રિવેન્જ પૉર્ન : 'મને લાગ્યું કે તે મારો પતિ બનશે, એટલે રોક્યો નહીં'

    • લેેખક, લારા ઓવન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

24 વર્ષનાં સિયાના ( બદલાવેલું નામ) છેલ્લા પાંચ વર્ષથી એક છોકરા સાથે ડેટ કરી રહ્યાં હતાં. તેમણે આ વિશે પોતાનાં માતા-પિતા અથવા મિત્રોને પણ કંઈ નહોતું જણાવ્યું. તેઓ રિવેન્જ પૉર્નનો શિકાર બન્યાં ત્યારે પણ નહીં.

તેમનો સંબંધ બગડતો ગયો અને જ્યારે તેમણે ગત વર્ષે સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો, તો એ છોકરાએ તેમની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

કોઈની અશ્લીલ ફોટો અથવા વીડિયો તેમની પરવાનગી વગર શૅર કરવી રિવેન્જ પૉર્ન કહેવાય છે.

કેટલાક દેશોમાં આને અપરાધ માનવામાં આવે છે અને આનો ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધાવી શકે છે.

પરંતુ ઇન્ડોનેશિયામાં સિયાના જેવાં રિવેન્જ પૉર્નના શિકાર બનેલાં લોકો ફરિયાદ નોંધાવતા નથી કારણકે ત્યાં પૉર્નોગ્રાફી લૉ ઍન્ડ ઇલેક્ટ્રોનિક ટ્રાઝેક્શન કાયદા હેઠળ અપરાધી અને પીડિત વચ્ચે કોઈ ફેર નથી કરાતો.

2019માં એક મહિલા જેમની પ્રાઇવેટ સેક્સ ટેપ પરવાનગી વગર શૅર કરવામાં આવી હતી, તેમને ત્રણ વર્ષની સજા થઈ હતી.

આ નિર્ણયની વિરુદ્ધ તેમણે અરજી કરી હતી પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી.

રિવેન્જ પૉર્નના પીડિતોને લાગે છે કે તેમને પૂરતી મદદ નથી મળતી.

સિયાના કહે છે, "આ આઘાતને કારણે મને લાગે છે કે હું ફસાયેલી છું. કેટલી વાર મને લાગે છે કે હવે મારે જીવિત ન રહેવું જોઈએ, હું રડવાની કોશિશ કરું છું પણ આંસુ નીકળતા નથી."

અનેક મહિલાઓની વિકટ પરિસ્થિતિ

ઇન્ડોનેશિયા એક મુસ્લિમ બહુમતીવાળો દેશ છે અને લગ્ન પહેલા સેક્સ સમાજમાં સ્વીકાર્ય નથી.

હુસ્ના અમીન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોનેશિયન વુમન ઍસોસિયેશન (એલબીએચ એપિક) નામની સંસ્થા સાથે જોડાયેલાં છે. તેમનું કહેવું છે કે મોટાભાગનાં પીડિતોની હાલત સિયાના જેવી જ થાય છે.

મહિલાઓની વિરુદ્ધ હિંસાને લઈને બનેલા નેશનલ કમિશનના વર્ષ 2020ના રિપોર્ટ મુજબ જેન્ડર આધારિત હિંસાના 1425 કેસ દાખલ કરવામાં આવ્યા છે પરંતુ જાણકારોનું કહેવું છે કે કેટલાક મામલા રિપોર્ટ પણ થતા નથી.

અમીન કહે છે, "પીડિતોને ડર લાગે છે કે તેમને સજા થશે. "

ઇન્ડોનેશિયાના કાયદા મુજબ "કોઈ પણ વ્યક્તિ પોતાની ઇચ્છાથી કોઈ પણ પૉર્ન સામગ્રીનો ભાગ ન બની શકે."

"પૉર્ન બનાવવા, જૂના પૉર્નને ફરી પ્રોડ્યૂસ કરવા, શૅર કરવા, ક્યાંય ચલાવવા, આયાત-નિકાસ કે પછી ભાડે આપવા પર પાબંદી છે."

એક બીજા કાયદા મુજબ, "કોઈ પણ એવા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજથી જાણકારી મોકલવી જેનાથી મર્યાદાનું હનન થતું હોય, એ ગુનો છે. એ લોકો જે લીક થયેલા સેક્સ વીડિયોમાં દેખાય છે, તેમની મરજીથી બનેલા વીડિયોમાં પણ, તો તેમના પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

કાયદાનો ફાયદો ઉઠાવે છે લોકો

મહિલા અધિકારો માટે કામ કરતા કાર્યકરો મુજબ શોષણ કરનારા લોકો આ કાયદાનો ફાયદો ઉઠાવીને બચી જાય છે કારણ કે પીડિતોને લાગે છે કે તેમને સજા થશે.

સિયાનાનાં સંબંધની શરૂઆત સામાન્ય સંબંધોની જેમ જ થઈ હતી. તેઓ સ્કૂલમાં એ છોકરાને મળ્યાં હતાં, એ છોકરો તેમને પસંદ આવી ગયો હતો.

સિયાના મુજબ, "મેં એટલી મોટી ભૂલ કરી, મને લાગ્યું કે તે આગળ જઈને મારો પતિ બનશે એટલે મેં તેને ફોટો ખેચવા અને વીડિયો બનાવવા દીધા." પણ ચાર વર્ષ પછી તેનું વર્તન બદલાઈ ગયું.

સિયાના મુજબ, "તે મને મારા મિત્રોને મળવા નહોતો દેતો. એ દિવસમાં 50 વખત ફોન કરીને મને પૂછતો કે હું ક્યાં છું."

"મને લાગતું કે હું એક પિંજરામાં બંધ છું. જ્યાં સુધી હું પિંજરામાં રહેતી તે ઠીક રહેતો પરંતુ જેમ હું બહાર નીકળું એ પાગલ થઈ જતો."

એક દિવસ તે સિયાનાની કૉલેજમાં પહોંચી ગયો અને બૂમો પાડવા લાગ્યો કે તેને તસવીરો શૅર કરી દેશે. "તે મને સસ્તી છોકરી અને વેશ્યા કહીને બોલાવવા લાગ્યો."

"એક વખત હું તેની સાથે ગાડીમાં હતી ત્યારે મેં અલગ થવાની વાત કરી, તે મારું ગળું દાબવા લાગ્યો. મને તેની સાથે બેસવામાં બીક લાગતી, આત્મહત્યાના ખ્યાલ આવવા લાગ્યા. મને થતું કે હું ગાડીમાંથી કૂદી જાઉં."

'હું એક પીડિત છું'

સિયાનાને ફરિયાદ કરવામાં બીક લાગે છે કારણ કે તેમને આ વીડિયો અને તસવીરો સાથે જોડાયેલા પુરાવા આપવા પડશે અને એક સાક્ષીની જેમ કોર્ટમાં રજૂ થવું પડશે.

"મને લાગે છે કે હું ક્યારેય પોલીસ પાસે નહીં જાઉં કારણ કે તેઓ મારી મદદ નહીં કરે, તેમાંથી મોટાભાગના લોકો પુરુષ છે. હું તેમની સામે અસહજ થઈ જઈશ. હું પોતાના પરિવાર પાસે નહીં જઈ શકું કારણ કે તેમને પણ આ વિશે કંઈ ખબર નથી."

બીબીસી ઇન્ડોનેશિયાએ આ વિશે ત્યાંના ઇન્સપેક્ટર જનરલ પૉલ રેડન પ્રાબોવો એગ્રો યૂવોનો સાથે વાત કરી. તેમણે કહ્યું કે કેટલાક વિશેષ નિયમ છે જેની હેઠળ પીડિત મહિલાઓ ફરિયાદ નોંધાવી શકે છે અને મહિલા પોલીસકર્મીઓની દેખરેખમાં કેસની તપાસ કરી શકાય છે.

પરંતુ એબીએન એપિક મુજબ આ પ્રકારના માત્ર દસ ટકા કેસ જ રિપોર્ટ થાય છે.

હુસ્ના અમીન કહે છે, "કેટલીક મહિલાઓને લાગે છે કે તેમની પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ નથી. કાયદાકીય પ્રક્રિયા બહુ લાંબી છે અને તે મહિલાઓના પક્ષમાં નથી."

'સરકારની નજર અમારા બેડરૂમમાં'

વર્ષ 2019માં એક મહિલાને પૉર્નોગ્રાફિક કાયદા હેઠળ ત્રણ વર્ષની સજા આપવામાં આવી હતી.

એક મહિલાનો કેટલાક લોકો સાથે સેક્સ કરતો વીડિયો ઑનલાઇન શૅર કરવામાં આવ્યો હતો. મહિલાનાં વકીલ અસરી વિદ્યાએ કહ્યું કે વીડિયોથી એક નાગરિકના અંગત અધિકારોનું હનન થયું છે.

તેમણે કહ્યું કે તે મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બન્યાં હતાં અને તેમના પતિએ તેમને સેક્સના વેપારમાં જબરદસ્ત ધકેલી દીધાં હતાં.

વિદ્યાએ કહ્યું, "રાજ્ય એક રીતે બેડરૂમમાં ઘૂસીને જોઈ રહ્યું છે કે ત્યાં લોકો શું કરે છે."

"મારા ક્લાયન્ટને બે વખત સજા થઈ, તેમણે પૉર્નોગ્રાફીનાં મૉડેલ જણાવીને જેલની સજા આપવામાં આવી, ત્યાર પછી તેમને સેક્સ વર્કર ઠેરવવામાં આવ્યાં."

આ એકમાત્ર કેસ નથી પરંતુ વિદ્યાનું કહેવું છે કે આ મામલાની સિયાના જેવા કેસ પર ઘેરી અસર થઈ છે.

"જો એક પુરુષ અને મહિલા શારીરિક સંબંધ બનાવે છે અને આ દરમિયાન ફોટો કે વીડિયો બનાવે છે. બંનેના અલગ થયા પછી આ ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવે છે અને બંનેને સજા આપવામાં આવે છે."

પરંતુ ઇન્ડોનેશિયાની બંધારણીય કોર્ટે આનાથી જોડાયેલી અરજીને નકારી કાઢી છે. વિદ્યા મુજબ શોષણની શિકાર મહિલાઓ માટે નાનકડી આશા પણ ખતમ થઈ ગઈ છે.

'હું આ રીતે ન જીવી શકું'

સિયાનાને મિત્રોનો સાથ મળ્યો અને તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યાં.

તેમણે કહ્યું, "હું દરરોજ રડતી હતી અને પ્રાર્થના કરતી. હું વધારે સહી નહોતી શકતી. મને લાગતું કે હું પાગલ થઈ જઈશ પણ આખરે થોડી હિંમત મળી."

સિયાનાએ એલબીએચ એપિકને એપ્રિલ 2020માં સંપર્ક કર્યો. હુસ્ના અમીનની મદદથી એ છોકરાને નોટિસ પાઠવવામાં આવી. "પહેલાં થોડા સમય માટે મને ડર ન લાગ્યો પણ આ બહુ ટૂંકો સમય હતો."

તેમને હાલમાં જાણ થઈ કે તેમના નામથી એ છોકરાએ ફેક એકાઉન્ટ ખોલ્યું હતું. તે એક પ્રાઇવેટ એકાઉન્ટ છે પરંતુ તેમને ડર છે કે તે તેમાં અશ્લીલ સામગ્રી પોસ્ટ કરી શકે છે.

સિયાના કહે છે," મને હવે કોઈ પર ભરોસો નથી."

બીબીસી ઇન્ડોનેશિયાએ ત્યાંના મહિલા સશક્તીકરણ અને બાલ સંરક્ષણ મંત્રાલય સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ કેસમાં શું પગલાં લેવામાં આવે છે.

ઇન્ડોનેશિયાના નેશનલ કમિશન ઑન વૉયલેન્સ અગેન્સ્ટ વુમને કહ્યું આનાથી જોડાયેલું બિન( યૌનહિંસા બિલ) લાવવામાં આવ્યું છે જે પીડિતોની મદદ કરી શકે છે.

તેમના મુજબ આમાં પીડિતોને ગુનેગાર નહી માનવા અને એજન્સીઓ કોઈ પીડિતો પર પુરાવા લાવવાનું દબાણ ન કરે એ અંગેની જોગવાઈ કરાઈ છે. પરંતુ ઇસ્લામી રૂઢિવાદી સંગઠનોના વિરોધને કારણે આ બિલ હજી પાસ નથી થયું. આ સંગઠનોનું માનવું છે કે આનાથી લગ્ન પહેલાં સેક્સને પ્રોત્સાહન મળશે.

સિયાના જેવા લોકો માટે ઇન્ડોનેશિયામાં ચૂપ રહેવું અને ડર વગર જીવવું મુશ્કેલ થઈ ગયું છે પરંતુ અવાજ ઉઠાવવો પણ મુશ્કેલ છે.

(રાજા ઇબેન લંબનરાઉ અને એંડેંગ નર્ડિનની અતિરિક્ત રિપોર્ટિંગ સાથે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો