You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયાએ વ્યૂરચના બદલી કે નિષ્ફળતા સ્વીકારી લીધી?
- લેેખક, પૉલ એડમ્સ
- પદ, બીબીસી ન્યૂઝ
યુક્રેન સામેની લડાઈમાં રશિયન સૈન્યે તેની વ્યૂહરચનામાં ફેરફાર કરવો પડી રહ્યો છે? યુક્રેન વિશેની રશિયાની મહત્ત્વાકાંક્ષામાં પણ થોડો ઘટાડો થશે?
આવું કહેવું અત્યારે તો ઉતાવળભર્યું ગણાશે, પરંતુ યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાના વલણમાં ફેરફાર થયો છે તે નિશ્ચિત છે.
રશિયન સૈન્યના ટોચના અધિકારી સર્ગેઈ રત્સ્કોયએ જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે જે "વિશેષ સૈન્ય અભિયાન"ની જાહેરાત કરી હતી, તેનો "પ્રથમ તબક્કો" લગભગ પૂર્ણ થઈ ગયો છે. રશિયન સૈન્ય હવે "ડોનબાસ ક્ષેત્રને સંપૂર્ણ રીતે આઝાદ કરાવવા" પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
આ નિવેદનનો સંભવિત અર્થ એ છે કે હવે દેશના પૂર્વ હિસ્સામાં યુક્રેન સરકારના શાસન હેઠળના હિસ્સા અને રશિયાનો ટેકો ધરાવતા અલગતાવાદી દોનેત્સ્ક તથા લુહાંસ્કને "સ્વાયત્ત ગણરાજ્યોને" અલગ કરતી "લાઇન ઑફ કૉન્ટેક્ટ"ને વધારે પાછી ધકેલવાના પ્રયાસ કરવામાં આવશે.
યુક્રેનના અન્ય હિસ્સાઓમાં પણ રશિયન સૈન્યના આગળ વધવાની ગતિ હવે ધીમી પડી રહી છે.
રશિયન સૈન્યને રાજધાની કિએવમાંથી પાછું ધકેલવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે રશિયાના સૈનિકો હવે ડિફેન્સિવ પૉઝિશનમાં એટલે કે બચાવની સ્થિતિમાં આવી રહ્યા છે, જેથી તેમણે કબજે કરેલા અન્ય પ્રદેશો પણ તેમણે ગુમાવવા ન પડે.
રશિયા કિએવને કબજે કરવાના પોતાના ઇરાદાથી પીછેહઠ કરી રહ્યું છે એવું કહેવું અત્યારે ઉતાવળભર્યું ગણાશે, પરંતુ પશ્ચિમના દેશોના અધિકારીઓનું કહેવું છે કે રશિયા એક પછી એક ફટકાઓનો સતત સામનો કરી રહ્યું છે.
પશ્ચિમી દેશોના અધિકારીઓએ શુક્રવારે દાવો કર્યો હતો કે રશિયાએ આ યુદ્ધમાં તેના એક વધુ જનરલને ગુમાવ્યા છે અને આ તેના સૈન્યના સાતમા વરિષ્ઠ અધિકારીનું મોત છે. આ કારણે રશિયાની કેટલીક સૈન્ય ટુકડીઓનું મનોબળ તૂટ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમી દેશો માને છે કે જનરલ સર્ગેઈ રત્સ્કોયની જાહેરાત એ વાતનો સંકેત છે કે યુદ્ધ પહેલાંની પોતાની મહત્ત્વાકાંક્ષી વ્યૂહરચના નિષ્ફળ રહી હોવાનો સ્વીકાર રશિયા કરી રહ્યું છે.
એક અધિકારીએ કહ્યું હતું કે "પોતે એકસાથે અનેક મોરચે અભિયાન આગળ વધારી શકે તેમ નથી એવું રશિયા હવે માનતું થયું છે."
અધિકારીઓના જણાવ્યા મુજબ, રશિયન બટાલિયનના ઓછામાં ઓછા દસ નવાં ટેક્ટિકલ ગ્રૂપ બનાવવામાં આવી રહ્યાં છે અને તેઓ હવે ડોનબાસ તરફ આગળ ધપી રહ્યાં છે.
ગયા મહિને યુદ્ધ શરૂ થયું એ પહેલાં જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે રશિયા યુક્રેનના સૈન્યની સર્વોત્તમ ટુકડીઓને ઘેરવામાં પોતાની તમામ તાકાત લગાવી દેશે. એ ટુકડીઓ લાઇન ઑફ કૉન્ટેક્ટ પર તહેનાત જૉઈન્ટ ફોર્સિસ ઑપરેશન(જેએફઓ)નો હિસ્સો છે.
પીછેહઠનો અર્થ
રશિયાની વ્યૂહરચનામાં ફેરફારનો એક હેતુ, દોનેત્સ્ક અને લુહાંસ્કમાં તહેનાત તેનાં લશ્કરી દળોને ખારકીએવ અને ઈઝિમથી દક્ષિણ તરફ આગળ વધતા સૈનિકો સાથે જોડવાનો પણ હોઈ શકે છે.
અઝોવ સમુદ્ર પાસેના મારિયુપોલ બંદરને રશિયા આખરે કબજે કરી લે તો તે અન્ય લશ્કરી દળોને જેએફઓને ઘેરો ઘાલવા માટે ઉત્તર તરફ મોકલી શકે છે.
આ પૈકીની કેટલીક બાબતો હજુ રશિયાની પહોંચની બહાર હોય એવું લાગે છે. મારિયુપોલનું રક્ષણ કરી રહેલા યુક્રેનના સૈનિકો રશિયનોને જોરદાર ટક્કર આપી રહ્યા છે.
આ ક્ષેત્રમાં પાછલા ઘણા દિવસોથી ભીષણ લડાઈ ચાલી રહી છે અને રશિયા યુદ્ધ પહેલાનું પોતાનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નથી. રશિયા ક્રાઈમિયાથી ડોનબાસ સુધી લૅન્ડ બ્રિજ બનાવવા ઇચ્છતું હતું અને તેના માટે મારિયુપોલ કબજે કરવું અનિવાર્ય હતું.
જોકે, હવે રશિયા એવા નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે તેણે એક વખતે એક લક્ષ્યાંક હાંસલ કરવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કરવા જોઈએ. તેથી રશિયા હવે તેના હુમલાઓમાં વધારો કરે અને ખાસ કરીને હવાઈ હુમલાઓનું પ્રમાણ વધારે તે શક્ય છે.
પહેલેથી જ શિસ્તબદ્ધ અને ઉત્સાહસભર યુક્રેનના સૈન્યને, રશિયા તરફથી સર્જવામાં આવી રહેલા દબાણનો સામનો કરવા માટે શક્ય હોય એ તમામ પ્રકારની મદદની જરૂર પડશે.
પશ્ચિમના દેશના એક અધિકારીએ કહ્યું હતું કે "પશ્ચિમી દેશો દ્વારા પૂરો પાડવામાં આવી રહેલો શસ્ત્રોનો જથ્થો યુક્રેનના સૈન્ય માટે મદદરૂપ સાબિત થશે એવી મને આશા છે."
રશિયા આગામી દિવસોમાં ડોનબાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે તો તેનો અર્થ એ નહીં હોય કે રશિયાએ તેનો મોટો લક્ષ્યાંક ત્યજી દીધો છે.
અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે "આ આક્રમણની વ્યૂહરચનાનું પુનર્મૂલ્યાંકન હોય એવું અમે માનતા નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો