વિધાનસભા ચૂંટણી : ભાજપે ગુજરાતને 'હિંદુત્વની લૅબોરેટરી'માંથી 'શાસનની પ્રયોગશાળા' બનાવી દીધું છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

'ગુજરાત એ ગવર્નન્સની લૅબોરેટરી છે અને હાલની ભૂપેન્દ્ર પટેલની સરકાર તે સ્ટ્રેટજીનો એક ભાગ છે.'

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના આ નિવેદન પછી અનેક લોકોએ તર્કવિતર્ક માંડ્યા છે, તેમાંય ખાસ તો ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાત હંમેશાં ભાજપ માટે હિન્દુત્વની લૅબોરેટરી રહ્યું છે, પરંતુ હવે તેઓ તેને ગવર્નન્સની લૅબોરેટરી તરીકે ગણાવી રહ્યા છે.

ઘણા લોકોનું માનવું છે કે ગુજરાતમાં રોડ, રસ્તાઓ, પુલ વગેરે તો ભાજપની સત્તા પહેલાં પણ હતાં, જ્યારે ઘણા લોકો એવું પણ માને છે કે ભાજપનું સંગઠનમાં એકહથ્થું શાસન હોઈ ગુજરાત ભાજપનું સંગઠન એ ખરેખર હાલના ભાજપના નેતાઓ માટે સંગઠનને ચલાવવા માટેની લૅબોરેટરી સમાન જ છે.

બીબીસી ગુજરાતીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું ખરેખર, ગુજરાત એ ભાજપ માટે ગવર્નન્સની લૅબોરેટરી છે?

જોકે જે.પી. નડ્ડાની વાતને સમર્થન આપતાં ભાજપના સિનિયર નેતા અને નરેન્દ્ર મોદી સરકારમાં કૅબિનેટ મંત્રી રહી ચૂકેલા આઈ.કે. જાડેજાએ બીબીસીને જણાવ્યું કે, "છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતની સરકારોએ દેશને ગવર્નન્સનો રાહ ચીંધ્યો છે."

"બેટી બચાવો-બેટી ભણાવો જેવાં અભિયાનો હોય કે પછી કર્મયોગી તરીકે સરકારી અધિકારીઓની લોકોનાં કામ કરી આપવાની ભાવના હોય - લોકોનાં કામ જલદી થાય, ઓછી તકલીફ પડે તે માટે કર્મયોગીની ભાવના પેદા કરી, પાણીનાં સ્તર ઊંચા લાવવા માટે સરકારે સતત કામ કર્યું છે, અને હજી કરી રહી છે. કન્યાકેળવણી મુખ્ય મંત્રી આવાસયોજનાથી તમામ વર્ગને સમાજના લોકોને ફાયદો થયો છે."

ભાજપને ગુજરાતમાં શરૂઆતમાં ખૂબ ઝટકા મળ્યા

ભાજપ પ્રથમ વખત 1995માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યો હતો અને કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા હતા. જોકે તેમની સરકાર સ્થિર ન રહી શકી અને તેમણે રાજીનામું આપી દેવું પડ્યું અને 1998માં તેઓ ફરીથી મુખ્ય મંત્રી બન્યા.

2001ના ધરતીકંપ બાદ તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું અને 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સંગઠને આગળ કર્યા હતા.

2002, 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ખૂબ જ સહેલાઇથી જીતી લીધી હતી. 2014માં તેઓ જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે તેમની જગ્યાએ ગુજરાતનાં મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેન પટેલને લાવવામાં આવ્યાં હતાં.

જોકે 2002 પછી 2017માં પ્રથમ વખત ભાજપને ગુજરાતમાં પડકારનો સામનો કરવો પડ્યો હતો, તેમાં એક પાટીદાર અનામત આંદોલને પણ ભાગ ભજવ્યો હતો.

2002નાં તોફાનો બાદ ગુજરાતને હિન્દુત્વની લૅબોરેટરી તરીકે ઓળખવામાં આવ્યું, પરંતુ નરેન્દ્ર મોદીએ તેની વ્યાખ્યા બદલવા માટે વિકાસની વાત શરૂ કરી અને વિકાસની રાજનીતિની વાત કરી.

ગુજરાતના ગવર્નન્સની વાત અને સંગઠનની વાત સમજવી હોય તો ગુજરાતના મુખ્ય મંત્રીઓ અને તેમની રાજનીતિને સમજવી પડે. એક તરફ નરેન્દ્ર મોદી પહેલાંના ભાજપના ગુજરાતના કે પછી રાષ્ટ્રીય નેતાઓ હિન્દુત્વની જ વાત કરતા હતા,ત્યાં નરેન્દ્ર મોદીએ હિન્દુત્વની વાતની સાથે સાથે વિકાસની વાત કરવાની શરૂઆત કરી હતી.

ગુજરાતનું ગવર્નન્સ અને ભાજપનું સંગઠન

આ વિશે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી. ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિકે કહ્યું કે, "મુંબઈરાજના સમયથી બીજાં રાજ્યોની સરખામણીએ અહીંનો વહીવટ સારો હતો. સારું ગવર્નન્સ ગુજરાત માટે કોઈ નવી વાત નથી. તે પહેલાં ગાયકવાડના સમયમાં ગુજરાતમાં વહીવટ એટલો સારો હતો કે તેમાં ઘણી મહિલાઓને ફરજિયાત ભણવાનો મોકો મળતો હતો."

"એટલે ગુજરાતમાં સારું ગવર્નન્સ હમણાં થયું છે, તે વાતમાં કોઈ તથ્ય નથી, પરંતુ તેનું માર્કેટિંગ અને યશોગાન હવે વધ્યું છે, તેમાં કોઈ બે મત નથી."

યાજ્ઞિકે ગુજરાતની રાજનીતિને ખૂબ નજીકથી જોઈ છે. તેઓ કહે છે કે ગુડ ગવર્નન્સ એટલે લોકકલ્યાણની ભાવના. સારા રસ્તા, મોટા પુલો, રિવરફ્રન્ટ વગેરે સારા વિકાસની નિશાની છે, પરંતુ તેને સારું ગવર્નન્સ ન કહી શકાય. ગવર્નન્સ સારું ત્યારે કહેવાશે ત્યારે ગુજરાતની શાળાઓની હાલત સારી હશે કે પછી લોકકલ્યાણની માત્ર વાતો જ નહીં પરંતુ ખરેખર ગ્રાઉન્ડ પર તેમને માટે કોઈ નક્કર કામ થશે.

આવી જ રીતે રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહનું માનવું છે કે, "જો ગુજરાતમાં સારું ગવર્નન્સ હોય તો 2017નું પાટીદાર અનામત આંદોલન કેમ થયું? દલિતો, આદિવાસીઓની સમસ્યાનું કેમ નિરાકરણ આવતું નથી, કેમ સાહિત્ય અકાદમી જેવી સંસ્થા, જે સ્વાયત્ત હતી, તેવી સંસ્થાઓ પર સરકારી નિયંત્રણ આવી ગયું છે."

"ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વના નામે ગુજરાતમાં સત્તા મેળવી છે અને ઘણાં વર્ષો સુધી તેના થકી જ સત્તામાં રહી, તેમનું સાચું મૉડલ આ જ છે. તેમાં કોઈ નવા મૉડલની ચર્ચાને અવકાશ જ રહેતો નથી."

ખરેખર ભાજપના કાર્યકર્તાઓ પક્ષની કાર્યપદ્ધતિથી ખુશ છે?

જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ગુજરાતમાં સંગઠન ખૂબ મજબુત છે અને તે સંગઠનનું મૉડલ બીજાં રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. જોકે આ વાતને રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ અલગ રીતે જુએ છે.

તેઓ કહે છે "ગુજરાત ભાજપનું મૉડલ એટલે એક જ માણસ દ્વારા ચાલતી પાર્ટી. ગોંડલની એક સભામાં નરેન્દ્ર મોદીએ પહેલી વાર કહેલું કે 'તમે તમારા કૉર્પોરેટરોને નહીં પરતું મને જોઈને વોટ આપજો' અને તેમાં ભાજપને સફળતા મળી હતી. આ જ રીતે પછી તેમણે 2007માં 'હું એક કમળનું ફૂલ માગવા તમારી પાસે આવ્યો છું', તેવી વાત કરીને લોકલ ચહેરાનું મહત્ત્વ જ મટાડી દીધું હતું."

"અને હવે એવી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં કોઈ પણ ઉમેદવાર કે પછી મુખ્ય મંત્રીનો કઈ જ મહત્ત્વ નથી. માત્ર એક જ માણસનું મહત્ત્વ છે. એટલે ગુજરાતનું આ મૉડલ બીજાં રાજ્યોમાં ઇમ્લિમેન્ટ થાય તેની પૂરેપૂરી શક્યતા છે."

તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત ભાજપના સંગઠનનું મૉડલ એટલે એવું મૉડલ જે દિલ્હીથી ચાલે છે.

આદિવાસીઓ, દલિતો શું આ ગૂડ-ગવર્નન્સની વાત માને છે?

જોકે નડ્ડાની આ વાતથી અનેક દલિતો સમર્થન આપતા નથી. જેમ કે દલિત બુદ્ધિજીવી અને કર્મશીલ મંજુલા પ્રદીપ કહે છે, "મને ખબર નથી કે કયા ગવર્નન્સ પર પ્રયોગ થયા છે, હજી સુધી દલિતોની સમસ્યા જેમની તેમ છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, જેમાં એક પણ ગામ આભડછેટમુક્ત નથી."

"અનેક ગામોમાં દલિતોના કૂવા અલગ છે, મહિલાઓને સવારે ત્રણ વાગ્યે પાણી લેવા માટે જવું પડે છે. દલિત પીડિત મહિલાઓ અને પોલીસ વચ્ચેનો સંઘર્ષ અવિરત ચાલુ છે, આજે પણ અનેક દલિત મહિલાઓ (જેમના પર બળાત્કાર થયા હોય તેવી મહિલાઓ) ન્યાયની રાહ જોઈ રહી છે. ગવર્નન્સના નામે ભલે પ્રયોગો થયા હોય પરંતુ તેનાથી દલિતો અને વંચિતોના જીવનમાં કોઈ ફરક પડ્યો નથી."

આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસની જમીનસંપાદનનો વિરોધ કરવા માટે અનેક વખત પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે "આદિવાસી સમુદાય આ વિકાસની હરણફાળમાં માત્ર ઘસાયો છે. મોટા મોટા ડૅમ બનાવવા માટે અમારી જમીનો અમે આપીએ છીએ, પરંતુ અમને જ પાણી નથી મળતું. અમારાં ઘર, અમારાં જંગલો, અમારી નદીઓથી અમને વિખૂટા પાડવામાં આવ્યા છે, તો આ ગવર્નન્સ કેવી રીતે હોઈ શકે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો