જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ : કચ્છના રાજાની ગુમ થયેલી રાણી માટે ઔરંગઝેબે મંદિર તોડ્યું હતું?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી હિંદી માટે

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સરવે પર 26 જુલાઈ સાંજે પાંચ પાંચ વાગ્યા સુધી રોક લગાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કમિટીને ઇલાહાબાદ હાઈકોર્ટ જવા માટે પણ કહ્યું છે.

નોંધનીય છે કે એપ્રિલ, 2021માં જ્ઞાનવાપી મસ્જિદમાં સરવે દરમિયાન શિવલિંગ મળ્યા હોવાનો દાવો કરાયો હતો, જેને મુસ્લિમ પક્ષ દ્વારા ફગાવવામાં આવ્યો હતો.

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને તેની બરાબર નજીકમાં ઊભેલી જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ તથા પુનર્નિમાણ અંગે જાતજાતની ધારણાઓ છે. આ ઉપરાંત તે અંગેના ઐતિહાસિક તથ્યો પણ આ બાબતમાં બહુ સ્પષ્ટ માહિતી આપતાં નથી. જાણો તેનો ઇતિહાસ શું છે અને કેવા દાવાઓ કરાઈ રહ્યા છે.

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર પહેલાંથી એક મંદિર હતું જેને ઔરંગઝેબે તોડાવી નાખ્યું હતું અને તેના પર મસ્જિદ બંધાવી હતી. પરંતુ ઐતિહાસિક દસ્તાવેજોના આધારે આ હકીકત અંગે સ્પષ્ટ નિવેદન આપવું સરળ નથી.

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે જ્ઞાનવાપી મસ્જિદને 14મી સદીમાં જૌનપુરના શર્કી સુલતાનોએ બંધાવી હતી. તેના માટે તેમણે અહીં પહેલેથી ઉપસ્થિત વિશ્વનાથ મંદિરને તોડાવ્યું હતું. જોકે, શર્કી સુલતાનોએ મસ્જિદ બંધાવી હોવાના કોઈ પુરાવા નથી મળતા. તેવી જ રીતે મંદિર તોડવામાં આવ્યું હતું તે વાતના પુરાવા પણ નથી.

મંદિર-મસ્જિદના નિર્માણના સમયગાળા અંગે નિષ્ણાતોમાં મતભેદ

કાશી વિશ્વનાથ મંદિરને બાંધવાનો શ્રેય અકબરના નવરત્નો પૈકી એક રાજા ટોડરમલને આપવામાં આવે છે. રાજા ટોડરમલે 1585માં અકબરના આદેશના પગલે દક્ષિણ ભારતના વિદ્વાન નારાયણ ભટ્ટની મદદથી મંદિર બંધાવ્યું હતું.

વારાણસીસ્થિત કાશી વિદ્યાપીઠમાં ઇતિહાસવિભાગના પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે, "શર્કી સુલતાનોએ બનારસમાં આવીને કોઈ નિર્માણકાર્ય કરાવ્યું હતું કે કોઈ બાંધકામ ધ્વસ્ત કર્યું હતું તે સમજવું મુશ્કેલ છે. કારણ કે બનારસ પોતે એક રાજ્ય હતું. વળી, તે જૌનપુરના શર્કી શાસકોને આધીન ન હતું. શર્કી શાસકો એટલા મજબૂત પણ ન હતા કે બનારસમાં તેઓ પોતાની મનમાની કરી શકે."

તેઓ વિશ્વનાથ મંદિરના નિર્માણ અંગેની થિયરીને માન્યતા આપતાં કહે છે, "વિશ્વનાથ મંદિરનું નિર્માણ રાજા ટોડરમલે કરાવ્યું હતું તે વાતના ઐતિહાસિક પુરાવા હાજર છે અને ટોડરમલે આ પ્રમાણે બીજાં કેટલાંક નિર્માણ પણ કરાવ્યાં હતાં. બીજી એક વાત, આ બાંધકામ તેમણે અકબરના આદેશથી કરાવ્યું હતું તે વાત પણ ઐતિહાસિક રીતે આધારભૂત નથી. અકબરના દરબારમાં રાજા ટોડરમલનો એટલો પ્રભાવ હતો કે તેમને આ કામ માટે અકબરના આદેશની જરૂર ન હતી."

પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે વિશ્વનાથ મંદિરનું પૌરાણિક મહત્ત્વ રહ્યું છે પરંતુ અત્યંત વિશાળ મંદિર અહીં પહેલેથી હતું તેની ખબર પડતી નથી.

તેઓ કહે છે કે, "ટોડરમલે બંધાવેલું મંદિર પણ બહુ વિશાળ ન હતું. બીજી તરફ ઐતિહાસિક રીતે પણ એક વાતને સ્વીકારવામાં આવે છે કે જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ મંદિર તુટ્યા પછી થયું હતું તથા મંદિર તોડવાનો આદેશ ઔરંગઝેબે આપ્યો હતો. પરંતુ જ્ઞાનવાપી મસ્જિદના મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલા લોકો આવું નથી માનતા."

"મંદિર અને મસ્જિદ બંનેનું નિર્માણ અકબરે જ કરાવ્યું હતું"

જ્ઞાનવાપી મસ્જિદની સારસંભાળ રાખનારી સંસ્થા 'અંજુમન ઇંતજામિયા મસાજિદ'ના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીન કહે છે કે સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે મસ્જિદ અને મંદિર બંનેનું નિર્માણ અકબરે 1585ની આસપાસ પોતાના નવા ધર્મ 'દીન-એ-ઇલાહી' હેઠળ કરાવ્યું હતું. પરંતુ તેના જે દસ્તાવેજી પૂરાવા મળ્યા તે બહુ સમય પછીના છે.

બીબીસી સાથે વાતચીતમાં સૈયદ મોહમ્મદ યાસીન કહે છે, "ઔરંગઝેબે મંદિરને તોડાવી નાખ્યું કારણ કે તેઓ 'દીન-એ-ઇલાહી'ને નકારતા હતા"

તેઓ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાની વાતને નકારતાં કહે છે "મંદિરને તોડીને મસ્જિદ બનાવાઈ હતી એવું નથી. તે મંદિરથી બિલકુલ અલગ છે. અહીં એક કૂવો છે અને તેની અંદર શિવલિંગ છે તેવી વાતો પણ સાવ ખોટી છે. વર્ષ 2010માં અમે કૂવાની સાફસફાઈ કરાવી હતી. તેમાંથી કંઈ નીકળ્યું ન હતું."

ઔરંગઝેબે ખરેખર મંદિર તોડવ્યું હતું?

કાશી વિશ્વનાથ મંદિર મામલે અરજદાર વિજય શંકર રસ્તોગીનો દાવો છે કે ઔરંગઝેબે પોતાના શાસન દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરને તોડવાનો આદેશ તો આપ્યો હતો પરંતુ તેમણે મસ્જિદ બનાવવાનો હુકમ આપ્યો નહોતો.

રસ્તોગી મુજબ બાદમાં મંદિરના અવશેષો પર જ મસ્જિદ બાંધવામાં આવી હતી. મસ્જિદ બનાવવા અંગેના ઐતિહાસિક પુરાવા બહુ સ્પષ્ટ નથી. પરંતુ ઇતિહાસકાર પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે મંદિર તુટ્યા પછી અહીં મસ્જિદ બની હોય તો તેમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે તે યુગમાં આવું ઘણી વખત થતું હતું.

પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે, "ઔરંગઝેબની ઉપસ્થિતિમાં તો નથી થયું. આદેશ ભલે આપ્યો હોય. પરંતુ મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબના સમયમાં જ થયું હતું."

વારાણસીમાં વરિષ્ઠ પત્રકાર યોગેન્દ્ર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિશે ઘણું સંશોધન કર્યું છે. તેઓ સ્પષ્ટ રીતે કહે છે, "અકબરના સમયમાં ટોડરમલે મંદિર બંધાવ્યું હતું. લગભગ 100 વર્ષ પછી ઔરંગઝેબના સમયમાં મંદિર તોડી પાડવામાં આવ્યું. ત્યાર પછી લગભગ 125 વર્ષ સુધી અહીં કોઈ વિશ્વનાથ મંદિર ન હતું."

તેઓ આ મંદિરની પુરાણોમાં ઉલ્લેખિત વિશ્વનાથ મંદિર સાથે કોઈ સામ્યતા છે કે કેમ તે પ્રશ્ન અંગે સ્પષ્ટતાનો અભાવ હોવાનું જણાવે છે. તેઓ કહે છે કે, "વર્ષ 1735માં ઇંદોરનાં મહારાણી દેવી અહલ્યાબાઈએ વર્તમાન મંદિરનું નિર્માણ કરાવ્યું. પુરાણોમાં જે વિશ્વનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો આ મંદિર સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની કોઈ માહિતી નથી."

યોગેન્દ્ર શર્મા આ મંદિર-મસ્જિદના વિવાદ અંગે આગળ કહે છે કે, "હા, જ્ઞાનવાપી પાસે આદિવિશ્વેશ્વર મંદિર વિશે ચોક્કસ કહેવામાં આવે છે કે આ એ જ મંદિર છે જેનું પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે. મંદિર તુટ્યા પછી જ મસ્જિદ બાંધવામાં આવી હતી."

"ઐતિહાસિક દસ્તાવેજો ભલે ગમે તે દર્શાવતા હોય, પરંતુ જ્ઞાનવાપી મસ્જિદ પોતાના વર્તમાન સ્વરૂપમાં 1883-84માં જોવા મળે છે જ્યારે મહેસૂલ ખાતાના દસ્તાવેજોમાં તેનું નામ જામા મસ્જિદ જ્ઞાનવાપી તરીકે નોંધવામાં આવ્યું હતું".

સૈયદ મોહમ્મદ યાસીન કહે છે, "મસ્જિદમાં તેનાથી પહેલાંની એવી કોઈ ચીજ નથી જેના પરથી તે ક્યારે બની હતી તે કહી શકાય. મહેસૂલી દસ્તાવેજ જ સૌથી જૂના પુરાવા છે. તેના આધારે જ 1937માં કેસનો ચુકાદો આવ્યો હતો અને અદાલતે તેને મસ્જિદ તરીકે સ્વીકારી હતી. અદાલતે એ બાબત માન્ય રાખી કે નીચેથી ઉપર સુધી આ એક મસ્જિદ છે અને વકફ પ્રૉપર્ટી છે. ત્યાર પછી હાઈકોર્ટે પણ આ ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો."

સૈયદ યાસીન જણાવે છે કે, "મસ્જિદની પશ્ચિમ બાજુએ બે કબર છે જેના પર દર વર્ષે ઉર્સ યોજાય છે. તે મુજબ 1937માં કોર્ટના ચુકાદામાં પણ ઉર્સની મંજૂરી અપાઈ હતી."

તેઓ કહે છે કે આ કબરો હજુ પણ જળવાયેલી છે પરંતુ હવે ઉર્સ નથી યોજાતો. બંને કબર ક્યારની છે તેની માહિતી તેમની પાસે નથી. ઔરંગઝેબ દ્વારા વિશ્વનાથ મંદિરને શા માટે તોડવામાં આવ્યું અને પછી મસ્જિદ બાંધવામાં આવી તે વિશે ઘણી રસપ્રદ દંતકથાઓ પ્રચલિત છે. તેમને ઐતિહાસિક દસ્તાવેજો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મંદિર-મસ્જિદ અંગે ઘણી રસપ્રદ દંતકથાઓ છે પ્રચલિત

વિખ્યાત ઇતિહાસકાર ડૉક્ટર વિશ્વંભરનાથ પાંડેય પોતાના પુસ્તક "ભારતીય સંસ્કૃતિ, મુઘલ વારસોઃ ઔરંગઝેબ કે ફરમાન"માં લખે છે, "એક વખત ઔરંગઝેબ બનારસની નજીકના પ્રદેશમાંથી પસાર થતા હતા. તમામ હિંદુ દરબારી પોતાના પરિવાર સાથે ગંગાસ્નાન અને વિશ્વનાથ દર્શન માટે કાશી આવ્યા."

"વિશ્વનાથના દર્શન પછી લોકો બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે કચ્છના રાજાના એક રાણી ગુમ છે. શોધખોળ કરવામાં આવી તો મંદિરના ગર્ભગૃહની નીચેના ભાગમાં રાણી વસ્ત્રાભૂષણ વગર, ભયભીત સ્થિતિમાં મળી આવ્યાં."

પુસ્તકમાં આ ઘટના વિશે આગળ થયેલી નોંધ પ્રમાણે, "ઔરંગઝેબને જ્યારે પંડાઓના આ દુષ્કૃત્ય અંગે ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને કહ્યું કે જે મંદિરના ગર્ભગૃહની નીચે આ પ્રકારની લૂંટફાટ અને બળાત્કાર થતા હોય તે નિશ્ચિતપણે ઈશ્વરનું ઘર ન હોઈ શકે. તેમણે મંદિરને તરત ધ્વંશ કરવાનો આદેશ આપ્યો."

વિશ્વંભર પાંડેય આગળ લખે છે કે ઔરંગઝેબના આદેશનું તત્કાળ પાલન કરવામાં આવ્યું.

પરંતુ કચ્છનાં રાણીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે ઔરંગઝેબને સંદેશ મોકલાવ્યો કે આમાં મંદિરનો શું વાંક છે. દોષી તો ત્યાંના પંડાઓ છે.

તેઓ લખે છે, "રાણીએ ઇચ્છા વ્યક્ત કરી કે મંદિરનું ફરી બાંધકામ કરવામાં આવે. પોતાની ધાર્મિક માન્યતાઓના કારણે ઔરંગઝેબ માટે નવું મંદિર બનાવવું શક્ય ન હતું. તેથી તેમણે મંદિરની જગ્યાએ મસ્જિદ ઊભી કરીને રાણીની ઇચ્છા પૂરી કરી."

પ્રોફેસર રાજીવ દ્વિવેદી સહિત બીજા ઘણા ઇતિહાસકારો પણ આ ઘટનાની પુષ્ટિ કરે છે.

તેઓ કહે છે કે ઔરંગઝેબનું ફરમાન હિંદુવિરોધી કે પછી હિંદુઓ પ્રત્યે કોઈ નફરતના કારણે નહીં પરંતુ તે પંડાઓની વિરુદ્ધ ગુસ્સો હતું જેમણે કચ્છનાં રાણીની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

અલાહાબાદ વિશ્વવિદ્યાલય ખાતે મધ્યકાલીન ઇતિહાસવિભાગના પ્રોફેસર હેરમ્બ ચતુર્વેદી કહે છે :

"મંદિર તોડી પાડવાનો આદેશ ઔરંગઝેબે આપ્યો હતો, પરંતુ મંદિર તોડવાનું કામ કછવાહા શાસક મિર્ઝા રાજા જયસિંહની દેખરેખમાં કરવામાં આવ્યું હતું."

પ્રોફેસર હેરમ્બ ચતુર્વેદી આ ઘટનાને આ રીતે જુએ છે :

"સુવર્ણ મંદિરમાં ઑપરેશન બ્લૂસ્ટાર થયું હતું તે રીતે આપણે આ ઘટનાને જોવી જોઈએ. મંદિર તોડવાના કારણે તત્કાલીન હિંદુ સમાજમાં જે રોષ જોવા મળ્યો હશે તેવો જ ગુસ્સો ઑપરેશન બ્લૂસ્ટાર વખતે શીખ સમાજમાં હતો. તેનું પરિણામ ઇંદિરાજીએ ભોગવવું પડ્યું. આ ઇતિહાસ જ નહીં, ઇતિહાસ સમજવાની દૃષ્ટિ પણ છે."

1991 પહેલાંની અરજીઓ

ગયા અઠવાડિયે જ્ઞાનવાપી પરિસરના સર્વેક્ષણના આદેશ 1991માં દાખલ થયેલી અરજીના અનુસંધાને આપવામાં આવ્યા છે. તે જ વર્ષે સંસદે પૂજાસ્થળનો કાયદો પણ બનાવ્યો હતો.

18 સપ્ટેમ્બર 1991માં બનેલા આ કાયદા મુજબ 15 ઑગસ્ટ 1947થી અગાઉ અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજાસ્થળને બીજા ધર્મના પૂજાસ્થળમાં રૂપાંતરિત કરી શકાશે નહીં.

કોઈ વ્યક્તિ આવું કરવાનો પ્રયાસ કરે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.

અયોધ્યા સાથે સંકળાયેલો કેસ આઝાદી પહેલાંથી કોર્ટમાં પૅન્ડિંગ હતો, તેથી અયોધ્યા મામલાને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે મંદિર-મસ્જિદ અંગે ઘણી વખત વિવાદ થયા છે, પરંતુ આ વિવાદ આઝાદી પહેલાંના છે, ત્યાર પછીના નહીં.

મોટા ભાગના વિવાદ મસ્જિદ પરિસરની બહાર મંદિરના વિસ્તારમાં નમાજ પઢવાને લગતા હતા. તેમાં સૌથી મહત્ત્વનો વિવાદ 1809માં થયો હતો જેના કારણે કોમી તોફાનો પણ થયાં હતાં.

વારાણસીના પત્રકાર અજય સિંહ જણાવે છે, "1991ના કાયદા પછી મસ્જિદની ચારેબાજુ લોખંડની જાળીની દીવાલ બનાવવામાં આવી હતી. જોકે, તેનાથી અગાઉ અહીં કોઈ પણ પ્રકારના કાનૂની અથવા સાંપ્રદાયિક વિવાદની કોઈ ઘટના બની ન હતી."

મસ્જિદની વ્યવસ્થાપન સમિતિના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીન પણ આ વાતની પુષ્ટિ કરે છે.

યાસીન કહે છે કે, "વર્ષ 1937માં લેવાયેલા નિર્ણય મુજબ મસ્જિદનો વિસ્તાર નક્કી કરાયો હતો."

"પરંતુ 1991માં માત્ર મસ્જિદના નિર્માણક્ષેત્રને જ ઘેરવામાં આવ્યો અને હવે મસ્જિદના હિસ્સામાં એટલી જ જગ્યા છે. આ જગ્યા કેટલી છે તેનું માપ કાઢવામાં આવ્યું નથી. અમારી જાણકારી મુજબ ક્યારેય વિવાદ થયો નથી."

"જુમ્માની નમાજ અને શિવરાત્રી એક જ દિવસે આવી હોય એવા પ્રસંગો પણ આવ્યા છે. પરંતુ તે સમયે પણ બધુ શાંતિપૂર્ણ થયું હતું."

વર્ષ 1991માં સર્વેક્ષણ માટે અદાલતમાં અરજી દાખલ કરનાર હરિહર પાંડેય જણાવે છે કે, "વર્ષ 1991માં અમે ત્રણ લોકોએ કેસ દાખલ કર્યો હતો. મારા ઉપરાંત સોમનાથ વ્યાસ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રહી ચૂકેલા રામરંગ શર્મા પણ હતા. આ બંને લોકો હવે જીવીત નથી."

આ કેસ દાખલ થયાના કેટલાક દિવસ પછી મસ્જિદ વ્યવસ્થાપન સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા પૂજાસ્થળ 1991ના કાયદાને આધાર બનાવીને તેને હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો.

અલાહાબાદ હાઈકોર્ટે વર્ષ 1993માં સ્ટે આપીને યથાવત સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો હતો. પરંતુ સ્ટે ઑર્ડરની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ વર્ષ 2019માં વારાણસી કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ થઈ અને આ સુનાવણી પછી જ મસ્જિદ પરિસરના પુરાતત્વીય સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી છે.

(આ લેખ સૌપ્રથમ 13 એપ્રિલ, 2021માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો