You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન યુદ્ધ : રાસાયણિક શસ્ત્રો કેવાં હોય છે અને શું રશિયા એનો ઉપયોગ કરશે?
- લેેખક, ફ્રૅન્ક ગાર્ડનર
- પદ, બીબીસી સંવાદદાતા
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને હજુ પણ સ્થિતિ તણાવભરી છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેમણે પશ્ચિમ યુક્રેનમાં ભૂગર્ભ શસ્ત્રાગારને તબાહ કરવા માટે હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં યુક્રેનના ઇવાનો-ફ્રેન્કિવસ્ક ક્ષેત્રમાં આવેલાં હથિયારોનો ભંડાર નાશ પામ્યો છે.
યુક્રેનની સરકારે જણાવ્યા અનુસાર, દેશમાં એવી લૅબોરેટરીઝ છે જેમાં વૈજ્ઞાનિકોએ કાયદેસર રીતે લોકોને કોવિડ-19 જેવી બીમારીઓથી બચાવવાનું કામ કર્યું છે. પરંતુ યુક્રેન સાથે યુદ્ધ થઈ રહ્યું છે એવા સમયે વિશ્વ આરોગ્ય સંગઠને યુક્રેનને કહ્યું કે તે પોતાની લૅબોરેટરીઝમાં રહેલા કોઈ પણ પ્રકારના ખતરનાક પૅથોજેનનો નાશ કરે.
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે રાસાયણિક શસ્ત્રો એટલે શું? અને એ જૈવિક હથિયારો કરતાં કેટલાં જુદાં છે?
રાસાયણિક શસ્ત્રો એટલે શું?
રાસાયણિક હથિયારો એટલે એવાં શસ્ત્રો જેમાં માનવીય શરીર પર હુમલો કરનારાં વિષાક્ત અને રાસાયણિક તત્ત્વો સામેલ હોય છે.
રાસાયણિક શસ્ત્રોની ઘણી શ્રેણી છે. કેટલાંક રાસાયણિક શસ્ત્રો એવાં હોય છે કે જેમાં માણસોનો શ્વાસ રૂંધી નાખનારા રાસાયણિક ગૅસ, જેમ કે ફૉસ્ફીન, હોય છે. એ માણસોનાં ફેફસાં અને શ્વસનતંત્ર પર હુમલો કરે છે, જેનાથી પીડિત વ્યક્તિનું શ્વાસ ન લઈ શકવાના કારણે મૃત્યુ થઈ શકે છે.
કેટલાંક રાસાયણિક શસ્ત્રો જેવાં કે, મસ્ટર્ડ ગૅસ લોકોની ત્વચા (ચામડી) બાળી નાખીને એમને આંધળા કરી દે છે. સૌથી ખતરનાક રાસાયણિક શસ્ત્ર નર્વ એજન્ટ્સ હોય છે જે પીડિત વ્યક્તિના મગજ અને એના શરીર વચ્ચેના સંબંધ અર્થાત્ ચેતાતંત્ર પર હુમલો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રાસાયણિક શસ્ત્રોની ખૂબ ઓછી માત્રા પણ માણસ માટે જીણલેણ સાબિત થઈ શકે છે. નર્વ એજન્ટ વીએક્સની 0.5 મિલીગ્રામ કરતાં પણ ઓછી માત્રા એક વયસ્ક વ્યક્તિને મારી નાખવા માટે પૂરતી છે.
યુદ્ધ દરમિયાન આ બધા તથાકથિત રાસાયણિક એજન્ટ્સ આર્ટિલરી શેલ, બૉમ્બ્સ અને મિસાઇલો દ્વારા ઉપયોગ કરી શકાય છે.
પરંતુ કૅમિકલ વૅપન્સ કન્વેન્શન 1997 હેઠળ એનો પ્રયોગ કરવા પર પ્રતિબંધ છે. રશિયા સહિત દુનિયાના ઘણા દેશોએ આ કન્વેન્શન પર પોતાની સહી કરી છે.
દુનિયાભરમાં આ હથિયારોના ગેરકાયદે ઉપયોગ પર નજર રાખવા અને એના પ્રસારને રોકવાની દિશામાં કામ કરતી સંસ્થા 'ઑર્ગનાઇઝેશન ફૉર ધ પ્રોહિબિશન ઑફ કૅમિકલ વૅપન્સ'ની ઑફિસ નેધરલૅન્ડ્સના હેગ શહેરમાં આવેલી છે.
આ પહેલાં આવાં શસ્ત્રોનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધમાં, એંશીના દાયકામાં થયેલા ઇરાક-ઈરાન યુદ્ધ દરમિયાન અને તાજેતરમાં જ સિરિયાની સરકાર દ્વારા વિદ્રોહીઓ સામે કરવામાં આવ્યો છે.
રશિયાનું કહેવું છે કે એણે વર્ષ 2017માં પોતાની પાસેનાં શેષ રાસાયણિક શસ્ત્રોનો નાશ કરી દીધો છે. પરંતુ ત્યાર બાદ બે વાર એવા રાસાયણિક હુમલા થઈ ચૂક્યા છે જેમાં રશિયા પર આરોપ મુકાયા છે.
જ્યારે લક્ષ્મણરેખા ઓળંગાઈ
એમાં સૌથી પહેલો પ્રસંગ વર્ષ 2018માં જોવા મળ્યો, જ્યારે એક પૂર્વ કેજીબી અધિકારી સર્ગેઈ સ્ક્રીપલ અને એમની પુત્રી પર નર્વ એજન્ટ નોવિચૉક વડે હુમલો કરવામાં આવ્યો.
આ હુમલા અંગે રશિયાએ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. એની સાથે જ રશિયાએ અલગ અલગ રીતે 20 સંભાવનાઓ જણાવી કે એ હુમલો કોણ કરી શકે એમ છે.
પરંતુ તપાસકર્તાઓ એવા તારણ પર આવ્યા કે એ રશિયાની જીઆરયુ મિલિટરી ઇન્ટેલિજન્સના બે અધિકારીઓનું કારસ્તાન હતું, અને એનું પરિણામ એ આવ્યું કે એના લીધે ઘણા દેશોમાં રહેલા 128 રશિયન જાસૂસો અને ડિપ્લોમેટ્સને એમના હોદ્દો પરથી હટાવી દેવાયા.
ત્યાર બાદ વર્ષ 2020માં રશિયાના મુખ્ય વિપક્ષી નેતા એલેક્સી નવેલની પર પણ નોવિચૉક નર્વ એજન્ટથી હુમલો કરાયો, જેમાં તેઓ મરતાં મરતાં બચી ગયા.
આ બધું જોતાં સવાલ એ ઊભો થાય છે કે શું રશિયા યુક્રેન પર રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે?
જો આ યુદ્ધમાં રશિયા વિષાક્ત ગૅસ જેવાં હથિયારોનો ઉપયોગ કરે તો એને લક્ષ્મણરેખા ઓળંગ્યા સમાન ગણવામાં આવશે અને પશ્ચિમી દેશોમાંથી એની સામે પગલાં ભરવાની માગણી કરવામાં આવશે.
એ વાતની કોઈ સાબિતી નથી કે રશિયાએ પોતાના સહયોગી સિરિયાને વિદ્રોહીઓને હરાવવામાં મદદ કરવા માટે આવાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ સિરિયાની બશર અલ-અસદ સરકારને મોટું સૈન્ય સમર્થન આપ્યું હતું, જેણે કથિત રીતે પોતાના જ નાગરિકો પર સંખ્યાબંધ રાસાયણિક હુમલા કર્યા.
અને એક તથ્ય એ છે કે જો તમે એક લાંબા યુદ્ધમાં જોડાયેલા છો, જેમાં હુમલો કરનાર, સામેના પક્ષનું મનોબળ તોડવા માગે છે, એ સંજોગોમાં, દુર્ભાગ્યે, રાસાયણિક શસ્ત્રો ઘણાં જ અસરકારક સાબિત થાય છે. સીરિયાએ અલેપ્પોમાં એ જ કર્યું હતું.
જૈવિક શસ્ત્રો શું છે?
જો જૈવિક શસ્ત્રોની વાત કરીએ તો એ રાસાયણિક શસ્ત્રો કરતાં ઘણાં અલગ હોય છે. જૈવિક હથિયારો કહેવાનો આશય ઇબોલા જેવા ખતરનાક પૅથોજન કે વિષાણુનો શસ્ત્રરૂપે ઉપયોગ કરવા સંબંધે છે.
અહીં સમસ્યા એ છે કે સામાન્ય માણસોને ખતરનાક પૅથોજનથી બચાવવાની દિશામાં કામ કરવામાં અને એમને શસ્ત્રરૂપે તૈયાર કરવામાં સૂક્ષ્મ તફાવત છે.
રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેન સરકાર પર આરોપ મૂક્યા છે, પરંતુ એ આરોપો માટેની સાબિતીઓ નથી આપી.
સોવિયત સંઘના સમયમાં રશિયાએ એક વ્યાપક બાયોલૉજિકલ શસ્ત્ર કાર્યક્રમ અમલમાં મૂકેલો જેને બાયોપ્રિપરેટ નામની એજન્સી ચલાવતી હતી. આ એજન્સીમાં 70 હજાર લોકો કામ કરતા હતા.
શીતયુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે વૈજ્ઞાનિકો આ કાર્યક્રમ પૂરો કરવા ગયા ત્યારે એમને ખબર પડી કે સોવિયત સંઘે એન્થ્રૅક્સ, સ્મૉલ પૉક્સ સહિત અન્ય બીમારીઓના પૅથોજેનને વ્યાપક સ્તરે તૈયાર કર્યા છે.
દક્ષિણ રશિયાના એક ટાપુ પર અસ્તિત્વ ધરાવતાં વાંદરાં પર એ પૅથોજેનનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
એટલું જ નહીં, એ એજન્સીએ એન્થ્રૅક્સના સ્પોર્સને લાંબા અંતરની ઇન્ટર-કૉન્ટિનેન્ટલ મિસાઇલોના વૉરહેડમાં લોડ કર્યા હતા જેનાં ટાર્ગેટ પશ્ચિમી દેશોનાં શહેરો હતાં.
બિન-પારંપરિક શસ્ત્રની યાદીમાં એક ડર્ટી બૉમ્બ પણ છે જે એક સામાન્ય બૉમ્બ જેવો જ હોય છે પરંતુ એની આસપાસ રેડિયોધર્મી તત્ત્વ રહેલાં હોય છે. એને આરડીડી એટલે કે રેડિયોલૉજિકલ ડિસ્પર્સલ ડિવાઇસના નામે ઓળખવામાં આવે છે. એ એક પરંપરાગત બૉમ્બ હોઈ શકે છે જેમાં રેડિયોધર્મી આઇસોટોપ જેવા કેસિયમ 60 અને સ્ટ્રોનટિયમ 90 હોઈ શકે છે.
શરૂઆતમાં આ બૉમ્બના લીધે એટલાં જ મૃત્યુ થાય છે જેટલાં એક સામાન્ય બૉમ્બ દ્વારા થતાં હોય છે. પરંતુ આ બૉમ્બ બ્રિટનના કોઈ ઉપનગર જેટલા મોટા વિસ્તારને અઠવાડિયાં સુધી રહેવાલાયક નહીં રાખે, જ્યાં સુધી એ આખા વિસ્તારને સંસ્કમણથી સંપૂર્ણપણે મુક્ત ન કરી દેવાય ત્યાં સુધી.
ડર્ટી બૉમ્બ એક મનોવૈજ્ઞાનિક હથિયાર જેવો છે જેને એક સમુદાયમાં ગભરાટ ફેલાવવા અને મનોબળ તોડવા માટે બનાવાયો છે. અત્યાર સુધીનાં યુદ્ધમાં આ બૉમ્બનો વધારે ઉપયોગ જોવા નથી મળ્યો.
એનું આંશિક કારણ એ છે કે એ ખતરનાક છે, એનાથી બચવું મુશ્કેલ છે અને એમાં બૉમ્બ ફેંકનારને પણ નુકસાન થવાનું જોખમ રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો