You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની અરજી ફગાવાઈ, કોર્ટે નારાજ થઈ શું કહ્યું?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, બીબીસી સંવાદદાતા, લખનઉથી
અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમે આવી અરજી પર વિચાર ન કરી શકીએ.
હાઈકોર્ટે આ દરમિયાન થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી. ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીએ કહ્યું, "આવા વિવાદો ચાર દીવાલોની વચ્ચે ચર્ચા કરવા માટે નથી, ન તો કોર્ટમાં. કાલે તમે કહેશો કે જજની ચેમ્બરમાં જવું છે. શું કોર્ટ એ નક્કી કરશે કે કોઈ ઐતિહાસિક સ્મારક કોણે બનાવ્યું છે."
અરજીકર્તાએ તાજમહેલના 'અસલી ઇતિહાસ'ની ખોજ માટે ફૅક્ટ-ફાઇડિંગ સમિતિની રચના કરવાની માગ કરી હતી.
આ અરજીનો વિરોધ કરતા ઉત્તર પ્રદેશ સરકારે મામલાના અધિકારક્ષેત્રને લઈને પણ વાંધો ઉઠાવ્યો અને જણાવ્યું કે આ મામલે આગ્રા કોર્ટમાં અગાઉથી એક મામલો પેન્ડિંગ છે.
સોમવારે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરવામાં આવી છે કે તાજમહેલમાં આવેલા 22 ઓરડા ખોલવામાં આવે.
અરજીમાં એ પણ માગ મૂકવામાં આવી છે કે પુરાતત્ત્વ વિભાગે એ બંધ ઓરડામાં મૂર્તિઓ અને શિલાલેખોની તપાસ માટે પણ આદેશ આપવામાં આવે.
આ અરજી ડૉ. રજનીશસિંહે દાખલ કરી છે. તેઓ અયોધ્યાના બહરામઉના રહેવાસી છે. તેમણે ડૅન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યો છે અને ભાજપની અયોધ્યા જિલ્લા સમિતિના સભ્ય અને મીડિયા કો-ઑર્ડિનેટર છે.
જોકે, તેઓ દાવો કરે છે કે તેમણે આ અરજી પોતાની જાતે કરી છે અને તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. અરજકર્તાના વકીલ રુદ્ર પ્રતાપ સિંહે કહ્યું કે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે.
શું કહેવું છે અરજદારનું?
ડૉ. રજનીશસિંહ કહે છે કે તેમણે 2019માં પુરાતત્ત્વ વિભાગ પાસેથી માહિતી આપી હતી કે શું આ ઓરડાને રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણે બંધ રાખવામાં આવ્યા છે? વિભાગને તેમને જવાબ આપ્યો કે આ ઓરડાને બંધ રાખવાનો નિર્ણય માત્ર સુરક્ષાનો મુદ્દો છે.
તેમનું કહેવું છે કે બાદમાં વિભાગે તેમને જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. એ પછી તેઓ આ અરજી કરવા મજબૂર થયા હતા.
ડૉ. રજનીશસિંહે બીબીસીને જણાવ્યું, "હું કોર્ટની શરણે ગયો અને કહ્યું કે તમે લગભગ 20 ઓરડા ખોલી દ્યો. તમે પણ જોયું જ હશે કે આ ઓરડાની આડમાં હિંદુઓ ક્યારેક ત્યાં જઈને હનુમાનચાલીસા વાંચે છે, તો મુસ્લિમો પણ અલગ દાવા કરે છે."
તેઓ કહે છે, "એવામાં જ્યારે ત્યાં આ પ્રકારની ઘટનાઓ થાય છે તો ભારતની આંતરરાષ્ટ્રીય છબિને નુકસાન પહોંચે છે. ત્યાં કોઈ પણ ઘટના ઘટે છે તો તે ઇન્ટરનેશનલ ન્યૂઝ બની જાય છે. જેથી મેં મારી જાતે આ અરજી દાખલ કરી છે કે આ તમામ ઓરડા ખોલી દેવા જોઈએ."
તેમના અનુસાર, "મેં માગ કરી છે કે આ માટે એક વખત પુરાતત્વ વિભાગની એક સમિતિની રચના કરવામાં આવે અને ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરવામાં આવે. મને લાગે છે કે એમ કરવાથી વિવાદ હંમેશાં માટે શમી જશે. શબરીમાલામાં આપણે જોયું કે ત્યાં જ્યારે કોર્ટનો હસ્તક્ષેપ થયો તો વિવાદ પૂરો થઈ ગયો. તમામ વિવાદો કોર્ટના હસ્તક્ષેપ બાદ ખતમ થઈ ગયા છે."
અરજીમાં શું માગ કરાઈ હતી?
અરજીમાં માગ મૂકવામાં આવી છે કે ભારતીય પુરાતત્ત્વ વિભાગ એટલે કે ભારતીય પુરાતત્ત્વ વિભાગ એટલે કે એએસઆઈ તાજમહેલના ઉપરના અને નીચલા ભાગે આવેલા 22 ઓરડા ખોલી દેવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે.
અરજદાર ઇચ્છે છે કે સરકાર એક 'ફૅક્ટ ફાઇન્ડિંગ કમિટી' બનાવીને તપાસ કરાવે જેથી તાજમહેલનું સત્ય બહાર આવે.
બીબીસીએ આ અંગે અરજદારના વકીલ રુદ્ર વિક્રમ સિંહ સાથે વાત કરી.
તેમણે બીબીસીને જણાવ્યું, "કેસની સુનાવણી 10 મેના રોજ થનારી હતી, પરંતુ વકીલોની હડતાળના પગલે ન થઈ શકી નહોતી."
આ અરજીમાં કથિત તેજોમહાલયના અસ્તિત્વ વિશે પણ જણાવવામાં આવ્યું છે. અરજી પ્રમાણે તેજોમહાલયને 1212 ઈમાં રાજા પરમર્દિદેવે બનાવ્યું હતું. બાદમાં એ મંદિર જયપુરના રાજા માનસિંહના નિયંત્રણમાં જતુ રહ્યું હતું અને બાદમાં રાજ જય સિંહને મળ્યું હતું.
અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તાજમહેલ અને તેજોમહાલયને લઈને હિંદુ-મુસ્લિમો વચ્ચે સતત સંઘર્ષ ચાલતો આવે છે અને તે જ કારણથી ઉત્તર પ્રદેશ સરકારે તાજમહેલને પર્યટનની સત્તાવાર બુકલેટમાં સામેલ કર્યો નથી.
આ અરજીમાં તાજેતરની એક ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે અયોધ્યાના જગદગુરુ પરમહંસ આચાર્યને તેમના ભગવા કપડાના કારણે તાજમહેલમાં શિવપૂજા કરવાથી રોકવામાં આવ્યા હતા.
તાજમહેલની બહાર વહેંચાયા લાડુ
આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરાયા બાદ આગ્રામાં હિંદુ મહાસભાના કાર્યકરોએ તાજમહેલના ગેટની બહાર લાડુ વહેંચ્યા હતા. જોકે, તંત્રે તેમને આવું કરતા અટકાવ્યા હતા.
હિંદુ મહાસભાના પ્રવક્તા અને આગ્રાના રહેવાસી સંજય જાટે કહ્યું, "તેજોમહાલય માટે અમારું પ્રથમ કિરણ જન્મ્યું છે. એના પર રોક લગાવવી તંત્રી બેવડી માનસિકતા છતી કરે છે. કેટલીય વખત અમે અહીં આરતી કરી છે. આ અમારી લડાઈ છે અને અમને પ્રથમ કિરણ દેખાયું છે."
વખત વખત પર હિંદુ મહાસભાના કાર્યકરો તાજમહેલમાં ઘૂસીને અહીં ધાર્મિક કાર્યક્રમો યોજવાનો પ્રયાસ કરતા રહ્યા છે અને તંત્રે હંમેશાં તેમને આવું કરતા અટકાવ્યા છે.
તાજમહેલ સંકુલમાં કાર્યક્રમને સંચાલિત કરનારી 'તાજમહેલ મસ્જિદ ઇન્તેઝામિયા સમિતિ'ના અધ્યક્ષ ઇબ્રાહીમ ઝૈદીએ કહે છે કે તેઓ 40 વર્ષથી જુમાની નમાજ, રમઝાનમાં તરબિયા, ઈદની નમાઝ, શાહજહાંનો ઉર્સ અને અન્ય કાર્યક્રમોના આયોજનમાં તંત્રની મદદ કરે છે.
આ અરજી અંગે ઇબ્રાહીમ ઝૈદી કહે છે, "આમાં ક્યાંય કોઈ દમ નથી. આ વ્યર્થ મુદ્દો ઉઠાવાયો છે. કેટલાક લોકો કોઈના કોઈ બહાને શાંત માહોલને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે."
'પૂજાસ્થળ કાયદો' હોવાથી આવું શક્ય છે?
નરસિમ્હા રાવ સરકારના વખતમાં 1991માં ઘડાયેલો પૂજાસ્થળ અધિનિયમ કહે છે કે 15 ઑગસ્ટ, 1947માં પહેલાં અસ્તિત્વમાં આવેલા કોઈ પણ પૂજાસ્થળને કોઈ બીજા ધર્મના પૂજાસ્થળમાં બદલી શકાય નહીં.
અમે જ્યારે આ સવાલ અરજી કરનારના વકીલ રુદ્ર વિક્રમ સિંહને કર્યો તો તેમણે કહ્યું કે એ અધિનિયમનો ઉલ્લેખ એટલે નથી કરાયો, કેમ કે તેમની અરજીની માગ માત્ર ઓરડા ખોલાવી એની તપાસ કરવા સુધી જ સિમિત છે.
શાહજહાંએ ક્યારે અને કેમ બનાવ્યો હતો તાજમહેલ?
શાહજહાંએ 17મી સદીમાં પોતાનાં બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો. વર્ષ 1560ની આસપાસ દિલ્હીમાં બનેલા હુમાયુના મકબરાની તરજ પર તાજમહેલ બનાવાયો હતો.
આ માટે 42 એકર જમીન પસંદ કરવામાં આવી હતી. તાજમહેલના ચાર મિનાર 139 ફૂટ ઊંચા છે અને બધાની ઉપર એક ગુંબજ પણ છે.
તાજમહેલનું કામ જાન્યુઆરી 1632માં શરૂ થયું અને 1655માં એ બનીને તૈયાર થઈ ગયો.
શાહજહાંના વખતમાં ઇતિહાસકાર અબ્દુલ હમીદ લાહોરીએ તાજમહેલ બનવવાનો ખર્ચ એ વખતના 50 લાખ રૂપિયા ગણ્યો હતો.
જોકે, બીજા ઇતિહાસકારોનું માનવું છે કે આ કિંમત માત્ર મજૂરોને અપાયેલા વેતનની જ છે અને આમાં ભવનમાં લગાવાયેલા સામાનની કિંમત સામેલ નથી.
બાદમાં મળેલા દસ્તાવેજોના આધારે કેટલાક ઇતિહાસકારોએ તાજમહેલના બનવા પાછળનો ખર્ચ એ વખતના ચાર કરોડ સુધી આંક્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો