You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોસિલિઝુમેબ : રેમડેસિવિર બાદ ગુજરાતમાં કોરોનાની સારવારમાં વપરાતા અન્ય ઇન્જેક્શનની અછત કેમ સર્જાઈ?
શુક્રવારે ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 8920 દર્દીઓ મળી આવ્યા હતા. આ અત્યાર સુધીનો કોરોનાના દૈનિક કેસોનો સૌથી મોટો આંકડો છે. પાછલા એક મહિના કરતાં વધુ સમયથી કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ગંભીર વધારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સતત વધી રહેલા કેસોની સામે હૉસ્પિટલોમાં પથારીઓ અને બજારમાં દવાની અછતની ફરિયાદો વ્યાપક બની રહી છે. આવી જ એક મહત્ત્વપૂર્ણ દવા રેમડેસિવિરની ગુજરાતમાં મોટાપાયે અછત હોવાની રાવ ઊઠી છે.
જોકે સરકારી તંત્ર આ દવાનો પૂરતો પુરવઠો હૉસ્પિટલો અને સરકાર પાસે ઉપલબ્ધ હોવાનો દાવો કરે છે.
હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે જે દવાઓની અછત હોવાનો દાવો કરાઈ રહ્યો છે, તેની યાદીમાં વધુ એક પ્રાણરક્ષક દવાનું નામ ઉમેરાઈ ગયું છે. તે છે ટોસિલિઝુમેબ.
સ્થાનિક મીડિયા, નિષ્ણાતો અને તબીબોની વાત માનીએ તો ગુજરાતમાં રેમડેસિવિરની જેમ જ ટોસિલિઝુમેબની પણ મોટાપાયે અછત સર્જાઈ છે.
જેના કારણે આ દવાની મૂળ કિંમત કરતાં ખૂબ વધારે વેચાણકિંમત વસૂલવામાં આવી રહી છે. આ સિવાય રાજ્યમાં ઘણાં સ્થળોએ તો આ દવાની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના ઉપચાર માટે મદદરૂપ ગણાતી ટોસિલિઝુમેબ દવાની અછતના સમાચારો અંગે હકીકતની તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાત તબીબો અને પક્ષકારો સાથે વાત કરી હતી.
'પૅનિક બાઇંગના કારણે અછત સર્જાઈ'
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી રેમડેસિવિર ઇન્જેક્શનની જેમ ટોસિલિઝુમેબની પણ દર્દીઓનાં સગાં દ્વારા કરાતી પૅનિક બાઇંગના કારણે અછત સર્જાઈ હોવાનું જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "હાલ લોકો પોતાની રીતે જ અન્ય વ્યક્તિ પાસેથી સાંભળીને કે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને ડૉક્ટરોને પોતાનાં સગાંને રેમડેસિવિર કે ટોસિલિઝુમેબ આપવાની સૂચના આપે છે."
"તેમને નથી ખબર હોતી કે આ દવાઓ અમુક સ્ટેજમાં જ અપાય છે. પરંતુ લોકો આગ્રહ કરે છે કે તેમના દર્દીને ટોસિલિઝુમેબ જેવી દવા અંતિમ સ્ટેજ પર અપાતી દવા શરૂઆતના સ્ટેજમાં જ આપી દેવાય. જે કારણે જે દર્દીઓને ખરેખર જરૂર છે કે તેમના માટે આ દવા નથી બચી રહી અને બજારમાં તેની અછત સર્જાઈ રહી છે."
'લોકો ડૉક્ટરની સૂચના વગર દવા ખરીદવા ન જાય'
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ ડૉ. મોના પી. દેસાઈ પણ ડૉ. કિરીટ ગઢવીની વાત સાથે સંમત થાય છે.
તેઓ કહે છે કે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનાં સગાં આ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ જેવાં ઇન્જેક્શનો ખરીદી રહ્યા છે.
"જ્યારે લોકોને ખબર પડે કે તેમનાં સગાંને કોરોના છે, ત્યારે તેઓ ઑનલાઇન માધ્યમો થકી વાંચીને રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ જેવાં ઇન્જેક્શનો મેળવવા માટે દોટ મૂકે છે."
"જ્યારે તેમણે ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. પરંતુ ઘણા લોકો ડૉક્ટરની સલાહ વગર જ આ ઇન્જેક્શનો ખરીદવા માટે જતા રહે છે અને ઘણી વાર આ ઇન્જેક્શનોની કાળાબજારી શરૂ થઈ જાય છે. જે કારણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ દવા ઉપલબ્ધ નથી રહેતી."
ડૉ. દેસાઈ આગળ કહે છે કે "લોકોએ ગૂગલ ડૉક્ટર ન બનવું જોઈએ તો જ આવી કૃત્રિમ અછતથી બચી શકાય."
'ઇન્જેક્શનની થઈ રહી છે કાળાબજારી'
રાજ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓને કાળાબજારીના કારણે ટોસિલિઝુમેબ જેવાં પ્રાણરક્ષક ઇન્જેક્શન ન મળી રહ્યાં હોવાના અહેવાલો જોવા મળ્યા છે. આવો જ એક મામલો રાજકોટમાં સામે આવ્યો હતો.
રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા જયંતીભાઈ સિંગાગિયાનાં ભાણી ઊર્મિલાબહેનને કોરોના થયો હતો.
એમને આઠમી એપ્રિલે રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
જયંતીભાઈના મિત્ર કે. સી. પટેલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "જ્યારથી ઊર્મિલાબહેનને હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, ત્યારથી જયંતીભાઈ ખૂબ જ ચિંતામાં રહેતા હતા. આઠમીથી જ જયંતીભાઈ કોવિડ હૉસ્પિટલની બહાર રહેતા હતા."
"આ અરસામાં તેમનો પરિચય મયૂર ગોસાઈ નામના શખ્સ સાથે થયો હતો. જેણે પોતાની ઓળખાણ સમાજસેવક તરીકે આપી હતી. મયૂર પોતાની ઓળખાણ મોટા નેતાઓ સાથે હોવાનો દાવો કરતો અને રાજનેતાઓ સાથેની પોતાની તસવીરો દેખાડતો હતો."
"મયૂર સારવાર લઈ રહેલાં ઊર્મિલાબહેન સાથે જયંતીભાઈનો વીડિયો કૉલ કરાવી આપતો. ડૉક્ટરની વિઝિટના સમય વિશે મયૂર વાકેફ હતો એટલે તે પછી જ વીડિયો કૉલ કરાવતો હતો."
પટેલ ઉમેરે છે, "જયંતીભાઈને વિશ્વાસ બેસી ગયો હતો કે મયૂર ફરજ પરના તબીબો સાથે સારા સંબંધ ધરાવે છે. જયંતીભાઈના મોબાઇલ પર ડૉક્ટરના નામથી કઈ દવા આપવામાં આવી છે, તેના મૅસેજ આવતા હતા."
કે.સી. પટેલના કહેવા પ્રમાણે, સગાંવહાલાં તથા મિત્રોએ ઊર્મિલાબહેન માટે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મેળવવા માટે પુષ્કળ મહેનત કરી, પરંતુ ન મળ્યું. છેવટે જયંતીભાઈએ મયૂર ગોસાઈનો સંપર્ક કર્યો.
મયૂરે જયંતીભાઈને ખાતરી આપી હતી કે તે ટોસિલિઝુમેબની વ્યવસ્થા કરી આપશે અને ડૉક્ટરને આપી દેશે અને આ માટે રૂ. 45 હજારનો ખર્ચ થશે.
પરંતુ ડૉક્ટર સાથે વાત કરતાં ખબર પડી કે મયૂરે ડૉક્ટરને કોઈ ઇન્જેક્શન લાવી આપ્યું નહોતું. પરંતુ તેઓ જયંતીભાઈ પાસેથી પોતાના ખર્ચના અને ઇન્જેક્શનના પૈસા માગી રહ્યા હતા. અંતે સ્થાનિક પોલીસે છટકું ગોઠવી મયૂરની ધરપકડ કરી હતી.
આ તો થઈ આ ઇન્જેક્શનની કાળાબજારીની વાત. પરંતુ આ સાથે જ ઘણી વ્યક્તિઓ એવી પણ છે જેમનાં સગાંવહાલાં હૉસ્પિટલમાં કોવિડ-19ની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. પરંતુ તેમને સરકારી હૉસ્પિટલો કે ખાનગી મેડિકલોમાં આ ઇન્જેક્શન નથી મળી રહ્યાં.
શનિવારના ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારની અમદાવાદ આવૃત્તિમાં છપાયેલ એક અહેવાલમાં અમદાવાદના કુબેરનગર વિસ્તારના રહેવાસી પ્રવીણ ખૂબચંદાણીને (નામ બદલેલ છે) તેમનાં શાળી માટે આ ઇન્જેક્શન જોઈતું હતું પરંતુ તેમને ઘણી જગ્યાઓએ તપાસ કરવા છતાં આ ઇન્જેક્શન મળી શક્યું નહોતું.
આવી જ રીતે રાજ્યમાં ઘણા લોકોને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ન મળી રહ્યાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
ટોસિલિઝુમેબ શું છે?
ટોસિલિઝુમેબનો ઉપયોગ મૂળપણે આર્થરાઇટિસની દવા તરીકે થાય છે. પરંતુ અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે આ દવા કોરોનાના દર્દીઓના જીવ બચાવવા માટે પણ ઉપકારક સાબિત થઈ શકે છે. અન્ય એક સ્ટીરોઇડની સાથે જ્યારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કોરોનાના દર્દીને આપવામાં આવે છે ત્યારે તેમના મૃત્યુના ખતરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
કેટલાક ડૉક્ટરો અનુસાર ટોસિલિઝુમેબ આપવાથી ન માત્ર કોરોનાના દર્દીનો રિકવરી રેટ સુધરે છે પરંતુ તેમને ઇન્ટેન્સિવ કૅરમાં પણ રાખવાની જરૂરિયાત નથી પડતી.
કોરોનાની અન્ય ટ્રીટમેન્ટની સરખામણીમાં ટોસિલિઝુમેબ આપવાથી મૃત્યુનો ખતરો ચાર ટકા સુધી ઘટાડી શકાય છે.
જ્યારે આ ઇન્જેક્શન કોરોનાગ્રસ્ત દર્દીને વૅન્ટિલેટરની જરૂરિયાતમાં પાંચ ટકાનો ઘટાડો કરે છે.
બીબીસી સંવાદદાતા મિશેલ રૉબર્ટ્સના એક અહેવાલ પ્રમાણે ટોસિલિઝુમેબની સારવાર એ સસ્તી નથી. ટોસિલિઝુમેબ મેળવવા માટે દર્દીએ આશરે 50 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
જોકે, તેના કરતાં ઘણાં વધુ નાણાં ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર માટે વપરાય છે.
ડૉ. મોના પી. દેસાઈના મતે જ્યારે કોરોનાના દર્દી પર બીજી કોઈ દવાની અસર ન થાય ત્યારે આખરી ઉપાય તરીકે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવે છે.
જે દર્દીઓને કોરોના વાઇરસના કારણે પોતાની જ રોગપ્રતિકારક શક્તિથી ખતરો થઈ જાય અને તેમના શરીરનાં અગત્યનાં અંગોમાં આંતરિક સોજાની સમસ્યા થઈ જાય ત્યારે આ આ ઇન્જેક્શન આપવામાં આવે છે.
તેઓ કહે છે, "ગંભીર સ્થિતિ સિવાય જો ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મૂકવામાં આવે તો દર્દીને તેનો લાભ થવાને બદલે ઊલટાનું નુકસાન થવાની શક્યતા રહેલી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો