'કોરોનાને લીધે માતાપિતા તો ન રહ્યાં, હવે દરદીઓ જ મને પરિવાર જેવા લાગવા માંડ્યા'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

વીસ વર્ષની ઉંમરે હજી તો જીવન કારકિર્દીના ઊંબરે ડગ માંડતું હોય, ત્યાં જ માતા અને પિતાનું એક અઠવાડિયામાં અવસાન થાય તો જીવનમાં કેવો શૂન્યાવકાશ વ્યાપી જાય?

પરંતુ અપેક્ષા મારડિયાના જીવનમાં એવું ન થયું. અપેક્ષા રાજકોટમાં એમબીબીએસ (બૅચલર ઑફ મેડિસિન, બૅચલર ઑફ સર્જરી)નાં વિદ્યાર્થિની છે.

હાલ કોરોનાએ રાજ્યને ભરડામાં લીધું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રાજકોટની સમરસ હૉસ્ટેલમાં કોવિડ હૉસ્પિટલમાં તેઓ ફરજ નિભાવી રહ્યાં છે.

અપેક્ષાના પપ્પા કલ્પેશભાઈ મારડિયાનું 6 એપ્રિલે કોરોનાને કારણે અવસાન થયું.

પપ્પાના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ 10 એપ્રિલે તેમનાં માતા જિજ્ઞાબહેને પણ કોરોનાથી જીવ ગુમાવ્યો.

જીવનમાં જેમનો સધિયારો હતો તેઓ જ સિધાવી ગયાં.

જોકે, અપેક્ષા સંજોગોની સામે હારીને બેસી ન રહ્યાં. માતાપિતાના અવસાનના પખવાડિયામાં તેમણે પોતાની ડ્યૂટી જોઈન કરી લીધી.

આની પાછળનું કારણ જણાવતાં અપેક્ષા બીબીસીને કહે છે, "મને થયું કે ઘરે બેસીને હું શું કરીશ? એના કરતાં હૉસ્પિટલ જઈશ તો કોઈની મદદ કરીશ, કારણ કે દરદીના તો કોઈ સગાંસંબંધી ત્યાં હોતાં નથી."

"અમે જ તેનાં સગાંસંબંધી હોઈએ છીએ. મારાં તો માતાપિતા નથી રહ્યાં, દરદી જ મને મારા પરિવારજનો હોય એવું લાગવા માંડ્યું. તેથી મેં ડ્યૂટી જોઈન કરી લીધી."

કોરોનાના દરદીઓની એકલતા

જિજ્ઞાબહેનને કોરોના થયો ત્યારે અપેક્ષા તેમની સાથે જ આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં રહેતાં હતાં.

તેઓ તરત ફરજ પર હાજર થયાં તેની પાછળ તેમનાં માતા સાથે આઈસીયુમાં ગાળેલા છેલ્લા દિવસો કારણભૂત હતા.

અપેક્ષા કહે છે કે, "બીમારીના છેલ્લા તબક્કે દરદી વૅન્ટિલેટર પર આવતા હોય છે. મમ્મી વૅન્ટિલેટર પર હતાં ત્યારે હું તેમની સાથે આઈસીયુમાં રહેતી હતી. ત્યાં અન્ય દરદીઓ પણ હતા."

"કોરોના થયો હોય એટલે પરિવારજનો પણ દરદીની નજીક ન હોય. આ સ્થિતિ જોઈને મારું હૈયું વલોવાતું. કોઈનું મૃત્યુ થાય ત્યારે મને રાતે ક્યારેક ઊંઘ પણ ન આવતી."

તેઓ વધુમાં કહે છે, "મમ્મી-પપ્પાના અવસાન પછી મને થયું કે ત્યાં તો દરદી બીચારા એકલા હોય છે. કેમ ન હું તે એકલા દરદીઓ માટે પરિવાર જેવો સધીયારો બનું? તેથી જ હું મમ્મી-પપ્પાના નિધન પછી થોડા જ દિવસોમાં ફરજ પર હાજર થઈ ગઈ. મારી જેમ અન્ય પણ મેડિકલ સ્ટાફ તેમને પરિવારની જેમ જ સાચવતા હોય છે."

હૉસ્પિટલ સ્ટાફે અપેક્ષાનો બર્થ ડે કઈ રીતે ઉજવ્યો?

હૉસ્પિટલ સ્ટાફ તેમજ રાજકોટ કલેક્ટર ઑફિસે પણ અપેક્ષા પ્રત્યે સદભાવ દર્શાવ્યો હતો.

સમરસ હૉસ્પિટલના હેડ તેમજ રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલે અપેક્ષાને કહ્યું હતું કે થોડા દિવસ હજી ઘરે રહો અને સ્વસ્થ થઈને કામે લાગજો, પણ અપેક્ષા ફરજ પર હાજર થઈ ગયાં હતાં.

બીબીસી સાથે વાત કરતાં ચરણસિંહ કહે છે, "અપેક્ષાની કાર્ય પ્રત્યેની ભાવનાને સલામ કરવી પડે. એ જે રીતે કામ કરે છે એ પણ અમે નિહાળીએ છીએ. તેનો એક જ ઉદ્દેશ હોય છે કે બીજા કોઈનાં માતાપિતાનું અવસાન ન થાય."

"હૉસ્પિટલના સ્ટાફે તેમજ અમે સહુએ તેને કહ્યું છે કે અમે પણ તમારો પરિવાર જ છીએ. નિશ્ચિંત થઈને તમે કામ કરો."

"4 મેએ અપેક્ષાનો જન્મદિવસ હતો. સ્ટાફના તમામ લોકોએ અપેક્ષાને પરિવારની જેમ બોલાવીને શુભેચ્છા અને સાંત્વના આપી હતી."

"અનુસ્નાતક -અન્ડર ગ્રૅજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ હોય તેમની ફરજ રોટેશન અનુસાર પંદર દિવસે અન્ય જગ્યાએ બદલાતી હોય છે. અમે રોટેશન પર અપેક્ષાની ફરજ બદલતા નથી. કાયમી અમારી સાથે રાખીએ છીએ. તેઓ એકલાં છે એવું મહેસૂસ થવા નથી દેતા."

'મારા ભાઈને જોઈને મને હિમ્મત આવે છે'

કોવિડ હૉસ્પિટલમાં પોતાને જે કામ કરવાનું હોય છે તે વિશે જણાવતાં અપેક્ષા કહે છે કે, "કોરોનાના દરદીનું અમારે મૅનેજમૅન્ટ કરવાનું હોય છે. ત્યાં ઓક્સિજન બેડ સહિતની સગવડ છે કે કેમ."

"જે ગંભીર દરદી આવે તેને સિવિલ કે કૅન્સર હૉસ્પિટલમાં લઈ જવાના હોય તો એમાં મારે મદદરૂપ થવાનું હોય છે. દરદીને જોવા જવાનું હોય છે અને ક્યારેક ઍમ્બ્યુલન્સમાં ડૉક્ટરની સાથે જવાનું હોય છે."

માતાપિતાની છત્રછાયા ગુમાવનાર અપેક્ષાનો નાનો ભાઈ આયુષ દસમા ધોરણમાં છે.

અપેક્ષા કહે છે, "ભાઈ મારાથી નાનો છે. હું મોટી બહેન છું તેથી હવે તેના માટે માતાપિતા, મૅન્ટર જે કહો તે હું જ છું. તેની જવાબદારી હવે મારી છે તેથી તેને જોઈને જ મને હિમ્મત આવે છે."

અપેક્ષા કહે છે કે, "આપણા જીવનમાં જ્યારે કોઈ મોટા નિર્ણય લેવાના હોય ત્યારે ગમે તે ઉંમરે આપણને માતાપિતાનાં માર્ગદર્શન, હૂંફ અને પ્રેરણાની જરૂર હોય છે. તેથી માતાપિતાની એ ખોટ તો મોટી છે. પણ આમાં આપણે સત્ય સ્વીકારવા સિવાય શું કરી શકીએ?"

અપેક્ષા એમબીબીએસના બીજા વર્ષમાં છે. હજી તેમનો બે વર્ષનો અભ્યાસ અને એક વર્ષની ઇન્ટર્નશિપ બાકી છે.

તેઓ કહે છે કે, "મારું અને મમ્મી-પપ્પાનું એક સપનું હતું કે હું એવી ડૉક્ટર બનું કે જેને લોકો તેમના કામથી યાદ કરે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો