Ranveer Brar : જેના વિના રસોઈ અધૂરી છે એ કોથમીર 'સુપરફૂડ' કેમ કહેવાય છે?

    • લેેખક, ગીતા પાંડેય
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

શૅફ રણવીર બ્રાર કહે છે કે કોરિએન્ડર - જેને ભારતમાં ધાણા કે કોથમીર કહેવાય છે અને યુએસમાં સિલેન્ટ્રો – તે "આપણા રસોડાની સુપરસ્ટાર" છે.

રણવીરે મુંબઈમાં તેમના ઘરેથી ફોન પર કહ્યું, "કોઈ પણ ભારતીય રસોઈ કોથમીર વિના અધૂરી ગણાય છે. કોઈ તેજાનો બહુમુખી પ્રતિભામાં તેની નજીક પણ નથી આવતો."

બોસ્ટનમાં બે રેસ્ટોરાં ચલાવતા આ શૅફ ભારતમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર 1.7 મિલિયન ફોલોઅર્સ અને ફેસબુક પર 3.3 મિલિયન ફોલોઅર્સ સાથે ભારતની સેલિબ્રિટી છે. તેમની યૂટ્યૂબ ચેનલના લગભગ પાંચ મિલિયન સબસ્ક્રાઈબર છે.

તેઓ કહે છે, "કોથમીર એક જડીબુટ્ટી છે, પછી ભલે તેને તમે પ્રેમ કરો કે નફરત કરો - મોટા ભાગના અલબત્ત, તેને પ્રેમ કરે છે. તેમાં તીખાશ અને ફૂલોની નજાકત છે જે તેને અનોખી બનાવે છે. તે લીંબુ, મરી અને સેલરી (કચૂંબરની વનસ્પતિ)નું ખૂબ જ રસપ્રદ અને જટિલ મિશ્રણ છે."

રણવીર બ્રાર તેમના "ઘરે પણ રસોઈમાં કોથમીરનો" ભરપૂર ઉપયોગ કરે છે અને તેઓ કહે છે કે તેનો ઉપયોગ રસોઈમાં શરુઆતમાં જ સાંતળીને કે છેલ્લે ઉપરથી ભભરાવીને એમ કયા તબક્કે કરવામાં આવે છે તેના આધારે રસોઈનો સ્વાદ એકદમ બદલાઈ શકે છે.

પરંતુ તેઓ ઉમેરે છે કે કોથમીરને ખરેખર ખાસ બનાવે છે તે એ છે કે તે "મૂળથી ફળ" સુધી ઉપયોગમાં લેવાતો છોડ છે.

કોથમીર પર સોશિયલ મીડિયામાં ચર્ચા

"કોથમીરના દરેક ભાગનો ઉપયોગ આપણી રસોઈમાં થાય છે. પાંદડાંનો ઉપયોગ કઢી અને દાળની સજાવટ માટે કરવામાં આવે છે, તેને બ્રેડ અને માંસની ડીશમાં ઉમેરવામાં આવે છે, તેની દાંડી અને મૂળનો ઉપયોગ સૂપ અને સ્ટ્યૂ (રસાવાળી ડીશ)માં થાય છે અને તેનાં ફળ અને બીજ એટલે કે ધાણાનો ઉપયોગ મસાલા તરીકે પ્રચલિત છે."

શૅફ રણવીર બ્રારે થોડા મહિનાઓ પહેલાં તેમની રમતિયાળ શૈલીમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને એલાન કર્યું હતું કે ચાલો તેને રાષ્ટ્રીય તેજાના તરીકે જાહેર કરવા માટે એક પિટિશન શરૂ કરીએ.

સૌપ્રથમ સૂચન કર્યું હતું કે "નમ્ર ધાણાને તેના યોગ્ય સન્માનથી નવાજો".

તેઓ કહે છે, "મારી પોતાની રીતે હું રાષ્ટ્રીય ઔષધિ માટે મારો વિચાર રજૂ કરવા માગતો હતો."

આ પોસ્ટે "ઘણી રસપ્રદ ચર્ચા" જગાવી છે, જેમાં ઘણાએ પૂછ્યું કે તેમણે પિટિશનમાં ક્યાં સહી કરવાની છે, જેને પગલે રણવીરે change.org પર એક પિટિશન શરૂ કરી.

તેમણે લખ્યું, "જો તમે આજે કોઈ રસોઈ બનાવી હશે તો શક્યતા છે કે તમે તેમાં કોથમીરનો ઉપયોગ કર્યો હશે, તેને કાપી રસોઈમાં નાખી હશે અથવા તેનાં ચમકદાર લીલાં પાંદડાંઓનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો હશે."

તેમણે ઉમેર્યું, "આ જડીબુટ્ટી સ્વાદથી ભરપૂર છે. તે તમારી કોઈ પણ ડીશમાં મસાલા તરીકે કામ આવે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, દરેક ભારતીય લગભગ તમામ ડીશમાં કોથમીરને પસંદ કરે છે."

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયને સંબોધવામાં આવેલી પિટિશન પર 5,500થી વધુ સહીઓ થઈ ચૂકી છે.

એક હસ્તાક્ષરકર્તાએ લખ્યું, "ધાણા વિનાનું ભોજન મુગટ વિનાની રાજકુમારી જેવું છે."

બીજાએ લખ્યું, "તે એટલા માટે છે કે દરેક ખોરાક ધાણા વિના અધૂરો છે."

ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ લખ્યું કે જ્યારે તેમના રસોડામાં કોથમીર ખાલી થઈ જાય છે ત્યારે તે "ગભરાઈ જાય છે", આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ઘણાએ સમર્થન આપ્યું હતું.

કોથમીરનો ઇતિહાસ શું છે અને તે કેટલી ઉપયોગી છે?

ફૂડ સાયન્સ ઍન્ડ ન્યુટ્રિશનના જ્ઞાનકોશ મુજબ, કોથમીર ઈસવીસન પૂર્વ 5000 વર્ષથી પ્રચલિત છે અને બાઇબલમાં પણ તેનો ઉલ્લેખ છે.

રોમન અને ગ્રીક લોકો દ્વારા તેનો ઉપયોગ પાચન, શ્વસન અને પેશાબની પ્રણાલીના વિકારોની સારવાર માટે કરવામાં આવતો હતો અને ચાઇનીઝ, ભારતીયો અને યુરોપિયનો બધા હજારો વર્ષોથી તેની ખેતી કરે છે.

આજે તે સમગ્ર યુરોપ, ભૂમધ્ય સમુદ્ર, ઉત્તર આફ્રિકા, અમેરિકા, ચીન અને બાંગ્લાદેશમાં ઉગાડવામાં આવે છે અને તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.

પાક વૈજ્ઞાનિક અને ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વનસ્પતિ વિજ્ઞાન વિભાગના વડા ડૉ. ભોપાલસિંહ તોમર કહે છે કે કોથમીર સમગ્ર દેશમાં અને આખું વર્ષ ઉગાડવામાં આવે છે.

તેમણે કહ્યું, "ચાળીસ વર્ષ પહેલાં તે ભારતમાં મોસમી પાક હતો અને તે ફક્ત શિયાળામાં જ ઉપલબ્ધ હતો અને મોટા ભાગે શહેરોમાં વેચાતો હતો. પરંતુ આજે આયાતી બીજમાંથી આખું વર્ષ કોથમીર ઉગાડવામાં આવે છે અને લાખો ભારતીયો તેને પોતાના કિચન ગાર્ડનમાં ઉગાડે છે."

સ્વાદ અને સુગંધ માટે તેના ઉપયોગ ઉપરાંત, જડીબુટ્ટીની વધતી જતી લોકપ્રિયતા પાછળનું બીજું કારણ તેના સ્વાસ્થ્ય લાભો છે.

વર્ષો પહેલાં દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં કામ કરતી વખતે મેં એક ગાયનેકોલૉજિસ્ટને સૌથી ગરીબ પરિવારોની સગર્ભા સ્ત્રીઓને તેમના રોજિંદા ખોરાકમાં "સસ્તામાં મળતી કોથમીર"નો સમાવેશ કરવાની સલાહ આપતા સાંભળ્યા હતા, કારણ કે તે ગર્ભના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે.

સંશોધન એ પણ દર્શાવે છે કે છોડના બીજમાં દાહવિરોધી ગુણધર્મો હોય છે અને તે સંધિવાથી પીડિત લોકોને મદદ કરી શકે છે.

શૅફ રણવીર બ્રાર પણ તેમની પિટિશનમાં કોથમીરને "સુપરફૂડ" તરીકે વર્ણવે છે. તેઓ વિશેષ ભાર સાથે જણાવે છે કે તે "ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે."

વધુમાં તેઓ લખે છે, "ભારતમાં 8 કરોડ ડાયાબિટીસ પીડિતો છે અને અહીં દર વર્ષે 1.7 કરોડથી વધુ લોકો કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીથી મૃત્યુ પામે છે ત્યારે કોથમીર "એવી જડીબુટ્ટી જે દરેક ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને સાથે આપણા હૃદયમાં આનંદ પ્રસરાવે છે. ત્યારે કોથમીરને યોગ્ય ગૌરવ મળવું જોઈએ જેને તે ખરેખર લાયક છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો