You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેશ પટેલને ખોડલધામની સ્થાપના કેમ કરવી પડી, જેણે ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું સ્થાન બદલી નાખ્યું
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
2002માં લેઉઆ પાટીદાર સમાજમાં 'બાપા' તરીકે ઓળખાતા કેશુભાઈ પટેલને હઠાવીને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા. મોદીનાં પ્રારંભિક વર્ષોમાં સત્તાની ભાગીદારીમાં લેઉઆ પાટીદારોની સરખામણીમાં કડવા પાટીદારોનો હિસ્સો વધારે હતો. આથી, પાર્ટીની બહાર પણ સમાજના શક્તિકેન્દ્રની જરૂરિયાત વર્તાઈ હતી.
આથી, કેશુભાઈ પટેલના પાડોશી અને સમાજના યુવા નેતા નરેશ પટેલે ખોડલધામના નિર્માણનું બીડું ઝડપ્યું. બિનરાજકીય સામાજિક સંગઠન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રચવામાં આવેલા આ કાર્યક્રમમાં મુખ્યમંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલને 'પાટીદાર સમાજના મોભી' તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.
નરેશ પટેલ લેઉઆ પાટીદારના કરદેવી (કૂળદેવી નહીં) ખોડિયાર માતાના મંદિર ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી અને ચૅરમૅન પણ છે, જે સમાજની આસ્થા ઉપર સામાજિક સંગઠનશક્તિનું પ્રતીક છે.
ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર નેતા નરેશ પટેલ કયા રાજકીય પક્ષમાં જોડાશે તે અંગે અટકળોનો ક્રમ ચાલુ છે. તેઓ તાજેતરની દિલ્હી મુલાકાત દરમિયાન ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાતની વાત સ્વીકારી ચૂક્યા છે, જેઓ કૉંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા છે. આ ઘટનાની સમાંતર હાર્દિક પટેલ પણ ગુજરાત કૉંગ્રેસ સાથે અમુક બાબતે નારાજ છે અને એકથી વધારે વાર નરેશ પટેલના કૉંગ્રેસમાં જોડાવાને લઈને નિવેદનો આપી ચૂક્યા છે.
નરેશ પટેલનું કહેવું છે કે તેઓ પોતે જાહેરાત ન કરે, ત્યાર સુધી કોઈ વાતને અંતિમ માનવામાં ન આવે. તેઓ આપ, કૉંગ્રેસ અને ભાજપ સહિત તમામ પક્ષ તરફથી આમંત્રણ મળ્યા હોવાની તથા વિકલ્પો ખુલ્લા હોવાની વાત કહે છે.
ગુજરાતમાં પાટીદારોની વસતિ મુખ્યત્વે કડવા અને લેઉઆ સમાજમાં વહેંચાયેલી છે. આ સમુદાય ગુજરાતની 182માંથી 70 જેટલી બેઠક ઉપર અસર કરી શકે છે.
1980ના દાયકાની શરૂઆતથી આ સમાજ ભાજપની પડખે રહ્યો છે, પરંતુ પાટીદાર અનામત આંદોલનને કારણે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપથી વિમુખ થઈ ગયો હતો અને ભાજપનું તાજેતરના ઇતિહાસનું ખરાબ પર્ફૉર્મન્સ રહ્યું હતું.
ગુજરાતના રાજકારણમાં મંદિરોનું મહત્ત્વ રહ્યું છે, પરંતુ તે ચૂંટણીપરિણામોને કેટલી હદે અસર કરી શકે છે, તે એક ચર્ચાનો મુદ્દો રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખોડલધામનો ઇતિહાસ
ઊંઝા ખાતેનું ઉમિયા માતા મંદિર જો કડવા પાટીદારોના કૂળદેવીનું સ્થાન છે, તો ખોડલધામએ લેઉઆ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. ખોડિયાર માતા તેમના કરદેવી છે. આ સિવાય પાટીદાર સમાજનો એક તબક્કો સ્વામીનારાયણ સંપ્રદાય કે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ આસ્થા ધરાવે છે.
સૌરાષ્ટ્રના લેઉઆ પાટીદાર અંગ્રણી તથા ખોડલધામની સ્થાપના સમયની પ્રારંભિક ચર્ચામાં સામેલ ઉદ્યોગપતિના કહેવા પ્રમાણે, "2002 પછી સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ સમાજને લાગતું હતું કે સમાજે સંગઠિત થવું જોઈએ અને તેનું પોતાનું શક્તિકેન્દ્ર હોવું જોઈએ. આ માટે હૉસ્પિટલ, હોસ્ટેલ, સરકારી નોકરીના તાલીમકેન્દ્ર, વિશ્રામગૃહ વગેરે જેવા વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવી."
"પરંતુ, આ બધા કામો કરવા માટે ફંડની જરૂર પડે. વળી, સ્થાનિકસ્તર પર અલગ-અલગ રીતે આ કામો થતાં જ હતા. એવામાં કદાચ કોઈ મોટો પ્રકલ્પ આકાર લે, તો પણ તે સમાજને સંગઠિત કરી શકે કે કેમ, તે એક સવાલ હતો. આવા સમયે સમાજના કરદેવીના નિર્માણનો વિચાર હાથ ધરવામાં આવ્યો, જેને તમામ દ્વારા વધાવી લેવામાં આવ્યો."
માર્ચ-2010માં ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અને જાન્યુઆરી-2011માં મંદિરની શિલાન્યાસવિધિ યોજાઈ હતી. 'ભક્તિ દ્વારા એકતા શક્તિ' અને 'ચાલો એક બનીએ, એકમેકના બનીએ' દ્વારા મંદિરની સ્થાપનાનો હેતુ સ્પષ્ટ હતો.
જાન્યુઆરી 2012માં શિલાપૂજનવિધિ દરમિયાન લાખો પાટીદારોને એકઠા કરીને નરેશ પટેલે શક્તિપ્રદર્શન કર્યું હતું. 2017માં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પાંચ દિવસમાં 75 લાખ લોકોએ દર્શન કર્યા હોવાનો સંસ્થાનો દાવો છે.
ખોડલધામ ઑગસ્ટ મહિના આસપાસ મહાસભા કરવા ધારે છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી પાટીદારોને મોબિલાઇઝ કરવાની યોજના છે. જે સામાજિક એકતાની સાથે શક્તિનું પણ પ્રદર્શન હશે. ચૂંટણીના વર્ષમાં તે કદાચ સૌથી મોટું શક્તિ પ્રદર્શન બની રહેશે.
2017માં પ્રાણ પ્રતિષ્ઠા
ગુજરાત યુનિવર્સિટીના પ્રાધ્યાપક તથા રાજ્યમાં જ્ઞાતિગત રાજકારણના અભ્યાસુ પ્રો. ગૌરાંગ જાનીના કહેવા પ્રમાણે, "ખોડલધામ લેઉઆ પાટીદારોની બહુમતીવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે, જ્યારે ઉમિયા ધામએ કડવા પાટીદારોના બાહુલ્યવાળા ઉત્તર ગુજરાત વિસ્તારમાં આવેલું છે. તેઓ સંખ્યાકીય દૃષ્ટિએ તો મહત્ત્વપૂર્ણ છે, સાથે-સાથે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પણ પ્રભુત્વ ધરાવે છે."
"આ મંદિરો તથા તેના કાર્યક્રમોની આસપાસ સમાજ સંગઠિત થાય છે, જે રાજકીય, સામાજિક તથા સાંસ્કૃત્તિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બને છે. જ્ઞાતિઓ પોતાનું પ્રભુત્વ બતાવવા અથવા ઓળખ ઊભી કરવા માટે ધાર્મિકસ્થળો તથા ઉત્સવોનો ઉપયોગ કરવા માંડ્યા છે. અગાઉ આવું ન હતું. આગળ જતાં રાજકીય તબક્કાને પણ તેમાં રસ પડ્યો."
"જેમ-જેમ પાટીદારોનું આર્થિક, સામાજિક અને રાજકીય કદ વધતું ગયું, તેમ-તેમ ભાજપ, કૉંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટીમાં પણ તેમને આકર્ષિત કરવાની હોડ લાગી છે."
જાની માને છે કે ગુજરાતના રાજકારણમાં પાટીદારોને તેમની સંખ્યા કરતાં બેથી ત્રણ ગણું પ્રતિનિધિત્વ મળેલું છે, જ્યારે આદિવાસીઓને માટે 15 ટકા બેઠક અનામત છે. તેના કરતાં વધુ બેઠક પર ભાજપ-કૉંગ્રેસના કુલ પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈ આવે છે. બીજી બાજુ, ગુજરાતમાં મુસ્લિમોની વસતિ નવ ટકા છે, છતાં ભાજપમાં તેમનું પ્રતિનિધિત્વ શૂન્ય છે અને વિધાનસભામાં તેમની સંખ્યા વસતિની સરખામણીએ નગણ્ય છે.
ઉમિયાધામ : કડવા પાટીદારોનું કેન્દ્ર
2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસે 'સૉફ્ટ હિંદુત્વ' અપનાવ્યું હતું. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનેક મંદિરની મુલાકાત લીધી હતી, જેમાં લેઉઆ પટેલના ખોડલધામ તથા કડવા પટેલના ઉમિયાધામ (ઊંઝા)નો પણ સમાવેશ થતો હતો.
પાટીદારોનું માનવું છે કે, વિક્રમ સંવત 1122-24 (હાલમાં 2079 ચાલુ) દરમિયાન વેગડા ગામીએ ઊંઝા ખાતે ઊમિયા માતાના મંદિરનું નિર્માણકાર્ય કર્યું હતું, જેને અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિએ તોડી પાડ્યું હતું. હાલમાં ઊંઝા (મહેસાણા) ખાતે જે મંદિર છે, તે વિક્રમ સંવત 1943માં (1887 આસપાસ) નિર્માણ પામ્યું, આને માટે દરેક પાટીદાર ઘરમાંથી ફાળો એકઠો કરવામાં આવ્યો હતો.
હિંદુ માન્યતા પ્રમાણે, ઉમા માતાએ શિવજીના પત્ની છે. ઊંઝા ખાતે માતાજીનું પૂર્ણસ્વરૂપ છે અને તેની પૂજા થાય છે, પરંતુ તે શક્તિપીઠ નથી. અન્ય એક માન્યતા પ્રમાણે, સીતાજી ઉમા-ગૌરીની પૂજા કરતા. આથી, જ્યારે તેઓ ધરતીમાં સમાઈ ગયાં, ત્યારે તેઓ પોતાના બંને પુત્ર લવ અને કુશને ઉમિયા માતાને સોંપી ગયા હતા અને ત્યારથી તેમની પૂજા થઈ રહી છે.
ભાજપના ધારાસભ્ય (દસક્રોઈ) બાબુભાઈ જમનાદાસ પટેલ ઉમિયા માતાજી સંસ્થાનનું નિયમન કરતા ટ્રસ્ટના વડા છે. તાજેતરના વર્ષોમાં ભાજપના ધારાસભ્ય નારાયણભાઈ લલ્લુ પણ આ પદે રહ્યાં છે. આ સિવાય ભાજપ-કૉંગ્રેસ કે અગાઉ જનતા દળ-ગુજરાતના મંદિરના ટ્રસ્ટમાં રહ્યા છે. રાજનેતા મંદિરના વડાપદે હોય શકે કે નહીં, તે અંગે સમાજમાં મતભેદ રહ્યા છે.
નરેશ પટેલનું કહેવું છે કે ખોડલધામ રાજકીય રીતે તટસ્થ છે અને ત્યાં તમામ રાજકીય પક્ષના નેતાઓ આવે છે અને તેઓ સંસ્થાના પદાધિકારી તરીકે તેમને મળે છે. સંસ્થાના અનેક ટ્રસ્ટીઓ અલગ-અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે.
પાટીદારોની પૃષ્ઠભૂમિ
પાટીદારો કણબી કે પટેલ તરીકે પણ ઓળખાય છે. તેઓ યુપી-બિહારમાં કુર્મી તરીકે ઓળખાય છે, જે કૃષિવ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં પાટીદારોની વસતિ 18 ટકા (2017માં) જેટલી છે, જેમાં લેઉઆ પટેલ 70 ટકા તથા કડવા પટેલ 30 ટકા આસપાસ છે. લેઉઆ પાટીદારો મહદંશે સૌરાષ્ટ્ર અને સુરતમાં કેન્દ્રિત છે, જ્યારે કડવા પાટીદારો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર સંખ્યામાં છે.
'અ સોશિયલ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા'માં એસ. એન. સદાશિવન (પેજ નં. 257) લખે છે, "1931માં જ્ઞાતિઆધારિત ગણતરી થઈ, ત્યારે તેમની (પાટીદારોની) કણબી તરીકે નોંધ થઈ હતી. મરાઠા શાસનકાળમાં કણબી સારી રીતે ગુજરાતી ઉપરાંત મરાઠી બોલી શકતા હતા. આથી મહેસૂલ વસૂલવા માટે તેમની પસંદગી કરવામાં આવતી. તેમને દેસાઈ, અમીન અને પટેલ જેવા ઇકલાબ આપવામાં આવ્યા. તેમને ખેતી માટે મોટા પટ્ટા મળેલા હોવાથી તેઓ પાટીદાર તરીકે પણ ઓળખાયા. આગળ જતાં તેઓ આ જમીનના માલિક પણ બન્યા. "
કડવા તથા લેઉઆ પાટીદારો વિશે તેઓ નોંધે છે, "કડવા પાટીદારો રામના પુત્ર કુશના, જ્યારે લેઉઆ લવના પુત્રના વંશજો હોવાની માન્યતા છે. જ્યારે કેટલાક નિષ્ણાતોના મતે લેઉઆએ રેવાનો અપભ્રંશ છે, જે નર્મદા નદીનું સ્થાનિક નામ છે. જ્યારે કડવાએ ગાયકવાડ શાસન દરમિયાનના કડી વિસ્તાર ઉપરથી ઉતરી આવેલું નામ છે."
કડવા અને લેઉઆ પાટીદારો પરંપરાગત રીતે પૂરક કરતાં હરીફ વધુ રહ્યાં છે. બંનેના સામાજિક રીતરિવાજો અને માન્યતાઓ અલગ-અલગ છે. લેઉઆ પાટીદારો માટે ખોડિયાર માતા આરાધ્ય છે, જ્યારે ઉમા માતા કડવા પાટીદારોના કૂળદેવી છે.
કડવા તથા લેઉઆ પાટીદાર સમાજની અટકો મોટાભાગે સમાન હોય છે, છતાં તેમની વચ્ચે લગ્નજોડાણ સામાન્ય નથી. અગાઉ મધ્ય ગુજરાતના લેઉઆ પાટીદારોમાં નજીક છ ગામમાં લગ્ન કરવાની પરંપરા હતી, જ્યારે કડવા પાટીદારોમાં 'સાટ્ટા-પાટ્ટા'ની પ્રથા પ્રચલિત હતી. મતલબ કે યુવતીના (કે વિપરીત) ભાઈનું લગ્ન ભાવિ પતિનાં બહેન કે પરિવારનાં બહેન સાથે થાય.
કેશુભાઈ પટેલ બીજી વખત મુખ્ય મંત્રી બન્યા તે પછી તથા આનંદીબહેન પટેલ મુખ્ય મંત્રી બન્યા, ત્યારે તેમણે કડવા-લેઉઆ વચ્ચેના મતભેદોને ભૂલાવીને બંનેને એક કરવા આહ્વાન કર્યું હતું. સંયુક્ત સમૂહભોજનો અને સમૂહલગ્ન જેવા પ્રયાસ કર્યા હતા.
પાટીદાર અને સત્તા
પ્રારંભિક સમયમાં વલ્લભભાઈ પટેલને કારણે મોટી સંખ્યામાં પાટીદારો કૉંગ્રેસ તરફ આકર્ષાયા. તેમણે બારડોલી, ખેડા અને રાસ સત્યાગ્રહમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આઝાદી પછી ગુજરાતમાં સહકાર ક્રાંતિ, હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિને કારણે પાટીદારોની આર્થિકસ્થિતિ સુધરી અને કૉંગ્રેસ સાથેની નિકટતા વધતી ગઈ.
દાયકાઓના પરિશ્રમ અને આર્થિક-સામાજિક વર્ચસ્વને કારણે આજે પાટીદારો હીરા, કન્સ્ટ્રક્શન, દવા તથા હોટેલ ઉદ્યોગમાં વર્ચસ્વ ધરાવે છે. આ સિવાય છેલ્લા ચાર-પાંચ દાયકાથી ભણવા અને આજીવિકાના માટે યુકે, યુએસ અને કૅનેડા જવાનું ચલણ વધ્યું છે. આ સિવાય આફ્રિકન દેશોમાં પણ પાટીદારોની સંખ્યા નોંધપાત્ર છે.
1975માં ગુજરાત પરથી કૉંગ્રેસની પકડ ઢીલી પડી અને જનતા મોરચાની સરકાર બની. કૉગ્રેસના નેતા માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોને (KHAM) સાથે લઈને 182માંથી 149 બેઠક જીતી. જેના કારણે પાટીદારોનું રાજકીય કદ ઘટી ગયું. નવા રાજકીય પરિદૃશ્યમાં તેઓ તેઓ જનસંઘ અને પછી ભાજપ તરફ સરક્યા.
ભાજપના પૂરોગામી જનસંઘે સમાજના અલગ-અલગ વર્ગના લોકોને પોતાની સાથે જોડવાના પ્રયાસ હાથ ધર્યા, ત્યારે શંકરસિંહ વાઘેલાએ ઉત્તર ગુજરાતના તબીબ એકે પટેલને જનસંઘમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. શરૂઆતમાં ખચકાટ બાદ 'એકે' જનસંઘમાં જોડાઈ ગયા. તેમના વિજયમાં કડવા પાટીદાર સમાજનું મોટું પ્રદાન હતું.
ગુજરાતમાં બાબુભાઈ પટેલ (લેઉઆ), ચીમનભાઈ પટેલ (લેઉઆ), કેશુભાઈ પટેલ (લેઉઆ), આનંદીબહેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ (કડવા) એમ પાંચ પાટીદારો મુખ્ય મંત્રી બન્યા છે. આનંદીબહેન પટેલ લેઉઆ પટેલ છે, પરંતુ તેમનું લગ્ન કડવા પાટીદાર સાથે થયું છે. ચીમનભાઈ, બાબુભાઈ તથા કેશુભાઈએ બે-બે વખત પદભાર સંભાળ્યા છે.
ભાજપ અને મંદિર પૉલિટિક્સ
છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ભાજપના ઉદયની સાથે ગુજરાતના રાજકારણમાં મંદિરોનું મહત્ત્વ વધ્યું છે. ભાજપ હિંદુધર્મના અન્ય સંપ્રદાયો તથા શક્તિના કેન્દ્રો સાથે પણ સંપર્ક જાળવી રાખે છે. ચાહે તે સ્વામીનારાયણ સંપ્રદાય હોય, મોરારી બાપુ, રમેશ ઓઝા, સ્વામી રામદેવ કે શ્રી શ્રી રવિશંકર. અગાઉ વિવાદાસ્પદ કથાકાર આસારામના મંચ પર લાલકૃષ્ણ અડવાણીથી લઈને નરેન્દ્ર મોદી જેવા ભાજપના નેતા જોવા મળ્યા છે.
હિંદુ સમાજ અલગ-અલગ જ્ઞાતિ, સમાજ અને સંપ્રદાયમાં વહેંચાયેલો છે. ભાજપ 1992માં રામ મંદિર આંદોલન, 2002માં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા તોફાનો, 2014માં વિકાસ અને હિંદુત્વના નામે સમાજને પોતાને પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો.
જોકે, ભાજપ ભાવનાત્મક મુદ્દે હિંદુઓને વધુ સમય સુધી એક ન રાખી શક્યો. વર્ષ 2015માં પાટીદારોએ સરકારી નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી ક્વૉટાની માગ કરી. તેનું નેતૃત્વ હાલમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કરી રહ્યા હતા.
હિંદુ સમાજના આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોને ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) અનામત મળે છે. આથી, ભાજપની જ પરંપરાગત મતબૅન્કમાં ફાટ પડી હતી. જેને ભરવા માટે છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીએ પ્રયાસ હાથ ધર્યા છે.
ખોડલધામ વિશે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ માને છે, "રાજકારણમાં ધર્મને લાવીને તેનો ઉપયોગ કરવો કે જ્ઞાતિનાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવો યોગ્ય નથી, પરંતુ ભારતીય રાજકારણમાં એ જ ચાલતું આવે છે."
"ખોડલધામ તથા તેનું નેતૃત્વ ગુજરાતમાં જેની સરકાર હોય, તેની સાથે રહે છે કારણ કે તેઓ મોટા ભાગે ઉદ્યોગપતિઓ છે અને તેમને ગુજરાતમાં સરકારની વિરુદ્ધ જવું પોષાય તેમ નથી. તેઓ સતત બેઠકો અને કાર્યક્રમો આપીને હાજરી આપતા રહે છે."
તેમણે ઉમેર્યું હતું, "સત્તા જેની હોય ત્યાં પટેલોની વગ ચાલે જ છે અને જે સત્તા ઉપર હોય તેની સાથે રહેવાનું પસંદ કરે છે અને તેની સામે નથી જતા. એટલે ત્રણેય પક્ષમાંથી (ભાજપ, કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટી) જેની સરકાર આવશે, પટેલો તેમની સાથે રહેશે. ખોડલધામ હોય, ઉમિયાધામ હોય કે અર્બુદાધામ, આ બધી સંસ્થાઓ પોતાનું રાજકારણ ચાલે તે માટે રાજકીય પક્ષોનો સહારો લે છે અને રાજકીય પક્ષો તેમનો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો