારકિર્દીમાં મેં મ્યુકરમાઇકૉસિસની ત્રણ-ચાર સર્જરી કરી હશે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં અચાનક જ ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણેક મહિનામાં મેં 13-14 સર્જરી કરી છે."

મ્યુકરમાઇકૉસિસની સારવાર દરમિયાન સર્જન દ્વારા અસરગ્રસ્ત ભાગને કાઢી નાખવામાં આવે છે અને ઘણી વખત અંગને પણ દૂર કરવું પડે છે.

સર્જરી બાદની સારવાર દરમિયાન ઍમ્પોટૅરેસિન-બી ઇન્જેકશનનું મહત્ત્વ વધી જાય છે.

ડૉ. શાહના કહેવા પ્રમાણે, "દરદીના વજનના હિસાબે ઍમ્પોટૅરેસિનનો ડોઝ આપવાનો રહે છે. જે મુજબ દૈનિક છથી આઠ વાયલની જરૂર પડી શકે છે. આવું દરેક ઇન્જેકશન રૂપિયા સાત હજારનું આવે છે. આમ દૈનિક રૂપિયા 42થી 56 હજાર સુધીનો ખર્ચ આવી શકે છે."

"દરદીની રિકવરીના આધારે 14થી 21 દિવસ આ સારવાર આપવી પડે છે. દરદીને રજા આપવામાં આવે તે પછી ઍન્ટિ-ફંગલ દવાઓ આપવામાં આવે છે."

આ સિવાય દરદીના હૉસ્પિટલાઇઝેશન, વિઝિટિંગ ડૉક્ટર તથા અન્ય દવાઓનો ખર્ચ ઉમેરવામાં આવે તો દૈનિક રૂપિયા 50થી 60 હજારનો ખર્ચ થઈ શકે છે.

સમગ્ર સારવારનો ખર્ચ રૂ. 10-12 લાખ (કે તેથી વધુ) પણ થઈ શકે છે.

ડાયાબિટીસનું 'વિષચક્ર'

કોવિડ-19માંથી સાજા થયેલા ડાયાબિટીસના દરદીઓને વિશેષ સાવચેતી રાખવા ભલામણ કરવામાં આવે છે

કોરોનાની સારવાર માટે જે ઇન્જેકશન કે ડિક્સામૅથાસોન નામનું સ્ટિરૉઇડ આપવામાં આવે છે, તેનાથી થતી આડઅસર મ્યુકરમાઇકૉસિસને શરીરમાં વિકસવા માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે.

આ પહેલાં ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફૉર્સના સભ્ય તથા ડાયાબિટીસની સારવારમાં નિપુણતા ધરાવનારા ડૉ. વી. એન શાહે જણાવ્યું હતું, "આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ) તથા ગુજરાત સરકારની કોરોનાની સારવાર સંબંધિત માર્ગદર્શિકામાં ડિક્સામૅથાસોન નામના સ્ટિરૉઇડને સામેલ કરવામાં આવ્યું છે."

"કોરોનાને શરીરની સુરક્ષાપ્રણાલી સૌ પહેલાં લડે અને તો પણ સારું ન થાય તો ચોથા કે પાંચમા દિવસે સ્ટિરૉઇડનું ઇન્જેકશન આપવું જોઈએ, પરંતુ ઘણા કિસ્સામાં તબીબો દ્વારા પહેલા દિવસથી જ સ્ટિરૉઇડ આપી દે છે, જેના કારણે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સક્રિય નથી થતી."

"સામાન્ય રીતે ટાઇપ-વન ડાયાબિટીસ ધરાવનાર દર્દીનું શુગર લેવલ અનિયંત્રિત થઈ જતું હોય છે. જેનું શુગર દવા કે ઇન્જેકશનની મદદથી 100-150ની આસપાસ કે બૉર્ડરલાઇન પર રહેતું હોય તે વધી 400-500 પર પહોંચી જતું હોય છે."

જાણકારોના કહેવા પ્રમાણે, જ્યારે દરદીઓને સ્ટિરૉઇડ આપવામાં આવે છે, ત્યારે આ ફૂગને વિકસવા માટે પુષ્કળ પ્રમાણમાં શુગર મળે છે, જેના કારણે તેનો ઝડપભેર વિકાસ થાય છે. અગાઉ 15-20 દિવસે જેટલો ફેલાવો થતો હતો, એટલો હવે ચાર-પાંચ દિવસમાં થવા લાગે છે.

માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ સામાન્ય દરદીઓમાં પણ શુગરનું પ્રમાણ વધી શકે છે, જે ફૂગને વિકસવા માટે સાનુકૂળ સ્થિતિ પૂરી પાડે છે.

ડૉ. મનન શાહના કહેવા પ્રમાણે, "દરદીને ઍમ્પોટૅરેસિનનું ઇન્જેક્શન ગ્લુકોઝના બાટલા મારફત આપવાનું રહે છે. આ સંજોગોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી જવાની આશંકા રહે છે. આથી તેમનું બ્લડશુગર સતત મૉનિટર કરવું પડે છે અને જરૂર પ્રમાણે ઇન્સ્યુલિનના ડોઝમાં વધઘટ કરીને તેને નિયંત્રિત રાખવું પડે છે."

"આ ઇન્જેક્શનને કારણે હંગામી ધોરણે દરદીની શ્રવણશક્તિને અસર થઈ શકે છે અને કિડનીને પણ વિપરીત અસર થતી હોય છે. આ ઇન્જેક્શનની ઉપલબ્ધતા મુશ્કેલ છે, પરંતુ તાજેતરમાં એક ઈમેલ ઍડ્રેસ આપવામાં આવ્યું છે, જેના ઉપર દરદીના કેસની વિગતો મોકલવાથી ઇન્જેક્શનની ફાળવણી થશે તેમ જણાવવામાં આવ્યું છે."

ઍમ્પોટૅરેસિન-બીનું ઇન્જેક્શન તાવ, ખૂબ ઠંડી, ઊલટી જેવું લાગવું, ઊલટી, માથામાં દુખાવો જેવી હંગામી આડઅસરો જોવા મળી શકે છે.

આ સિવાય મહિલાઓને પ્રાઇવેટ પાર્ટમાં થતાં ઇન્ફૅક્શન, ગળા કે મોંના સામાન્ય ઇન્ફૅક્શન તથા શરીરમાં ફેલાઈ શકે તેવું ઇન્ફૅક્શન ન હોય, તો તેનો વપરાશ નહીં કરવાની હિમાયત કરવામાં આવે છે.

ડાયાબિટીસ કે કિડનીના દરદી, ધાત્રીમાતા, સગર્ભા કે તાજેતરમાં અંગપ્રત્યારોપણ કરાવ્યું હોય તેવા દરીદઓમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવે છે.

ઇન્જેક્શન, ઉત્પાદન અને ઉપલબ્ધતા

ઍમ્પોટૅરેસિન-બીના ઉત્પાદન માટેના જરૂરી ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રિડિયન્ટ (એપીઆઈ કે કાચોમાલ) બનાવતો દેશનો એકમાત્ર પ્લાન્ટ વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલો છે.

અંબાલાલ સારાભાઈ ઍન્ટર્પ્રાઇઝની પેટાકંપની સિનબાયૉટિક્સ દ્વારા તેનું ઉત્પાદન થાય છે.

દેશમાં વધતા જતા મ્યુકરમાઇકૉસિસના કેસને કારણે તેના ઉપર ઉત્પાદનનું ભારણ વધી ગયું છે. સિનબાયૉટિક્સના ચીફ ઑપરેટિંગ ઓફિસર અનુરાગ મહેતાના કહેવા પ્રમાણે:

"અગાઉ અમારો પ્લાન્ટ વડોદરામાં હતો, પરંતુ 2009થી અમારું યુનિટ પાદરા તાલુકામાં લુના ગામ ખાતે કાર્યરત્ છે. ભારતમાં અમારો એકમાત્ર પ્લાન્ટ છે અને ચીન તથા અન્ય કેટલાક આંગળીના વેઢે ગણી શકાય તેટલી જગ્યાએ તેનું ઉત્પાદન થાય છે."

"અગાઉ અમે ઑર્ડર ઉપર જ આ એપીઆઈનું ઉત્પાદન કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મ્યુકરમાઇકૉસિસના કેસ વધતા અમે ઑર્ડરની રાહ જોયા વગર જ તેનું મહત્તમ ઉત્પાદન શરૂ કરી દીધું છે."

વેબસાઇટ પર કંપનીનો દાવો છે કે તે તેના દ્વારા ઇન્જેકશન, પૅરન્ટ્રલ તથા ઑરલ ગ્રેડના ઍમ્પોટૅરેસિનનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેના (ઑરલ તથા પૅરન્ટ્રલ ગ્રેડને) જાપાન, અમેરિકા તથા યુરોપમાં નિકાસને માટે જરૂરી મંજૂરી મળેલી છે.

મહેતા ઉમેરે છે, "ઇન્જેક્શન ગ્રેડના મટિરિયલનું લગભગ 65 ટકા વેચાણ ભારતમાં થાય છે અને 35 ટકા નિકાસ થાય છે."

"સરકાર દ્વારા ઉત્પાદન વધારવા સંદર્ભે અમારો સંપર્ક કરવામાં આવ્યો છે, જેના આધારે અમે માસિક ચારના બદલે આઠથી 10 બેચ સુધી ઉત્પાદન લઈ જવા માગીએ છીએ, જેની અસર જૂન મહિનાથી દેખાવા લાગશે."

એપીઆઈ મુખ્યત્વે ફર્મૅન્ટેડ તથા સિન્થેટિક એમ બે પ્રકારના હોય છે, જેમાંથી ઍમ્પોટૅરેસિન-બી ફર્મૅન્ટેશન દ્વારા મેળવવામાં આવે છે. તે દૂધમાં દહીંનું મેળવણ નાખવામાં આવે અને દહીં બને તેવી જ પ્રક્રિયા હોવાથી તાત્કાલિક તેનું ઉત્પાદન નથી થઈ શકતું.

મહેતાના કહેવા પ્રમાણે, "ફાર્માસ્યુટિકલ ઇનગ્રિડિયન્ટ્સ અને માઇક્રો ઑર્ગેનિઝમના ફર્મૅન્ટેશન, ફિલ્ટરેશન, પ્યુરિફિકેશન, ઍક્સ્ટ્રેશન, ન્યુટ્રલાઇઝેશન સહિતની પ્રક્રિયા દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારબાદ ટેસ્ટિંગ માટે પણ સમય જોઈએ. આ કામ ચોવીસેય કલાક ચાલતું રહે છે."

જ્યારે ફાર્મા ઇનગ્રિડિન્ટ્સને એકઠાં કરીને ટૅમ્પ્રેચર, કેમિકલ રિએક્શન, કેમિકલ પ્રોસેસ દ્વારા કાચો માલ તૈયાર કરવામાં આવે તેને સિન્થેટિક એપીઆઈ કહેવામાં આવે છે. તાવ માટે વપરાશમાં લેવાતી પેરાસિટેમોલ તેનું ઉદાહરણ છે.

ભારતમાં માયલાન, ભારત સિરમ ઍન્ડ વૅક્સિન, વૉકહાર્ટ, ઍબોટ હેલ્થકૅર, યુનાઇટેડ બાયોટૅક તથા સિપ્લા સહિત આંગળીના વેઢે ગણી શકાય તેટલી કંપની દ્વારા ઍમ્પોટૅરેસિન-બી ઇન્જેક્શનનું ઉત્પાદન કરવામાં આવે છે.

આ ઉત્પાદકો દ્વારા સિનબાયૉટિક્સ પાસેથી, આયાત દ્વારા અથવા તો ઇમ્પૉર્ટ અને સિનબાયૉટિક્સ એમ બંને સ્રોત પાસેથી કાચોમાલ મેળવીને પોતાની જરૂરિયાત સંતોષતા હોય છે.

ભાવ, નફો અને નફાખોરી

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન તથા ભારતમાં દવાઓના ભાવો પર નિયંત્રણ માટે નિમવામાં આવેલી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઑથૉરિટી (એનપીપીએ) દ્વારા ઍમ્પોટૅરેસિન-બીને 'જીવનરક્ષક દવા' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે.

એનપીપીએ દ્વારા તેના ભાવો ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. પહેલી એપ્રિલ 2021ની તેની યાદી પ્રમાણે, ઍમ્પોટૅરેસિન-બીનો (કન્વેન્શનલ, 50 મિલિગ્રામ માટેના પાઉડર) ભાવ રૂ. 310.48 નિર્ધારવામાં આવ્યો છે.

આ ઇન્જેક્શનને કારણે કિડનીને ભારે નુકસાન પહોંચે છે અને ત્રીજા કે ચોથા દિવસથી જ કિડની ઉપરની નકારાત્મક અસર દેખાવા લાગે છે, એટલે તેનો ઓછો વપરાશ થાય છે, મ્યુકરમાઇકૉસિસના દરદીને લાંબા સમય સુધી ઇન્જેક્શન આપવાના હોવાથી તેના વપરાશને નકારી કાઢવામાં આવે છે.

એપ્રિલ-2021ની યાદીમાં ઍમ્પોટૅરેસિન-બીને (લિપિડ, 50 મિલિગ્રામના પાઉડર) માટે રૂ. 3213.07નો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ પ્રકાર 'ડિઝાઇન-ટુ-ડિલિવર' છે. તે ફેફસાં, લિવર કે બરોળમાં આપી શકાય છે. જ્યારે ફૂગ અંદર સુધી પહોંચી ગઈ હોય ત્યારે તેનો ડોઝ આપવામાં આવે છે. તે કિડની માટે પણ સલામત હોય છે. વ્યક્તિના વજન મુજબ તેનો ડોઝ આપવામાં આવે છે.

ઉપરોક્ત યાદીમાં ઍમ્પોટૅરેસિન-બી (લાયપૉસોમલ) માટે રૂ. 7484.24નો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઍમ્પોટૅરેસિનના અન્ય વિકલ્પોની સરખામણીમાં તેને 'સૌથી સલામત' માનવામાં આવે છે.

એટલે જ મ્યુકરમાઇકૉસિસની સારવાર દરમિયાન તેનો વપરાશ સૌથી વધુ થઈ રહ્યો છે. આને કારણે તેની કાળાબજારી થતી હોવાના પણ અહેવાલ આવ્યા છે, જેમાં એક-એક ડોઝ રૂ. 14થી 20 હજાર સુધીમાં વેચાયો હોવાનું જણાવાયું છે.

આ સિવાય ઍમ્પોટૅરેસિન-બીનું લિપિડ ઇમલસન પણ બજારમાં ઉપલબ્ધ છે. ભારતમાં માત્ર એક જ કંપની તેનું ઉત્પાદન કરે છે, જેના દરેક ઇન્જેક્શનની કિંમત રૂ. 1,800 આજુબાજુ હોય છે. નિમ્ન મધ્યમવર્ગ તથા 'ગમે તે ભોગે' સ્વજનને બચાવવા માગતા ગરીબોમાં આ સારવારપદ્ધતિ ખાસી પ્રચલિત છે.

ઍમ્પોટૅરેસિન-બીની (એક મિલિગ્રામ)ની 15 ગ્રામની ટ્યૂબ માટે રૂ. 200નો ભાવ નિર્ધારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એનપીપીએ દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે, તેમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) સામેલ નથી હોતો.

સરકાર કેટલી સજ્જ?

મ્યુકરમાઇકૉસિસ માટે જવાબદાર ફૂગને 'કાળી ફૂગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નામ તેના રંગને કારણે નહીં, પરંતુ તે ફૂગને કારણે ઘણીવખત દરદીના આંખની રોશની છિનવાઈ જતી હોવાથી આપવામાં આવ્યું છે.

આથી કોરોના ઉપરાંત આ બીમારીને પણ સરકાર સામે ત્રીજી લહેર પહેલાંના પડકાર તરીકે જોવામાં આવે છે.

મંગળવારે (11મી મે) કેન્દ્ર સરકારના ખાતર તથા રસાયણવિભાગ દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા ઍમ્પોટૅરેસિનના ઉત્પાદકો સાથે મળીને ઉત્પાદન વધારવાની દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે."

"સ્થાનિકસ્તરે ઉત્પાદનવૃદ્ધિ તથા આયાત દ્વારા વધતી માગને સંતોષવામાં આવશે. ઉત્પાદકો તથા આયાતકારોના સ્ટૉક તથા માગને ધ્યાને લઈને 11મી મેના ડિપાર્ટમેન્ટ ઑફ ફાર્મા દ્વારા 11મી મેથી 31મી મે દરમિયાનની અપેક્ષિત આવકની રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે ફાળવણી કરી દેવામાં આવી છે."

કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેકશનની ઉપલબ્ધતા સમયે થયેલી અંધાધૂંધીમાંથી સરકારે બોધ લીધો હોય તેમ જણાય છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે સરકારી તથા ખાનગી હૉસ્પિટલોમાં ઍમ્પોટૅરેસિન-બી ઇન્જેક્શનના વિતરણ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે.

આ સિવાય સરકારી તથા ખાનગી હૉસ્પિટલો ક્યાંથી દવા મેળવી શકે છે, તે માટેના 'પૉઇન્ટ ઑફ કૉન્ટેક્ટ' નક્કી કરીને તેની માહિતીને સાર્વજનિક કરવામાં આવે. એનપીપીએ દ્વારા સપ્લાય ઉપર નજર રાખવામાં આવી રહી છે તથા રાજ્ય સરકારોને 'વિવેકપૂર્ણ વપરાશ' કરવાની સલાહ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોવિડ-19ની સારવાર માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે 'સમાન અને પારદર્શક' વિતરણ માટે તે પ્રયત્નશીલ છે.

રવિવાર (9 મે)ના રોજ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા મ્યુકરમાઇકૉસિસનાં લક્ષણ, શું કરવું, શું ન કરવું, નિદાન અને સારવાર માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.

વીમો, વાઢકાપ અને વિઘ્ન

સરેરાશ પરિવાર દ્વારા પાંચ લાખ સુધીનો આરોગ્યવીમો લેવામાં આવે છે. ખાનગી કંપનીના કર્મચારીઓને બેથી પાંચ લાખનો વીમો મળે છે. જેમાં કર્મચારીનાં માતા-પિતા (અથવા પતિ/પત્ની/સંતાન) સામેલ હોય છે. કંપનીના પ્લાન ઉપર તેનો આધાર રહે છે.

આવા કર્મચારીઓને પણ સારવારમાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ થઈ જાય છે કે ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટેનો ખર્ચ નિર્ધારિત ટોચમર્યાદા કરતાં વધુ થશે, એટલે તબીબો દ્વારા અગાઉથી જ કૅશલેસ સારવાર માટે ઇન્કાર કરી દેવામાં આવે છે અથવા તો વધારાની રકમની જોગવાઈ કરવા માટે કહેવામાં આવે છે.

આ સિવાય જો કઈ દરદીનાં જડબા, દાઢ કે ગળાના કોઈ ભાગમાં વાઢકાપ (સર્જરી) કરવામાં આવે અને અંગને કાપવું પડે તો દરદીના આત્મવિશ્વાસ માટે તેની પ્લાસ્ટિક સર્જરી કરાવીને બાહ્યા દેખાવ સુધારવો પડે, જેનો ખર્ચ લાખોમાં હોય છે.

વળી, આ પ્રકારના ઑપરેશનની ગણતરી 'કૉસ્મેટિક સર્જરી' તરીકે થતી હોય, તેના માટે જો વીમાની રકમ વધી હોય તો પણ નથી મળતી.

ગુજરાત સરકાર સજ્જ છે?

કોરોનાની પહેલી લહેર વખતે પણ મ્યુકરમાઇકૉસિસના છૂટાછવાયા કેસ નોંધાયા હતા. ડાયાબિટીસના દરદીઓ માટે સ્ટિરૉઇડ આધારિત સારવારપદ્ધતિ હાનિકારક નીવડી શકે છે, તે સ્પષ્ટ હોવા છતાં બીજી લહેર દરમિયાન તેનો વ્યાપક ઉપયોગ થયો છે.

ગુજરાત સરકારના એક અધિકારીના કહેવા પ્રમાણે, "અમદાવાદમાં અંદાજે 500, સુરતમાં લગભગ 200 અને રાજકોટમાં 300થી વધુ ઍક્ટિવ કેસ હશે. એક વ્યક્તિને દરરોજ માત્ર છ ઇન્જેક્શનની જ જરૂર પડશે, એમ માની લેવામાં આવે તો પણ દૈનિક 1800 ઇન્જેક્શનની જરૂર સીએમ સાહેબના મતવિસ્તારમાં (રાજકોટના સંદર્ભમાં) જ રહે અને ત્રણ દિવસમાં પૂરેપૂરો સ્ટૉક ત્યાં જ વપરાય જાય."

"આ સિવાય અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર અને સુરતની સિવિલ હૉસ્પિટલોમાં મ્યુકરમાઇકૉસિસના દરદીઓ માટે અલાયદા વૉર્ડ શરૂ કરવામાં આવ્યા છે, ત્યાંની માગને જોતા આ ઑર્ડર અપૂરતો અને અધૂરો છે."

"સર્જરી બાદ દવાઓ પણ એટલી જ જરૂરી છે. જો મ્યુકરમાઇકૉસિસનું ઑપરેશન થઈ જાય, પરંતુ બાદમાં વજનના પ્રમાણમાં ઍમ્પોટૅરેસિન-બીના ઇન્જેક્શન ન મળે, તો ફૂગ ફરીથી માથું ઊંચકી શકે છે. આ સંજોગોમાં સર્જનો દ્વારા સર્જરી અટકાવી દેવી પડશે, તેવી રજૂઆતો પણ મળી છે."

અધિકારીના કહેવા પ્રમાણે, હૉસ્પિટલાઇઝેશન બાદ દરદીને એકથી બે મહિના માટે મોં વાટે આઇસાવ્યૂકાનાઝોલ કે પાસકાનોઝલ જેવી દવાઓ આપવી પડે છે. તેના ભાવ એનપીપીએ દ્વારા નિર્ધારિત નથી થતા એટલે સંગ્રાહખોરી, કાળાબજારી ઉપરાંત તેની નફાખોરી પણ થઈ શકે છે.

શું છે મ્યુકરમાઇકૉસિસ?

મ્યુકરમાઇકૉસિસ એ એક ફૂગજન્ય રોગ છે, જે તબીબીજગત માટે નવો નથી અને અગાઉ તે ઝિગોમિકૉસિસ તરીકે ઓળખાતો હતો. મ્યુકરમાઇસેટ્સ ફૂગસમૂહને કારણે થાય છે. તેને બોલચાલની ભાષામાં 'કાળી ફૂગ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ફૂગ 'તકવાદી' છે, તે આપણા પર્યાવરણમાં મોજૂદ હોય છે, સડેલાં પાંદડાં, પશુઓનાં મળ, સડેલી શાકભાજી અને ફળોમાં આ ફૂગ ઉત્પન્ન થાય છે.

નસકોરાં મારફત ફૂગના બીજકણ; ચામડી પરના ઘા, ઈજા, વાઢિયા, દાઝેલા ભાગ કે અલસર મારફત શરીરમાં પ્રવેશી શકે છે. તે શરીરના કોઈ પણ ભાગેથી પ્રવેશી શકે છે.

પરંતુ જ્યારે કોઈની રોગપ્રતિકારક શક્તિ ઓછી કે નબળી હોય તો તેના ઉપર અસર કરી દે છે, સામાન્ય રોગપ્રતિકારક શક્તિ ધરાવનારને આ ફૂગ ખાસ નુકસાન નથી પહોંચાડી શકતી.

કોરોનામાંથી તાજેતરમાં બેઠા થયેલા દરદીની રોગપ્રતિકારક શક્તિ ઘટી હોય છે, જેમણે તાજેતરમાં અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય, જેમની કિડની કે કૅન્સરની સારવાર ચાલતી હોય, કિમો થેરપી ચાલતી હોય, ડાયાબિટીસ અનિયંત્રિત રહેતું હોય, તેમની ઉપર આ બીમારી અસર કરી શકે છે.

જેમના લોહીમાં શ્વેતકણ ખૂબ જ ઓછા હોય (ન્યૂટ્રૉપેનિયા), જેમની લાંબા સમયથી સ્ટિરૉઇડવાળી ચામડીના રોગની દવા ચાલુ હોય, જેમના શરીરમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હોય કે (હિમોક્રૉમાટોસિસ) હોય, જે બાળકનો સમય કરતાં વહેલો જન્મ થયો હોય અથવા જન્મસમયે ઓછું વજન હોય તેમને પણ આ ચેપ લાગવાનો ભય રહે છે.

ઇન્જેકશન દ્વારા નશાકારક પદાર્થો લેવાના વ્યસની, HIV (હ્યુમન ઇમ્યુનો ડેફિસન્સી વાઇરસ) કે AIDS (ઍક્વાયર્ડ ઇમ્યુનોડેફિસન્સી સિન્ડ્રૉમ)ની સારવાર ચાલતી હોય, તેઓ ચેપગ્રસ્ત થાય તેની શક્યતા વધી જતી હોય છે.

આ રોગની પ્રમાણમાં એક રાહતજનક બાબત એ છે કે તે ચેપી નથી અને માણસથી માણસમાં કે માણસથી પ્રાણીમાં ફેલાતો નથી. અસરના આધારે તેને અલગ-અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અને તે રીતે તેની સારવાર નક્કી થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો