'હવે લૉકડાઉન થશે તો, ભીખ માગવી પડશે'; કોરોનાની નવી લહેરથી ભયભીત મજૂરો

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

"શું નવેસરથી લૉકડાઉન આવશે?"

મુંબઈ શહેરના એક નાનકડા રૂમમાં રહેતા શેઠી બંધુઓએ ગયા અઠવાડિયે મારી સાથે વીડિયો કૉલ પર વાત કરી, ત્યારે તેમણે મને આ પ્રશ્ન વારંવાર પૂછ્યો હતો. તેમનો અવાજ ભય અને ચિંતાના કારણે ધ્રૂજતો હતો.

લગભગ એક દાયકા પહેલાં સંતોષ શેઠી અને ટુન્ના શેઠી ઓડિશામાં પોતાના પરિવાર અને ઘરને છોડીને કામની શોધમાં મુંબઈ આવ્યા હતા. ત્યારથી તેઓ વતનથી લગભગ 1600 કિલોમિટર દૂર આવેલા મુંબઈમાં જ વસે છે.

આ મહાનગરમાં બંને ભાઈઓએ બાંધકામ સેક્ટરમાં મજૂરી કરી. આ શહેરમાં આસમાનને આંબતી ધનિકોની ઇમારતો બાંધવામાં દેશભરમાંથી આવતા માઇગ્રન્ટ મજૂરોએ પરસેવો પાડ્યો છે.

બંને ભાઈઓ રોજના આઠ કલાક સિમેન્ટ, રેતી, ઇંટો અને પથ્થર ઉપાડે છે, જેના બદલામાં તેમને રોજના 450 રૂપિયા મજૂરી મળે છે.

તેઓ બાંધકામ ચાલુ હોય તેવી ઇમારતોમાં જ રહે છે, ભોજન બનાવે છે અને સૂવે છે તથા પોતાની મોટા ભાગની બચત પોતાના પરિવારને મોકલી દે છે.

'ઇન્ડિયા મુવિંગઃ અ હિસ્ટ્રી ઑફ માઇગ્રેશન'ના લેખક ચિન્મય તુંબે મુજબ ભારતમાં લગભગ 45 કરોડ માઇગ્રન્ટ છે. જેમાંથી છ કરોડ જેટલા આંતરરાજ્ય 'શ્રમિક' માઇગ્રન્ટ્સ છે.

તેમના પ્રમાણે ભારતનાં શહેરોમાં અનૌપચારિક અર્થતંત્રને તેજી પ્રદાન કરવામાં આ કામદારોની ભૂમિકા કરોડરજ્જુ સમાન છે. ભારતના જીડીપીમાં તેઓ લગભગ 10 ટકા જેટલું યોગદાન આપતા હોવા છતાં તેઓ 'સામાજિક અને રાજકીય દૃષ્ટિએ નબળી સ્થિતિમાં છે'.

ફરી લૉકડાઉનની આશંકાથી ભયભીત

મુંબઈમાં શેઠી બંધુઓ ભરીથી ભયભીત છે. તેઓ પૂછે છે, "શું અમારે પાછા ઘરે જવું પડશે? તમારી પાસે કોઈ માહિતી છે?"

મુંબઈ જ્યાં આવેલું છે, તે મહારાષ્ટ્રમાં કોવિડ-19એ માથું ઊંચક્યું છે અને અહીં 30 લાખથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મુંબઈ ઘેરાઈ ગયું છે.

સરકારે ચેતવણી આપી છે કે કોરોના નિયંત્રણમાં નહીં આવે તો સંપૂર્ણ લૉકડાઉન લાદવું પડશે.

મંગળવારે સરકારે વાઇરસને રોકવા માટે ચુસ્ત નવાં નિયંત્રણો લાગુ કર્યાં હતાં. તે મુજબ એપ્રિલના અંત સુધીમાં માત્ર આવશ્યક મુસાફરી અને સેવાઓને જ ચાલુ રહેવા દેવામાં આવશે.

આ ઉપરાંત બાંધકામ પ્રવૃત્તિ પણ ચાલુ રહી શકશે, જ્યાં શેઠીબંધુ જેવા કામદારો સાઇટ પર જ રહેતા હોય.

ગયા વર્ષે ભારતે વિશ્વમાં સૌથી ચુસ્ત અને ખરાબ આયોજન ધરાવતા લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેના કારણે લગભગ એક કરોડ માઇગ્રન્ટ કામદારોએ મોટાં શહેરો છોડીને વતન જવું પડ્યું હતું.

ગરીબ અને અસ્તવ્યસ્ત મહિલાઓ અને પુરુષો પગપાળા, સાઇકલ પર, ટ્રકમાં સવાર થઈને અથવા ટ્રેનમાં બેસીને વતન જવા નીકળી પડ્યા હતા.

આ દરમિયાન લગભગ 900 મજૂરોએ રસ્તામાં જ પોતાના જીવ ગુમાવ્યા હતા. લગભગ 96 લોકો ટ્રેનમાં મૃત્યુ પામ્યા હતા.

આ ઘટનાએ 1947માં ભારતના વિભાજનની યાદ અપાવી દીધી હતી, જ્યારે કરોડો નિરાશ્રિતોએ એક દેશ છોડીને બીજા દેશમાં શરણાર્થી તરીકે જવું પડ્યું હતું.

માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદારે મજૂરોની ઘરવાપસીને "ભારતીયોએ પોતાના જીવન દરમિયાન જોયેલી કદાચ સૌથી ભયાનક માનવીય કટોકટી" ગણાવી હતી.

હવે મુંબઈ ફરી એક વખત વાઇરસના સકંજામાં છે અને શેઠીબંધુઓની ચિંતા વધી ગઈ છે.

ગયા વર્ષે લૉકડાઉન વખતે તેમણે જે ભોગવ્યું હતું તેની યાદ હજુ તાજી છે. કામકાજ બંધ થઈ જવાથી અને પરિવહનની સગવડ ન હોવાના કારણે તેઓ ગયા વર્ષે બે મહિના સુધી મુંબઈમાં ફસાઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે ભોજન માટે ભીખ માગવાનો વારો આવ્યો હતો.

ન પૈસા, ન ભોજન

43 વર્ષના સંતોષ શેઠી કહે છે, "તે ખરેખર ખરાબ અનુભવ હતો. તે વિચિત્ર સમય હતો."

આ બંને ભાઈઓ સહિત કુલ 17 કામદારો મુંબઈમાં એક કન્સ્ટ્રકશન સાઇટ પર રહેતા હતા. ગયા વર્ષે 24 માર્ચે લૉકડાઉનની જાહેરાત થઈ, ત્યારે તેમની પાસે રૂપિયા કે ભોજન, બેમાંથી કંઈ ન હતું.

તેમના કૉન્ટ્રેક્ટરે તેમને માત્ર 1000 રૂપિયા આપ્યા હતા. આટલા રૂપિયાથી તેઓ એક સપ્તાહથી વધુ સમય ખાવાની વ્યવસ્થા કરી શકે તેમ ન હતા.

બહાર નીકળવું મુશ્કેલ હતું કારણ કે લૉકડાઉનનો ભંગ કરીને બહાર નીકળનારને પોલીસ ફટકારતી હતી. તેમના પરિવાર સાથે વીડિયો કૉલ પર વાત કરતી વખતે તેઓ રડી પડ્યા હતા.

ભૂખ એ તેમના માટે 'સૌથી મોટી સમસ્યા' હતી.

40 વર્ષીય ટુન્ના શેઠી કહે છે, "ઘણી વખત અમે ભૂખ્યા રહેતા હતા. અમે દિવસમાં માત્ર એક વખત ખાતા હતા. અનાજ માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો."

ભોજનની શોધમાં તેઓ એક બિન-નફાકીય સંગઠનના સંપર્કમાં આવ્યા, જેઓ માઇગ્રન્ટ અને નિરાધાર લોકોને ભોજન પૂરું પાડતા હતા.

'ખાના ચાહિયે' સંગઠને ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન શેઠી જેવા લગભગ 6 લાખ માઇગ્રન્ટ કામદારોને મદદ પૂરી પાડી હતી અને તેમને ભોજનની લગભગ 45 લાખ કિટ આપી હતી.

ગયા વર્ષે શેઠી બંધુઓને મળનારા સામાજિક કાર્યકર સુજાતા સાવંતે કહ્યું, "તેઓ અમારી પાસે આવતા હતા અને કહેતા હતા કે તેઓ આ શહેરમાં ભૂખ્યા જ મરી જશે અને તેમના પરિવારજનોને ક્યારેય નહીં મળી શકે."

"શેઠી બંધુ ખોરાકની શોધમાં અમારી પાસે આવ્યા હતા. તેઓ ઘરે જવા માગતા હતા."

કામદારોને નસીબ પર છોડી દીધા

સુજાતા સાવંત અને તેમના સાથીદારોએ કામદારો માટે કિટ તૈયાર કરી હતી, જેમાં ચોખા, દાળ, તેલ, સાબુ, મસાલા, ખાંડ, ચા અને મીઠું સામેલ હતાં.

તેમને કામકાજના સ્થળે પાછા જવા, ન્હાવા અને કેરોસીનના સ્ટવ પર ભોજન બનાવવામાં મદદરૂપ થાય તે માટે આ કિટ આપવામાં આવી હતી.

સાવંત કહે છે, "આખા શહેરમાં માલિકોએ અને કૉન્ટ્રેક્ટરોએ તેમના ફોન સ્વીચ ઑફ કરી દીધા હતા અને પોતાના કામદારોને તેમના નસીબ પર છોડી દીધા હતા."

"એક મજૂર સાબુ લેવા માટે આવ્યો. તેણે કહ્યું કે છેલ્લા 20 દિવસથી તે સાબુ લગાવ્યા વગર નહાય છે. બીજા એક મજૂરે કહ્યું કે તે ત્રણ દિવસથી જાહેર શૌચાલયનો ઉપયોગ નથી કરી શક્યો, કારણકે પેઇડ શૌચાલયનો ઉપયોગ કરવા માટે તેની પાસે રૂપિયા ન હતા."

સામાજિક કાર્યકરોએ કહ્યું કે બિન-નફાલક્ષી સંગઠનો લોકોને જે ફૂડ પૅકેટ આપતાં હતાં, તેના પર સ્થાનિક રાજકારણીઓ પોતાની તસવીરો લગાવી દેતા હતા. તેઓ તેમાંથી રૅશનની ચોરી કરીને બ્લૅક-માર્કેટમાં વેચતા હતા અને ઘણી વખત પોતાનો મતવિસ્તાર ન હોય ત્યાં રૅશનનું વિતરણ કરવાનો ઇનકાર કરી દેતા હતા.

ભૂખના રાજકારણે સમાજસેવાના પ્રયાસો પર અસર પાડી હતી. 'ખાના ચાહિયે'ના નીરજ શેત્યે જણાવ્યું કે, "અમે જોયું કે અનાજના વિતરણ વખતે લોકોની સાથે તેમના ધર્મ, લિંગ, જ્ઞાતિ અને ભાષાના આધારે ભેદભાવ કરવામાં આવતો હતો."

'અધિકારીઓએ અમારી સાથે કૂતરા જેવો વ્યવહાર કર્યો'

મુંબઈમાં બે મહિના સુધી સંઘર્ષ કર્યા બાદ શેઠીબંધુને એક ચાર્ટર્ડ પ્લેનમાં તેમના વતન મોકલવામાં આવ્યા. આ વિમાન વકીલોના એક જૂથે મુંબઈમાં ફસાયેલા કામદારો માટે ભાડે કર્યું હતું.

તેઓ સવારના 8 વાગ્યે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના ઍરપૉર્ટ પર પહોંચ્યા. ત્યાર બાદ આગામી પાંચ કલાક સુધી તેમને 140 કિમી દૂર આવેલા વતન ગંજમ સુધી પહોંચાડવા માટે કોઈ વાહન ન મળ્યું.

ટુન્ના શેઠી કહે છે, "અધિકારીઓએ અમારી સાથે કૂતરા જેવો વ્યવહાર કર્યો. તેમણે અમારી સામે કેટલાક બિસ્કિટના પૅકેટ ફેંક્યાં, તેમણે કહ્યું કે અમે રોગચાળાગ્રસ્ત વિસ્તારમાંથી આવ્યા છીએ."

તેઓ મોડી સાંજે ગંજમ પહોચ્યાં, જ્યાં તેમને ગામની શાળામાં 14 દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા. એ પછી તેઓ પરિવારજનોને મળી શક્યા.

સરકારે તેમને પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા માટે બે હજાર રૂપિયા આપ્યા, પરંતુ થોડા જ સમયમાં રૂપિયા ખતમ થઈ ગયા.

પરિવારના એક એકરના ખેતરમાં પાંચ ભાઈઓનો ભાગ છે. તેથી તેમાં જે અનાજ પાકતું તે બધું પરિવારના રસોડામાં જ વપરાઈ જતું.

સંતોષ શેઠીએ કેટલાક મહિના સુધી રોજના 350 રૂપિયાના દરે પડોશના એક ખેતરમાં મજૂરી કરી. તેના જેવા બીજા મજૂરો પણ શહેર છોડીને આવ્યા હતા.

તેમણે સરકારના રોડ નિર્માણ કામમાં તથા રોજગાર ગૅરંટી યોજનામાં મજૂરી શરૂ કરી. આ રીતે કેટલાક મહિના વીતી ગયા.

જાન્યુઆરીમાં તેમના કૉન્ટ્રેક્ટરે ફરીથી તેમને મુંબઈ બોલાવ્યા. રોગચાળો નિયંત્રણમાં આવી ગયો હોય તેમ લાગતું હતું. કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતા અને બાંધકામની સાઇટ્સ પર કામ શરૂ થઈ ગયું હતું.

શેઠી બંધુ ફરીથી મજૂરોથી ખીચોખીચ ભરાયેલી ટ્રેનમાં સવાર થયા અને બે દિવસની મુસાફરીના અંતે ફરી મુંબઈ પહોંચ્યા.

'કૉન્ટ્રેક્ટરે ગયા વર્ષનું વેતન પણ ચૂકવ્યું નથી'

આ વખતે તેમણે 16 માળની એક અધૂરી ઇમારતમાં કામ કરવાનું હતું, જે શહેરની બહાર આવેલી છે.

એક કૉન્ટ્રેક્ટરે તેમને હજુ ગયા વર્ષનું વેતન પણ ચૂકવ્યું નથી. તેમના દૈનિક વેતનમાં પણ વધારો નથી થયો. શેઠી બંધુ પાસે કોઈ વિકલ્પ ન હતો. તેથી તેમણે કામ શરૂ કરી દીધું.

તેમણે પોતાના પરિવારને રૂપિયા મોકલવાનું શરૂ કર્યું. આટલાં વર્ષો દરમિયાન તેમણે મોકલેલાં નાણાંમાંથી જ બાળકોની પ્રાઇવેટ સ્કૂલની ફી ભરાય છે, માતાપિતાની દવાઓ ખરીદાય છે અને તેમણે કૉન્ક્રિટનું નાનકડું મકાન બનાવ્યું છે.

મેં તેમને પૂછ્યું કે ગયા વર્ષની જેમ લૉકડાઉનની શક્યતા હોવાથી શું તેઓ પોતાની જાતને લાચાર અનુભવે છે? કારણકે મુંબઈના રેલવેસ્ટેશનો અને બસસ્ટેશનો ફરીથી મજૂરોથી ઉભરાઈ રહ્યા છે, જેઓ પોતાના વતન જવા માગે છે.

ટુન્ના શેઠીએ મને કહ્યું, "કોઈને અમારી પરવા નથી. તમે મને કૉન્ટ્રેક્ટર પાસેથી બાકી નીકળતો પગાર અપાવવામાં મદદ કરી શકો?"

સંતોષ શેઠીએ કહ્યું, "મને ડાયાબિટિસ છે. મારે દવાઓ ખરીદવી પડે છે. મારા ભાઈ કરતાં મારે વધારે ખર્ચ આવે છે."

તેઓ વ્યગ્રતા અને અનિશ્ચિતતાના વિશ્વમાં જીવે છે. તેમના પર ભૂખનો ખતરો હંમેશાં તોળાતો રહે છે.

"અમે ગભરાયેલા છીએ. ગયા વર્ષ જેવું કંઈ નથી થવાનું. બરાબરને? જો એવું થશે, તો તમારે અમને ઘરે પાછા જવામાં મદદ કરવી પડશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો