You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન યુદ્ધ સમયે ભારત કેમ રશિયામાંથી વધુ ખનીજ તેલ ખરીદી રહ્યું છે?
- લેેખક, શ્રુતિ મેનન
- પદ, બીબીસી રિયાલિટી ચેક
પશ્ચિમ તરફથી પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે ત્યારે રશિયા પોતાના ખનીજ માટે નવા ગ્રાહકો શોધી રહ્યું છે અને ભારત તેનો ફાયદો ઉઠાવીને ઓછા ભાવે મળી રહેલા રશિયન ઑઇલની આયાત વધારી રહ્યું છે.
અમેરિકાનું કહેવું છે કે ખનીજ તેલની આયાત પર પ્રતિબંધો લાગુ પડતા નથી, પરંતુ "રશિયાને સમર્થન આપવું, એ દેખીતી રીતે જ વિનાશ વેરી રહેલા આક્રમણને સમર્થન આપવા બરાબર છે".
ભારત ક્યાં ક્યાંથી ખનીજ તેલની આયાત કરે છે?
અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વમાં સૌથી વધારે ક્રૂડ ઑઇલનો ઉપયોગ કરનારો દેશ છે અને તેમાંથી 80% જથ્થાની ભારતે આયાત કરવી પડે છે.
2021ના વર્ષમાં ભારતે રશિયામાંથી 1.2 કરોડ બૅરલ ઑઇલની આયાત કરી હતી, જે દેશની કુલ આયાતનું માત્ર 2% જેટલું થાય છે.
ગત વર્ષે ભારતે સૌથી વધુ ખનીજ તેલ મધ્યપૂર્વમાંથી જ આયાત કર્યું છે, જ્યારે અમેરિકા અને નાઇજીરિયામાંથી પણ ઠીક ઠીક પ્રમાણમાં આયાત કરી છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનામાં ભારતે રશિયામાંથી ખનીજ તેલની આયાત કરી નહોતી.
પરંતુ માર્ચ અને એપ્રિલ મહિનામાં આયાત કરવા માટેના કરાર થયા છે, તેના મારફત 60 લાખ બૅરલની આયાત થશે એમ કૉમૉડિટીઝ રિસર્ચ ગ્રૂપ Kpler દ્વારા સંકલિત થયેલા આંકડા દર્શાવી રહ્યા છે.
જોકે ભારત સરકારનું કહેવું છે કે રશિયામાંથી ખનીજ તેલની આયાત વધારવામાં આવે તો તે પછી પણ "તે કુલ આયાતમાં માત્ર ટીપાં જેટલી જ રહેશે, બહુ જ ઓછી".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતને કેવી ફાયદાકારક ડીલ મળી રહી છે?
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પછી રશિયાના યુરલ ક્રૂડ ઑઇલ માટેની માગ ઘટી ગઈ હતી અને તેના ભાવમાં ઘટાડો થયો છે.
Kplerના વિશ્લેષક મેટ સ્મિથના જણાવ્યા અનુસાર "ભારતે ચોક્કસ કયા ભાવે ખરીદી કરી છે તે આપણે જાણતા નથી, પણ ગયા અઠવાડિયે યુરલ ઑઇલમાં બ્રેન્ટ ક્રૂડ પ્રાઇસ પ્રમાણે ડિસ્કાઉન્ટ વધીને બૅરલદીઠ $30 સુધી પહોંચ્યું છે."
સામાન્ય રીતે યુરલ ઑઇલ અને બ્રેન્ટ ઑઇલના ભાવ સરખા રહેતા હતા.
પરંતુ યુરલ ઑઇલના ભાવો ઘટતા જ રહ્યા છે અને માર્ચમાં એક તબક્કે યુરલ ઑઇલના ભાવ બ્રેન્ટ સામે સૌથી ઓછા વિક્રમી સ્તરે પહોંચી ગયા છે એમ તેમનું કહેવું છે.
તેઓ કહે છે, "આના કારણે ભારત અને ચીન ડિસ્કાઉન્ટ ભાવે રશિયામાંથી સારું એવું ક્રૂડ ઑઇલ ખરીદે તેવી શક્યતા છે."
આર્થિક પ્રતિબંધોની શી અસર થઈ રહી છે?
ભારતની રિફાઇનરી રશિયામાંથી સસ્તા ભાવે ઑઇલ આયાત તો કરે છે, પરંતુ તેની ચુકવણી માટેની સમસ્યા છે, કેમ કે રશિયાની બૅન્કો પર પ્રતિબંધો લાગેલા છે.
બૅન્કો પર પ્રતિબંધોને કારણે બંને તરફી વેપારમાં મુશ્કેલીઓ આવી રહી છે.
બ્લૂમબર્ગના ફાઇનાન્શિયલ એનાલિસ્ટ્સના અંદાજ અનુસાર રશિયામાં નિકાસ કરનારા ભારતના નિકાસકારોએ હાલમાં $50 કરોડ ડૉલર જેટલાં નાણાં મેળવવાના છે.
ભારત આમાંથી એક માર્ગ એવો કાઢવા માગે છે બંને દેશોના ચલણથી વેપાર કરવામાં આવે. તે પ્રમાણે રશિયામાંથી વેપારીઓ ભારતના નિકાસકારોને ડૉલર કે યુરોના બદલે રૂબલમાં ચુકવણી કરી શકે છે.
ભારત બીજા કયા દેશોમાંથી ખનીજ તેલની આયાત કરે છે?
રેફિનિટિવ ખાતેના એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનાથી ભારતે અમેરિકામાંથી આયાત થતા ખનીજ તેલનું પ્રમાણ પણ ઘણું વધાર્યું છે.
જોકે લાંબો સમય સુધી અમેરિકામાંથી વધારે આયાત થઈ શકે તેમ નથી, કેમ કે અમેરિકા પોતાને ત્યાં ઉત્પાદિત થતા ખનીજ તેલને સ્થાનિક ધોરણે વાપરવા માગે છે, જેથી યુક્રેન-યુદ્ધ રશિયામાંથી ઘટેલી આયાતની ઊણપને પૂરી કરી શકાય.
એવી પણ ચર્ચા છે કે ઈરાન સાથેના વેપાર પણ શરૂ થઈ શકે છે, કેમ કે રશિયાની જેમ જ ઈરાન સાથે પણ બાર્ટર સિસ્ટમથી ખનીજ તેલની આયાત થઈ શકે છે.
અમેરિકાએ ત્રણ વર્ષ પહેલાં ઈરાન પર નવેસરથી પ્રતિબંધો મૂક્યા તેના કારણે આ રીતે બાર્ટર સિસ્ટમથી થતો વેપાર અટક્યો હતો.
જોકે અણુ કાર્યક્રમના સંદર્ભમાં ઈરાન સાથે આંતરરાષ્ટ્રીય સમજૂતીની દિશામાં પ્રગતિ થાય તે પછી જ આ રીતે ઈરાન સાથે વેપાર થઈ શકે તેમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો