You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુતુબમિનાર શું હિંદુ મંદિર તોડીને બનાવાયો હતો?
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, આગ્રાના તાજમહેલ બાદ હવે દિલ્હીના કુતુબમિનારને લઈને વિવાદ થયો છે.
હિન્દુ સંગઠનોએ મંગળવારે કુતુબમિનાર પાસે વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમણે કુતુબમિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માગ કરી હતી.
વિરોધીઓ બૅનરો અને પોસ્ટરો લઈને કુતુબમિનાર પહોંચ્યા હતા અને હનુમાનચાલીસાના પાઠ કરવા માટે એકઠા થયા હતા.
હિન્દુ સંગઠનોનો દાવો છે કે કુતુબમિનાર 27 જૈન અને હિન્દુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યો હતો. પોલીસે સંયુક્ત હિન્દુ મોરચા અને રાષ્ટ્રવાદી શિવસેનાના સભ્યોની અટકાયત કરી છે.
એક અન્ય સંગઠન મહાકાલ માનવસેવાના સભ્યો પણ વિરોધ કરવા આવ્યા હતા.
મંગળવારે કુતુબમિનારની આસપાસ ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી પ્રદર્શનકારીઓ કુતુબમિનારની નજીક ન જઈ શકે.
પરંતુ, ત્યાં જય શ્રીરામના નારા લાગ્યા અને ભગવા ઝંડા લહેરાવ્યા બાદ પ્રદર્શનકર્તાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
કુતુબમિનાર સંકુલમાં પ્રાચીન મંદિરોના નિર્માણ કરવાની અને ત્યાં પૂજા કરવાની છૂટ આપવાની માગ ભૂતકાળમાં પણ ઊઠી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંદિરના જીર્ણોદ્ધાર માટે કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. હવે કુતુબમિનારનું નામ બદલવાની માગ ઊઠી છે.
આવી સ્થિતિમાં જાણો શું છે આ સ્મારકનો ઇતિહાસ અને ઇતિહાસકારો શું કહે છે.
દિલ્હીના મહરૌલી વિસ્તારમાં કુતુબમિનાર સંકુલમાં આવેલા કુતુબમિનાર અને કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ ભારતમાં મુસ્લિમ સુલતાનો દ્વારા બાંધવામાં આવેલી સૌથી જૂની ઇમારતો પૈકીની ઇમારતો છે.
કુતુબમિનાર અને તેની બાજુમાં આવેલી કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદના નિર્માણમાં ડઝનબંધ હિન્દુ અને જૈન મંદિરોના સ્તંભો અને પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કુતુબમિનારના પ્રવેશદ્વાર પર એક શિલાલેખમાં પણ લખ્યું છે કે આ મસ્જિદ ત્યાં બનાવવામાં આવી છે, જ્યાં 27 હિન્દુ અને જૈન મંદિરોના ખંડેર હતા.
આ મસ્જિદમાં સદીઓ જૂના મંદિરોનો પણ એક મોટો હિસ્સો સામેલ છે.
પરસાળની આજુબાજુના થાંભલાઓ અને દીવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ અને મંદિર સ્થાપત્ય હજુ પણ સ્પષ્ટપણે જોવા મળે છે.
જાણીતા ઇતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબ કહે છે, "તેઓ મંદિરનો ભાગ છે એમાં કોઈ શંકા નથી. પરંતુ આ મંદિરો ત્યાં જ હતા કે આજુબાજુ ક્યાંક હતા, તેની ચર્ચા થતી રહે છે."
"દેખીતી વાત છે કે 25 કે 27 મંદિરો એક જ જગ્યાએ તો નહીં હોય. તેથી આ સ્તંભોને અહીં-તહીંથી એકત્ર કરીને અહીં લાવવામાં આવ્યા હશે."
'કુતુબમિનાર ઍન્ડ ઇટ્સ મોન્યુમેંટ્સ' નામના પુસ્તકના લેખક અને ઇતિહાસકાર બીએમ પાંડે માને છે કે જે મૂળ મંદિરો હતાં તે અહીં જ હતાં. જો તમે મસ્જિદની પૂર્વ બાજુથી પ્રવેશો તો ત્યાં જે માળખું છે તે મૂળ માળખું છે. મને લાગે છે કે મૂળ મંદિર અહીં હતું. કેટલાંક મંદિર બીજે ક્યાંક પણ હશે, જ્યાંથી તેઓએ સ્તંભ અને અન્ય પથ્થરના ટુકડા લાવીને તેનો ઉપયોગ કર્યો.
કુતુબમિનાર ક્યારે બંધાયો?
રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી મહમદ ઘોરીએ તેના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકને દિલ્હીના શાસક તરીકે નિયુક્ત કર્યા હતા.
મહેરૌલીમાં સ્થિત કુતુબમિનારનું નિર્માણ કુતુબુદ્દીન ઐબક અને તેના અનુગામી શમ્સુદ્દીન ઇલ્તુતમિશ દ્વારા ઇસવીસન 1200માં કરવામાં આવ્યું હતું.
કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ ઐબકના સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી અને બાદમાં તેનું વિસ્તરણ થતું રહ્યું.
મસ્જિદનો કિબ્લા (પશ્ચિમ બાજુ) તરફનો હિસ્સો પ્રારંભિક ઇસ્લામિક શૈલીમાં બનાવવામાં આવ્યો છે.
મેહરાબ (જ્યાં ઇમામસાહેબ ઊભા રહીને નમાજ પઢાવે છે)ની દીવાલોમાં કુરાનની આયતો અને ફૂલો કોતરવામાં આવ્યાં છે. પરંતુ મસ્જિદમાં મંદિરના અવશેષો જોઈ શકાય છે. ક્યાંક ક્યાંક જૂના મંદિરની આખી રચના જોવા મળે છે.
હિન્દુ સંગઠનોના દાવા
કેટલાંક હિન્દુ સંગઠનો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે કુતુબ સંકુલ વાસ્તવમાં હિન્દુ ધર્મનું કેન્દ્ર હતું.
હિન્દુ કાર્યકર્તા અને વકીલ હરિશંકર જૈને બીબીસીને કહ્યું, "હજુ પણ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત પડી છે. આ દેશ માટે એ શરમજનક બાબત છે. પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ."
ઘણાં હિન્દુ સંગઠનો અને ઇતિહાસકારો તાજમહેલ, પુરાના કિલ્લા, જામા મસ્જિદ અને ભૂતકાળના મુસ્લિમ શાસકો દ્વારા બાંધવામાં આવેલી અન્ય ઘણી ઇમારતોને હિન્દુ ઈમારતો માને છે.
તેઓ માને છે કે મુસ્લિમ શાસકોએ પ્રાચીન હિન્દુ મંદિરો અને ઇમારતોને તોડીને બદલી નાખવામાં આવ્યા હતા.
હિન્દુ કાર્યકર્તા રંજના અગ્નિહોત્રી વ્યવસાયે વકીલ છે અને કુતુબમિનારના પરિસરમાં મંદિરના પુનઃસ્થાપન માટે અરજીકર્તા પણ છે.
રંજના કહે છે, "અમે સાથે મળીને શપથ લીધા છે કે ભારતમાં મુઘલ આક્રમણકારોએ હિન્દુઓને અપમાનિત કરવા અને મસ્જિદો બનાવવા માટે હિન્દુ મંદિરોને તોડી પાડ્યાં હતાં, અમે ત્યાં ભારતની ગરિમા પુનઃસ્થાપિત કરીશું અને આ મંદિરોને મુક્ત કરાવીશું."
'ક્યારેય પૂરી ન થતી ચર્ચા'
જોકે, કેટલાક પુરાતત્ત્વવિદોનું કહેવું છે કે ભૂતકાળની ઇમારતો અને ઘટનાઓને આજના સંદર્ભમાં જોવી યોગ્ય નથી. તેમને યથાસ્થિતિમાં રહેવા દેવી જ યોગ્ય રહેશે.
પુરાતત્ત્વ વિભાગના ભૂતપૂર્વ વડા સૈયદ જમાલ હસને બીબીસી સાથે વાત કરતા કહ્યું, "કળા અને સ્થાપત્ય સાથે સંબંધિત કોઈ પણ ઇમારતો, પછી ભલે તે બૌદ્ધ, જૈન, હિન્દુ અથવા ઇસ્લામ, કોઈ પણ ધર્મની હોય, અતીતનો જે કંઈ વારસો હોય, નિશાનીઓ હોય, આપણે 'તેને યથાસ્થિતિમાં રહેવા દેવા' જોઈએ."
"જેથી આવનારી પેઢીઓ જોઈ શકે અને સમજી શકે કે આ કોની સ્થાપત્ય શૈલી છે, આ ગુપ્ત સ્થાપત્ય શૈલી છે, આ શુંગ શૈલી છે, આ મૌર્ય શૈલી છે, આ મુઘલ શૈલી છે. તે શૈલીને જીવંત રાખવાનું આપણું કામ છે."
પ્રોફેસર ઇરફાન હબીબ કહે છે, "આ બધી બાબતો ભારતની ધરોહરને નષ્ટ કરનારી છે. જો તમે આ રીતે ઇતિહાસને જોશો, તો આપણે જાણીએ છીએ કે અહીં બૌદ્ધ મઠો હતા જેને તોડીને મંદિરો બનાવવામાં આવ્યાં છે. તો પછી તેમાંથી હવે શું બનાવવું?"
"તમે જાણો છો કે મહાબોધિ મંદિરની મૂર્તિ (જ્યાં સુધી મને યાદ છે) શિવની મૂર્તિ છે. તેથી આ ક્યારેય પૂરી ન થતી ચર્ચા છે."
ભૂતકાળમાં મુસ્લિમોએ ઘણી ઐતિહાસિક ધાર્મિક ઇમારતોમાં પૂજા શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઇતિહાસકાર બી.એમ.પાંડે કહે છે કે ધાર્મિક પ્રકૃતિની પ્રાચીન ઇમારતો અંગે પુરાતત્ત્વ વિભાગની નીતિ ખૂબ જ સ્પષ્ટ છે.
તેઓ કહે છે, "જે પ્રાચીન ઇમારતોને પુરાતત્ત્વ વિભાગ હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવી ત્યારે ધાર્મિક ઉપયોગમાં ન હતી તેવી ઇમારતોમાં નમાજ કે પૂજા માટે માન્યતા આપી શકાતી નથી. જ્યારે જે ઇમારતો ધાર્મિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી હતી ત્યાં પૂજા કરતા રોકી શકાય નહીં."
તેઓ કહે છે કે જ્યારે કુતુબમિનાર સંકુલને પુરાતત્ત્વ વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યું ત્યારે ત્યાં કોઈ પ્રાર્થના કે પૂજા થતી ન હતી. તેથી આજના યુગમાં પૂજા માટે તેને પુનઃસ્થાપિત કરવાની માગ સદંતર ખોટી છે.
કુતુબમિનાર સંકુલ પુરાતત્ત્વ વિભાગનું આવું જ એક સંકુલ છે, જે ખૂબ જ સારી રીતે સચવાયેલું છે.
ઐતિહાસિક કુતુબમિનાર, તેના મકબરાઓ, મસ્જિદો અને મદરેસાઓ દરરોજ હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.
કુતુબમિનારનું આ સંકુલ ઘણાં સામ્રાજ્યોનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. સરકારે તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે સુરક્ષિત કર્યું છે.
ઇતિહાસકારોનું કહેવું છે કે તેને ધાર્મિક વર્તુળોમાં વહેંચવાને બદલે તેને ઇતિહાસના સ્મારક તરીકે જોવું વધુ યોગ્ય રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો