You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર આખામાં આજથી લૉકડાઉન જેવી સ્થિતિ, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'લૉકડાઉન નહીં ગણું'
મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણના વધી રહેલા કેસને જોતાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે બુધવાર રાત આઠ વાગ્યાથી રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગુ કરી દેવાશે.
તેમણે જણાવ્યું કે આવતીકાલથી સમગ્ર રાજ્યમાં 15 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી રહી છે. જોકે, તેમણે આને 'લૉકડાઉન' નથી ગણાવ્યું.
તેમણે કહ્યું, "હું આને લૉકડાઉન નહીં ગણું."
મુખ્ય મંત્રીએ કરેલી જાહેરાત અનુસાર આ દરમિયાન રાજ્યમાં માત્ર જીવનજરૂરિયાતની સેવાઓ જ ચાલુ રહેશે. જાહેર પરિવહન ચાલુ રહેશે પણ માત્ર જીવનજરૂરિયાતની સેવા સાથે સંકળાયેલા લોકો જ ઉપયોગ કરી શકશે.
હોટલ માત્ર ટેકઅવે અને ડિલિવરી માટે જ ખૂલશે. રસ્તા પર ખાણીપીણીની દુકાનો ફૂડ ડિલિવરી માટે ખોલી શકાશે.
કેટલાંક કાર્યાલયો અને ઉદ્યોગોને આ નિયમોમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.
રાજ્યમાં અન્નસુરક્ષા અંતર્ગત નોંધાયેલા લોકોને ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખો મફત આપવામાં આવશે. જેનો લાભ રાજ્યના સાત કરોડ લોકો લઈ શકશે. તો દરરોજ બે લાખ 'શિવભોજન થાળી' તૈયાર કરાશે.
રાજ્ય સરકારે નોંધેલા ફેરિયા, કામદારો, ઑટો ડ્રાઇવરોને રૂપિયા 1500 વળતર પેઠે આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રૂપિયા 5400 કરોડના પૅકેજની પણ જાહેરાત કરી છે. જેમાંથી રૂપિયા 3,330 કરોડ જિલ્લાઓને કોવિડ વિરુદ્ધની લડત માટે આપવામાં આવશે.
શું બંધ રહેશે?
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે અને સ્ટૉક ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા સાથે જોડાયેલી નાણાકીય સંસ્થા પણ ખુલ્લી રહેશે.
રાજ્યમાં તમામ પૂજાસ્થળો, શાળા અને કૉલેજો, ખાનગી કૉચિંગ ક્લાસ, સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર પહેલી મે સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે.
સિનેમા હૉલ, થિયેટર, ઑડિટોરિયમ, એમ્યુઝમૅન્ટ પાર્ક, જીમ, સ્પોર્ટ્સ, કૉમ્પલેક્સ બંધ રહેશે. ફિલ્મો, જાહેરાત અને ટેલિવિઝનનાં શૂટિંગ બંધ રહેશે.
તમામ દુકાનો, શૉપિંગ સેન્ટર, બિનજરૂરી સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓ 14 એપ્રિલ રાતે આઠ વાગ્યાથી પહેલી મે સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો