રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં કાળાબજારી કોણ કરે છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી થતી હોય કે નકલી રેમડેસિવિર વેચાતાં હોય એવા 32 કેસ ગુજરાત પોલીસ અત્યાર સુધી નોંધ્યા છે, જેમાં 92 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ, દાહોદ, વલસાડ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરત, ભરૂચ, મોરબી, મહેસાણા જેવા જિલ્લાઓમાં આ કેસ નોંધાયા છે.

આ વિગત ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાએ ટ્વિટર પર પાંચ મેએ જાહેર કરી હતી. જોકે, એ પછી પણ અનેક કેસ સામે આવ્યા છે.

કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારથી ચારે તરફ રેમડેસિવિરની બુમરાણ મચી છે. અમદાવાદમાં રેમડેસિવિર ખરીદવા માટે લોકો બબ્બે કિલોમીટરની લાઇનમાં ઊભા રહેતા હતા.

સૌરાષ્ટ્ર અને કચ્છથી લોકો અમદાવાદ રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવા આવતા હતા. આ દરમિયાન અનેક જિલ્લામાં તેની કાળાબજારી અને નકલી રેમડેસિવિરના મામલા પણ સામે આવ્યા હતા.

અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તો રેમડેસિવિરના કૌભાંડ પણ સામે આવ્યાં હતાં.

કોણ કરે છે રેમડેસિવિરની કાળાબજારી?

જે લોકો નકલી રેમડેસિવિર કે એની કાળાબજારી કરતા કે પકડાયા છે તેમાં કેટલીક બાબત સામાન્ય જોવા મળી રહી છે.

જેમ કે, એ આરોપીઓ કોઈને કોઈ હૉસ્પિટલ સાથે સંકળાયેલા હતા. હૉસ્પિટલમાં તેઓ કર્મચારી તરીકે કામ કરતા હતા અથવા તો તે હૉસ્પિટલના મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા હતા.

જે લોકો બનાવટી રેમડેસિવિર વેચે છે તેઓ ફાર્મા ક્ષેત્રની બાબતોના થોડા ઘણા જાણકાર હોય છે. કેટલાક મેડિકલ સ્ટોરવાળા કેટલાક કિસ્સામાં ખેપિયા કે મળતિયાની ભૂમિકામાં પણ જોવા મળ્યા છે. આવા જ કેટલાક કિસ્સા જોઈએ.

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે સુરતની નિત્યા હૉસ્પિટલનો પાર્ટનર વિવેક ધામેલિયા, જે હૉસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો તે કાળાબજારિયાઓને ઇન્જેક્શન આપતો હતો.

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે મીડિયાને કહ્યું હતું કે, "899 રૂપિયાનું ઇન્જેક્શન તેઓ 12,000માં વેચતા હતા. અન્ય હૉસ્પિટલોને સિવિલ હૉસ્પિટલમાંથી રેમડેસિવિર મળે તેવી વ્યવસ્થા છે. અન્ય હૉસ્પિટલમાં દાખલ જે દરદીનાં ઇન્જેક્શન વપરાયાં વગરનાં હોય તેની કાળાબજારી થતી હતી."

વડોદરામાં એક જુદા જ સ્તરનું નકલી રેમડેસિવિરનું કૌભાંડ એપ્રિલના અંતમાં સામે આવ્યું હતું, જેમાં આરોપી ન્યુમોનિયાની ઍન્ટિબાયોટિક દવા પર રેમડેસિવિરનું સ્ટિકર લગાવીને વેચતા હતા.

પોલીસે તેમની પાસેથી નકલી રેમડેસિવિર ઉપરાંત સ્ટિકર કબજે કર્યાં હતાં. એ વખતે વડોદરા પોલીસ કમિશનરે મીડિયાને કહ્યું હતું કે, "150 રૂપિયાની દવા આરોપી 4000થી 16000 રૂપિયામાં રેમડેસિવિરના નામે વેચતા હતા. 700 ઇન્જેક્શન અમદાવાદમાં વેચ્યાં હતાં. 460 જેટલાં આણંદ - વડોદરામાં વેચ્યાં હતાં. 1300 જેટલાં પોલીસે પકડી પાડ્યાં હતાં. એક ફાર્મહાઉસમાંથી આ કૌભાંડ ચાલતું હતું."

"આ કૌભાંડમાં સંકળાયેલો આરોપી વિવેક મહેશ્વરી ફાર્માસિસ્ટ હતો તેમજ અન્ય આરોપી નીતેશ જોશી અમદાવાદની એસવીપી (સરદાર વલ્લભભાઈ પટેલ) હૉસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટિવ તરીકે કામ કરતો હતો અને ફાર્માનો જાણકાર હતો."

વડોદરામાં ન્યુમોનિયાની ઍન્ટિબાયોટિક દવાને રેમડેસિવિર તરીકે વેચવામાં આવતી હતી, તો નડિયાદમાં એક આરોપી એવો ઝડપાયો હતો જે ગ્લુકૉઝનું પાણી રેમડેસિવિરના નામે વેચતો હતો.

જગદીશ પરમાર નામનો આરોપી ત્યાંની સિવિલ હૉસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે કામ કરતો હતો. પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.

ડીવાયએસપી ડી.આર. પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, "તે સિવિલ હૉસ્પિટલમાંથી રેમડેસિવિરની ખાલી શીશીઓ લાવીને તેમાં ગ્લુકૉઝનું પાણી ભરીને રેમડેસિવિર ઇન્જેક્શનના નામે વેચતો હતો. તેની પાસેથી બે નકલી રેમડેસિવિર અને રેમડેસિવિરની 15 ખાલી શીશી અને ગ્લુકૉઝની બૉટલ પોલીસે ઝડપી હતી."

આ ઉપરાંત એપ્રિલના અંતમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 90 રેમડેસિવિર સાથે પાંચ કાળાબજારીઓની ધરપકડ કરી હતી.

તેઓ ફાર્મા વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ સોળથી વીસ હજારમાં રેમડેસિવિર વેચતા હતા. તેઓ ત્રણસો જેટલાં ઇન્જેક્શન ઑલરેડી વેચી ચૂક્યા હતા એવો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો.

વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહે પ્રેસ કૉન્ફરન્સમાં આ વિગતો જાહેર કરી હતી. આવા અનેક કિસ્સા સામે આવ્યા છે.

રેમડેસિવિર ઇન્જેક્શન કેવી રીતે મળે છે?

બીજી બાબત એ છે કે ખાનગી હૉસ્પિટલો કે હૉસ્પિટલમાં ખાટલો ન મળવાને લીધે ઘરે રહીને જ કોરોનાની સારવાર લઈ રહેલા ઘણા દરદીને કે તેના સંબંધીને ખબર જ નથી કે રેમડેસિવિર ઇન્જેક્શન મળે કે નહીં અને મળે તો કેવી રીતે?

કેટલીક ખાનગી હૉસ્પિટલો તો સીધા દરદીને જ કહી દે છે કે તમારા સંબંધીને કહો કે રેમડેસિવિર મેળવી આપે.

પછી દરદીના સગા રેમડેસિવિર મેળવવા આકાશપાતાળ એક કરે છે અને કાળાબજારિયા એનો ગેરફાયદો લે છે. આ બધામાં યોગ્ય વ્યવસ્થાનો અભાવ પણ કારણભૂત જણાઈ રહ્યો છે.

રેમડેસિવિરના વિતરણ બાબતે હજી પણ કેટલીક સ્પષ્ટતાનો અભાવ છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે ખાનગી હૉસ્પિટલોમાં કોઈને રેમડેસિવિર જોઈતા હોય તો તે જિલ્લાની સરકારી કે કૉર્પોરેશન દ્વારા સંચાલિત હૉસ્પિટલોમાંથી જરૂરી આધારપુરાવા રજૂ કરીને મેળવવાનાં રહે છે. આના માટે કલેક્ટર કચેરી પણ એક ઘટક હોય છે.

અમદાવાદમાં શહેર કૉર્પોરેશન સંચાલિત એસવીપી હૉસ્પિટલ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનું 8 એપ્રિલથી વિતરણ થાય છે. જે શહેરની 315 જેટલી એમઓયુ (મેમરોન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) દ્વારા નિયુક્ત વિવિધ કોવિડ હૉસ્પિટલ તેમજ નર્સિંગ હોમને વિતરણ કરે છે.

હોમ આઇસોલેશનમાં હોય તેવા દરદીને ઇન્જેક્શન આપવા પ્રતિબંધિત છે. ડૉક્ટર જો એવા દરદીને રેમડેસિવિર લખી આપે તો નૈતિકતા વિરુદ્ધ ગણાય છે. 27 એપ્રિલે અમદાવાદ કૉર્પોરેશને એક પ્રેસનોટમાં આ વાત કહી હતી.

શું સીધા જ દર્દીને ઇન્જેક્શન મળી શકે?

નવસારી જિલ્લા કલેક્ટરે 16 એપ્રિલે રજૂ કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 'ખાનગી કોવિડ હૉસ્પિટલોના દર્દી માટે રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય તો આધારકાર્ડ, આરટી-પીસીઆર (રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમર્સ ચેઈન રીએક્શન) કે એચઆરસીટી (હાઈ રેઝલ્યુશન કૉમ્પ્યુટેડ ટોમોગ્રાફી) રિપોર્ટ તથા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન દ્વારા કલેક્ટર દ્વારા અધિકૃત કરેલા અધિકારીને ઈમેલ કરવાથી રેમડેસિવિરની ફાળવણી થશે.'

સુરત શહેર અને જિલ્લામાં ખાનગી હૉસ્પિટલોને સિવિલ હૉસ્પિટલ દ્વારા વિતરણ થયું હતું.

ત્યાંની કલેક્ટર કચેરીએ 12 એપ્રિલે એવી અખબારી યાદી રજૂ કરી હતી કે 'સિવિલ હૉસ્પિટલની પોતાની જરૂરિયાત ઉપરાંતનો વધારાનો રેમડેસિવિર ઇન્જેક્શનનો 3000 નંગનો જથ્થો ઉપલબ્ધ થનાર છે. ખાનગી હૉસ્પિટલોએ ઈન્ડેન્ટ ફૉર્મમાં જરૂરી વિગતો ભરી, આધારકાર્ડ તેમજ આરટી-પીસીઆર અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવાના રહેશે.'

તો મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં દસ એપ્રિલે પત્રકારોને જવાબ આપતાં કહ્યું હતું કે "અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ હોય, કોઈને સરકાર સીધા ઇન્જેક્શન આપતી નથી. સરકારે એ વ્યવસ્થા કરી છે કે જેટલી કોવિડ હૉસ્પિટલો છે (પછી તે સરકારી હોય કે ખાનગી) તેમને આપવાનો નિર્ણય કર્યો છે. જેમ કે, રાજકોટમાં હેલ્પલાઇન ઊભી કરી છે. ખાનગી હૉસ્પિટલના ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન મોકલે અને માણસ મોકલે એટલે સરકાર તેને ઇન્જેક્શન આપે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો