You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Cyclone Asani : 'અસાની ' વાવાઝોડું ક્યાં પહોંચ્યું અને ક્યાં અપાયું 'રેડ ઍલર્ટ'?
બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા 'અસાની'ની ભારતના દરિયાકિનારા પર અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાને લઈને હવામાનવિભાગે ચેતવણી પણ જાહેર કરી છે.
આંધ્ર પ્રદેશના ગુંટુર અને કૃષ્ણા જિલ્લામાં 'રેડ ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો શ્રીકાકાકુલમ, વિજિયાનગરમ અને ગોદાવરી જિલ્લામાં 'યલો ઍલર્ટ' જાહેર કરાયું છે.
આ દરમિયાન શ્રીકાકુલમમાં વાવઝોડાની અસરને કારણે દરિયો તોફાની બન્યો છે અને દરિયામાં એક રથ તણાઈને કિનારે પહોંચ્યો હતો. આ રથને જોઈને લોકોમાં કૌતુક છવાયું હતું. જોકે, હજી સુધી જાણવા મળ્યુ નથી કે રથ ક્યાંથી આવ્યો હતો.
હવામાનવિભાગ અનુસાર વાવાઝોડુ આંધ્ર પ્રદેશની ઉત્તરમાં દરિયાકિનારા તરફ આગળ વધી ગયું છે અને આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે.
આગામી કેટલાક કલાકોમાં વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ વધતાં પશ્ચિમ-મધ્યમાં બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે.
હવામાનવિભાગે એવું પણ કહ્યું છે કે વાવાઝોડું ધીરેધીરે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતાં મછલીપટ્ટનમ, નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમનાં દરિયાકિનારાને ઘમરોળશે.
અત્યાર સુધી શું-શું થયું?
કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે તથા રસ્તા પર વૃક્ષો મૂળસોતાં ઊખડી જવાની ઘટનાઓ પણ ઘઠી છે અને કેટલીક જગ્યાએ દરિયાની પાસે આવેલા રોડ પણ તૂટી ગયા છે.
વાવાઝોડું અસાની જેમજેમ દરિયાકિનારા તરફ આવી રહ્યું છે તેમ આંધ્ર પ્રદેશના દરિયાકિનારા પર ખતરો વધી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાનવિભાગે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અગાહી કરી છે.
આ તરફ વાવાઝોડાએ પોતાનો રૂટ બદલ્યો છે. ત્યારે વાવાઝોડાને પગલે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાવિસ્તારોમાં કેવી તબાહી મચી છે? વાવાઝોડાનો નવો રૂટ શું છે અને તેનાથી કયા વિસ્તારો પર જોખમ છે?
વાવાઝોડાનો માર્ગ બદલાયો, ક્યાં ટકરાશે?
અગાઉ વાવાઝોડું ભારતની ધરતી પર ત્રાટકવાનું નહોતું. જોકે હવે તેનો માર્ગ બદલાયો છે. જે હવે આઁધ્ર પ્રદેશના કાકિનાડા દરિયાકાંઠાને અડીને પસાર થશે. કાકિનાડા પહોચ્યા બાદ તે ફરી કાકિનાડા અને વિશાખાપટ્ટનમના દરિયા કાંઠે પહોંચશે. દરમિયાન તે નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની, અને વિશાખાપટ્ટનના દરિયાકાંઠાને અસર કરશે.
હવામાન વિભાગ અનુસાર આંધ્ર પ્રદેશ, ઉપરાત તેલંગાણાના નાલગોન્ડ઼ા, સૂર્યાપેટ, ભદ્રાદ્રી, કોથાગુડેમ, ખમ્મમ, અને મુલુગુ જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભવાના છે.
બપોર સુધીમાં તે કાકીનાડાથી 109 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે પહોંચશે.
વાવાઝોડું અસાની નબળું પડ્યું
ભારતીય હવામાનવિભાગ પ્રમાણે વાવાઝોડું અસાની હવે નબળું પડ્યું છે. અગાઉ તે 'સિવિયર સાઇક્લોન'ની શ્રેણીમાં હતું.
જે હવે નબળું પડવાની સાથે સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. જે હવે ગંભીરની શ્રેણીમાંથી બહાર નીકળી ગયું છે. બંગાળની ખાડીમાં પશ્ચિમ ઉત્તરપશ્ચિમે તે 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે છેલ્લા છ કલાકની આગળ વધી રહ્યું છે. જે આંધ્ર પ્રદેશના કાકીનાડાના કાંઠાવિસ્તારોને અડીને પસાર થશે.
જેને પગલે આંધ્ર પ્રદેશના કાંઠાવિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે અને આવતીકાલે અહીંના તટીય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
આંધ્ર પ્રદેશમાં વાવાઝોડા સામે તૈયારી
આંધ્ર પ્રદેશના કાંઠાવિસ્તારોમાં 9 નેશનલ ડિઝાસ્ટરની ટીમો તહેનાત કરાઈ છે. જ્યારે કે 12 જેટલી ટીમ પશ્ચિમ બંગાળમાં તહેનાત કરાઈ છે.
હવામાનવિભાગ અનુસાર વાવાઝોડાને કારણે કાંઠાળા વિસ્તારોમાં વીજળી, મોબાઇલ ટાવર ઉપરાંત વૃક્ષો અને પાકને નુકસાન થઈ શકે છે.
ખાસ કરીને કૃષ્ણા,પૂર્વીય તથા પશ્ચિમ ગોદાવરી અને વિશાખાપટ્ટનમના જિલ્લાઓમાં તેની વધુ અસર વર્તાશે.
ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી વરસાદની શક્યતા જોવા મળી રહી છે. વિશાખાપટ્ટન જનારી અનેક ઉડાણો રદ કરી દેવામાં આવી છે.
હિંદ મહાસાગરમાં એક સાથે બે વાવાઝોડાં
હિંદ મહાસાગરમાં એક અનોખી ઘટના જોવા મળી છે, અહીં એક સાથે બે વાવાઝોડાં સર્જાયાં છે. આ બંને વાવાઝોડાં અલગ અલગ દિશામાં જઈ રહ્યાં છે.
વાવાઝોડું અસાની ભારતના દરિયાકિનારા તરફ આવી રહ્યું છે અને તે આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોને અસર કરશે.
જ્યારે બીજું વાવાઝોડું જેને કરીમ નામ આપવામાં આવ્યું છે તે ભારતના દરિયાકિનારાથી દૂર જઈ રહ્યું છે. જેની ભારત કે બીજા કોઈ દેશ પર અસર થવાની શક્યતા ઓછી છે.
બે વાવાઝોડાં એક સાથે કેમ પેદાં થયાં?
વેધર ચેનલ 'સ્કાય મેટ'ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી વિષુવવૃતની આસપાસ પશ્ચિમથી આવતા પવનો મજબૂત છે.
વિષુવવૃતની આસપાસ ફૂંકાતા આવા મજબૂત પવનોને કારણે ઘણીવાર બંને તરફ સાયક્લૉન પેદા થાય છે. એક ઉત્તર ગોળાર્ધ અને બીજું દક્ષિણ ગોળાર્ધમાં સાયક્લૉન બને છે અને તે બંને વિરુદ્ધ દિશામાં આગળ વધે છે.
હિંદ મહાસાગરમાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એપ્રીલથી જૂન તથા સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો