You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મૅરિટલ રેપ'ને ગુનો ગણવા અંગે હાઈકોર્ટના જજો વચ્ચે મતમતાંતર, હવે ફુલ બૅન્ચ સુનાવણી હાથ ધરશે
મૅરિટલ રેપને ગુનો ગણવાના કેસની સુનાવણી કરી રહેલ દિલ્હી હાઈકોર્ટના બન્ને જજો વચ્ચે ચુકાદાને લઈને મતમતાંતર જોવા મળ્યો હતો. જેથી હવે ફુલ બૅન્ચ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરાશે.
આ કેસમાં પોતાનો નિર્ણય જણાવતાં જસ્ટિસ રાજીવ શકધરે હાલની જોગવાઈ વિરુદ્ધ મત રજૂ કર્યો. જ્યારે બીજા જજ જસ્ટિસ સી. હરિશંકર પોતાના સાથી જજના મતથી સહમત નહોતા.
જસ્ટિસ શકધરે કહ્યું, "અત્યાર સુધી જે જોગવાઈ છે કે પત્નીની સહમતિ વિરુદ્ધ જબરદસ્તી સંબંધ બાંધવો એ સંવિધાનના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. જેથી તેને ખતમ કરી દેવામાં આવે."
જ્યારે જસ્ટિસ સી. હરિશંકરે કહ્યું કે તેઓ આ મામલે જસ્ટિસ શકધરના નિર્ણયથી સહમત નથી.
તેમણે કહ્યું કે આઈપીસીની કલમ 375નો અપવાદ બે સંવિધાનનું ઉલ્લંઘન કરતો નથી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે વર્ષ 2015માં ઑલ ઇન્ડિયા ડૅમોક્રેટિક વુમન્સ ઍસોસિયેશન, 2017માં મૅરિટલ રેપના સર્વાઇવર ખુશ્બુ સૈફી અને પત્ની દ્વારા બળાત્કારના આરોપનો સામનો કરી રહેલા પતિ દ્વારા આ અરજી કરવામાં આવી હતી.
આઈપીસીની કલમ 375માં 15 વર્ષ કે તેથી ઓછી વયની પત્ની પર કરાયેલા બળાત્કારને ગુનો ગણવાની જોગવાઈ છે, પરંતુ 15 વર્ષથી વધુ ઉંમરની પત્ની સાથે મરજી વિરુદ્ધ કરાતા સંભોગને બળાત્કાર ગણવાની જોગવાઈ નથી.
અરજદારોની માગ છે કે લગ્ન બાદ પણ પત્ની સાથે કરવામાં આવતા બળજબરીપૂર્વકના સંભોગને બળાત્કાર ગણવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે મૅરિટલ રેપ અને તેને લગતો વિવાદ?
ભારતમાં 'વૈવાહિક બળાત્કાર' એટલે કે મૅરિટલ રેપ કાયદાની નજરે અપરાધ નથી.
જેથી આઈપીસીની કોઈ કલમમાં ન તો તેની પરિભાષા છે અને ન તેનાં માટે કોઈ સજાની જોગવાઈ છે.
2016માં તત્કાલીન મહિલા અને બાળકલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ મૅરિટલ રેપ વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું, "ભલે પશ્ચિમી દેશોમાં મૅરિટલ રેપની વિચારધારા પ્રચલિત હોય, પણ ભારતમાં ગરીબી, શિક્ષણના સ્તર અને ધાર્મિક માન્યતાઓના કારણે વૈવાહિક બળાત્કાર ફીટ નથી બેસતો."
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં 'મૅરિટલ રેપ'ને ગુનો ગણવા માટે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીના જવાબમાં 2017માં કહેવામાં આવ્યું કે તેનાંથી લગ્ન સંસ્થા અસ્થિર થઈ શકે છે.
દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે "મૅરિટલ રેપને ગુનો જાહેર કરી શકાય તેમ નથી, એમ કરવાથી લગ્ન સંસ્થા અસ્થિર થઈ શકે છે. પતિઓને હેરાન કરવા માટે તે એક શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવાઈ શકે છે."
એક તરફ મરજી કે સહમતિ વગર શારિરીક સંબંધ બાંધવો એ બળાત્કાર છે અને બીજી બાજુ હિંદુ મૅરેજ ઍક્ટ કંઈક અલગ કહે છે.
હિંદુ મૅરેજ ઍક્ટમાં પતિ અને પત્ની માટે એકબીજા પ્રત્યેની કેટલીક જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. જેમાં સહવાસનો અધિકાર પણ સામેલ છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે સેક્સ માટે ઇનકાર કરવો ક્રૂરતા છે અને તેના આધાર પર છૂટાછેડા માગી શકાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો