ગુજરાતમાં કોરોના વાઇરસનો કેર : 'હૉસ્પિટલમાં પહેલાં ખાટલો અને પછી વૅન્ટિલેટર ન મળ્યાં'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્મશાનોમાં ચિતાઓ ઠરતી નથી, મૃતદેહો વેઇટિંગમાં છે. ઍમ્બ્યુલન્સો અને શબવાહિનીઓ ઑવરટાઇમ કરી રહી છે. હૉસ્પિટલના સ્ટાફે ત્યાં જ પોતાનું ઘર બનાવી લીધું છે. કેટલાકને સારવાર માટે હૉસ્પિટલમાં બેડ નથી મળતી અને સીધી મરણપથારી જ મળે છે.

આ દૃશ્યો તાજેતરમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનાં છે. છેલ્લા એક વર્ષથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ પ્રવર્તમાન છે અને આ સ્થિતિ દિવસે અને દિવસે વિકરાળ બની રહી છે.

એવા કેટલાય લોકો છે, જેમને મૃત્યુ એટલા માટે મળ્યું, કેમ કે તેમને કાં તો સમયસર ઓક્સિજન, વૅન્ટિલેટર કે હૉસ્પિટલમાં પથારી સુધ્ધાં ન મળ્યાં. જોકે, સરકારનું કહેવું છે કે બધી વ્યવસ્થાઓ પૂરતી છે અને પ્રોટોકોલ પ્રમાણે દરદીઓનું ધ્યાન રાખવાનું છે એમાં મોડું થતું હોય છે.

બુધવાર સાંજની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 39 હજાર 250 દરદી હતા, જેમાંથી 250 વૅન્ટિલેટર પર હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ચાર હજાર 995 ઉપર પહોંચ્યો છે.

24 કલાકમાં માતા-પુત્રનાં મૃત્યુ

ધ્રાંગધ્રાનાં ધોરાલિયાના પરિવારે કોરોનાને લીધે ચોવીસ કલાકની અંદર માતા અને પુત્ર બંને ગુમાવ્યાં.

બીબીસી સાથે વાત કરતાં ધોરાલિયા પરિવારના પ્રવીણભાઈએ કહ્યું, "મારાં બા સવિતાબહેનને કોરોના હોવાનું માલૂમ પડ્યું. ડૉક્ટરે તરત કહ્યું કે હૉસ્પિટલમાં દાખલ કરો. બાને ઓક્સિજનની જરૂર હતી. ધ્રાંગધ્રાની હૉસ્પિટલમાં ઓક્સિજન મળતો નથી. તેથી બાને અમે સુરેન્દ્રનગર લઈ ગયાં."

"ત્યાં તેમને થોડો ઓક્સિજન આપવામાં આવ્યો. સ્થિતિ જોતાં બાને વૅન્ટિલેટર પર મૂકવા પડે તેમ હતાં, પરંતુ તેની કોઈ સગવડ નહોતી. તેથી બાનું અવસાન થયું."

સવિતાબહેન 12મી એપ્રિલે અવસાન પામ્યાં, એના 24 કલાકમાં તેમના મોટા પુત્ર શાંતિલાલ પણ કોરોનાનો ભોગ બન્યા.

પ્રવીણભાઈ ઉમેરે છે, "મારા મોટા ભાઈને કોરોના બાની અગાઉ થયો હતો અને તેમને સારવાર અર્થે અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને ઓક્સિજન સહિતની સગવડ મળી ગઈ હતી. છતાં પણ કારમા કોરોનાએ ભાઈનો જીવ લઈ લીધો."

'પહેલાં ખાટલો અને પછી વૅન્ટિલેટર ન મળ્યાં'

નવસારીમાં રહેતા 57 વર્ષીય ચંદુભાઈ અવાડિયાને પહેલાં હૉસ્પિટલમાં ખાટલો ન મળ્યો અને જ્યારે પથારી મળી ત્યારે વૅન્ટિલેટર ન મળ્યું. કોરોના સામેની જંગ તેઓ હારી ગયા અને દેહ છોડ્યો.

તેમના પુત્ર સતીષભાઈ અવાડિયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "નવસારીથી લઈને બીલીમોરા અને સુરતની કેટલીય ખાનગી હૉસ્પિટલમાં બાપુજીને દાખલ કરવા માટે પ્રયાસ કર્યા, પરંતુ ત્યાં ખાટલા જ ખાલી નહોતા."

"છેલ્લે નવસારીની સિવિલ હૉસ્પિટલમાં બાપુજીને દાખલ કર્યા હતા. ત્યાં ઓક્સિજન પણ મળી ગયો હતો. બાપુજીનાં ફેફસાં કામ કરતા મંદ પડી ગયાં હતાં. તેમને વૅન્ટિલેટર પર મૂકવા પડે એવી સ્થિતિ આવી ગઈ હતી."

"સિવિલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર ખાલી નહોતાં. તેથી બાપુજીને વૅન્ટિલેટર મળી ન શક્યું અને તેમનું અવસાન થયું. અન્ય હૉસ્પિટલમાંથી કે ક્યાંકથી જો વૅન્ટિલેટર મળી શકે તો એના માટે પણ અમે તપાસ કરી હતી. માત્ર વૅન્ટિલેટર માટે અમે વલસાડ, સુરત તપાસ કરી હતી પણ ક્યાંય વૅન્ટિલેટર ખાલી જ નહોતાં."

"બાપુજી હૉસ્પિટલમાં એક દિવસ પણ માંડ રહ્યા. સાંજે દાખલ કર્યા અને સવારે અવસાન થયું."

સતીષભાઈએ ભારે હૈયે જણાવ્યું, "વહીવટીતંત્રને એટલું જ કહેવું છે કે જો તે આ રીતે કામ કરશે, તો માણસો શું કરશે? નાના માણસો તો બીચારા ભટકતા જ રહેશે. જેમના પર વીતે છે તે જ જાણે છે કે શું વીતે છે."

'11 મૃતદેહ વેઇટિંગમાં હતા'

ધ્રાંગધ્રાના શાંતિલાલ ધોરાલિયા અમદાવાદની હૉસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામ્યા બાદ તેમની અંત્યેષ્ટિ માટે પણ સ્મશાનમાં ચાર કલાકે વારો આવ્યો હતો.

પ્રવીણભાઈ જણાવે છે, "સાંજે છ વાગ્યે હૉસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સમાં પાર્થિવદેહ સોંપી દેવામાં આવ્યો હતો. એ પછી અમદાવાદમાં થલતેજ સ્મશાનમાં દાહસંસ્કાર માટે ગયા તો છેક રાત્રે 10.30 કલાકે વારો આવ્યો હતો."

"ચાર કલાક અમે સ્મશાનની બહાર રોડ પર ઊભા રહ્યા હતા. અમારી પાછળ બીજી અગિયાર ડેડબોડી સ્માશનમાં દાહસંસ્કાર માટે વેઇટિંગમાં હતી."

બુધવારે સાંજની સ્થિતિ પ્રમાણે, 24 કલાક દરમિયાન કૉર્પોરેશનની હદવિસ્તારમાં 24 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં હતાં. શહેરમાં બે હજાર 491 નવા દરદી દાખલ થયા હતા, જ્યારે માત્ર 415 પેશન્ટને હૉસ્પિટલમાંથી રજા મળી હતી.

'રૂપાણીસાહેબ, ઓક્સિજનની અછત સર્જાશે તો...'

દરદી માટે ઓક્સિજનની અછત એવી ઊભી થઈ છે કે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વાકેફ કર્યા છે.

તેમણે પત્ર લખીને જણાવ્યું છે, "કોવિડ હૉસ્પિટલોમાં ઓક્સિજનની ખૂબ અછત છે. પ્રાથમિક ધોરણે એ નિવારવામાં આવે. ઓક્સિજન વગર ડૉક્ટર દરદીને સારવાર આપી શકવા સમર્થ નથી. ઓક્સિજનની અછત વધતી રહેશે તો મૃત્યુદર વધશે અને ડૉક્ટર પર હુમલા વધશે. નાછૂટકે ડૉક્ટરોએ ઓક્સિજનના અભાવે હૉસ્પિટલો બંધ કરવી પડશે."

આ સિવાય રેમડેસિવિર ઇન્જેક્શનની અછત અંગે પણ ઊહાપોહ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે તા. 14મી એપ્રિલે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે રાજ્યની સરકારી તેમજ ખાનગી હૉસ્પિટલોમાં ભરતી થયેલા ગંભીર રીતે બીમાર દરદીઓ માટે 25 હજાર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો