You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્ઞાતિપ્રથા-ધર્મ: ઓળખમાંથી અટક અને રિલિજીયન કાઢવા ગુજરાત હાઈકોર્ટમાં જનાર યુવતી કોણ છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"નામ પાછળ જ્ઞાતિ અને ધર્મ લાગે છે, એથી હું વ્યથિત થઉં છું, મારા નામ પાછળ લાગતી ધર્મ અને જ્ઞાતિની ઓળખ મને લોકોથી અલગ કરે છે. એટલે મારે ધર્મ અને જ્ઞાતિ જોઈતાં નથી, મારી ઓળખ માત્ર માણસ તરીકે થવી જોઈએ."
આ શબ્દો ગુજરાતનાં યુવતી કાજલ મંજુલાના છે.
મૂળ ચોરવાડનાં અને અત્યારે સુરતના શેલ્ટર હોમમાં રહેતાં કાજલ મંજુલાએ ગુજરાત હાઈકોર્ટમાં ગુહાર લગાવી છે કે મારા નામ પાછળથી જ્ઞાતિ અને ધર્મ કાઢવામાં આવે.
આઈ.ટી.માં એમ.એસ.સી. સુધીનો અભ્યાસ કરનારાં કાજલના પિતા શિક્ષક હતા, તેમનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો છે.
'નો કાસ્ટ, નો રિલિજિયન'માં માનતાં કાજલ
'નો કાસ્ટ, નો રિલિજિયન'માં માનતાં કાજલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું બ્રાહ્મણ કુટુંબમાં જન્મી છું, મારાં માતાપિતા શિક્ષક-શિક્ષિકા હતાં. ચોરવાડ જેવા નાના ગામમાં જાતપાત અને ધર્મનું મહત્ત્વ ઘણું હતું."
"અન્ય જ્ઞાતિના લોકો સાથે ઊઠવા-બેસવાનું થાય ત્યારે લોકો ટીકા કરતા હતા, પરંતુ મારાં માતાપિતા આ વાત માનતા નહીં."
કાજલ નાનાં હતાં, ત્યારે જ તેમનાં માતા મંજુલાબહેનનું અવસાન થયું હતું. તેમના પિતાના માથે કાજલ અને તેમના મોટા ભાઈના ઉછેરની જવાબદારી હતી. જેથી સમાજના દબાણને વશ થઈ તેમના પિતાએ બીજાં લગ્ન કર્યાં હતાં.
કાજલ કહે છે કે "મારી સાવકી માતા નાતજાતમાં માને, એટલે અમારે ખટરાગ થતો હતો. સાવકી માતા એમનાં બાળકો અને અમારાં વચ્ચે ભેદભાવ રાખતી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આથી મારા પિતાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. મને અમદાવાદ ભણવા મૂકી, 11મા ધોરણથી હું અમદાવાદ ભણવા આવી. જોડે નોકરી પણ કરતી હતી."
"એવામાં મારા ભાઈએ મારી જાણ બહાર મમ્મીની ખાલી જગ્યાએ રહેમરાહે નોકરી મેળવવા અરજી કરી અને એમાં મને અને મારા પિતાને આશ્રિત બતાવ્યાં, જેની સામે મેં વાંધો ઉઠાવ્યો."
"મારે અને મારા ભાઈના સંબંધો બગડી ગયા, કારણ કે હું વાંધો ઉઠાવું તો એને મળેલી સરકારી નોકરી ઘોંચમાં પડી જાય."
કાજલ કહે છે કે એ સમયમાં કૌટુંબિક ઝઘડાના કારણે તેમની નોકરી છૂટી ગઈ, છતાં તેમણે આઈ.ટી.માં એમ.એસ.સી. કર્યું.
'બીજી જ્ઞાતિના દોસ્તો બનાવું એનાથી લોકોને વાંધો'
કાજલ કહે છે કે તેઓ બીજી જ્ઞાતિના દોસ્તો બનાવે એની સામે ઘણાને વાંધો હતો.
તેમણે કહ્યું કે, "જ્ઞાતિમાં મને બદનામ કરવાનું શરૂ કર્યું, હું બ્રાહ્મણ હોવાથી હું બીજાનાં ટિફિનમાં જમું તો એમને આશ્ચર્ય થતું અને મારી સાથે કામ કરનારા બીજા બ્રાહ્મણો મારાથી દૂર રહેતા હતા."
"છેવટે હું કંટાળી ગઈ, નાતજાતના ભેદભાવથી મને માનસિક ત્રાસ થાય છે. આજે હું ઘરેથી નીકળીને સુરતના શેલ્ટર હોમમાં રહું છું."
"તો લોકો કહે છે કે બ્રાહ્મણ હોવા છતાં શેલ્ટર હોમમાં રહે છે, નોકરી આપતી વખતે જુદી નજરે જુએ છે. એટલે મેં નક્કી કર્યું છે કે મારા નામ પાછળથી ધર્મ અને જ્ઞાતિને દૂર કરવાં છે."
વકીલ શું કહે છે?
કાજલનો કેસ લડી રહેલા ગુજરાત હાઈકોર્ટના વકીલ ધર્મેશ ગુર્જરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં આ પ્રથમ મહિલા છે કે જેમણે કોર્ટમાં 'નો કાસ્ટ, નો રિલિજિયન' માટે અરજી કરી છે.
તેમણે કહ્યું કે, "એમનો કેસ લેતી વખતે હું એક વાતથી સહમત થયો હતો કે ઘણા લોકો જ્ઞાતિ અને ધર્મના ભેદભાવને કારણે પરેશાન છે, જો એક બ્રાહ્મણ મહિલા આ પગલું લે તો સમાજમાં ઘણો ફરક પડી શકે."
તેઓ કહે છે કે આ પહેલાં મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે કે જેમાં એક મહિલાને 'નો કાસ્ટ, નો રિલિજયન' સર્ટિફિકેટ આપ્યું છે.
સુરતમાં રહેતાં કાજલે મંજુલાએ પોતાની અટક હઠાવીને નામની પાછળ માતાનું નામ મૂક્યું છે.
તેમનું માનવું છે કે જો તેમને 'નો કાસ્ટ, નો રિલિજિયન'નું સર્ટિફિકેટ મળે તો પાસપોર્ટ, આધારકાર્ડમાંથી જ્ઞાતિ અને ધર્મ હઠાવી શકે અને નોકરી વખતે પણ કોઈ એને જ્ઞાતિવિષયક સવાલ ન પૂછે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો