ચીનમાં કોરોનાના લીધે બે વર્ષનું સૌથી મોટું લૉકડાઉન, શાંઘાઈ ઠપ

ચીનમાં આર્થિક પ્રવૃત્તિઓ તથા ઉત્પાદન માટેનું હબ મનાતા શાંઘાઈમાં સોમવારથી લૉકડાઉન લાદવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં કોરોના વાઇરસે ચીનમાં દેખા દીધી, તે પછીનું આ સૌથી મોટું લૉકડાઉન છે.

એવી આશંકા સેવાઈ રહી છે કે પેટ્રોલિયમ પેદાશોની માગ ઘટશે, જેના પગલે આંતરરાષ્ટ્રીય તેલબજારમાં બ્રૅન્ટ ક્રૂડઑઇલના ભાવમાં પાંચ ડૉલર જેટલો ઘટાડો નોંધાયો છે.

ક્રૂડઑઇલના ભાવો માટે આંતરરાષ્ટ્રીય સૂચકાંક મનાતા બ્રૅન્ટ ક્રૂડના વાયદામાં 4.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 115.50 ડૉલર પ્રતિ બેરલ સુધીનો ઘટાડો નોંધાયો હતો.

આમ છતાં ક્રૂડઑઇલના ભાવ એક વર્ષ પહેલાંના ભાવો કરતાં લગભગ 80 ટકા વધુ છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભાવોમાં ઘટાડો નથી થઈ રહ્યો.

શરૂઆતમાં શાંઘાઈ કમ્પૉઝિટ સ્ટૉક ઇન્ડેક્સમાં કડાકો બોલી ગયો હતો. જોકે દિવસના અંત સુધીમાં તેમણે મોટાભાગના નુકસાનની ભરપાઈ કરી લીધી હતી.

'લૉકડાઉનની માઠી અસર નહીં થાય'

એસપીઆઈ ઍસેટ મૅનેજમૅન્ટના મૅનેજિંગ પાર્ટનર સ્ટિફન ઇનિસના કહેવા પ્રમાણે, ટ્રૅડર્સમાં ચીનની 'ઝીરો કોવિડ પોલિસી'ની સફળતા વિશે સંશય પ્રવર્તે છે.

રોકાણકારોને મોકલેલી નોટમાં તેમણે લખ્યું કે, "સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની તથા તેના કારણે માગમાં ઘટાડો થવાની આશંકા સેવાઈ રહી છે."

સાથે જ ઉમેર્યું, "આ હિમશિલાની ટોચમાત્ર હોય શકે છે."

જોકે, હૅંગસૅંગ બૅન્કના ચીફ ઇકૉનૉમિસ્ટ ડેન વાંગે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે લૉકડાઉનની માઠી અસર નહીં થાય અને સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ ઊભો નહીં થાય, કારણ કે આ વખતે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

બૅન્કો દ્વારા ઉદ્યોગો અને સામાન્ય લોકોને 'નોંધપાત્ર રીતે ઓછા' દરે લૉન આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે, એવી અપેક્ષા સેવાઈ રહી છે.

હમણાં સુધી ચીનના સત્તાધીશોએ દેશના અર્થતંત્રને નુકસાન ન થાય તે માટે લગભગ અઢી કરોડની વસતી ધરાવતા આ શહેરમાં લૉકડાઉન લાદવાનું ટાળ્યું હતું.

આવી રીતે લદાશે લૉકડાઉન

શાંઘાઈમાં બે તબક્કામાં નવ દિવસનું લૉકડાઉન લાદવામાં આવ્યું છે તથા આ અરસામાં કોવિડ-19 પરીક્ષણ હાથ ધરવામાં આવશે.

સોમવારથી શહેરમાં નદીથી પૂર્વના વિસ્તારમાં લૉકડાઉન પરીક્ષણ હાથ ધરવામાં આવશે, જ્યારે શુક્રવારથી પશ્ચિમ ભાગમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે. આમ તબક્કાવારના લૉકડાઉનને કારણે અડધું શહેર ધબકતું રહેશે.

છેલ્લા એક મહિનાથી શહેરમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. કેટલાક આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે, નવા નોંધાયેલા કેસોની સંખ્યા ખાસ વધુ નથી.

આ પહેલાં ચીનના ટેકનૉલૉજી હબ શેનઝેન ખાતે લૉકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે લાખો લોકોને અસર પહોંચી હતી.

શાંઘાઈમાં જાહેર પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે તથા શહેરની ફેકટરીઓ અને ઉત્પાદન એકમોને તેમની કામગીરી અટકાવી દેવા અથવા ઘરેબેઠાં કામ કરવા માટે આવ્યું છે.

છેલ્લા એક મહિનાથી શાંઘાઈના અનેક એકમોએ કામગીરી બંધ કરી દીધી છે. આ સિવાય શાંઘાઈ ડિઝની રિસૉર્ટે "હાલની મહામારીની સ્થિતિ"ને જોતા અનિશ્ચિતકાળ માટે કામગીરી બંધ કરી દીધી છે.

શાંઘાઈથી બીબીસી સંવાદદાતા રોબિન બ્રાન્ટ જણાવે છે, "ચીનના નેતાઓને લાગતું હતું કે તેમને કોરોનાના વાઇરસને 'ઝીરો કોવિડ પોલિસી'થી મ્હાત આપવામાં સફળતા મેળવી છે, પરંતુ તાજેતરમાં નોંધાયેલા નવા કેસોને કારણે તેની કસોટી થઈ રહી છે."

"કોવિડનો ફેલાવો અટકાવવા માટે કડકહાથે કામગીરી કરવામાં આવી છે."

"જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પૉઝિટિવ આવે તો તેને હૉસ્પિટલે મોકલી દેવામાં આવે છે અથવા બળજબરીપૂર્વક ક્વોરૅન્ટીન કરી દેવામાં આવે છે. જાહેરપરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે અને જો કોઈને બહાર નીકળવું હોય તો નૅગેટિવ રિપોર્ટ દેખાડવો જરૂરી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો