પાકિસ્તાન : એ 'સપનું', જે જોયા બાદ મહિલાઓએ શિક્ષિકાની હત્યા કરી નાખી

    • લેેખક, અજીજજુલ્લાહ ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ, પેશાવર

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના પશ્ચિમ જિલ્લા ડેરા ઇસ્માઇલ ખાનના પોલીસે જણાવ્યું છે કે મદરેસાના દરવાજાની બહાર કથિતપણે ત્રણ મહિલાએ એક યુવા શિક્ષિકાની હત્યા કરી નાખી છે. તે સમયે શિક્ષિકા ભણાવવા પહોંચ્યાં હતાં.

આ ઘટના મંગળવારે સવારે ડેરા ઇસ્માઇલ ખાન વિસ્તાર અંજુમાબાદમાં થઈ હતી. જે બાદ પોલીસે ત્રણ મહિલાની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

પીડિતાના કાકાની ફરિયાદ દાખલ થઈ તે અંગેના પ્રાંરભિક અહેવાલ મુજબ નોંધાયેલા કેસ મુજબ ઘટના મંગળવારે બની હતી.

પીડિતાના કાકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જે મદરેસામાં તેમની ભત્રીજી ભણાવતી હતી તે જગ્યાના મૅનેજરે સવારે તેમના ઘરે ફોન કરી જણાવ્યું હતું કે મદરેસાના દરવાજા પર તેમની ભત્રીજી પર જીવલેણ હુમલો થયો છે. જે બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ગલીમાં જ પડી હતી.

ડીપીઓ ડેરા ઇસ્માઇલ ખાને પત્રકારો સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે ત્રણ મહિલાઓ મળીને 21 વર્ષીય યુવતીની મદરેસાની બહાર હત્યા કરી નાખી.

તેમણે જણાવ્યું કે, "તે મહિલાઓ અંગેની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આ મહિલાઓના અન્ય સંબંધીએ સપનામાં જોયું હતું કે પીડિતાએ ઈશ્વરનિંદા કરી છે, જેના કારણે તેમણે હત્યા કરી છે."

ડીપીઓના જણાવ્યા અનુસાર, "અમે અન્ય પ્રકારની આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે કે આ ઘટના કોઈ સ્વપ્નના લીધે થઈ છે કે એની પાછળ અન્ય કોઈ કારણ છે."

'મદરેસા પહોચ્યા તો ભત્રીજીનું ગળું કપાયેલું હતું'

પીડિતાના કાકાએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ સમાચાર સાંભળીને હું તરત ત્યાં પહોચ્યો હતો. તો મદરેસાના દરવાજા પર ભત્રીજીને ગંભીર હાલતમાં જોવા મળી હતી. તેનું ગળું કપાયેલું હતું અને તેનું મોત થઈ ચૂક્યું હતું."

પીડિતાના કાકાના જણાવ્યા અનુસાર, તેઓને જાણવા મળ્યું કે હંમેશાં પ્રમાણે જ્યારે તેમનાં ભત્રીજી રિક્ષામાં મદરેસામાં પહોંચ્યાં, ત્યારે મદરેસાના યુનિફૉર્મમાં પહેલેથી જ કેટલાંક મહિલાઓ ત્યાં હાજર હતાં, જેમણે કથિતપણે તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો અને તેમનાં ભત્રીજીનું ગળું કાપી નાખ્યું.

તેમના કહેવા પ્રમાણે, ઘટનાના સાક્ષીઓ સ્થાનિક લોકો પણ સામેલ હતા. પોલીસ રિપોર્ટ અનુસાર, પીડિતાના કાકાએ કહ્યું છે કે તેમને તેમનાં ભત્રીજી અને આરોપી વચ્ચેની દુશ્મનીના કારણ અંગે કોઈ જાણકારી નહોતી.

પોલીસ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે, "પીડિતાના પિતા અને ભાઈ વિદેશમાં રહે છે, તેથી તેના કાકાએ પોલીસને નિવેદન આપ્યું છે."

પીડિતા જ્યાં ભણાવતાં હતાં તે મદરેસાના મૅનેજર મૌલાના શફીઉલ્લાએ બીબીસીને જણાવ્યું કે, "પીડિતા પાછલાં બે વર્ષથી તે મદરેસામાં જોડાયેલી હતી."

મૌલાના શફીઉલ્લાહનો દાવો છે કે આરોપીઓ અન્ય મદરેસાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મહિલાઓમાં બે બહેનો અને તેમનાં એક પિતરાઈ છે, જેમાંથી એક શિક્ષિકા પણ છે.

હત્યાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ

પોલીસના જણાવ્યાનુસાર, આ હત્યાનું કારણ ઈશનિંદા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેમને એવો કોઈ સાક્ષી મળ્યો નથી જે ઈશનિંદાની ખરાઈ કરી શકે.મદરેસાના મૅનેજર મૌલાના શફીઉલ્લાએ બીબીસી સાથે વાત કરતાં કોઈ પણ પ્રકારની ઈશનિંદાનો ઇનકાર કર્યો હતો.

પોલીસ તરફથી પીડિતાના પોસ્ટમૉર્ટેમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જ્યારે કેસ નોંધાયા બાદ તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે ઉગ્રવાદ સામેની લડાઈ દરમિયાન ડેરા ઈસ્માઈલ ખાન શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસાની ઘણી ઘટનાઓ સામે આવી છે.

શહેરમાં પાછલા કેટલાક સમયથી ટાર્ગેટ કિલિંગના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. એક દિવસ પહેલાં કુલાચી વિસ્તારમાં ઘરના દરવાજા પર ફાયરિંગ કરીને એક પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો